કરસનદાસ મૂળજી : ધર્મના નામે ચાલતા વૈષ્ણવ મહારાજોના પાખંડ સામે લેખોનો મારો ચલાવનાર સુધારક

    • લેેખક, ઉર્વીશ કોઠારી
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ગુજરાતીઓ વિશેની માન્યતાનાં અનેક ચોકઠાં તોડીને, વિવિધ ક્ષેત્રોમાં માતબર પ્રધાન કરનારા ગુજરાતીઓને યાદ કરવાનો અને ગુજરાતની અસ્મિતાની અસલી ઓળખ અંકે કરવાનો ઉત્સવ એટલે આ શ્રેણી.

કરસનદાસ મૂળજીની મુખ્ય ઓળખ ધર્મના નામે ચાલતા પાખંડને પડકારનારા સુધારક-પત્રકાર તરીકેની રહી છે. તેમના સામયિક ‘સત્યપ્રકાશ’માં તેમણે ધર્મગુરુઓની અનીતિ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમાંથી એક લેખ સામે વલ્લભપંથી વૈષ્ણવ ધર્મગુરુ જદુનાથ મહારાજે મુંબઈની હાઇકોર્ટમાં રૂ. પચાસ હજારનો દાવો કર્યો, જે 19મી સદીના અત્યંત ચર્ચાસ્પદ એવા ‘મહારાજ લાયબલ કેસ’ તરીકે ઓળખાયો. તે કેસ અને તેમાં કરસનદાસને મળેલી જીત ગુજરાતના સમાજસુધારાના અને પત્રકારત્વના આંદોલનનું ગૌરવવંતું પ્રકરણ છે.

સુધારક વિચારોનો સજ્જડ પાયો

મુંબઈમાં જન્મેલા અને એલ્ફિન્સ્ટન કૉલેજમાં ઉચ્ચ અભ્યાસ કરનાર કરસનદાસ નર્મદ અને મહીપતરામ જેવાના સહાધ્યાયી (કૉલેજમાં આગળપાછળનાં વર્ષમાં) હતા. ગુજરાતી અને અંગ્રેજી નિશાળોમાં ભણી ઊતર્યા ત્યારથી વૈચારિક-બૌદ્ધિક-સુધારક પ્રવૃત્તિઓ ભણી તે ઢળ્યા હતા. 1851માં સ્થપાયેલી ‘બુદ્ધિવર્ધક હિંદુ સભા’માં તે પહેલેથી સભ્ય બન્યા હતા. એ જ વર્ષે (આગળ જતાં ‘હિંદના દાદા’ તરીકે જાણીતા બનેલા) દાદાભાઈ નવરોજીએ શરૂ કરેલા અખબાર ‘રાસ્ત ગોફ્તાર’ (સત્યવક્તા) સાથે પણ તે સંકળાયા અને ત્યાં જ તેમના લેખનની શરૂઆત થઈ.

મકરંદ મહેતા અને અચ્યુત યાજ્ઞિકે કરસનદાસ મૂળજીની સાર્ધ શતાબ્દિ નિમિત્તે તેમના જીવન વિશે તૈયાર કરેલી નમૂનેદાર પુસ્તિકામાં નોંધ્યું છે કે ઑગસ્ટ 1852ના ‘રાસ્ત ગોફ્તાર’માં કરસનદાસનો પહેલો લેખ ‘બાપદાદાઓની ચાલ’ (એટલે કે, જૂના વખતથી ચાલ્યા આવતા રિવાજ) વિશેનો હતો. તેમાં વીસ વર્ષના કરસનદાસે ‘મારા પ્યારા દેશીઓ’ને ઉલ્લેખીને સ્પષ્ટતા કરી છે કે આપણી ખરાબ રૂઢિ કાઢીએ અને અંગ્રેજોની સારી રૂઢિ દાખલ કરીએ તો તેમાં અંગ્રેજોની નકલ કરી છે, એવું ન ગણાય. ‘બુદ્ધિવર્ધક હિંદુ સભા’માં પણ તેમણે આવી રહેલા સુધારા અને વર્તમાન બદીઓ વિશે નિબંધો વાંચવાનું શરૂ કર્યું.

તે સમયના બીજા ઘણા સુધારકો કરતાં કરસનદાસ એ બાબતે જુદા પડતા હતા કે તેમના વિચાર અને આચારમાં કશો તફાવત ન હતો. વિધવા સ્ત્રીના પુનર્લગ્નની તરફેણમાં એક નિબંધ લખવાની જાહેરાતમાત્રથી તેમનાં કાકીએ તેમને ઘરમાંથી કાઢી મૂક્યા. ત્યારે કરસનદાસ અને તેમનાં પત્ની ચૂપચાપ નીકળી ગયાં હતાં. એવી જ રીતે, નાતબહાર મુકાવાની તેમને જરાય બીક ન હતી અને એક વાર મુકાયા પછી કુટુંબીઓ-સ્નેહીઓના દબાણથી પ્રાયશ્ચિત કરીને પાછા ફરવાની તૈયારી ન હતી.

વિદ્યાર્થી મટીને તંત્રી

સુધારાવાદી વિચારોનો અડ્ડો ગણાતી એલ્ફિન્સ્ટન કૉલેજમાં કરસનદાસ ભણ્યા, એટલે તેમની સ્વતંત્ર વિચારસરણીને વધુ બળ મળ્યું. આર્થિક ભીંસને કારણે ભણવાની સમાંતરે તેમણે શિક્ષક તરીકે નોકરી લેવી પડી. તેમના જેવા સુધારક મિજાજના જણને સામાન્ય રીતે કોઈ નોકરીએ ન રાખે, પણ સુધારાતરફી ગણાતા ભાટિયા શેઠ ગોકુલદાસ તેજપાલે તેમની ગુજરાતી નિશાળમાં કરસનદાસને નોકરી આપી.

કૉલેજમાં નર્મદ, મહીપતરામ સહિતના બીજા લોકોની સોબતે કરસનદાસના વિચાર વધુ ને વધુ પુખ્ત બનતા ગયા. પોતાના વિચારોને વ્યક્ત કરવા માટે તેમણે 23 વર્ષની ઉંમરે, 1855માં ‘સત્યપ્રકાશ’ નામે સામયિક કાઢ્યું. (નર્મદે તેનું સામયિક ‘ડાંડિયો’ 1864માં શરૂ કર્યું હતું) કરસનદાસના તંત્રીપદે સાતેક વર્ષ ચાલેલા ‘સત્યપ્રકાશ’માં, અપેક્ષા મુજબ જ, સુધારક પક્ષની સામગ્રી આવતી હતી. કરસનદાસ પોતે પણ, નર્મદ જેવા અને જેટલા નહીં છતાં, જોશીલા લેખક હતા.

‘સત્યપ્રકાશ’ શરૂ થયાનાં ત્રણેક વર્ષ પછી કરસનદાસે વલ્લભપંથી વૈષ્ણવ મહારાજોની અનીતિ અને દુરાચાર સામે એક પછી એક લેખોનો મારો ચલાવ્યો. એ બહુ જાણીતું હતું કે ઘણા મહારાજો તેમના અનુયાયીઓ પર જોહુકમી ચલાવતા હતા. તેમની પાસે બળજબરીથી નાણાં ઉઘરાવતા અને નાણાં ન આપે ત્યાં સુધી તેમને મંદિરમાં ગોંધી રાખવા સુધીના કિસ્સા બનતા હતા. ઉપરાંત, અનુયાયીઓ, મુખ્યત્વે શ્રીમંત ભાટિયાઓ, મહારાજનું એઠું ખાવાથી માંડીને તેમના સ્ત્રીવર્ગને મહારાજની તમામ પ્રકારની સેવામાં ધરી દેવામાં ધન્યતા અનુભવતા હતા.

શૈવ અને વૈષ્ણવ સંપ્રદાયોના મહારાજોની તકરારમાં એક વૈષ્ણવ મહારાજને અદાલતનું તેડું આવ્યું. ત્યારે મહારાજે રૂ. 60 હજારનું ભંડોળ ભેગું કરીને, એક બેરિસ્ટરને રોકીને, ભવિષ્યમાં કોઈ મહારાજને અદાલતમાં હાજર ન થવું પડે એવો હુકમ મેળવવાની હિલચાલ આદરી. તેમાં અનુયાયીઓ પાસેથી રૂપિયા ઉઘરાવવા ઉપરાંત તેમની પાસે કબૂલ કરાવવામાં આવ્યું કે મહારાજ સામે કદી અદાલતે ન જવું, તેમના વિરુદ્ધ લખવું નહીં, જે લખે તે નાતબહાર અને બીજા કોઈ સંપ્રદાયનો માણસ મહારાજ સામે કેસ કરે તો તેનો ખર્ચ મહારાજના ભક્તોએ ઉપાડવો.

મહારાજોની મનમાની સામે મહારાજ લાયબલ કેસ

ભક્તો પાસે મહારાજે પરાણે કબૂલાવેલી શરતોને કરસનદાસે ‘ગુલામીખત’ તરીકે ઓળખાવી અને તેનો જોરદાર વિરોધ કર્યો. 1859-1860માં તેમણે ધર્મના નામે ચાલતા અધર્મ વિશે સંખ્યાબંધ લેખ લખ્યા. તેમાંથી એક લેખને આગળ ધરીને 33 વર્ષના વૈષ્ણવ ધર્મગુરુ જદુનાથ મહારાજે કરસનદાસને નોટિસ મોકલાવી. કરસનદાસે માફી માગવાનો ઇન્કાર કરતાં તેમની પર અને મુદ્રક નાનાભાઈ રુસ્તમજી રાણીના પર મુંબઈ હાઇકોર્ટમાં રૂ. પચાસ હજારનો બદનક્ષીનો દાવો માંડવામાં આવ્યો. ત્યાર પહેલાં, મહારાજોના પાખંડ વિશે ન લખવા માટે તેમને એ સમયે અધધ કહેવાય એવી રૂ. દસ હજારની રકમ આપવાની ભક્તોની તૈયારી હતી, પણ કરસનદાસ ડગ્યા નહીં.

ભાટિયા સમાજમાંથી કોઈ આ કેસમાં મહારાજની વિરુદ્ધ જુબાની ન આપે, તે માટે જદુનાથ સહિત બધા મહારાજોએ ભાટિયાઓની સભા ભરીને ઠરાવ્યું કે જે મહારાજના વિરોધમાં બોલે તે નાતબહાર. તેમની આ ચેષ્ટાને ‘ન્યાયપ્રક્રિયામાં રૂકાવટ’ ગણાવીને કરસનદાસે અદાલતમાં દાદ માગી. ‘ભાટિયા કોન્સ્પિરસી કેસ’ તરીકે ઓળખાયેલા એ મુકદ્દમામાં કરસનદાસ જીત્યા. મહારાજો અને તેમના ભાટિયા અનુયાયીઓને દંડ થયો. ડિસેમ્બર 1861માં તેનો ચુકાદો આવ્યા પછી જાન્યુઆરી 1862થી અસલ કેસ શરૂ થયો. દરમિયાન, 1861ની શરૂઆતથી ‘સત્યપ્રકાશ’ ‘રાસ્ત ગોફ્તાર’ સાથે ભળીને ‘રાસ્ત ગોફ્તાર તથા સત્યપ્રકાશ’ નામે પ્રગટ થવા લાગ્યું.

મહારાજ લાયબલ કેસમાં બંને પક્ષના સાક્ષીઓની અવનવી જુબાનીથી સનસનાટી અને ઉત્તેજનાનો માહોલ સર્જાયો. દેશી ઉપરાંત કેટલાંક વિદેશી અખબારોએ પણ આ કેસ વિશે અહેવાલો પ્રગટ કર્યા. સુધારક પક્ષના અને વ્યવસાયે તબીબ એવા ભાઉ દાજી અને ધીરજરામ દોલતરામે એવી જુબાની આપી કે જદુનાથ મહારાજ તેમની પાસેથી સીફીલીસ રોગની સારવાર લેતા હતા. નર્મદ પણ અદાલતમાં જુબાની આપી ગયા. એપ્રિલ 1862માં કેસનો ચુકાદો આવ્યો. તેમાં અદાલતે કરસનદાસને નિર્દોષ જાહેર કર્યા અને તેમને કેસ લડવાના ખર્ચ પેટે (કુલ રૂ. 13 હજારમાંથી) રૂ. 11,500 જદુનાથ મહારાજ પાસેથી મળે, એવો હુકમ કર્યો.

આ કેસ સુધારાના પક્ષની મોટી કાનૂની જીત બની રહ્યો. તેનાથી લોકોનો જુસ્સો વધ્યો. શિક્ષણના મહિમાનું અને અધર્મી રૂઢિઓના વિરોધનું વાતાવરણ બન્યું. આ ઉપરાંત, કરસનદાસ વિશેની પુસ્તિકાના લેખકો મકરંદ મહેતા અને અચ્યુત યાજ્ઞિકે એક મહત્ત્વનો મુદ્દો નોંધ્યો છેઃ સદીઓ સુધી શાસકો ‘ગૌબ્રાહ્મણપ્રતિપાળ’ની એટલે કે ગાયો અને બ્રાહ્મણોના રક્ષકોની ભૂમિકામાં રહેતા હતા. તેમાં ગંભીરમાં ગંભીર ગુનો કરનાર પણ જન્મે બ્રાહ્મણ હોય તો તેને નામમાત્રની સજા થતી કે ન પણ થતી. મહારાજ લાયબલ કેસે બ્રાહ્મણોનો જૂનો વિશેષાધિકાર નાબૂદ કર્યો અને કાયદાની નજરમાં સૌ સરખા છે, એવું પ્રસ્થાપિત કર્યું. તે નવા યુગની શરૂઆતનું પ્રતીક હતું અને કરસનદાસ તેમાં કારણરૂપ બન્યા હતા.

પત્રકારત્વમાં અનેકવિધ પ્રદાન

કરસનદાસનું નામ આવે એટલે સામાન્ય રીતે ‘સત્યપ્રકાશ’ની યાદ તાજી થાય. એ તેમના સુધારક મિજાજનો પર્યાય બની ગયું હતું. પરંતુ એ સિવાયનાં પણ કેટલાંક સામયિકો કરસનદાસે ચલાવ્યાં. ‘સત્યપ્રકાશ’ની સમાંતરે તેમણે વેપારી પ્રવૃત્તિના ભાગરૂપે ‘મુંબઈના બજાર’ નામે સાપ્તાહિક થોડો સમય ચલાવ્યું. ત્યાર પહેલાં 1857માં ‘સ્ત્રીબોધ’ શરૂ થયું ત્યારે કરસનદાસ તેના સ્થાપકોમાંના એક હતા. આગળ જતાં બે વર્ષ માટે તે તંત્રી પણ બન્યા. સ્ત્રીવિષયક સુધારાપ્રવૃત્તિના ભાગરૂપે કરસનદાસે સર કુરેના પુસ્તક ‘ફીમેલ એજ્યુકેશન’નો ગુજરાતી અનુવાદ કર્યો.

કરસનદાસની જ (કપોળ) જ્ઞાતિના વેપારી કરસનદાસ શેઠે તેમની સાથે ધંધામાં ભાગીદારી કરી હતી. શેઠે તેમને વિલાયતની પેઢી સંભાળવા માટે છ મહિના ઇંગ્લૅન્ડ મોકલ્યા હતા. ત્યાં દાદાભાઈ નવરોજીએ તેમની મુલાકાત ઇંગ્લૅન્ડના વડા પ્રધાન સાથે કરાવી, એવું પુસ્તિકામાં નોંધાયું છે, પણ વધુ વિગત મળતી નથી. કરસનદાસના શુભેચ્છક અને અંગ્રેજ પંડિત ડૉ. વિલ્સનના પ્રયાસોથી 1867માં તેમને રાજકોટના આસિસ્ટન્ટ સુપરિન્ટેન્ડેન્ટ તરીકેનો હોદ્દો મળ્યો. ત્યાં તેમણે ‘વિજ્ઞાનવિલાસ’ નામનું માસિક શરૂ કર્યું અને ‘ઇંગ્લૅન્ડની મુસાફરી’ નામે સચિત્ર પુસ્તક પ્રગટ કર્યું.

પહેલાં રાજકોટમાં અને પછી લીંબડીમાં તેમણે સફળતાપૂર્વક વહીવટી કામગીરી કરી. સાથોસાથ, સુધારા વિશે ભાષણો આપવાનું ચાલુ રાખ્યું. પોતાના ચૂંટેલા લેખોનો પહેલો સંગ્રહ ‘નિબંધમાળા’ પણ તેમણે પ્રગટ કરાવ્યો. લીંબડીમાં તેમણે ગુજરાતનું પહેલવહેલું વિધવા પુનર્લગ્ન કરાવ્યું. વર્ષોથી હરસના દર્દી કરસનદાસનું 1871ની 28મી ઑગસ્ટે ફક્ત 39 વર્ષની વયે અવસાન થયું, પણ ધર્મગુરુઓના પાખંડ સામે નીડરતાથી તેમણે ઉપાડેલી ઝુંબેશ વર્તમાન સમયમાં એટલી જ પ્રસ્તુત છે.

મુખ્ય આધારઃ કરસનદાસ મૂળજી જીવનનોંધ, મકરંદ મહેતા અને અચ્યુત યાજ્ઞિક, કરસનદાસ મૂળજી સાર્ધ શતાબ્દિ પ્રકાશન-1, 1983, ગુજરાત વિષમતા નિર્મૂલન પરિષદ