ઇન્દુચાચા : મહાગુજરાત ચળવળના પ્રણેતા અને ગુજરાતમાં કૉંગ્રેસવિરોધી રાજકારણનો પાયો નાખનારા ઝોળાધારી ‘ફકીર’

    • લેેખક, ઉર્વીશ કોઠારી
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ગુજરાતીઓ વિશેની માન્યતાનાં અનેક ચોકઠાં તોડીને, વિવિધ ક્ષેત્રોમાં માતબર પ્રદાન કરનારા ગુજરાતીઓને યાદ કરવાનો અને ગુજરાતની અસ્મિતાની અસલી ઓળખ અંકે કરવાનો ઉત્સવ એટલે આ શ્રેણી.

ઇન્દુલાલ યાજ્ઞિકનું જીવન નાટકીય વળાંકો ધરાવતી મહાનવલ જેવો પટ ધરાવે છે. તેમણે પત્રકારત્વ, સાહિત્ય, ફિલ્મ, રાજકારણ, લોકસેવા, જાહેર જીવન—એવાં અનેક ક્ષેત્રોમાં કામ કર્યું. અલગ ગુજરાતની સ્થાપના માટેના મહાગુજરાત આંદોલનની નેતાગીરી લીધા પછી, એ જ તેમની મુખ્ય ઓળખ બની અને તે ‘ઇન્દુચાચા’નું લાડીલું નામ પામ્યા.

આરંભિક અથડામણો

ગોવર્ધનરામ ત્રિપાઠી સહિતના અનેક પંડિતોને કારણે ‘સાક્ષરભૂમિ’ તરીકે ઓળખાતા નડિયાદમાં ઇન્દુલાલનો જન્મ થયો. તેમના સમયના નડિયાદ અને ગુજરાતના જીવનનું રસાળ ચિત્ર ઇન્દુલાલની છ ભાગમાં પ્રગટ થયેલી ‘આત્મકથા’માંથી મળે છે. તેમાંથી ઊપસતું ઇન્દુલાલનું ચિત્ર વિચારને બદલે લાગણીથી દોરવાઈને નિર્ણયો લેનારા ભાવનાશાળી, આવેગમય અને કોઈનાં દુઃખદર્દથી દાઝનારા જણનું છે.

મુંબઈમાંથી બી.એ. અને એલએલ.બી.નો અભ્યાસ પૂરો કર્યા પછી ઇન્દુલાલે વિજ્ઞાનમાં અનુસ્નાતકનો અભ્યાસ અધૂરો છોડ્યો અને નોકરીની તલાશ આદરી. સૌથી પહેલા તેમને ‘મુંબઈ સમાચાર’ અખબારમાં વીસ રૂપિયાના માસિક પગારે અનુવાદ કરવાનું અને અહેવાલો લખવાનું કામ મળ્યું. ત્યારે પહેલાંથી તેમનું વૈચારિક ઘડતર શરૂ થઈ ચૂક્યું હતું. ‘સમાલોચક’ જેવા પ્રતિષ્ઠિત સામયિકમાં તેમના કેટલાક લેખ છપાયા હતા. કૉલેજમાં શંકરલાલ બૅન્કર જેવા ઉદ્દામવાદી યુવાન સાથે તેમને પાકી દોસ્તી થઈ હતી. પરિણામે ક્રમે ક્રમે તે નાસ્તિકતા અને રૂઢિ તોડવા તરફ વળ્યા. અલબત્ત, વડીલોની પસંદગી પ્રમાણે લગ્ન કરવાનું આવ્યું ત્યારે થોડા ધમપછાડા પછી, ન છૂટકે તેમણે લગ્ન કરી લીધું. તેનો અંત દુઃખદ જ રહ્યો. તેમની કુટુંબજીવનની અધૂરપ જીવનભર અનેક કુટુંબો સાથેના સ્નેહસંબંધો થકી થોડે અંશે પુરાતી રહી.

