You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
હરિદાસ વિહારીદાસ દેસાઈ જેમને સ્વામી વિવેકાનંદ પિતાતુલ્ય ગણતા
- લેેખક, ઉર્વીશ કોઠારી
- પદ, બીબીસી ગુજરાતી માટે
ગુજરાતીઓ વિશેની માન્યતાનાં અનેક ચોકઠાં તોડીને, વિવિધ ક્ષેત્રોમાં માતબર પ્રદાન કરનારા ગુજરાતીઓને યાદ કરવાનો અને ગુજરાતની અસ્મિતાની અસલી ઓળખ અંકે કરવાનો ઉત્સવ એટલે આ શ્રેણી.
જૂનાગઢના દીવાન તરીકે સૌથી વધુ ખ્યાતિ મેળવનારા નડિયાદના હરિદાસ વિહારીદાસ દેસાઈનું યુવાન સ્વામી વિવેકાનંદના જીવનમાં એવું સ્થાન હતું કે વિવેકાનંદે તેમને લખ્યું હતું, It is impossible that I should ever forget your fatherly kindness and care of me (તમારાં પિતાતુલ્ય ઉદારતા અને કાળજી હું કોઈ કાળે ભૂલી શકું એમ નથી.)
જૂનાગઢના દીવાનપદ સુધી
19મી સદીના ઉત્તરાર્ધમાં નડિયાદના ઘણા અગ્રણીઓ કાઠિયાવાડનાં નાનાંમોટાં રજવાડાંમાં દીવાન, કારભારી, ન્યાયાધીશ જેવા હોદ્દે નીમાતા હતા. તે પરંપરાનાં નામોમાં હરિદાસ દેસાઈનું નામ પહેલી હરોળમાં આવે. રાજકારભાર તેમની કુટુંબ પરંપરામાં હતો. તેમના પિતા વિહારીદાસને અંગ્રેજ સરકારે ‘રાવબહાદુર’નો ખિતાબ આપ્યો હતો. 1850-1860ના સમયગાળામાં અંગ્રેજી પદ્ધતિનું ભણતર જૂજ લોકો પૂરતું મર્યાદિત હતું અને તેનું મહત્ત્વ સ્થાપિત થયું ન હતું, ત્યારે હરિદાસે ખંતથી અભ્યાસ કર્યો.
તેમના વિશેના ટૂંકા ચરિત્રઆલેખમાંથી મળતી વિગત પ્રમાણે, 11 વર્ષની ઉંમરે તે અંગ્રેજી ભણવા અમદાવાદ ગયા હતા. પણ થોડા દિવસમાં તેમના દાદાએ તેમને પાછા બોલાવી લીધા અને નડિયાદમાં જ તેમને અંગ્રેજી શીખવવા એક શિક્ષક રાખ્યા. ત્યાર પછી તે થોડો સમય અમદાવાદ રહ્યા, જ્યાં તેમનું સમૃદ્ધ મિત્રમંડળ વિકસ્યું. નડીયાદ પાછા આવ્યા પછી તે મ્યુનિસિપાલિટી સહિતની જાહેર સંસ્થાઓમાં સક્રિય થયા, ‘નડિયાદનો ઇતિહાસ’ના લેખક શાંતિલાલ ઠાકરની નોંધ પ્રમાણે, તે નડિયાદના મ્યુનિસિપલ કમિશનર તરીકે નીમાયા. થોડો સમય તે મુંબઈમાં પણ રહ્યા.
કાઠિયાવાડમાં તેમની કારકિર્દીની શરૂઆત ગોંડલના કારભારી તરીકે થઈ. ત્યાર પછી ભાવનગર, વઢવાણ, વાંકાનેર અને ઇડર જેવાં દેશી રાજ્યોમાં તેમણે વિવિધ જવાબદારીઓ એવી રીતે નિભાવી કે પ્રામાણિક, કુશળ અને નિષ્પક્ષ વહીવટકર્તા તરીકે તેમની ખ્યાતિ ફેલાઈ. સપ્ટેમ્બર 12, 1883ના રોજ તે જૂનાગઢના દીવાનપદે નીમાયા.
સ્વામી વિવેકાનંદ સાથે પ્રથમ મેળાપ
જૂનાગઢના નવાબ બહાદુરખાન અને તેમના મામા-રાજ્યના વજીર બહાઉદ્દીનખાન બંનેનો વિશ્વાસ હરિદાસે જીત્યો. ‘સત્યવક્તાની ચિત્રાવલી’ પુસ્તકમાં મળતા હરિદાસના ટૂંકા આલેખમાં જણાવ્યા પ્રમાણે, બહાઉદ્દીનખાન અને હરિદાસના સમયમાં જૂનાગઢ રાજ્યે “રેલવે, સારા માર્ગ, નગરશોભા, વ્યાપારવૃદ્ધિ, રાજાપ્રજાનો પરસ્પર વિશ્વાસ“ જેવી અનેક બાબતોમાં સંતોષકારક પ્રગતિ કરી.
વર્ષ 1891માં સ્વામી વિવેકાનંદ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. પહેલાં અમદાવાદ અને ત્યાંથી લીમડી રોકાઈને ડિસેમ્બરમાં તે જૂનાગઢ પહોંચ્યા. ત્યારે 28 વર્ષના સ્વામી વિવેકાનંદ 51 વર્ષના દીવાન હરિદાસને પહેલી વાર મળ્યા અને એક આત્મીય સંબંધની શરૂઆત થઈ.
સ્વામીએ તેમને લખેલો પહેલો ઉપલબ્ધ પત્ર એપ્રિલ 26, 1892નો છે. વડોદરાથી લખેલા એ પત્રમાં સ્વામીએ ‘ડીયર દીવાનજી સાહેબ’ના સંબોધન સાથે હરિદાસને લખ્યું હતું, “...નડિયાદ સ્ટેશનેથી તમારું ઘર શોધતાં મને જરાય તકલીફ ન પડી. તમારા ભાઈઓ એવા જ છે, જેવા તમારા ભાઈઓ હોવા જોઈએ... ઇશ્વર આપના પરિવાર પર તેના આશીર્વાદ વરસાવે. આવો પરિવાર આખી મુસાફરી દરમિયાન મને ક્યાંય મળ્યો નથી...”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સ્વામીના એ પત્રના અંતે ‘તા.ક.’ તરીકે હરિદાસના મિત્ર અને જાણીતા વિદ્વાન મણિલાલ નભુભાઈ દ્વિવેદીનો પણ ઉલ્લેખ છે. સ્વામીએ લખ્યું છે કે “નડિયાદમાં હું મિ. મણિલાલ નભુભાઈને મળ્યો. તે બહુ વિદ્વાન અને પવિત્ર સજ્જન છે. તેમની સોબતમાં મને બહુ આનંદ આવ્યો.” એ જ વર્ષે જૂનમાં પૂનાથી લખેલા પત્રના આરંભે જ સ્વામીએ ચિંતા વ્યક્ત કરી હતી,” ઘણા સમયથી તમારા કંઈ ખબરઅંતર નથી. આશા રાખું છું કે મારા કોઈ વ્યવહારથી તમને માઠું નહીં લાગ્યું હોય... જૂનાગઢમાં તમારા માર્ગમાં રહેલી અડચણો અત્યાર સુધીમાં સંપૂર્ણપણે દૂર થઈ ચૂકી હશે...” (જૂન 15,1892)
હરિદાસ, વિવેકાનંદ અને ખેતડીના રાજાઃ એક અનોખો ત્રિકોણ
દીવાન હરિદાસ દેસાઈની જેમ ખેતડી (રાજસ્થાન)ના રાજા અજિંત સિંઘ પણ સ્વામી વિવેકાનંદથી પ્રભાવિત થયા હતા અને તેમને ઘણી મદદ કરતા હતા. તે ધ્યાનમાં રાખીને સ્વામીએ હરિદાસને એક પત્રમાં લખ્યું હતું, ‘જૂનાગઢમાં અત્યારે સિંહનાં બચ્ચાં છે? એમાંથી એક તમે મારા રાજાને આપી શકો? બદલામાં તમને ગમે તો એ તમને રાજપૂતાના (રાજસ્થાન)નાં થોડાં પ્રાણીઓ આપી શકે એમ છે.” (એપ્રિલ 28, 1893)
તે પત્રના એક મહિના પછી ખેતડીના રાજાને લખેલા એક પત્રમાં સ્વામી વિવેકાનંદે તેમની નડિયાદની મુલાકાતનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે લખ્યું હતું, “હરિદાસભાઈએ રાબેતા મુજબ મને સરસ રીતે રાખ્યો. ત્યાં તમારા વિશે પણ ઘણી વાત થઈ. એટલી બધી વાત કે હરિદાસભાઈ તમને મળવા આતુર છે... અને હું એ કહેવાનું સાહસ કરું છું કે પચીસ વર્ષ સુધી કાઠિયાવાડના માર્ગદર્શક રહેલા તેમના જેવા અનુભવી વૃદ્ધને મળીને યોર હાઇનેસને પણ બહુ આનંદ થશે. તે રાજપુરુષોની જૂની, રૂઢિચુસ્ત પેઢીના છેલ્લા માણસ છે. વર્તમાન તંત્રમાં યોગ્ય આયોજન દ્વારા ઉત્તમ વ્યવસ્થા સ્થાપી શકવાની શક્તિ તે ધરાવે છે. પણ તેનાથી (વર્તમાન તંત્રથી) આગળ તે એક ડગલું પણ નહીં વધે.” (મે 22, 1893)
હરિદાસ દેસાઈ પર સ્વામીએ લખેલા ઘણાખરા પત્રોમાં ‘દીવાનજી સાહેબ’ પ્રત્યેનો તેમનો આદર ચુનંદા શબ્દોમાં વ્યક્ત થતો હતો. મુંબઈથી એક પત્રમાં તેમણે લખ્યું હતું, ‘તમારાં પિતાતુલ્ય ઉદારતા અને કાળજી હું કોઈ કાળે ભૂલી શકું એમ નથી. તેના બદલામાં મારા જેવો ગરીબ ફકીર તમારા જેવા સમર્થ સત્તાધીશ (‘માઇટી મિનિસ્ટર’)ને શું આપી શકે? તમામ સોગાદો આપનાર (ઇશ્વર)ને મારી પ્રાર્થના કે આ પૃથ્વી પર તમારી તમામ ઇચ્છાઓ પૂરી કરે અને અંતે - એ દિવસને ઇશ્વર હજુ ઘણો ઘણો દૂર રાખે- તમને પોતાના દિવ્ય શાતાદાયી-સુખદાયી આશરે સમાવી લે.’ (ઑગસ્ટ 22, 1892) એ જ વર્ષે સ્વામીએ તેમના એક મિત્ર અક્ષયકુમાર ઘોષને ભલામણપત્ર આપીને દીવાન હરિદાસ પાસે મોકલ્યો હતો અને તેને નોકરી આપવા ‘ડીયર દીવાનજી સાહેબ’ને વિનંતી કરી હતી.
એક પ્રસંગે સંદેશાની આપ-લેમાં વિલંબ થવાથી હરિદાસ વિવેકાનંદની નડિયાદ રાહ જોતા હતા અને તે પહોંચી શક્યા નહીં. ત્યાર પછીના પત્રમાં સ્વામીએ લખ્યું હતું, “ (હજુ) હું એ જ આનંદી, તોફાની પણ નિર્દોષ યુવાન છું, જે તમને જૂનાગઢમાં મળ્યો હતો. તમારા ઉમદા વ્યક્તિત્વ માટેનો મારો પ્રેમ સો ગણો વધી ગયો છે. કારણ કે હું દખ્ખણના લગભગ બધાં રાજ્યોના દીવાનો સાથે તમારી મનોમન સરખામણી કરું છું અને ભગવાન સાક્ષી છે, દખ્ખણના દરેક દરબારમાં તમારાં વખાણ કરતાં મારી જીભ સડસડાટ ચાલી છે (તમારા ઉમદા ગુણ વર્ણવવા માટે મારી શક્તિ પૂરતી નથી એ હું જાણું છું છતાં). આટલો ખુલાસો પૂરતો ન હોય તો હું તમને વિનંતી કરું છું કે એક પિતા તેના પુત્રને માફ કરે એ રીતે મને માફ કરશો, જેથી ‘મારી સાથે જેમણે સારો વ્યવહાર કર્યો હતો તેની સાથે હું કૃતઘ્નતાથી વર્ત્યો’ એવો ખ્યાલ મને સતાવે નહીં.” (મે 1893)
શિકાગોની વિશ્વધર્મપરિષદ અને અમેરિકાથી પત્રો
સ્વામી વિવેકાનંદના જીવનની સૌથી પ્રખ્યાત ઘટના એટલે ઇ.સ. 1893માં શિકાગોમાં યોજાયેલી વિશ્વધર્મપરિષદમાં તેમની હાજરી અને તેમનું પ્રભાવશાળી વ્યાખ્યાન. તેમની શિકાગો જવાની વ્યવસ્થા ખેતડીના રાજાએ કરી હતી. શિકાગોથી સ્વામીએ દીવાન હરિદાસને લખેલા એક પત્રમાં તેમણે ફરિયાદના સૂરમાં લખ્યું હતું, “હિંદુઓએ અમેરિકનોને એવું કહેવાની તસદી પણ લીધી નહીં કે હું એમનું પ્રતિનિધિત્વ કરું છું...” કોઈએ અમેરિકનોને એવું પણ કહ્યું કે સ્વામી વિવેકાનંદે અમેરિકામાં આવીને જ સંન્યાસીનો વેશ ધારણ કર્યો છે. હકીકતમાં તો એ છેતરપિંડી કરનારો છે.
એ જ પત્રમાં આગળ સ્વામીએ લખ્યું હતું,” ‘ભારત પર વિજય મેળવવાનું અંગ્રેજો માટે કેમ સહેલું હતું? એટલા માટે કે એ લોકો એક રાષ્ટ્ર છે ને આપણે નથી. આપણો એક મહાન માણસ મૃત્યુ પામે ત્યારે બીજા મહાન માણસ માટે આપણે સદીઓ સુધી રાહ જોવી પડે છે, (જ્યારે) એ લોકો મહાન માણસો જે ઝડપે વિદાય થાય, એ ઝડપે બીજા મહાન માણસ પેદા કરી શકે છે. અમારા દીવાનજી સાહેબની વિદાય થશે (ભગવાન કરે, મારા દેશના હિતમાં એ દિવસ મોડો આવે) તો તેમની જગ્યા ભરવાની દેશને તકલીફ પડશે...”
ભારતમાં મહાન માણસોની અછતનું કારણ આપતાં તેમણે લખ્યું હતું કે 30 કરોડની વસ્તી ધરાવતા (આપણા) દેશમાં મહાન માણસો અમુક જ વર્ગમાંથી (જ્ઞાતિમાંથી) પેદા થઈ શકે છે, જ્યારે ત્રણ-ચાર-છ કરોડની વસ્તી ધરાવતા દેશોમાં (મહાન માણસો જ્યાંથી આવી શકે એ) વર્ગ બહુ મોટો છે. આપણા દેશની આ મોટી ખામી છે ને એ દૂર કરવી પડશે. (જૂન 20,1894)
છેલ્લી નિમણૂક અને વિદાય
ભારતમાં અફીણના વેચાણ અને દવા સિવાયના ઉપયોગો માટે તેના પર પ્રતિબંધના મુદ્દે અંગ્રેજ વડા પ્રધાન ગ્લેડસ્ટને સંસદની મંજૂરી સાથે ‘રૉયલ કમિશન ઑફ ઓપિયમ’ નીમ્યું. 1893માં રચાયેલા કમિશનના કુલ નવ સભ્યોમાં સાત અંગ્રેજ અને બે ભારતીય હતા. તેમાંથી એક હતા હરિદાસ દેસાઈ. જીવનનાં છેલ્લાં વર્ષો નિવૃત્તિમાં ગાળવાના આશયથી તે જૂનાગઢથી નડિયાદ આવી ગયા, પણ ટૂંકા નિવૃત્તિકાળ પછી જૂન 17,1895ના રોજ તેમનું અવસાન થયું.
સ્વામી વિવેકાનંદ ત્યારે અમેરિકામાં જ હતા. તેમણે તેમનાં અમેરિકાનાં સ્નેહી શ્રીમતી હેઇલ (Hale) પરના એક પત્રમાં લખ્યું હતું, “મારું હૃદય આજે ઘણું, ઘણું ઉદાસ છે. પત્રોથી દીવાનજીના અવસાનના સમાચાર મળ્યા છે. તે મારા માટે પિતાતુલ્ય હતા....” (જુલાઈ 30, 1895) આગળ પત્રમાં તેમણે દીવાનજીનો પૃથ્વી તરીકે ઓળખાતા ગંદા ઘોલકામાં (dirty hole they call the Earth) કે બીજે ક્યાંય પુનર્જન્મ ન થાય એવી ભાવના વ્યક્ત કરી. ત્યાર પછી માર્ચ 1,1896ના રોજ ન્યૂયૉર્કથી તેમણે હરિદાસ દેસાઈના ભત્રીજા ગિરિધરદાસને ખરખરાનો એક પત્ર લખ્યો હતો.
સ્વામી વિવેકાનંદ દીવાન હરિદાસ દેસાઈના સંપર્કમાં ન આવ્યા હોત તો તેમના જેવા વ્યક્તિત્વ વિશે સાવ ઉપરછલ્લી માહિતીથી જ કદાચ સંતોષ માનવો પડ્યો હોત.