You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મણિબહેન પટેલ : સરદાર પટેલના વ્યક્તિત્વમાં સમાઈ ગયેલાં પ્રતિબદ્ધ પુત્રીની કહાણી
- લેેખક, ઉર્વીશ કોઠારી
- પદ, બીબીસી ગુજરાતી માટે
ભારતની આઝાદીની લડતમાં પિતા-પુત્રી તરીકે વલ્લભભાઈ-મણિબહેનની જોડી વિશિષ્ટ હતી. મણિબહેને સુખસમૃદ્ધિની જિંદગી છોડીને પિતાના પગલે ચાલવામાં જીવનની સાર્થકતા જોઈ. સરદાર જીવ્યા ત્યાં સુધી મણિબહેને તેમની અવિરત સેવા કરી, તેમની સૌથી નિકટ રહ્યાં અને તેમનાં આશા-નિરાશા, સંતાપ-સંતોષનાં સાક્ષી બન્યાં.
સરદારના મૃત્યુ પછી મણિબહેન રાજકારણમાં સક્રિય બન્યાં, લગભગ ત્રણ દાયકા સુધી સાંસદ રહ્યાં, પણ ગાંધીજી-સરદાર પાસેથી મેળવેલા સાદગીના સંસ્કારને કડકાઈપૂર્વક વળગી રહ્યાં.
વકીલની દીકરીનો અંગ્રેજી અંદાજ
જાહેર જીવનમાં આવતાં પહેલાં વકીલ વલ્લભભાઈનું ધ્યેય રૂપિયા કમાવાનું હતું, ઉપરાંત, અમદાવાદની ગુજરાત ક્લબમાં બ્રિજ રમવું, વાતોના તડાકા મારવા અને હુક્કો પીવો એ તેમની મનગમતી પ્રવૃત્તિઓ હતી. વકીલ તરીકેની કારકિર્દીમાં પહેલાં તેઓડિસ્ટ્રીક્ટ પ્લીડર બન્યા. પણ જોયું કે ખરી કમાણી બેરિસ્ટરોને હોય છે. એટલે તેમણે બેરિસ્ટર બનવાનું નક્કી કર્યું.
મણિબહેન પટેલ : સાદું-સંઘર્ષમય જીવન જીવનારાં સરદાર પટેલનાં પુત્રી
હંમેશાં ખાદીનાં કપડાંમાં સજ્જ અને સીધાંસાદાં લાગતાં મણિબહેને અંગ્રેજીને આત્મસાત કર્યું હતું અને વલ્લભભાઈ સાથેનો તેમનો પ્રારંભિક પત્રવ્યવહાર પણ અંગ્રેજીમાં જ થતો હતો. જોકે, વલ્લભભાઈ ગાંધીજીના સિપાહી બન્યા અને મણિબહેન ગૂજરાત વિદ્યાપીઠનાં વિદ્યાર્થીની બન્યાં. મણિબહેને ખાદી અપનાવી અને એ પણ વલ્લભભાઈ કરતાં પહેલાં. વલ્લભભાઈએ તો તેમના પછી, 1921થી ખાદી પહેરવાનું શરૂ કર્યું હતું.
સરદાર જીવ્યા ત્યાં સુધી તેમનાં કપડાં મણિબહેને કાંતેલા સૂતરમાંથી જ તૈયાર થતાં હતાં. મણિબહેન વલ્લભભાઈને 'બાપુ' અને ગાંધીજીને 'બાપુજી' કહેતાં હતાં. જોકે, રૂઢિચુસ્તતાના સંસ્કારોને લીધે મણિબહેન યુવાન થયાં ત્યાં સુધી પિતા સાથેના વ્યવહારમાં તે અસહજ રહેતાં હતાં. એવામાં સાથીદારોની અને તેમના પરિવારોની કાળજી રાખનારા ગાંધીજીએ મણિબહેનની જવાબદારી ઉપાડી લીધી હતી.