મુંબઈમાં તેમને કનૈયાલાલ મુનશી, બી.જી. ખેર જેવા (આગળ જતાં મહત્ત્વના હોદ્દે બિરાજનારા) ઘણા પ્રતિભાશાળી માણસોનો પરિચય થયો, પણ રૂપિયા અને મિલકતનું મહત્ત્વ તેમના મનમાં વસ્યું નહીં. રૂઢિ તોડવાના-સમાજસુધારાના રસ્તે ચાલ્યા ત્યારે જનસામાન્યના હિતમાં ત્યાગનો રસ્તો અપનાવ્યો. એટલે વકીલાતમાં પણ તેમનું મન ચોંટ્યું નહીં.

ગાંધીજીનું આગમન અને ‘નવજીવન’-‘યંગ ઇન્ડિયા’

ગાંધીજી 1915માં દક્ષિણ આફ્રિકાથી પાછા આવ્યા અને મુંબઈ ઊતર્યા ત્યારે શરૂઆતમાં ઇન્દુલાલ તેમની સીધીસાદી, જુસ્સા વગરની શૈલીથી હતાશ થયા, પણ થોડા સમયમાં ગાંધીજીનાં ત્યાગ અને તપે તેમને પ્રભાવિત કર્યા. ઇન્દુલાલે અને કનૈયાલાલ મુનશીએ સાથે મળીને, શંકરલાલ બૅન્કર અને રણજિતરામ મહેતા જેવા સ્નેહી સમર્થકોના ટેકે ‘મૉડર્ન રિવ્યૂ’ જેવું એક સામયિક ગુજરાતીમાં કાઢવાનું નક્કી કર્યું.

મિત્રમંડળીએ ઇટાલીના કવિ દાન્તેની કવિતાના શીર્ષક ‘La vita nuova’ (The New Life) પરથી ગુજરાતીમાં પ્રગટ થનારા સામયિકનું નામ પાડ્યું ‘નવજીવન’. તેની સાથે ‘સત્ય’ નામનું બીજું ખોટ કરતું માસિક ખરીદીને જોડી લેવામાં આવ્યું. એ રીતે ઇન્દુલાલના તંત્રીપણા હેઠળ ‘નવજીવન અને સત્ય’ સામયિક 1915થી શરૂ થયું.

આ સમયગાળો ગાંધીજીના ભારતભ્રમણનો હતો. રાજકીય તખ્તા પર તેમનો ઉદય થયો ન હતો. ત્યારે ઇન્દુલાલ ‘સર્વન્ટ્સ સોસાયટી ઑફ ઇન્ડિયા’ (હિંદ સેવક સમાજ)ના સભ્ય બન્યા અને મુંબઈમાં તેના મકાનમાં રહેવા ગયા. પહેલા વિશ્વયુદ્ધ વખતે મેસોપોટેમિયા (હાલ ઇરાક)ના મોરચે લડતા ભારતીય સૈનિકોની ખરાબ દશાની તપાસ માટે સરકારે ચાર અંગ્રેજ અને ચાર ભારતીય તંત્રીઓનું મંડળ મોકલ્યું. જોખમભરેલી એ કામગીરીમાં ઇન્દુલાલ હોંશે હોંશે સામેલ થયા. તેમની ગેરહાજરીમાં ‘નવજીવન’નું તંત્રીપદું રણજિતરામ મહેતાએ સંભાળ્યું.

ઍની બેસન્ટ અને તેમની હોમ રુલ ચળવળનો ચઢતો સિતારો હતો, ત્યારે જમનાદાસ દ્વારકાદાસ, ઇન્દુલાલ અને શંકરલાલની મિત્રમંડળીએ તે ચળવળના પ્રચાર માટે નવું અંગ્રેજી સામયિક ‘યંગ ઇન્ડિયા’ શરૂ કર્યું. થોડા સમય પછી હિંદ સેવક સમાજ અને ગાંધીજીના આંદોલન બંનેમાંથી એકની પસંદગી કરવાની આવી ત્યારે, લગ્ન વખતે થઈ હતી એવી જ, સતત પલટાતા ફેંસલાની અવઢવ વેઠીને, અંતે તે ગાંધીજી સાથે જોડાયા. તેમની પ્રવૃત્તિઓના પ્રચારપ્રસાર ખાતર તેમણે અને તેમની મિત્રમંડળીએ ‘નવજીવન’ અને ‘યંગ ઇન્ડિયા’નો હવાલો ગાંધીજીને સોંપી દીધો. ગાંધીજીએ તે સામયિકોને નવેસરથી-નવા અવતારે અમદાવાદથી શરૂ કર્યાં.

ગાંધીજી-સરદાર સાથે મતભેદ અને ફિલ્મી કારકિર્દી

ખેડા સત્યાગ્રહથી ઇન્દુલાલ ગાંધીજી સાથે સક્રિયપણે જોડાયા. અંગ્રેજી શિક્ષણનો બહિષ્કાર કરીને રાષ્ટ્રીય વિદ્યાપીઠ સ્થાપવાના ગાંધીજીના નિર્ણયમાં ઇન્દુલાલ પહેલેથી સામેલ હતા. દુષ્કાળ રાહતની કામગીરી દરમિયાન તે વલ્લભભાઈ પટેલ સાથે તેમના અમદાવાદના ઘરે રહ્યા. આ બધી નિકટતા છતાં ભાવનાશાળી પ્રકૃતિને લીધે ઇન્દુલાલને ગાંધીજી અને વલ્લભભાઈ બંને સાથે વખતોવખત મતભેદ થતા રહ્યા. એ તેમનાથી દૂર-નજીક થતા રહ્યા અને ગાંધીજી-સરદાર પણ ઇન્દુલાલની પ્રકૃતિ સમજીને, તેમની ભાવનાની કદર કરતાં તેમને અપનાવતા રહ્યા.

રાષ્ટ્રીય પ્રવૃત્તિઓ અને સાહિત્યના પ્રસાર માટે તેમણે 1922માં અમદાવાદથી ‘યુગધર્મ’ માસિક અને પ્રકાશન શરૂ કર્યું. સાથોસાથ, રાષ્ટ્રીય ચળવળના સંબંધે જેલવાસ પણ વેઠ્યો. યરવડા જેલમાં તેમને ગાંધીજીનો સંગ મળ્યો અને ગાંધીજીએ તેમને દક્ષિણ આફ્રિકાના તેમના સમયગાળા વિશે લખાવવાનું શરૂ કર્યું. પરંતુ વિચારોના દ્વંદ્વમાં ઇન્દુલાલ વધુ એક વાર ગાંધીજીથી વિમુખ થયા, રાષ્ટ્રીય પ્રવૃત્તિ પણ છોડી અને બેકારી-આર્થિક ભીંસ દૂર કરવા મુંબઈનો રસ્તો લીધો. હોટેલમાં રહ્યા. સિગારેટ અને બીયર પીવાનું શરૂ કર્યું અને સામ્યવાદી વલણ ધરાવતા રણછોડલાલ લોટવાલાના ‘હિંદુસ્તાન’ દૈનિકના તંત્રી બન્યા. ગાંધીવાદની આકરી ટીકા કરવા લાગ્યા. બારડોલી સત્યાગ્રહને તેમણે જમીનદારોના હિતમાં ગણાવીને, સમાજવાદી-સામ્યવાદી દૃષ્ટિકોણથી તેની કડક ટીકા કરી.

‘હિંદુસ્તાન’ના તંત્રી તરીકે મૂંગી ફિલ્મ ‘લાઇટ ઑફ એશિયા’ ફિલ્મ જોવા ગયા. ત્યાં તેના ટાઇટલના ગુજરાતી અનુવાદનું કામ કરી આપવાનું સ્વીકાર્યું. એમ કરતાં જુદા જુદા સ્ટુડિયોના પરિચયમાં આવ્યા. ત્યાર પછી તેમણે અખબારો-સામયિકોમાં ફિલ્મવિષયક લેખન ચાલુ કર્યું, મૂક ફિલ્મો માટે કથાઓ લખી અને કેટલીક ફિલ્મો ઉતારવામાં પણ સક્રિય રસ લીધો. તે દરમિયાન, ઇન્દુલાલના જ શબ્દોમાં, તે ‘કૉંગ્રેસની, કામદારોની અને ક્રાંતિની દુનિયાથી’ વિરક્ત થઈ ગયા હતા.

વિદેશનિવાસ અને સ્વદેશાગમન

ફિલ્મી દુનિયામાં મહાલી લીધા પછી અને છેવટે પોતાની કંપની ખોલીને ખોટ ખાધા પછી, ફરી તે રાષ્ટ્રીય પ્રવૃત્તિ તરફ વળ્યા અને એક મિત્રની સહાયથી તેના પ્રચારપ્રસાર માટે બ્રિટન અને જર્મની ઊપડ્યા. બીજી ગોળમેજી પરિષદ માટે ગાંધીજી લંડન ગયા ત્યારે ઇન્દુલાલ ત્યાં જ હતા અને એકાદ વર્ષના લાંબા નિવાસ દરમિયાન ત્રણ ગુજરાતી નાટકો લખી ચૂક્યા હતા, જે ઘરઆંગણે ‘હિંદુસ્તાન પ્રજામિત્ર’માં છપાયાં. વિઠ્ઠલભાઈ પટેલનાં સૂચન અને ભલામણથી તેમણે આયર્લૅન્ડની મુક્તિચળવળના નેતા દ વેલેરા સાથે કામ કર્યું અને તે ચળવળ વિશે પુસ્તક લખ્યું. શ્યામજી કૃષ્ણવર્માનું ચરિત્ર પણ તેમણે એ અરસામાં લખ્યું.

પાંચ વર્ષ વિદેશ રહ્યા પછી પાછા આવીને ઇન્દુલાલે ઉત્સાહપૂર્વક કિસાનપ્રવૃત્તિ આરંભી, બીજા પ્રાંતોની જેમ ગુજરાતમાં પણ કિસાનસભા રચાઈ અને ઇન્દુલાલની આગેવાની હેઠળ, સમાજવાદી વિચારધારા અંતર્ગત કિસાન-કામદાર કામગીરી શરૂ થઈ. દરમિયાન બીજું વિશ્વયુદ્ધ શરૂ થતાં તેમને જાહેર શાંતિનો ભંગ થાય એવી પ્રવૃત્તિથી રોકવા માટે જેલમાં પૂરવામાં આવ્યા. જેલમાંથી બહાર આવ્યા પછી ગુજરાતના જુદા જુદા પછાત વિસ્તારોમાં આશ્રમો અને શાળાઓ ખોલવામાં તે જોતરાયા. 1942ની ‘હિંદ છોડો’ ચળવળ વખતે સામ્યવાદીઓના ગાંધીવિરોધી વલણ સહિત બીજાં વૈચારિક કારણોથી ઇન્દુલાલે સામ્યવાદ અને કિસાનસભા છોડ્યાં. છેવટે, મહેમદાવાદ પાસે વાત્રક નદીના કાંઠે તેમણે આશ્રમ અને વાત્રક વિદ્યાલય સ્થાપ્યાં. તેમનું નવું ઠેકાણું નેનપુર ગામ બન્યું.

નેનપુર ગામે નિવાસ, ગામડાંમાં ફરવાનું અને કિસાનોની પ્રવૃત્તિ-એ ઇન્દુલાલના જીવનની નવી ધરી બન્યાં. 15 ઑગસ્ટ, 1947ની ઉજવણી તેમણે નેનપુર આશ્રમે ધ્વજ ફરકાવીને કરી. દરમિયાન, અમદાવાદમાં વ્યવસ્થાઓ ગોઠવીને આઝાદીના બીજા દિવસથી તેમનું નવું અઠવાડિક ‘ગ્રામવિકાસ’ શરૂ કર્યું. આઝાદી પછીના સમયગાળામાં તેમણે ઑસ્ટ્રિયા, રશિયા અને ચીનની મુલાકાત લીધી. વૈશ્વિક કિસાન પ્રવૃત્તિ પણ નજીકથી જોઈ.

મહાગુજરાત ચળવળ અને ફકીરીનો દબદબો

1956માં સંયુક્ત મુંબઈ રાજ્યમાંથી અલગ ગુજરાતની સ્થાપનાના મુદ્દે આંદોલન શરૂ થયું. તે માગણી કરનારા વિદ્યાર્થીઓ પર ગોળીબારના સમાચાર બીજા દિવસે છાપામાં વાંચીને ઇન્દુલાલ અમદાવાદ ઊપડ્યા અને આંદોલનની નેતાગીરી સંભાળી લીધી. જાણે ઇન્દુલાલનો નવો અવતાર શરૂ થયો. જબ્બર લોકપ્રિયતા ધરાવતા વડા પ્રધાન જવાહરલાલ નહેરુની અમદાવાદમાં સભા હતી, ત્યારે ઇન્દુલાલે તેમની સમાંતરે સભા યોજીને લોકલાગણીનો અને સચોટ આયોજનનો પરચો આપ્યો. આ આંદોલને જ તેમને ‘ઇન્દુચાચા’ બનાવ્યા. પરંતુ રાજકારણમાં થાય છે તેમ, ગાંધી આશ્રમમાં થયેલા ગુજરાત રાજ્યના ઉદ્‌ઘાટન સમારંભની તસવીરોમાં મંચ પર ઇન્દુલાલ જોવા મળતા નથી.

આંદોલન દરમિયાન તેમણે ‘જનતા પરિષદ’ નામે રાજકીય પક્ષ સ્થાપ્યો. પરિષદે લોકસભાની બીજી ચૂંટણીમાં ગુજરાતમાંથી પાંચ બેઠકો અને વિધાનસભાની ચૂંટણીમાં 30 બેઠકો પર જીત મેળવીને આઝાદીના માંડ એક દાયકામાં ગુજરાતમાં કૉંગ્રેસવિરોધી રાજકારણનો પાયો નાખ્યો. તેમની લોકપ્રિયતા એવી હતી કે 1957થી સતત ચાર મુદત સુધી ઇન્દુલાલ મજબૂત હરીફોને હરાવીને, બિનકૉંગ્રેસી સાંસદ તરીકે ચૂંટાતા રહ્યા. પરંતુ તેમની જીવનશૈલીમાં કશો ફરક ન આવ્યો. સત્તાની લાલસા કે સાંસદ હોવાના ભારથી તે મુક્ત રહ્યા. ખાવા માટે ખિસ્સામાં ચણા રાખતા આ ફકીર નેતાએ ગુજરાતના લોકમાનસ પર રાજ કર્યું. ટૂંકી બીમારી પછી 1972માં તેમનું અવસાન થયું ત્યારે લોકસભાના સભ્ય તરીકેની તેમની મુદત ચાલુ હતી.

ઝોળાધારી ઇન્દુલાલ યાજ્ઞિકની અમદાવાદના લાલ દરવાજાના એક બાગમાં મુકાયેલી પ્રતિમા વર્ષો સુધી વિરોધ પ્રદર્શન માટેનું ઠેકાણું બની રહી. પરંતુ ધીમે ધીમે ગુજરાતની અસ્મિતાનાં રાજકીય ગાણાં વચ્ચે તેમની સ્મૃતિ ભૂંસાતી ગઈ. ગુજરાતના જાહેર જીવનના અત્યંત મહત્ત્વના દસ્તાવેજ જેવી તેમની (1958 સુધીની) આત્મકથા અપ્રાપ્ય બની. છેવટે ઇન્દુલાલ સાથે રહી કામ કરી ચૂકેલા ગુજરાતના અગ્રણી નેતા સનત મહેતાની પહેલથી 2011માં તેનું પુનઃપ્રકાશન થયું. તે નિમિત્તે ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી માધવસિંહ સોલંકીએ મોકલેલા લેખિત સંદેશામાં ઇન્દુલાલનો તેમની પરનો ઉપકાર ભાવપૂર્વક યાદ કર્યો. વર્તમાન ગુજરાત માટે ઇન્દુલાલ યાજ્ઞિક મહાગુજરાત ચળવળના અછડતા ઉલ્લેખ સિવાય સદંતર ભુલાયેલું નામ બની ચૂક્યા છે.