મહેશ-નરેશ જોડી : દાયકા સુધી જ્યારે નરેશકુમારને મુખ્ય ભૂમિકા ન મળી અને પછી ટિકિટબારી બની ટંકશાળ

    • લેેખક, કાર્તિકેય ભટ્ટ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ગુજરાતી ફિલ્મજગતની અત્યંત પ્રખ્યાત જોડી એટલે મહેશ-નરેશ.. 1937માં જન્મેલા મહેશ અને 1943માં જન્મેલા નરેશને અથાક સંઘર્ષ પછી મુંબઈના ફિલ્મઉદ્યોગમાં, ગુજરાતી ફિલ્મોના નિર્માતાઓએ 1968માં ઓળખાણ આપી, સ્વીકૃતિ આપી.

અભિનેતા તરીકે નરેશ કનોડિયાની 'વેલીને આવ્યાં ફૂલ' ફિલ્મથી રૂપેરી પડદો મળ્યો. 1970માં 'જીગર અને અમી' તથા 1975માં 'તાનારીરી' ફિલ્મોમાં મહેશકુમારને સંગીતકાર તરીકે કામ મળ્યું.

1968-69માં કામ મળવા છતાં નરેશ કનોડિયાએ મુખ્ય કલાકાર તરીકે ફિલ્મી પડદે ચમકવા આઠ વર્ષ રાહ જોવી પડી અને મુખ્ય નાયક તરીકે કામ મળ્યું તો પણ પોતાના જ હોમ પ્રોડક્શનમાં.

એક દાયકા સુધી મુખ્ય ભૂમિકા નહીં

મહેશકુમાર ઍન્ડ પાર્ટીએ 1977માં 'વણઝારી વાવ' 1978માં 'તમે રે ચંપોને અમે કેળ'નું નિર્માણ કર્યું. નરેશ કનોડિયાને મુખ્ય ભૂમિકા મળી. મહેશ-નરેશનું સંગીત અને ફિલ્મ બન્ને સુપરહિટ થયાં.

ગુજરાતી ફિલ્મ પડદે પ્રથમ વખત પ્રેતકથા, હોરર દૃશ્યો રજૂ થયાં. રમેશ મહેતાએ સંવેદનશીલ ભૂમિકા ભજવી. સ્નેહલતા, રાગિણી સાથે હતાં.

1977માં 'વણઝારી વાવ' આવી. તે પણ મહેશકુમાર ઍન્ડ પાર્ટી દ્વારા નિર્મિત હતી. એમ કહો કે 1969થી 1980 સુધી અભિનેતા નરેશકુમારને બહારના કોઈ બેનરમાં મુખ્ય ભૂમિકા મળી જ નહીં.

મહેશકુમાર ઍન્ડ પાર્ટીના સ્ટેજ શો થકી કમાયેલી આવકમાંથી ભાઈ મહેશે જ નરેશને પડદા પર ચમકાવ્યો. બીજી ફિલ્મ પણ સુપરહિટ સાબિત થઈ. હવે સફળતા ખાસ કરીને બોક્સ ઑફિસના પરિબળો આ બન્ને ભાઈને મજબૂત રીતે ટેકો કરતા હતા.

સામાજિક કથાનકની ફિલ્મોનો યુગ

1960માં અલગ ગુજરાત રાજ્યની સ્થાપના પછી નાના-નાના ગામડાઓ શહેરો સાથે જોડાવા લાગ્યાં. સડક સાથે વીજળી ઘરે-ઘરે પહોંચવા લાગી અને સિનેમાઘર મોટાં શહેરોથી આગળ નાનાં નગરોમાં સ્થપાવા લાગ્યાં.

1932થી શરૂ થયેલા ગુજરાતી ફિલ્મઉદ્યોગને 1961થી સામાજિક કથાનકવાળી ફિલ્મો મળવા લાગી હતી.

'મહેંદી રંગ લાગ્યો,' 'રમત રમાડે રામ,' 'અખંડ સૌભાગ્યવતી'... ગુજરાતી ફિલ્મોનું પ્રોડક્શન મુંબઈમાં થતું. શહેરી કથાનકો અને સ્ટુડિયોબેઝ શૂટિંગથી ગુજરાતી ફિલ્મો હિન્દી ફિલ્મો જેવી જ બને. માત્ર ભાષા ગુજરાતી.

1968થી ફિલ્મો રંગીન બનવા લાગી. 1971માં જેસલ-તોરલની સફળતાએ શહેરી સામાજિક કથાનકોમાંથી ફિલ્મોને લોકકથા તરફ વાળી. મુખ્ય કલાકારો હતા- ઉપેન્દ્ર ત્રિવેદી, અરવિંદ ત્રિવેદી, રમેશ મહેતા.

ગુજરાતી સિનેમાના લોકનાયક

ગુજરાતી ફિલ્મોમાં લોકકથાઓ, લોકગીતો શરૂ થયાં, પણ લોકનાયકો બાકી હતા. અત્યારની ગુજરાતી રંગભૂમિના શહેરના જાણીતા કલાકારો ફિલ્મી પડદે આવતા મહેશ-નરેશની એન્ટ્રી સાથે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં લોકનાયકો પ્રવેશ્યા.

નરેશ કનોડિયા ગરીબ, નબળા સામાજિક વર્ગમાંથી આવતા નાયકના પ્રતિનિધિ હતા. ગુજરાતના, ખાસ તો ઉત્તર ગુજરાતના ગામડાના ગરીબ, મજૂર, સામાન્યજનને આ નાયક પોતાનો લાગ્યો.

દરેક પ્રજા પોતાનો હીરો જાતે જ શોધી લે છે. વળી અત્યાર સુધી ગુજરાતી ફિલ્મોમાં પણ સૌરાષ્ટ્રની લોકકથાઓ, સૌરાષ્ટ્રનાં લોકગીતો, સૌરાષ્ટ્રના લોકનાયકો છવાયેલા રહ્યા હતા. નરેશ કનોડિયાના આવવાથી ઉત્તર ગુજરાતનું પ્રતિનિધિત્વ વધ્યું અને લોકકથાઓ સાર્વજનિક બની.

બોક્સ ઑફિસ બની ટંકશાળ

નરેશ કનોડિયાની ફિલ્મો હતી. ગ્રામ્ય ગુજરાતની, પણ હવે તે પ્રદેશવિશેષ, વ્યક્તિવિશેષની ન હતી અને હતી તો ઉત્તર ગુજરાતના લહેકા સાથે ઉત્તર ગુજરાતની કથા સાથે હતી. પરિણામે ગુજરાતી સિનેમાની આર્થિક ટેરેટરીમાં ઉત્તર ગુજરાતના પટ્ટામાં નરેશ કનોડિયાની ફિલ્મોએ ટંકશાળ પાડી.

ઉપરાઉપર સિલ્વર જ્યુબિલી ફિલ્મો આ જોડીએ આપી. એ સમયે આવા 100 કરોડ ક્લબનાં લેબલ નો'તા લાગતા. ગ્રામીણ ક્ષેત્રોમાં સિનેમાની આવકની હિસાબો પણ થતા ન હતા.

ખબર એટલી પડતી કે નાના સેન્ટરમાં 400થી 500 બેઠકોના અને શહેરોમાં 800થી 1000 બેઠકોના સિનેમાઘરોમાં અઠવાડિયાના ચોવીસેચોવીસ શો હાઉસફૂલ રહેતા હતા.

માત્ર બે રૂપિયા ટિકિટનો દર હતો ત્યારે ફિલ્મો 50 લાખની કમાણી કરતી હતી. 8-10 લાખ રૂપિયાના ખર્ચે બનેલી ફિલ્મ જ્યારે 30-40 લાખ રૂપિયા કમાઈ આપે ત્યારે માત્ર એટલું જ જોવાય છે કે હીરો કોણ છે? નરેશ કનોડિયા!

લોકોનો રસ ઘટ્યો પણ નરેશ કનોડિયા હિટ

1971થી શરૂ થયેલા ગુજરાતી ફિલ્મોના સુવર્ણયુગમાં આમ તો નફાકારકતા 1976 પછી ઘટવા લાગી હતી. ફિલ્મોના નિર્માણની સંખ્યા વધી હતી. નિર્માણ ખર્ચ વધ્યો હતો. સામે નફો કરતી ફિલ્મોની સંખ્યા ઘટી હતી.

1980 પછી શહેરી ઉચ્ચ મધ્યમ વર્ગે ગુજરાતી ફિલ્મો જોવાનું લગભગ બંધ કરી દીધું હતું. 1985થી 1995ના ગાળામાં હિટ થયેલી 90 ટકા ફિલ્મો માત્ર નરેશ કનોડિયાની છે.

સંગીતના ચાહકોએ યાદ રાખવા અને અભ્યાસ કરવા જેવી વાત એ છે કે મહેશ-નરેશના સંગીત નિર્દેશનમાં બનેલી તમામ ફિલ્મોમાં જાણીતું લોકગીત એકાદું જ હોય કે લોકઢાળ એકાદ ગીતમાં જ હોય.

તેમણે તમામ ગીતની ધૂનો તદ્દન નવી, મેલોડિયસ અને અલગ જ બનાવી છે. તમે 'જીગર અને અમી'નાં ગીત જુઓ કે 'જોગ-સંજોગ'નાં ડિસ્કો ગીત કે પછી 'મેરૂ-માલણ'નાં લોકપ્રિય ચિરંજીવ ગીત.

ફિલ્મ 'તાનારીરી' માટે મહેશકુમાર જુદાજુદા ગુરૂ પાસે જઈને શાસ્ત્રીય રાગ શીખ્યા હતા અને તેમણે શાસ્ત્રીય ગીતો સ્વરબદ્ધ કર્યા હતાં.

આંતર સંબંધોનો ઊંડો અભ્યાસ જરૂરી

યુનેસ્કોએ સાંસ્કૃતિક પ્રતિનિધિત્વ માટે ઍવોર્ડ આપીને આ બેલડીનું સન્માન કર્યું છે, પણ ભારત સરકાર અને રાજ્ય સરકાર કોઈ અગમ્ય કારણોસર આ પ્રતિભાને સરકારી સન્માન નથી આપી શકી. એ સંસદસભ્ય અને વિધાનસભ્ય રહેવા છતાં.

જોકે, પીપળો ભીંત ફાડીને નીકળે છે. રેતમાં પડેલું રતન પણ મૂલ્યવાન જ રહે છે.

આ બન્ને ભાઈઓની સફળતા, ખાસ તો મનોરંજન ક્ષેત્રની સફળતા, આંતર સંબંધોનો ઊંડો અભ્યાસ માગે છે. દંતકથા જેવું જીવન જીવનાર આ હકીકતનું નામ છે મહેશ-નરેશ.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો