You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કૃષ્ણલાલ શ્રીધરાણી : ગાંધીજીની અહિંસાની ફિલસૂફીનો અમેરિકામાં પ્રચાર કરનારા ગુજરાતી કવિ-લેખક-નાટ્યકાર
- લેેખક, ઉર્વીશ કોઠારી
- પદ, બીબીસી ગુજરાતી માટે
ગુજરાતીઓ વિશેની માન્યતાનાં અનેક ચોકઠાં તોડીને, વિવિધ ક્ષેત્રોમાં માતબર પ્રદાન કરનારા ગુજરાતીઓને યાદ કરવાનો અને ગુજરાતની અસ્મિતાની અસલી ઓળખ અંકે કરવાનો ઉત્સવ એટલે આ શ્રેણી.
ગુજરાતીમાં કવિ-લેખક-નાટ્યકાર તરીકે જાણીતા કૃષ્ણલાલ શ્રીધરાણી કોલંબિયા યુનિવર્સિટીમાં પીએચ.ડી. થયા, અમેરિકાની રંગભેદવિરોધી ચળવળના આરંભિક નેતાઓ સુધી ગાંધીજીની ફિલસૂફી અંગ્રેજીમાં પહોંચાડી અને અંગ્રેજી લેખન-પત્રકારત્વ ઉપરાંત થોડા સમય માટે વડાપ્રધાન નહેરુના ‘ઑફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી’ પણ રહ્યા.
રાષ્ટ્રીય શાળાઓમાં ઘડતરઃ ‘દક્ષિણામૂર્તિ’થી ‘શાંતિનિકેતન’ સુધી
અનેકવિધ પ્રતિભા ધરાવતા કૃષ્ણલાલ શ્રીધરાણી સૌથી પહેલાં કવિ તરીકે ઝળક્યા. મોસાળ ઉમરાળા (ભાવનગર રાજ્ય)માં જન્મેલા શ્રીધરાણી 11 વર્ષની વયે નાનાભાઈ ભટ્ટના ‘દક્ષિણામૂર્તિ’માં દાખલ થયા. ત્યાંથી બિનપરંપરાગત ઢબના ભણતરની શરૂઆત થઈ. સોળ વર્ષની ઉંમરે તો તેમની કવિતા પ્રતિષ્ઠિત માસિક ‘કુમાર’ના બાળવિભાગમાં નામ વિના છપાવા લાગી હતી.
ભણતરનો બીજો તબક્કો ગાંધીજીએ સ્થાપેલી ગૂજરાત વિદ્યાપીઠમાં 1929થી શરૂ થયો. એટલે રાષ્ટ્રીય શિક્ષણનો સિલસિલો આગળ ચાલ્યો. વિદ્યાપીઠમાં તે કાકાસાહેબ કાલેલકરના તે પ્રિય શિષ્ય બની રહ્યા. ઉંમર સાથે તેમની કાવ્યપ્રતિભામાં વધુ ને વધુ નિખાર આવી રહ્યો હતો. 1930માં ગાંધીજીએ મીઠા પરના અન્યાયી અને આકરા કરવેરા સામે દાંડી કૂચ કરી, ત્યારે કૂચની વ્યવસ્થા માટે તેની આગળ આગળ પહોંચતી રહે એવી ‘અરુણ ટુકડી’ રચવામાં આવી હતી. વિદ્યાપીઠના કેટલાક વિદ્યાર્થીઓની બનેલી આ ટુકડીમાં શ્રીધરાણી પણ સામેલ હતા.
વિદ્યાપીઠ પછી તેમણે રવીન્દ્રનાથ ટાગોરની વિશિષ્ટ શિક્ષણસંસ્થા ‘શાંતિનિકેતન’માં પ્રવેશ મેળવ્યો. ત્યાં તેમના મનને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરનો ઉઘાડ મળ્યો. શાંતિનિકેતનમાં ભણાવતા અમેરિકન અધ્યાપકોના સંપર્કમાં આવ્યા પછી તેમને અમેરિકા ભણવાનું મન થયું. તે સમયે અમેરિકા ભણવા જવાનું સામાન્ય ન હતું. પણ ગુરુદેવ ટાગોરે તેમને પ્રોત્સાહન આપ્યું અને તેમના માટે ઘટતું કરવાની ભલામણચિઠ્ઠી ભાવનગરના દીવાન પ્રભાશંકર પટ્ટણી પર લખી આપી.
સાહિત્યસર્જનની શરૂઆત
દાંડી કૂચ વિશેની 19મા વર્ષે તેમણે લખેલી કવિતા ‘આવવું ન આશ્રમે—મળે નહિ સ્વતંત્રતા’ દાયકાઓ સુધી ગુજરાતીનાં પાઠ્યપુસ્તકોનો હિસ્સો હતી. દાંડી કૂચ પૂરી થયાના થોડા દિવસ પછી કરાડી ગામે ગાંધીજીની ધરપકડ થઈ. તે નાટકીય પ્રસંગના શ્રીધરાણી સાક્ષી હતા. એ પ્રસંગ વિશેનો તેમનો લેખ ઠેકઠેકાણે છપાતો અને ખપમાં લેવાતો રહ્યો છે.
દાંડીકૂચ પછી બીજા સત્યાગ્રહીઓની સાથે શ્રીધરાણીને પણ ત્રણ માસની જેલની સજા. તેમને પહેલાં અમદાવાદની સાબરમતી જેલમાં અને પછી નાશિકની જેલમાં મોકલવામાં આવ્યા. જેલની અંદરના વાતાવરણ અને કેદીઓની હચમચાવતી કથાઓએ તેમના સર્જક ચિત્તને પહોંચાડેલી ચોટમાંથી સર્જાઈ બે કૃતિઓઃ વડલો (નાટક) અને ઇન્સાન મિટા દૂંગા (લાંબી વાર્તા). શ્રીધરાણીની પહેલી શાળા ‘દક્ષિણામૂર્તિ’ના નિયામક નાનાભાઈ ભટ્ટે પ્રસ્તાવનામાં લખ્યું હતું, “...ભાઈ કૃષ્ણલાલે પોતે કલ્પ્યું હો કે ન હો, પણ ‘ઇન્સાન મિટા દૂંગા’ આપણા સમાજતંત્રના હાડમાં પેસી ગયેલાં ડર અને સજાની સામે મૂંગી પણ સજ્જદ જેહાદ (Crusade) છે.”
જ્યારે તેઓ નાટકકાર બન્યા
‘કુમાર’ના 100મા અંક નિમિત્તે 21 વર્ષના શ્રીધરાણીએ એક નાટક લખીને મોકલ્યું ‘ઝબકજ્યોત’. રાષ્ટ્રીય ભાવનાથી છલકાતા પુત્ર અને અંગ્રેજી રાજના અફસર એવા તેના પિતા વચ્ચેની કશ્મકશ ધરાવતા એ નાટક સામે સરકારને એવો વાંધો પડ્યો કે આખા અંક પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો, તેની નકલો જપ્ત કરવામાં આવી અને સામયિકમાં ભવિષ્યમાં આવું રાજકીય લખાણ નહીં છપાય એવી બાંહેધરી સાથે રૂ. બે હજારની જામીનગીરી પ્રકાશક પાસેથી લેવામાં આવી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ખુદ શ્રીધરાણીએ આગળની વાત નોંધીને લખ્યું હતું કે ‘કુમાર’ના તંત્રી રવિશંકર રાવળે તેમને જાણ પણ ન કરી અને તેમની કવિતાઓ રાબેતા મુજબ સામયિકમાં પ્રગટ થતી રહી. ભાવનગર રાજ્યની સ્કોલરશિપ પર શ્રીધરાણી 1934માં અમેરિકા જવા ઉપડ્યા, ત્યાર પહેલાં તેમનો પહેલો કાવ્યસંગ્રહ ‘કોડિયાં’ પ્રકાશિત થઈ ચૂક્યો હતો.
અમેરિકામાં ભારતીય અને ગાંધીજન તરીકે
શ્રીધરાણી અમેરિકા પહોંચ્યા ત્યાં સુધી ત્યાંના લોકોને ગાંધીજી વિશે બહુ ખ્યાલ ન હતો. બીજી ગોળમેજી પરિષદ વખતે ગાંધીજી બ્રિટન ગયા ત્યારે અમેરિકામાં રહેલા કેટલાક શુભેચ્છકો ગાંધીજીને ત્યાં બોલાવવા ઇચ્છતા હતા, પણ ગાંધીજીએ સવિનય ઇન્કાર કર્યો હતો. શ્રીધરાણીએ અમેરિકાની સુપ્રતિષ્ઠિત કોલંબિયા યુનિવર્સિટીમાં અભ્યાસની સાથોસાથ અમેરિકામાં ગાંધીવિચારના પ્રસારનું કામ વ્યાખ્યાનો આપીને ને લેખો-પુસ્તકો લખીને એમ બંને રીતે કર્યું.
કોલંબિયા યુનિવર્સિટીમાંથી શ્રીધરાણી પત્રકારત્વ ભણ્યા અને સમાજશાસ્ત્ર સાથે પીએચ.ડી. થયા. તેમના થીસિસ તરીકે શરૂ થયેલું તેમનું પુસ્તક ‘વોર વિધાઉટ વાયોલન્સ’ (1939) અમેરિકાના યુદ્ધવિરોધી શાંતિવાદીઓ (પેસિફિસ્ટ) માટે અત્યંત મહત્ત્વનું પુરવાર થયું. આ પુસ્તકનું પેટાશીર્ષક હતુંઃ અ સ્ટડી ઓફ ગાંધીઝ મેથડ એન્ડ ઇટ્સ ઍકમ્પ્લિશમૅન્ટ્સ (ગાંધીજીની પદ્ધતિઓ અને તેની ઉપલબ્ધિઓ). તેમાં શ્રીધરાણીએ દાંડીકૂચ દરમિયાન તેમણે લખેલી ડાયરીને પણ ઉપયોગમાં લીધી હતી.
કોલંબિયા યુનિવર્સિટી દ્વારા તેના પ્રતાપી ભૂતપૂર્વ વિદ્યાર્થી ડૉ. આંબેડકરની યાદગીરીમાં શરૂ કરાયેલી પોડકાસ્ટ શ્રેણીમાં માસ્ટર્સનાં એક વિદ્યાર્થિની લાઇલા વાર્કીએ શ્રીધરાણીના આ પુસ્તકને અને તેના મહત્ત્વને યાદ કર્યું હતું. તેમણે કહ્યું કે અમેરિકાના શાંતિવાદીઓ મૂળતઃ ધાર્મિક-અધ્યાત્મવાદી પ્રકારના હતા. શ્રીધરાણીએ ગાંધીજી સાથે સંકળાયેલા અધ્યાત્મને બાજુએ રાખીને, નક્કર કામગીરીમાં માનતા અહિંસાના ફિલસૂફ તરીકે તેમનો પરિચય કરાવ્યો. તે અભિગમની રંગભેદ સામે લડતા આરંભિક અગ્રણીઓ પર ઘણી અસર થઈ અને શ્રીધરાણીનું પુસ્તક તેમના માટે ‘સેમિઓફિશિયલ બાઇબલ’ બની ગયું.
‘માય ઇન્ડિયા, માય અમેરિકા’
અમેરિકામાં સક્રિય જાહેર જીવન ગાળનારા શ્રીધરાણીનું પુસ્તક ‘માય ઇન્ડિયા, માય અમેરિકા’ બંને દેશોની સરખામણી અને તેમની વચ્ચેના વિરોધાભાસ ઠીક ઠીક હળવાશથી રજૂ કરે છે. લગભગ 475 પાનાંના આ દળદાર પુસ્તકની સામગ્રી તેમણે વ્યક્તિગત, સામાજિક, રાષ્ટ્રીય અને રાજકીય—એમ ચાર ભાગમાં વહેંચી હતી. અંગત જીવનના પહેલા જ પ્રકરણની પહેલી લીટીમાં તેમણે શ્રીધરાણી અટક વિશે વાત કરી. તે અટક અમેરિકામાં નહીં, ભારતમાં પણ અસામાન્ય ગણાય છે, એવી ટીપ્પણી સાથે તેમણે લખ્યું કે તેમના ભાઈ અને બીજા બે પિતરાઈ સિવાય બાકીનાં સગાં તેમની પરંપરાગત અટક ‘શાહ’ વાપરે છે.
ભારતનાં અને અમેરિકાનાં—એમ બંને દેશોનાં ઉત્તમ તત્ત્વો વિશે સમતાપૂર્વક વિચારવા જેટલી અને ખરું લાગે તે હળવાશથી કહેવાની શ્રીધરાણીની ખૂબી આ પુસ્તકમાં ઠેકઠેકાણે દેખાય છે. બંને દેશોની કેળવણી વિશે વાત કરતાં તેમણે લખ્યું હતું, ‘અમેરિકામાં વિદ્યાર્થીને શું આવડે છે એ જાણવા માટે પરીક્ષા લેવાય છે અને ભારતમાં વિદ્યાર્થીને શું નથી આવડતું એ જાણવા માટે.’ અંગ્રેજી કેળવણી અંગે ભારતીયોના મોહ અને લંડન ગયા પછી આઈ.સી.એસ.માં નાપાસ થઈને મજબૂરીથી બૅરિસ્ટર બનતા ભારતીયો વિશે તેમનું વિધાનઃ ‘ભારતમાં ઍમ્બુલન્સ કરતાં બૅરિસ્ટરોની સંખ્યા વધારે છે.’
શ્રીધરાણીનું વિશિષ્ટ પુસ્તકઃ ‘માય ઇન્ડિયા, માય અમેરિકા’
અમેરિકા જતાં પહેલાં લગ્ન કરી દેવાં ન પડે એ માટે તેમણે કરેલો સંઘર્ષ અને ‘મારે સારા હિંદુ બનવું હતું, પણ ઈસવી સન પૂર્વે ૧૯૨૫ના હિંદુ નહીં, ઈસવી સન ૧૯૨૫ના હિંદુ’ એવું વિધાન શ્રીધરાણીની લેખક તરીકેની શક્તિ ઉપરાંત વૈચારિક સ્પષ્ટતાનો પણ ખ્યાલ આપે છે.
ગાંધીજી પ્રત્યેના અનન્ય ભાવ છતાં ગુજરાત વિદ્યાપીઠમાં દાખલ થયા પછી ‘વર્ગોમાં મઝા આવતી ન હતી. તે નીરસ અને અકારણ ગંભીર લાગતા હતા’ અને ‘ભણેલા યુવાનોમાં ફક્ત રોમાંચ ખાતર સત્યાગ્રહમાં જોડાનારાનું પ્રમાણ મોટું હતું’ એવી ટિપ્પણી તે કરી શક્યા હતા. ડૉ.આંબેડકર વિશે જરાય કડવાશ વિના, ભાવપૂર્વક તેમણે લખ્યું હતું, ‘આંબેડકર અને તેમના સાથીદારો અત્યાચારીઓને માયાળુ થવાની તક આપ્યા વિના પોતાની બેડીઓ તોડવા નીકળ્યાા હતા.’
આઝાદ ભારતમાં અલગ અલગ ભૂમિકા
અમેરિકાથી શ્રીધરાણી ૧૯૪૬માં ભારત પાછા આવ્યા ત્યારે, તેમના જ શબ્દોમાં કહીએ તો, ‘જીવનનાં બે પાસાં વચ્ચે ખૈબરખાટ પડ્યો હતો.’ તેમણે યાદ કર્યું છે કે અમેરિકાથી પાછા આવ્યા પછી કરાચીની એક સભામાં તેમણે ‘ત્રીશ કોટી શિશ પ્રણમે તને ભારતની ઓ ધર્મ-ધજા/નવલખ તારા આશિષ ઝમે, ભારતની ઓ કર્મ-ધજા’ એ ગીત સાંભળ્યું. ગીત પસંદ આવતાં તેના કવિના નામની તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે આ તેમની જ રચના છે! આટલા વિચ્છેદ પછી પણ ધીમે ધીમે ગુજરાતીમાં કવિતા ફરી લખાતી થઈ. આ સમયગાળામાં તેમની કવિતા ‘આઠમું દિલ્હી’ શ્રીધરાણીના બીજા અવતારનું યાદગાર સર્જન ગણાય છે.
કોમી હિંસાના વાતાવરણમાં થોડો સમય તેમણે પંજાબના શરણાર્થીઓ વચ્ચે કામ કર્યું. કેન્દ્ર સરકારના વિદેશ મંત્રાલયમાં જવાહરલાલ નેહરુના ‘ઓફિસર ઓન સ્પેશ્યલ ડ્યુટી’ તરીકે સેવાઓ આપી. કોલકાતાના ‘અમૃતબઝાર પત્રિકા’ના દિલ્હીના પ્રતિનિધિ તરીકે રહ્યા. સાથોસાથ ‘ન્યૂયોર્ક ટાઇમ્સ’ અને જાપાનના ‘ટોકિયો શિમ્બુન’ જેવાં નામી અખબારોમાં અને ‘વોગ’ અને ‘સેટરડે રીવ્યુ ઑફ લિટરેચર’ જેવાં સામયિકોમાં તેમણે લખ્યું.
દિલ્હીમાં શ્રીધરાણી દયારામ ગીદુમલનાં પુત્રી સુંદરીના પરિચયમાં આવ્યા અને પરણ્યા. તેમનાં સંતાનો અમર અને કવિતા. ફક્ત 49 વર્ષની વયે શ્રીધરાણીએ વિદાય લીધી, પરંતુ એટલા ઓછા સમયમાં તેમણે કરેલું અઢળક કામ ઘણું વધારે સંશોધન માગે અને ખમે એવું છે.