મણિબહેને અનેક લડતોમાં ભાગ લીધો, જેલવાસ ભોગવ્યા, સરદારથી અલગ રહેવાનું થયું. પુત્ર ડાહ્યાભાઈની વિચારવાની રીત જુદી હતી. સરદારને મણિબહેન માટે વિશેષ ભાવ રહ્યો. નાનપણથી મા વગર ઉછરેલી દીકરી સાથે મોટપણે સરદાર બને એટલી મમતાથી સલાહ-સૂચન-શીખામણ આપતા. કૌટુંબિક બાબતોમાં પણ સરદાર મણિબહેનને ડાહ્યાભાઈનાં પત્ની સાથે સંપીને રહેવાની શીખામણ આપતા હતા.
સરદારના મૃત્યુ પછી મણિબહેન રાજકારણમાં સક્રિય બન્યાં, લગભગ ત્રણ દાયકા સુધી સાંસદ રહ્યાં, પણ ગાંધીજી-સરદાર પાસેથી મેળવેલા સાદગીના સંસ્કારને કડકાઈપૂર્વક વળગી રહ્યાં.
દરમિયાન, 1909માં વલ્લભભાઈનાં પત્ની ઝવેરબાનું અવસાન થયું ત્યારે પુત્રી મણિબહેનને પૂરાં પાંચ વર્ષ પણ થયાં ન હતાં અને પુત્ર ડાહ્યાભાઈ મણિબહેનથી દોઢેક વર્ષ નાના. વલ્લભભાઈ તેમનાં બંને સંતાનોને પરદેશ ભણાવવા ઇચ્છતા હતા. તેની પૂર્વતૈયારીરૂપે, બંને સંતાનોને તેમણે મુંબઈનાં એક અંગ્રેજ બહેન મિસ વિલ્સનના ઘરે મૂક્યાં, જેથી તે નાનપણથી જ, વાતચીત દ્વારા અંગ્રેજી શીખી શકે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મહિને દસ-પંદર રૂપિયામાં આરામથી ઘર ચાલી જતું હતું, ત્યારે બંને સંતાનોને અંગ્રેજ બનાવવા પાછળ વલ્લભભાઈ મહિને બસો રૂપિયા ખર્ચતા હતા. તેના કારણે ગાંધીજીના સંપર્કમાં આવતાં પહેલાં, મણિબહેન અને ડાહ્યાભાઈ વચ્ચેનો પત્રવ્યવહાર અંગ્રેજીમાં થતો હતો. કારણ કે, ગુજરાતી સરખું લખતાંવાંચતાં આવડતું નહીં. એ વાત હંમેશાં ખાદીનાં કપડાંમાં સજ્જ અને સીધાંસાદાં લાગતાં મણિબહેનની તસવીરો જોઈને ભાગ્યે જ કલ્પી શકાય.
'બાપુ' અને 'બાપુજી'ની છાયામાં
વલ્લભભાઈ ખેડા સત્યાગ્રહથી ગાંધીજીના સિપાહી અને ગુજરાત કૉંગ્રેસના અગ્રણી બન્યા. દરમિયાન, મુંબઈમાં કાકા વિઠ્ઠલભાઈ પટેલને ત્યાં રહેતાં મણિબહેન 1917માં પિતા પાસે અમદાવાદ આવી ગયાં. ગૂજરાત વિદ્યાપીઠ શરૂ થયા પછી તે વિદ્યાપીઠનાં વિદ્યાર્થીની બન્યાં અને ખાદી અપનાવી.
વલ્લભભાઈએ તેમના પછી, 1921થી ખાદી પહેરવાનું શરૂ કર્યું. ત્યારે મણિબહેને સંકલ્પ કર્યો કે તેમણે કાંતેલા સૂતરમાંથી જ 'બાપુ' (વલ્લભભાઈ)નાં ધોતીયાં તૈયાર કરવાં. થોડા સમયમાં કાંતણ પર તેમનો હાથ બેસી ગયા પછી, સરદાર જીવ્યા ત્યાં સુધી તેમનાં કપડાં મણિબહેને કાંતેલા સૂતરમાંથી જ તૈયાર થતાં હતાં.
મણિબહેન વલ્લભભાઈને 'બાપુ' અને ગાંધીજીને 'બાપુજી' કહેતાં હતાં. રૂઢિચુસ્તતાના સંસ્કારોને લીધે મણિબહેન યુવાન થયાં ત્યાં સુધી પિતા સાથેના વ્યવહારમાં તે અસહજ રહેતાં હતાં. તે વિશે વાત થતાં વલ્લભભાઈએ મહાદેવભાઈ દેસાઈને કહ્યું હતું, "તે મારી જોડે છૂટથી વાત કરી શકતી નથી અને હું વાત કરવા જાઉં તો તેને ફાવતું નથી. પણ આમાં તેનો વાંક નથી. અમારા ઘરની રીત જ એવી છે. હું ત્રીસ વરસનો થયો ત્યાં લગી વડીલોની હાજરીમાં બોલતો નહીં."
સાથીદારોની અને તેમના પરિવારોની કાળજી રાખનારા ગાંધીજીએ મણિબહેનની જવાબદારી ઉપાડી લીધી હતી. તેમણે 1927માં એક પત્રમાં વલ્લભભાઈને લખ્યું હતું,"મણિલાલ (કોઠારી) કહેતા હતા કે મણિબહેનને ઊંડે ઊંડે પરણવાનો ઇરાદો છે. મેં ખૂબ તપાસ કરી છે. તે નહીં પરણે એમ હમણાં તો નિશ્ચય છે. આપણે તેને ઉત્તેજન આપીએ. તમે તેની ચિંતા છોડી જ દેજો. તેની ચિંતા હું ભોગવી જ રહ્યો છું અને ભોગવીશ."
પિતા-પુત્રી પત્રવ્યવહાર
મણિબહેને અનેક લડતોમાં ભાગ લીધો, જેલવાસ ભોગવ્યા, સરદારથી અલગ રહેવાનું થયું. પુત્ર ડાહ્યાભાઈની વિચારવાની રીત જુદી હતી. સરદારને મણિબહેન માટે વિશેષ ભાવ રહ્યો. નાનપણથી મા વગર ઉછરેલી દીકરી સાથે મોટપણે સરદાર બને એટલી મમતાથી સલાહ-સૂચન-શીખામણ આપતા હતા.
વર્ષ 1924માં મણિબહેન સારવાર માટે મુંબઈ હતાં ત્યારે સરદારે એક પત્રમાં તેમને લખ્યું હતું,"તારા જેવા નિર્દોષ બાળકના વળી દોષ શું હોય? માત્ર તું ત્યાં અને બીજે રોયા કરે એ મને અને બીજાઓને દુઃખકર થઈ પડે છે... લોકોને મારા વિષે એવો વિચાર થાય કે હું તને ખૂબ ત્રાસ આપતો હોઈશ અગર તો તારે માટે વિચાર થાય કે તું છેક છોકરવાદ કરે છે. એ બેઉ સ્થિતિ ઇચ્છવા યોગ્ય નથી. તારી અસલની હિંમત અને આનંદ પાછાં લાવવાં જોઈએ."
કૌટુંબિક બાબતોમાં પણ સરદાર મણિબહેનને ડાહ્યાભાઈનાં પત્ની સાથે સંપીને રહેવાની શીખામણ આપતા હતા. એક પત્રમાં તેમણે લખ્યું હતું, "લોકસેવા કરવી હોય તો અનેક પ્રકારના સ્વભાવવાળા માણસો સાથે કામ લેવાનું રહેશે. તેમાં મોટું પેટ રાખી માનાપમાન સહન કરતાં શીખવું જોઈએ અને આ પાઠ પ્રથમ તો ઘરમાંથી જ શીખવો જોઈએ."
1942ની હિંદ છોડો ચળવળ વખતે સરદાર અહમદનગર જેલમાં હતાં અને મણિબહેન યરવડા જેલમાં. ત્યારે સિત્તેર નજીક પહોંચેલા અને ભાંગેલી તબિયત ધરાવતા સરદારે 1944માં એક પત્રમાં મણિબહેનને લખ્યું હતું,"મને વિચાર આવ્યા કરે છે કે હવે આ દુનિયામાં મારો વખત પૂરો થવા આવ્યો. એટલે તમારે મારી પાસે રહેવાનું ક્યાંથી બને? અને કદાચ બને તોપણ કેટલો વખત? તમે છૂટો ત્યારે કંઈક કામનું ક્ષેત્ર પસંદ કરી તેમાં વળગી જશો તો ભવિષ્યનો માર્ગ સરળ ન થાય?...આપણી સંસ્થાઓ ઘણી છે. એમાંથી કોઈ પણ તમે પસંદ કરી અથવા કોઈ નવી જગ્યા પસંદ કરી કોઈક ક્ષેત્રમાં સ્થિર થઈ જવાય તો ઠીક, જેથી તમને મારા ગયા પછી એકદમ અઘરું ન લાગે."
નાયબ વડા પ્રધાનનાં પુત્રી
આઝાદી નજીક આવી અને સરદાર સરકારનો હિસ્સો બન્યા, ત્યારે પણ તેમની અને મણિબહેનની સાદી રહેણીકરણીમાં કશો ફરક ન પડ્યો. ગૃહમંત્રી અને નાયબ વડા પ્રધાન એવા સરદારનું ઘર મણિબહેન સંભાળતાં હતાં. મણિબહેને નોંધ્યું છે કે દિલ્હીમાં ધોળે દહાડે ચોરીઓ થતી હોવાનું સાંભળીને તે ઘરે બહુ રૂપિયા રાખતાં ન હતાં. એટલે વારે ઘડીએ ખર્ચના રૂપિયા માટે ચેક પર સરદારની સહી કરાવવી પડતી હતી. ત્યાર પછી સરદારે તેમના બૅન્કખાતામાં મણિબહેનનું નામ દાખલ કરાવ્યું, જેથી તેમની સહી પણ ચાલે.
રોજના ખર્ચની વિગતો મણિબહેન રોજ સરદારને બતાવતા હતા, પણ તે કદી હિસાબ જોતા નહીં. છેલ્લી બીમારી વખતે, કૉંગ્રેસ પક્ષના લાખો રૂપિયાનો વહીવટ કરનાર સરદારને એવી ચિંતા થઈ હતી કે ખતામાં રૂપિયા નહીં હોય તો મણિબહેનને મૂંઝવણ થશે. એટલે તેમણે મણિબહેનને પૂછીની ખાતરી કરી હતી.
'લાઇફ' મૅગેઝીનનાં વિખ્યાત ફોટોગ્રાફર માર્ગારેટ બોર્ક-વ્હાઇટે સરદાર અને મણિબહેન સાથેની તેમની મુલાકાત વિશેની નોંધમાં મણિબહેનને સરદારથી 'અવિભાજ્ય' (ઇનસેપરેબલ) ગણાવ્યાં હતાં. રોજ વહેલી સવારે સરદાર અને મણિબહેન ચાલવા નીકળે ત્યારે સંખ્યાબંધ લોકો તેમની સાથે જોડાતા. તે વખતે મણિબહેન વારાફરતી એક પછી એક જણને સરદાર સાથે ચાલવાની તક આપીને, ઝડપથી તેમની વાત આટોપાવીને, બીજા મુલાકાતીને આગળ કરી દેતાં હતાં. મુલાકાતીઓને નિપટાવવાના આ કામનો મણિબહેને માર્ગારેટ સમક્ષ ચહીને ઉલ્લેખ કર્યો હતો.
સરદારની અંતિમ ક્ષણો વિશે મણિબહેનનું વર્ણન હૃદયસ્પર્શી હતું. મૃત્યુ પહેલાં સવારે સરદારે "એકદમ બેઠા થઈ, બે પગ પર હાથ મૂકી, મારી સામે જોયું" એ દૃશ્ય મણિબહેનના ચિત્તમાં અંકાઈ ગયું હતું. મણિબહેનને એ વાતનો સંતોષ હતો કે "છેલ્લી ઘડી સુધી અર્ધજાગૃત અવસ્થામાં પણ મારું નહીં, દેશનું સ્નેહરટણ—હૈદ્રાબાદ, કાશ્મીરનું રટણ કરતા રહ્યા. મને ફિકર રહ્યા કરતી કે કંઈ મારી ચિંતા ન કરે, પણ તેમને એટલો વિશ્વાસ કે વખત આવ્યે છોકરી વાસણ માંજીને પણ સ્વમાનથી દિવસ કાઢે એમ છે."
સરદાર વગરના ચાર દાયકા
સામાન્ય છાપ એવી છે કે સરદારના વારસદારો રાજકારણથી દૂર રહ્યાં, પરંતુ મણિબહેન અને ડાહ્યાભાઈ બંને સક્રિય રાજકારણમાં હતાં. અલબત્ત, સરદારે તેમને પોતાના વારસ તરીકે કદી આગળ કર્યાં ન હતાં. સરદારના અવસાનનાં બે વર્ષ પછી, 1952માં થયેલી સ્વતંત્ર ભારતની પહેલી લોકસભા ચૂંટણીમાં મણિબહેન કૉંગ્રેસનાં ઉમેદવાર તરીકે, ખેડા (દક્ષિણ) બેઠક પરથી ચૂંટણી જીત્યાં. બીજી લોકસભા ચૂંટણીમાં તે આણંદ બેઠક પરથી જીત્યાં.
ડાહ્યાભાઈ કૉંગ્રેસથી નારાજ થઈને 'સ્વતંત્ર પક્ષ'માં જોડાયા, ત્યારે પણ મણિબહેન કૉંગ્રેસમાં જ રહ્યાં. ત્રીજી લોકસભાની ચૂંટણી 1962માં થઈ, ત્યારે ગુજરાત રાજ્યની સ્થાપના થઈ ચૂકી હતી. ત્યાર પહેલાં થયેલા મહાગુજરાત આંદોલનને કારણે કૉંગ્રેસ ઠીક ઠીક અળખામણી બની ચૂકી હતી. તેથી સરદારનાં પુત્રી હોવા છતાં, મણિબહેન આણંદ બેઠક પરથી સ્વતંત્ર પક્ષના ઉમેદવાર સામે 22 હજાર કરતાં વધુ મતે હાર્યાં.
લોકસભામાં હાર પછી 1964માં મણિબહેન કૉંગ્રેસી નેતા તરીકે રાજ્યસભાનાં સભ્ય બન્યાં અને 1970 સુધી સાંસદ રહ્યાં. કૉંગ્રેસના ભાગલા થયા પછી, 1973માં મણિબહેન સંસ્થા કૉંગ્રેસ તરફથી લોકસભાની પેટાચૂંટણીમાં સાબરકાંઠા બેઠક પરથી જીત્યાં. કટોકટી પછી 1977માં થયેલી ચૂંટણીમાં તેઓ ભારતીય લોકદળના ઉમેદવાર તરીકે મહેસાણા બેઠક પરથી ચૂંટાયાં. આમ, 1952થી સાંસદ તરીકે શરૂ થયેલી તેમની સફર, વચ્ચેનાં બે વર્ષને બાદ કરતાં, લગભગ ત્રણ દાયકા સુધી જારી રહી.
છેલ્લાં વર્ષો સુધી તે વિવિધ ગાંધીસંસ્થાઓ સાથે સંકળાયેલાં રહ્યાં અને છાપામાં તેમની કલ્પિત કરુણ કથનીઓના સમાચાર બને એટલી હદનું સાદું-સંઘર્ષમય લાગે એવું જીવન જીવ્યાં. કોઈ કાળે આખા દેશને અજવાળનાર ઉજાસની ઝાંખી કરાવનારાં તેમનાં જેવાં જૂજ લોકો રહ્યાં હતાં, જે નવી વાસ્તવિકતાઓમાં અપ્રસ્તુત બની ગયાં હતાં. વર્ષ 1990માં તેમનું અવસાન થયું તે એક અર્થમાં વરવી વાસ્તવિકતાઓમાંથી તેમને મળેલી મુક્તિ હતી.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો