You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સ્વામી આનંદ : ગુજરાતી સાહિત્યના એ 'ગદ્યસ્વામી' જેમણે દેશસેવા માટે ભગવાં ત્યજી દીધાં
- લેેખક, ઉર્વીશ કોઠારી
- પદ, બીબીસી ગુજરાતી માટે
ગુજરાતીઓ વિશેની માન્યતાનાં અનેક ચોકઠાં તોડીને, વિવિધ ક્ષેત્રોમાં માતબર પ્રદાન કરનારા ગુજરાતીઓને યાદ કરવાનો અને ગુજરાતની અસ્મિતાની અસલી ઓળખ અંકે કરવાનો ઉત્સવ એટલે આ શ્રેણી.
હિમાલય ખૂંદી વળ્યા પછી દેશસેવા માટે ભગવાં તજી દેનારા, લોકમાન્ય ટિળકના અનુયાયી, ત્રણેક દાયકા સુધી ગાંધીજી અને સરદારના નિકટના સાથીદાર બનેલા સ્વામી આનંદ ઉત્તરાવસ્થામાં તેમના ધસમસતા ગદ્ય અને વિશિષ્ટ શબ્દો-શબ્દપ્રયોગો-શૈલી થકી ગદ્યસ્વામી તરીકે પ્રતિષ્ઠા પામ્યા.
હિમાલયથી ગાંધીજી, વાયા ટિળક
સૌરાષ્ટ્રના શિયાણી ગામે જન્મેલા સ્વામીનાં એક ભવમાં ત્રણ નામ થયાં: જન્મનું નામ હિંમતલાલ દવે, રામકૃષ્ણ મિશનમાં સંન્યાસ લીધા પછીનું નામ સ્વામી આનંદાનંદ અને ગાંધીજીની મંડળીમાં ભળ્યા પછીનું નામ સ્વામી આનંદ.
દસ વર્ષની ઉંમરે ઘરેથી 'ચાલ બચ્ચા, તને ભગવાન દેખાડું' એવું કહેનાર એક સાધુ સાથે તે ચાલી નીકળ્યા. ઘાટઘાટનાં પાણી પીધાં. અસલીનકલી, સાત્વિકતામસી એમ અનેક પ્રકારના સાધુસંતોની સોબત સાધી. ટિળકના રંગે એવા રંગાયેલા કે પહેલાં 'તરુણ હિંદ' નામે મરાઠી અખબાર શરૂ કર્યું અને પછી ટિળકના અનુયાયીઓ દ્વારા ચાલતા 'રાષ્ટ્રમત' અખબાર સાથે સંકળાયા. ત્યાં તેમનો પરિચય કાકાસાહેબ કાલેલકર સાથે થયો.
ગુજરાતી-મરાઠી-બંગાળી-અંગ્રેજી જેવા સાહિત્યનો તેમનો અભ્યાસ તો ચાલુ જ હતો. થોડો સમય તે હિમાલયમાં જઈને રહ્યા, તપસાધના કર્યાં, 'હિમાલયના ચમત્કારીક સિદ્ધ મહાત્માઓ'ના નામે ચાલતા ગપગોળા નકાર્યા. પાછા આવીને તેમણે રાષ્ટ્રસેવામાં જીવનની સાર્થકતા જોઈ અને તે માટે સાધુવેશ છોડવાનું આવશ્યક ગણ્યું.
જટાદાઢી કઢાવ્યાં, ભગવાં ઉતાર્યાં અને સામાન્ય ગૃહસ્થનો પોશાક ધારણ કર્યો. લોકમાન્ય ટિળકના 'ગીતા રહસ્ય'નો ગુજરાતીમાં અનુવાદ કર્યો.
લેખન અને ખાસ તો, પ્રકાશન વિશેના તેમના ચોક્કસ ખ્યાલો-આગ્રહો અને અનુભવ હતાં. કાકાસાહેબે નોંધ્યું છે કે રાષ્ટ્રમાં નવું જીવન આવી રહ્યું હતું, તેની ચર્ચા કરવા માટે સ્વામી 'સાધના' નામે સામયિક શરૂ કરવા ઇચ્છતા હતા. પરંતુ ગાંધીજીના સંપર્કમાં આવ્યા પછી, તેમની કુશળતા પારખીને ગાંધીજીએ તેમને 'નવજીવન' સાપ્તાહિક તૈયાર કરવાના કામમાં જોતરી દીધા. 1920માં સિંહગઢના કિલ્લા પર જૂની પેઢીના ટિળક અને નવી પેઢીના ગાંધીજી થોડા દિવસ સાથે રહે, એવું આયોજન સફળતાપૂર્વક ગોઠવવામાં સ્વામીની મુખ્ય ભૂમિકા હતી.
'નવજીવન' અને આઝાદીની લડતનાં વર્ષ
આગળ જતાં પ્રખર લેખક તરીકે પ્રતિષ્ઠિત બનેલા સ્વામીના 'નવજીવન'માં જૂજ લેખ જોવા મળે છે. તેમનું મુખ્ય કામ સંચાલનનું હતું. તેમાં પ્રૂફ વાંચવાથી માંડીને સુઘડ રીતે, સમયસર સામયિક છપાય અને કરકસરથી આખું તંત્ર ચાલે તે જોવાનું હતું. 1922માં રાજદ્રોહના આરોપસર ગાંધીજી જેલમાં ગયા, ત્યાર પછીના અરસામાં સ્વામી નવજીવનના ઉપતંત્રી બન્યા હતા અને તેમને પણ જેલવાસ થયો હતો. ગાંધીજી 1924માં જેલમાંથી બહાર આવ્યા ત્યારે સ્વામીએ અસરકારક સંચાલનના પરિણામે કરેલી રૂ. પચાસ હજારની બચત ગાંધીજીને સુપ્રત કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અમદાવાદમાં સ્વામીનો નિવાસ સાબરમતી આશ્રમમાં અને શહેરમાં—એમ બંને ઠેકાણે રહ્યો. કારણ કે ત્યારે પ્રેસ શહેરમાં હતું. ગાંધીજીનું કામ કરતાં સ્વામીને બીજા ઘણા તેજસ્વી સાથીદારો મળ્યા. તેમાંથી મહાદેવ દેસાઈ, કિશોરલાલ મશરૂવાળા, વલ્લભભાઈ પટેલ જેવા કેટલાક સાથે તેમને અત્યંત ગાઢ સંબંધ થયો. બારડોલીની લડત હોય, બિહારમાં પૂરરાહત જેવી કામગીરી કે ભાગલા પછીના સમયમાં નિર્વાસિત છાવણીઓમાં કામગીરી, ગાંધીજીના સાથી-અનુયાયી તરીકે ઊલટભેર કામ કર્યું. મહાદેવભાઈનો સ્વામી સાથે એવો સ્નેહ હતો કે પાંચ વર્ષ મોટા સ્વામીને તે તુંકારે પત્રો લખતા. જોકે, ગાંધીજી સ્વામીને હંમેશાં માનાર્થે બહુવચનમાં અને 'ભાઈ આનંદાનંદ' તરીકે સંબોધતા હતા.
બારડોલી સત્યાગ્રહ વખતે સ્વામી વલ્લભભાઈના સહાયક-મંત્રી હતા અને તેમનાં ભાષણોની નોંધ રાખતા હતા. વલ્લભભાઈને તેમની સાથે એવી આત્મયીતા હતી કે 1933માં નાસિક જેલમાંથી તેમણે સ્વામીને મોકલેલા પત્રની શરૂઆત હતી, 'પ્રિય સ્વામી આનંદ, કેમ શું થયું? મરી ગયો કે જીવતો એ પણ ખબર પડતી નથી.' અને આગળ લખ્યું હતું, 'જો તું આવો જંગલી જેવો રહીશ તો તેને પાછો સંસારમાં નાખવો પડશે.' આઝાદી મળ્યા પછી સરદારે સ્વામીને તેમના મદદનીશ તરીકે દિલ્હી તેડાવ્યા હતા, પણ સ્વામી એ દુનિયા છોડી ચૂક્યા હતા. સરદારનાં દીકરી મણિબહેનની તીવ્ર ઇચ્છા હતી કે સ્વામી આનંદ સરદારનું ચરિત્ર લખે. તેમની અનિચ્છા પછી તે કામ બીજા સાથીદાર નરહરિભાઈ પરીખને સોંપાયું.
ગુજરાતી ગદ્યમાં નવી સુગંધ પ્રસરાતા લેખો
આઝાદી વખતની કોમી હિંસા અને ગાંધીજીની હત્યા જેવા બનાવો તથા સત્તાના રાજકારણમાં રસ નહીં હોવાને લીધે, ઉત્તરાવસ્થાના સ્વામી વળી પાછા ટેકરીઓના શરણે ગયા. હિમાલયનું કૌસાની, થાણા જિલ્લામાં આવેલું કોસબાડ જેવાં વિવિધ ઠેકાણે તે રહ્યા અને યથાશક્તિ સેવાકાર્યો કરતા રહ્યા. સાથોસાથ, તેમનું લેખન પૂરા વેગ સાથે શરૂ થયું.
તેમના પરિચયમાં આવેલાં કેટલાંક વિશિષ્ટ પાત્રોનાં શબ્દચિત્રો આલેખવામાં સ્વામીનું કૌશલ્ય જોઈને ભલભલા ધુરંધર સાહિત્યકારો મોંમાં આંગળાં નાખી ગયા. સ્વામીનું મૂળ ભણતર મરાઠી ત્રણ ચોપડી. પછી રામકૃષ્ણ મિશનના ભણેલાગણેલા સાધુઓની સોબતમાં અભ્યાસ આગળ વધાર્યો અને ઉત્તરની ઘણી ભાષાઓ આત્મસાત્ કરી. તેમના જ શબ્દોમાં, '...મારી ભાષા કાઠિયાવાડી કે ગુજરાતી નથી પણ અરધોડઝન પ્રાંતભાષાઓનો ખીચડો છે ને મુખ્યત્વે તેનું હાડ મરાઠીનું છે.'
સ્વામી ગાંધીજીના અનુયાયી અને ખાસ્સા સમય સુધી કાકાસાહેબ કાલેલકરના પરમ મિત્ર હોવા છતાં, ઉત્તરાવસ્થામાં તેમની વખણાયેલી ભાષા સાર્થ જોડણીકોશ મુજબની ન હતી. બોલચાલના તળપદા શબ્દો ભરપૂર માત્રામાં આવી. તેમાં મરાઠી પરંપરાના ને અંગ્રેજી શબ્દો લટકામાં. છતાં ક્યાંય સાંધોસુંધી કે ખોડખટકો ન મળે. જોડિયા શબ્દો સ્વામીની શૈલીની એક ખાસિયત. પાત્રાલેખન ખાસ્સું લાંબા પટે કરે, પણ હરામ બરાબર જો વાંચનારને વચ્ચેથી પડતું મુકવાનું મન થાય તો. ધનીમા જેવાં પ્રતાપી, ગરવાં, શેઠ મોરારજી પરિવારનાં મોભી વિશે જેટલી ઊલટથી લખે, એટલા જ ભાવથી તેમના બંગલા 'ચીનાબાગ'ના ઘોડા મોરુ વિશે લખી શકે અને એટલી જ શિષ્ટ રમુજથી 'મારા ઘરધણીઓ' વિશે લખી શકે.
આકરા આગ્રહો વચ્ચે પુસ્તકસમૃદ્ધિ
સ્વામીના પુસ્તક 'કુળકથાઓ'ને દિલ્હીની કેન્દ્રીય સાહિત્ય અકાદમીનું રૂ. પાંચ હજારનું ઇનામ જાહેર થયું, ત્યારે સ્વામીએ તે લેવાનો ઇન્કાર કરેલો. પોતાની કેફિયતમાં તેમણે બાંધેલી સાધુની વ્યાખ્યા આજે પણ સાધુતાના માપદંડ તરીકે ઉપયોગી ને પ્રસ્તુત છે. તેમણે લખ્યું હતું, ''સાધુ 'દો રોટી, એક લંગોટી'નો હકદાર. એથી વધું જેટલું એ સમાજ પાસેથી લે, તેટલું અણહકનું...સાધુ લે તેનાથી સહસ્ત્રગણી સેવા કરે ત્યાં સુધી તો એણે નકરી અદાયગી કરી...એથી વધુ કરે તેની વશેકાઈ.''
સ્વામીનાં પુસ્તકોમાં સર્જનાત્મક લેખન, પ્રવાસવર્ણનો, પત્રો, સાંભરણો ઉપરાંત સમાજચિંતનનાં ધારદાર લખાણો પણ જોવા મળે છે. 'જૂની મૂડી'માં તેમણે વિસરાઈ ગયેલા શબ્દો, કહેવતો, ઓઠાંઉખાણાં ઉપરાંત બીજી ભાષાઓના કેટલાક શબ્દોનું પણ શક્ય એટલું ગુજરાતીકરણ કરીને, કોઈ કોશના ઉત્સાહ કે શિસ્તથી નહીં, તો પણ સુવ્યવસ્થિત અને સરસ સંગ્રહ આપ્યો છે. એવી જ રીતે, 'ગુરુવર્ય' નાનાભાઈ ભટ્ટ છેલ્લી અવસ્થામાં પગ ભાંગવાથી બિછાનાભેગા થયા ત્યારે મુખ્યત્વે સ્વામીએ તેમની સાથે કરેલો સંવાદ ગુજરાતની સામાજિક ચિંતનની કાયમી મૂડી બને એવો છે. સ્વામીનાં વિવિધ પુસ્તકોમાંથી ચુનંદા લેખો લઈને મૂળશંકર ભટ્ટે કરેલું સંપાદન 'ધરતીની આરતી' ગુજરાતી ભાષાનાં ઉત્તમ પુસ્તકોમાં સ્થાન ધરાવે છે.
'ધરતીની આરતી'માં સમાવિષ્ટ કેફિયતમાં સ્વામીએ લખ્યું હતું,'મારાં લખાણોમાં કશું હીરનૂર હોય , અને તે ગ્રંથસ્થ કરવાનું વાજબી હોય, તોપણ તે દળદરી નઘરોળ દેદારવાળાં અને છાપભૂલોવાળાં નીકળે, એ મારાથી ખમાય નહિ.' માત્ર પુસ્તકો જ નહીં, લેખોની છપાઈ બાબતે પણ સ્વામી અત્યંત આગ્રહી હતા. રા.વિ. પાઠકના 'પ્રસ્થાન' અને ઉમાશંકર જોશીના 'સંસ્કૃતિ'માં તેમના લેખો છપાતા હતા.
'અખંડ આનંદ' સામયિકના ત્રિભુવનદાસે તેમના એક લેખનો સંક્ષેપ છાપવાની રજા માગી, ત્યારે સ્વામીએ રજાની સાથે મુકેલી શરતોમાં એક એ પણ હતી કે 'લેખ જ્યાં છપાય ત્યાં સળંગ છપાવો જોઈએ અને તે પાનાં પર બીજું કોઈ પણ જાતનું લખાણ, પૂરક, કવિતા, જાહેરખબર કે ચિત્ર અગર તો ફીચરનું હેડિંગ તળે, ઉપર, વચ્ચે કે સામને પાને મને બતાવીને મારી સંમતિ વિના ન છપાવું જોઈએ.'
ગૃહસ્થાશ્રમનો મહિમા કરનાર સંન્યાસી
સંન્યાસના ઊંડાપહોળા અનુભવ પછી પણ સ્વામી ગૃહસ્થજીવનને ઉત્તમ માનતા હતા. નાનાભાઈ ભટ્ટ પરના એક પત્રમાં તેમણે લખ્યું હતું,'રામકૃષ્ણ-વિવેકાનંદના સુધુઓએ મને જૂના જોગી-બાવાઓની સંગસોબતની ઘરેડમાંથી બચાવ્યો ને થોડુંક ભણીસમજીને સંન્યાસ લેવાના વિચારને છોડી સમાજસેવા ભણી હું વળ્યો ત્યારથી જ ગૃહસ્થાશ્રમ એ માણસને ઘડવા-મઠારવા સારુ કેવળ મોટી સર્વશ્રેષ્ઠ અને સ્વાભાવિક સંસ્થા છે એનું મને ભાન થયું અને મારા સ્વભાવના દોષ અને ખામીઓ ગૃહસ્થાશ્રમની શિસ્તને અભાવે કાયમ રહ્યાં ને મારું ઘડતર કેવું ઊણું, અધૂરું રહેવાનું તેનો આબાદ ખ્યાલ મને આવી ગયેલો.'
સ્વામીનો ગુસ્સો બહુ આકરો હતો. તેની પર કાબૂ મેળવવાનો તેમનો સંઘર્ષ આજીવન ચાલ્યો. 1962ના એક પત્રમાં તેમણે તેમના ઓટોગ્રાફ લેવા આવનાર એક બાળકીને લખી આપ્યું હતું, 'ગુસ્સો માણસને આંધળું કરે છે. નમૂનો જોવો હોય તો નીચે સહી કરનારને મળવું.' ગુસ્સાની સાથોસાથ તેમનામાં રહેલા પુણ્યપ્રકોપે તેમને કદી નમાલા સાત્વિક ન બનાવ્યા. મકરંદ દવે સાથેના આત્મીય પત્રવ્યવહાર ('સ્વામી અને સાંઈ')માં એક પત્રમાં તેમણે લખ્યું હતું, 'કાળાંબજારિયા ને લાંચિયા લોકોને સામાજિક પ્રતિષ્ઠા આપતા લેભાગુઓને હું સંત ગણવા તો તૈયાર નથી જ પણ ધૂર્ત માનું છું.' એક અન્ય પત્રમાં તેમણે લખ્યું હતું, 'માનવીના વિચાર કે એની કલ્પનાનાં ઉડ્ડયનો અને speculations ગમે તેવડાં ઊંચાં અને ભવ્ય હોય, એની કિંમત નજીવી છે. એનો પ્રત્યક્ષ જીવનવ્યવહાર અને આચરણના ક્ષેત્રમાં એની સિદ્ધિઓ એ જ એના જીવનની ઊંચાઈની સાચી પારાશીશીઓ છે. બીજું બધું નકરું Fireworks છે...'
કાકાસાહેબના લેખોમાં દેખાતી સરળ પ્રાસાદિકતાને બદલે સ્વામીમાં ચોટદાર શૈલીનું અને મુલક આખાની બોલીઓમાંથી ચૂંટીને ચોટડૂક ઢબે પ્રયોજોતા શબ્દોનું પ્રાધાન્ય. છતાં, એવું બન્યું કે ગુજરાતીનાં પાઠ્યપુસ્તકોમાં કાકાસાહેબના લેખોની (વાજબી રીતે) બોલબાલા રહી, પણ સ્વામી નદારદ. તેમનો એક પણ લેખ વાંચ્યા વિના કે તેમનું નામ સાંભળ્યા વિના ગુજરાતની પેઢીઓની પેઢીઓ બાર ધોરણ ભણી ઊતરી. હવે સ્વામી પણ તેમણે આલેખેલાં અનેક પાત્રોની હરોળમાં આવી ગયા છે—પ્રતાપી છતાં જેનું પુણ્ય પરવારી ગયું હોય એવી ભૂમિએ ભૂલાવી દીધેલા.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો