હાજી મહંમદ અલ્લારખિયા શિવજી : એવા ગુજરાતી જેમના મૅગેઝિનમાં મહંમદઅલી ઝીણાએ કર્યો પોતાના 'દિલનો એકરાર'

    • લેેખક, ઉર્વીશ કોઠારી
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ગુજરાતીઓ વિશેની માન્યતાનાં અનેક ચોકઠાં તોડીને, વિવિધ ક્ષેત્રોમાં માતબર પ્રદાન કરનારા ગુજરાતીઓને યાદ કરવાનો અને ગુજરાતની અસ્મિતાની અસલી ઓળખ અંકે કરવાનો ઉત્સવ એટલે આ શ્રેણી.

માંડ સાડાં ચાર વર્ષ (એપ્રિલ 1916થી ઓક્ટોબર, 1920) સુધી ‘વીસમી સદી’ માસિક પ્રગટ કરીને વિદાય લેનાર હાજીએ ગુજરાતી સામયિકોમાં સચિત્ર રજૂઆતનાં નવાં અને ઊંચાં ધોરણ સ્થાપ્યાં. અનેક જૂના-નવા સર્જકો-કળાકારો-તસવીરકારોના સંગમસ્થાન જેવું હાજીનું ‘વીસમી સદી’ ત્યાર પછીનાં ‘કુમાર’, ‘નવચેતન’, ‘ગુજરાત’ જેવાં ઘણાં સામયિકો માટે પ્રેરણારૂપ બની રહ્યું.

ઉત્તમ ગુજરાતી માસિકનું સ્વપ્ન

નાનપણથી સાહિત્ય-વાચન-ચિત્રોમાં રુચિ ધરાવનાર હાજી છ ચોપડી અંગ્રેજી ભણેલા. પણ તેમને કૌટુંબિક વેપારમાં નહીં, શબ્દની સોબતમાં જિંદગીની સાર્થકતા લાગતી હતી. ‘વીસમી સદી’ કાઢતાં પહેલાં તે ઓમર ખય્યામની રૂબાઈઓનો ગુજરાતીમાં અનુવાદ કરી ચૂક્યા હતા. થોડી કવિતાઓ લખી હતી, એડવિન આર્નોલ્ડના ઇસ્લામવિષયક ગ્રંથ ‘પર્લ્સ ઑફ ફેઇથ’નો ગુજરાતી અનુવાદ ‘ઇમાનનાં મોતી’ નામે કર્યો હતો અને ‘નૂરજહાં તથા ‘રશીદા’ જેવાં વાર્તાનાં પુસ્તકો લખ્યાં હતાં. પણ તેમનું સ્વપ્ન નામી લેખક થવાનું નહીં, ઉત્તમ ગુજરાતી સામયિક કાઢવાનું હતું.

હાજી મહંમદ અલ્લારખિયા શિવજીની કહાણી

પાછલી સદીના પૂર્વાર્ધમાં ‘વીસમી સદી’ નામનું સચિત્ર ગુજરાતી સામયિક બહાર પાડનાર હાજી મહંમદ અલ્લારખિયા શિવજીએ ‘નોખી ભાષાસેવા-કળાસેવા’ કરી હતી.

આ ક્ષેત્રે તેમના યોગદાને ગુજરાતી ભાષાનાં અનુગામી સામયિકો માટે ‘પ્રેરણારૂપ ગંગોત્રી’ વહાવાનું કામ કરેલું. વેપારી પિતાના પુત્ર એવા હાજીએ પોતાની કલ્પનાનું સામયિક સાકાર કરવામાં કદી રૂપિયાનો હિસાબ ન કર્યો.

અનેક પ્રતિભાશાળી ચિત્રકારો, લેખકો-કવિઓ ‘વીસમી સદી’ સાથે સંકળાયેલા હોવા છતાં, તત્ત્વતઃ તે હાજીનો ‘વન મૅન શો’ હતું. કનૈયાલાલ મુનશીએ તેમની ‘ગુજરાતનો નાથ’ સહિતની કેટલીક નવલકથાઓ ‘વીસમી સદી’માં લખી. સામયિક માટે ગુણવત્તાનાં ઊંચાં ધોરણો જાળવવા અને વાચકોને અવનવું, શ્રેષ્ઠ પૂરું પાડવાની ઉત્કંઠામાં તેમનું આર્થિક પાસું નબળું પડી ગયું અને પેડર રોડનો બંગલો અને અન્ય એક મકાન વેચવાં પડ્યાં

મરાઠી માસિક ‘મનોરંજન’માં પ્રગટ કરવા માટેના વિષયો-ચિત્રોની પસંદગીમાં હાજી ઊંડો રસ લેતા હતા. હાજીની ઇચ્છા એક જ જૂથ દ્વારા ‘મનોરંજન’ (મરાઠી), ‘સરસ્વતી’ (હિંદી) અને એક-એક ગુજરાતી તેમ જ અંગ્રેજી સામયિક નીકળે એવી હતી. પોતાના સંભવિત ગુજરાતી માસિક માટે તે વિવિધ ભાષાની અવનવી કળાકીય તેમ જ સાહિત્યની સામગ્રી એકઠી કરતા હતા.

મુંબઈમાં કળાનું શિક્ષણ લેતા (અને આગળ જતાં કળાગુરુ તરીકે ઓળખાયેલા) રવિશંકર રાવળને હાજીએ કહ્યું હતું, “આપણા ગુજરાતી સાક્ષરો શું-શાંની ચર્ચામાંથી ને હ્રસ્વ-દીર્ઘની ફરિયાદોમાંથી ઊંચા આવતા નથી. દુનિયામાં શું બની રહ્યું છે તેની તેમને જાણ નથી. હું ગુજરાતીમાં ‘સ્ટ્રેન્ડ’ અને ‘પીઅર્સન’ જેવું માસિક કાઢવાની તૈયારીમાં છું.”

અડચણો અવગણીને આરંભ

વેપારીના દીકરા હોવા છતાં, પોતાની કલ્પનાનું સામયિક સાકાર કરવામાં હાજીએ કદી રૂપિયાનો હિસાબ ન કર્યો. પહેલા અંકનું ટાઇટલ પરદેશ છપાવા મોકલ્યું હતું, તે પહેલા વિશ્વયુદ્ધને કારણે અટવાઈ પડ્યું. છેવટે મુંબઈ પહોંચ્યું, ત્યારે વિશ્વયુદ્ધને કારણે મોંઘવારી આસમાને હતી. હાજીએ થોડી રાહ જોયા પછી, એપ્રિલ 1916થી ‘વીસમી સદી’ શરૂ કરી દીધું.

પહેલા અને ત્યાર પછીના અંકોના મુખપૃષ્ઠ પર યુવતીનું ચિત્ર મુકવાનો આઇડીયા તેમણે ‘નેશ’ (Nash’s) સામયિક પરથી લીધો હતો. ‘વીસમી સદી’ વાંચતી યુવતીનું ચિત્ર તેમણે જે.જે. સ્કૂલ ઓફ આર્ટ્સના અધ્યાપક અને જાણીતા ચિત્રકાર (મહાદેવ વિશ્વનાથ) ધુરંધર પાસે કરાવ્યું હતું. પહેલા જ અંકમાં આર્ટ પેપર પર છપાયેલાં ચિત્રો, તસવીરો, લેખો-કવિતાઓની સજાવટ દંગ કરી મુકે એવાં હતાં. તેમાં થોડી પ્રેરણા ઇચ્છારામ સૂર્યરામ દેસાઈના તંત્રીપદે મુંબઈથી નીકળતા સાપ્તાહિક ‘ગુજરાતી’ની પણ હતી. 

અગાઉ હાજી મુસ્લિમ સમાજ માટે ‘ગુલશન’ નામે એક સામયિક કાઢી ચૂક્યા હતા, પણ તેના વિષયોનો વ્યાપ ઘણો મર્યાદિત હતો. તેની સરખામણીમાં ‘વીસમી સદી’ હાજીનાં રસિકતા, કળાપ્રેમ, તંત્રી તરીકેની સૂઝ, સાહિત્યકારો સાથેના વ્યક્તિગત સંપર્કો અને ખર્ચ સામે જોયા વિના કંઈક કરી બતાવવાની ધગશનો પરિપાક હતું. ‘વીસમી સદી’માં હાજીએ ‘સલીમ’ના ઉપનામે કેટલીક કથાઓ પણ લખી.

સંપાદકદૃષ્ટિની કમાલ

અનેક પ્રતિભાશાળી ચિત્રકારો, લેખકો-કવિઓ ‘વીસમી સદી’ સાથે સંકળાયેલા હોવા છતાં, તત્ત્વતઃ તે હાજીનો ‘વન મૅન શો’ હતું. ‘વીસમી સદી’ સાથે પહેલાં જ અંકથી સંકળાયેલા યુવાન ચિત્રકાર રવિશંકર રાવળે નોંધ્યું છે કે સાહિત્યના શોખીનો-સાક્ષરો પાસેથી યથાયોગ્ય લેખો મેળવવા ઉપરાંત, “ચિત્રકારોને સાધવા, સમજ આપીને ચિત્રો કરાવવાં, તેના સુઘટિત બ્લૉક કરાવવા, છાપખાનામાં જાતે કમ્પૉઝિટરના સ્ટૂલ પાસે ઊભા રહીને તેને પાનાંની રૂપરચના [લે-આઉટ] બતાવવી...” તે બધી બાબતોમાં હાજી માહેર હતા.

ફોટોગ્રાફીની નવાઈ હતી તે સમયે હાજી વિખ્યાત ફોટોગ્રાફર તારાપોરવાલા પાસે તેમની તસવીરો પડાવીને છાપતા હતા. ગુજરાતીની પહેલી ટૂંકી વાર્તા ગણાતી ‘ગોવાલણી’ અને બીજી કેટલીક વાર્તાઓ હાજીએ ‘વીસમી સદી’માં છાપી, ત્યારે તેની સાથે વાર્તાનાં પાત્રોની મૉડલ ફોટોગ્રાફી કરાવી હતી. લેખની સાથે લેખકોની તસવીર કે સ્કૅચ મૂકવાનો રિવાજ તેમણે શરૂ કર્યો. એક અંકમાં હાજીએ મહંમદઅલી ઝીણાનાં ફૅશનેબલ પત્ની રૂટી-રતનબાઈની તસવીરોનો પોર્ટફોલિયો પ્રગટ કર્યો હતો.

‘વીસમી સદી’માં આવતી ‘દિલનો એકરાર’ નામે કોલમમાં દર વખતે કોઈ ને કોઈ જાણીતી વ્યક્તિ સાથેના સવાલજવાબ છપાતા. સવાલો સામાન્ય હોય, પણ ખરી ખૂબી એ હતી કે જવાબો વ્યક્તિના હસ્તાક્ષરમાં (એટલે કે તેનો બ્લૉક બનાવીને) છાપવામાં આવતા હતા. તે સમયના જાણીતા બૅરિસ્ટર મહંમદઅલી ઝીણાના એકમાત્ર ગુજરાતી હસ્તાક્ષર ‘વીસમી સદી’ની એ કોલમમાં મળે છે. કનૈયાલાલ મુનશીએ તેમની ‘ગુજરાતનો નાથ’ સહિતની કેટલીક નવલકથાઓ ‘વીસમી સદી’માં લખી. તેનાં ચિત્રો હાજીએ રવિશંકર રાવળ પાસે તૈયાર કરાવ્યાં હતાં અને પ્રકરણના આરંભે લેખકના નામની સાથે ચિત્રકારનું નામ પણ આપવાનું શરૂ કર્યું.

બેહિસાબ લાડકોડ અને લાલનપાલન

લેખકો-ચિત્રકારોની કદર તરીકે વખતોવખત ભેટસોગાદો આપવામાં, જરૂરનાં પુસ્તકો ખરીદવામાં, બીજી ભાષામાં છપાયેલા સારા લેખનો અનુવાદ કરાવવામાં અને એ પ્રકારનાં કામોમાં હાજીનો હાથ અતિશય છૂટો હતો. નાટકો વિશેના લેખની સાથે મૂકવાનાં ચિત્રો કરાવવા માટે તે રવિશંકર રાવળને પણ મોંઘા ભાવની ટિકિટ ખર્ચીને સાથે લઈ જતા અને તેમની પાસે સ્કૅચ કરાવતા. કોઈ લેખકને લેખ માટે પુસ્તકોની જરૂર લાગે તો એવાં પુસ્તકો હાજીના ખર્ચે તેમના ઘરે પહોંચી જતાં. ક્યારેક બીજું કંઈ ન સૂઝે તો હાજી મોંઘી પેન આપીને તે લેખકની કદર કરતા હતા.

તેમનું ઘર સદા મુલાકાતીઓ અને સાહિત્ય-કળાના પ્રેમીઓથી ઊભરાતું. તેમની આગતાસ્વાગતામાં હાજી કોઈ કસર રાખતા નહીં. હાજીનું આખું જીવન ‘વીસમી સદી’મય થઈ ગયું હતું. સામયિક માટે કામ આવે એવી કોઈ પણ વ્યક્તિ કે વસ્તુની જાણે કેટલી કદર કરી નાખું, એવી લાગણી તેમના મનમાં ઊભરાતી. તેઓ ઘણી વાર કહેતા હતા, “મારે ગુજરાતમાં બર્નાડ શો, એચ.જી. વેલ્સ, જી.કે. ચેસ્ટર્ટન પેદા કરવા છે.” લેખકોને ગ્લૅમરાઇઝ કરવામાં કે લેખો-કવિતાઓ સજાવીને છાપવામાં હાજી ઘણી વાર ગુણવત્તા નજરઅંદાજ કરતા. એ બાબતે તેમની ટીકા થતી. છતાં, હાજીને તેની પરવા ન હતી.

નરસિંહરાવ દીવેટિયા જેવા જૂની પેઢીના અને કનૈયાલાલ મુનશી જેવા નવી પેઢીના, એમ બંને પ્રકારના સાહિત્યકારો સાથે હાજીને ઘરોબો હતો. ગુજરાતબહારના સાહિત્યકારોની પણ તેમના પૅડર રોડના બંગલે-તેમના દરબારમાં અવરજવર રહેતી. કોને કયો લેખ સોંપવો, તે બાબતની હાજીની સૂઝ ઉત્તમ હતી. ‘વીસમી સદી’માં ‘તંત્રીનો ભાઈ મંત્રી’ના નામે વીસ-પચીસ પાનાંના હાસ્યલેખ લખનાર એક વ્યવસાયિક ડૉક્ટર હતા. તેમની પાસેથી પણ હાજી લેખો મેળવતા હતા. કનૈયાલાલ મુનશી સમક્ષ તેમણે તેમની આવનારી પાંચ નવલકથાના હક આગોતરા ખરીદવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. મુનશીએ તેની ના પાડી, પણ ‘વીસમી સદી’માં વાર્તા આપવાનું કબૂલ્યું હતું.

અંત અને વારસો

વ્યવસાયિક પક્ષની સાવ ઉપેક્ષા કરવાને કારણે હાજી આર્થિક રીતે ઝડપભેર ખાલી થવા લાગ્યા.

પૅડર રોડ પરનો બંગલો અને બીજું એક મકાન વેચાઈ ગયાં. પછી દેવું થયું અને બીમારી આવી. છેલ્લા મહિના બહુ વ્યગ્રતામાં વીત્યાં. હાજીના તંત્રીપદ હેઠળ ‘વીસમી સદી’નો છેલ્લો અંક ઑક્ટોબર 1920નો નીકળ્યો. જાન્યુઆરી 20, 1921ના રોજ 43 વર્ષે હાજીનું અવસાન થયું, ત્યારે ફક્ત ગુજરાતી જ નહીં, હિંદી-મરાઠી સાહિત્યજગતના કેટલાક અગ્રણીઓએ પણ શોક અને આઘાતની લાગણી વ્યક્ત કરી.

હિંદીના સુપ્રસિદ્ધ કવિ મૈથિલીશરણ ગુપ્તે હાજી વિશે એક કવિતા લખી, જેની શરૂઆતની પંક્તિઓ હતીઃ

એક તુમ્હારે ઉઠ જાને સે

વિકલ યહાં દો દો બૈઠે

કલા ઔર સાહિત્ય આજ હા!

જી-સા અપના ખો બૈઠે

ઘણાએ હાજીને સાહિત્યના શહીદ ગણાવ્યા. ‘જ્યાં જ્યાં વસે એક ગુજરાતી’ના રચયિતા અરદેશર ખબરદારે તેમની અંજલિકવિતામાં લખ્યું,

ખુબ કરી જો ઇલ્મની સોદાગરી હાજી ગયો

બેકદર ગુજરાતની કરી ચાકરી હાજી ગયો

હાજીના અવસાનના થોડા સમય પછી તેમના પુત્ર ગુલામ હુસૈને ‘વીસમી સદી’ને નવા સ્વરૂપે શરૂ કર્યું. પરંતુ હાજીની કળાદૃષ્ટિ વિના તે ફીકું જ રહ્યું. હાજીની સોબતમાં ચિત્રકાર તરીકે કારકિર્દી શરૂ કરનાર રવિશંકર રાવળે બચુભાઈ રાવતની મદદથી તૈયાર કરેલો દળદાર ‘હાજી સ્મારક ગ્રંથ’ હાજીની પ્રતિભા અને ગુજરાતી ભાષા-પત્રકારત્વમાં તેમના પ્રદાનને યોગ્ય અંજલિ છે.