You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અબ્બાસ તૈયબજી : ગાંધીજીના ‘પાકા મિત્રો પૈકીના એક’ એવા ‘ગ્રાન્ડ ઑલ્ડ મૅન ઑફ ગુજરાત’
- લેેખક, ઉર્વીશ કોઠારી
- પદ, બીબીસી ગુજરાતી માટે
ગુજરાતીઓ વિશેની માન્યતાનાં અનેક ચોકઠાં તોડીને, વિવિધ ક્ષેત્રોમાં માતબર પ્રદાન કરનારા ગુજરાતીઓને યાદ કરવાનો અને ગુજરાતની અસ્મિતાની અસલી ઓળખ અંકે કરવાનો ઉત્સવ એટલે આ શ્રેણી.
દાંડીકૂચમાં ગાંધીજીની ધરપકડ થાય તો તેમની જગ્યાએ કૂચની આગેવાની લેવા માટે ગાંધીજીએ અબ્બાસ તૈયબજીને પસંદ કર્યા હતા. ન્યાયાધીશની માનભરી નોકરીમાંથી નિવૃત્ત થયા પછી અબ્બાસસાહેબે બાકીનાં વર્ષ સુખસાહ્યબીમાં ગાળવાને બદલે, દેશ ખાતર જેલ અને અગવડો વહોરી લીધાં.
તૈયબજી પરિવારની પરંપરા
ગાંધીજી કરતાં પંદર વર્ષ મોટા અબ્બાસસાહેબનો જન્મ વિશિષ્ટ ગણાતા તૈયબજી પરિવારમાં થયો હતો. સામાન્ય રીતે ‘સારા કુટુંબમાં’ જેવા શબ્દપ્રયોગોનો અર્થ ‘કથિત ઉચ્ચ જ્ઞાતિમાં’ એવો થતો હોવાથી, તેનો ઉલ્લેખ કઠતો હોય છે. પરંતુ અબ્બાસસાહેબના કિસ્સામાં તે જરૂરી લાગે છે. કેમકે, જાણીતા અભ્યાસી રામચંદ્ર ગુહાએ તેમના એક લેખમાં, કળા અને જાહેર જીવનમાં પ્રદાનના સંદર્ભે પશ્ચિમ ભારતના તૈયબજી પરિવારની સરખામણી પૂર્વ ભારતના ટાગોર પરિવાર સાથે કરી હતી.
કુટુંબની ઓળખ બની ગયેલા, અબ્બાસસાહેબના દાદા તૈયબજીનું મૂળ નામ તૈયબઅલી. તે ખંભાતથી મુંબઈ જઈને વસ્યા પછી મોટા વેપારી બન્યા. તેમનાં છ પુત્રો અને ચાર પુત્રીઓમાંથી એક પુત્ર બદરુદ્દીન તૈયબજી લંડનમાં મિડલ ટૅમ્પલમાંથી બૅરિસ્ટર થયા અને મુંબઈ હાઇકોર્ટમાં વકીલાત કરનારા પહેલા ભારતીય બૅરિસ્ટર બન્યા. ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ સાથે તે શરૂઆતથી સંકળાયેલા અને કૉંગ્રેસના ત્રીજા અધિવેશનના પ્રમુખ હતા.
બદરુદ્દીનના બ્રિટન ભણી આવેલા બીજા ભાઈ કમરુદ્દીને ચુસ્ત ધાર્મિક કુટુંબમાં ભણતરનો, સુધારાનો અને અંગ્રેજી કેળવણીનો મહિમા કર્યો. તેથી કુટુંબના બીજા સભ્યો ઉપરાંત, કમરુદ્દીનના ભાઈ શમ્સુદ્દીનના દીકરા અબ્બાસને અંગ્રેજી ભણવાની તક મળી. નાનપણમાં મા ગુમાવનાર અબ્બાસસાહેબને અગીયાર વર્ષની ઉંમરે અભ્યાસ માટે બ્રિટન મોકલવામાં આવ્યા. શરૂઆતની મુસીબતો પછી તેમનું ગાડું ચીલે ચઢ્યું. તેમનો મૂળ આશય આઇસીએસ થવાનો હતો, પણ તેમાં સફળતા ન મળતાં, વર્ષ 1875માં તે બૅરિસ્ટર બન્યા.
ગાયકવાડી રાજ્યમાં સરકારી અને જાહેર જીવન
બૅરિસ્ટર તરીકે ચારેક વર્ષ પ્રૅક્ટિસ કર્યા પછી અબ્બાસસાહેબની ન્યાયાધીશ તરીકેની કારકિર્દી શરૂઆત ગાયકવાડી રાજમાં આવતા વીસનગરથી થઈ. ત્યાર પછી તેમણે વડોદરા ઉપરાંત અમરેલીમાં પણ એ હોદ્દે કામ કર્યું અને તેમના સ્વતંત્ર મિજાજ માટે જાણીતા બન્યા. સયાજીરાવ ગાયકવાડ પણ તેમની નારાજગીની પરવા કરતા હતા અને તે મળવા જાય ત્યારે ‘મિજાજે શરીફ કૈસા હૈ?’ એવું પૂછતા હતા.
વડોદરામાં તે મહારાજા ગાયકવાડના અત્યંત વિશ્વાસુ બની રહ્યા. મહારાજાની ગંભીર માંદગી વખતે તેમની નિમણૂક મહારાજાના અંગત-વિશ્વાસુ અમલદાર તરીકે કરવામાં આવી. વર્ષ 1885થી 1913 સુધી તેમણે વડોદરા હાઇકોર્ટના ન્યાયાધીશ તરીકે કામ કર્યું. એક વાર તે પત્ની અમીનાબેગમ સાથે મહારાજાના કાફલામાં બ્રિટન અને ફ્રાન્સ પણ ગયા હતા. અલબત્ત, અબ્બાસસાહેબે એવો આગ્રહ રાખ્યો હતો કે અમીનાબેગમ સરકારી કર્મચારી નથી, એટલે તે અંગત ખર્ચે આવશે.
વડોદરાના જાહેર જીવનમાં પણ તેમની સક્રિય ભૂમિકા હતી. તે સમયે પછાત એવા મુસ્લિમ સમાજનાં છોકરા-છોકરીઓના ભણતરમાં અને તેમના માટે શાળા શરૂ કરાવવામાં અબ્બાસસાહેબની સક્રિય ભૂમિકા રહી. મુસલમાન સમાજ સાથે સક્રિય રીતે જોડાયેલા હોવા છતાં, તેમનામાં કોમવાદી સંકુચિતતા ન હતી. વડોદરામાં પ્લેગ અને પૂર જેવી આપત્તિઓ આવી, ત્યારે રાહતકાર્યોમાં પણ અબ્બાસસાહેબ ઉત્સાહભેર સંકળાયા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વડોદરા રાજ્યમાં ડૉક્ટર તરીકે નિમાયેલા યુવાન સુમંત મહેતા અને તેમનાં પત્ની શારદાબહેન મહેતાને તૈયબજી પરિવાર સાથે બરાબર ગોઠી ગયું. કોઈની શેહશરમ નહીં ભરવા માટે જાણીતા સુમંતભાઈએ લખ્યું હતું, ‘અબ્બાસ તૈયબજીએ અમારા જીવનમાં રસ પૂર્યો. એમને ત્યાં મેં દોસ્તી અને પ્રેમભાવ અનુભવ્યાં. અમારો સંબંધ એટલો બધો ગાઢો થયો કે જ્યારે શારદાબહેન અમદાવાદ જતાં ત્યારે હું દવાખાનાનું કામ પૂરું કરી તૈયબજી કુટુંબ સાથે રહેતો હતો. હિંદુમુસ્લિમનો ભેદ અમે અનુભવ્યો નથી.’
ગાંધીજી સાથે મુલાકાત અને ઉત્તરાવસ્થાની ઊથલપાથલ
કૉંગ્રેસ સાથે અબ્બાસ તૈયબજીનો સંબંધ વડોદરા રાજ્યની નોકરી વખતનો. ગાંધીજી-કસ્તૂરબા 1915માં કાયમ માટે દક્ષિણ આફ્રિકાથી ભારત આવી ગયાં, ત્યારે મુંબઈમાં તેમના માનમાં યોજાયેલી એક પાર્ટીમાં અબ્બાસસાહેબ હાજર હતા. પણ તે ગાંધીજીથી પ્રભાવિત થયા નહીં. એ જ વર્ષે અબ્બાસસાહેબ અને તેમનાં પત્ની અમીનાબહેને ગાંધીજીના કોચરબ આશ્રમની મુલાકાત લીધી અને ત્યાંની પ્રવૃત્તિઓ જોઈને ગાંધીજી વિશેનો તેમનો અભિપ્રાય બદલાઈ ગયો.
રૉલેટ ખરડાઓને પગલે પંજાબમાં લશ્કરી શાસનના અત્યાચારોનો સિલસિલો ચાલ્યો, તેની તપાસ માટે કૉંગ્રેસ તરફથી એક સમિતિ નીમવામાં આવી. તેના એક સભ્ય તરીકે ગાંધીજીએ અબ્બાસ તૈયબજીનું નામ આપ્યું. સમિતિના બીજા સભ્યો હતાઃ મોતીલાલ નહેરુ, મદનમોહન માલવિયા, એમ. આર. જયકર અને ગાંધીજી પોતે. આ કામ માટે પંજાબમાં લાંબા સમય સુધી તે રહ્યા અને અંગ્રેજ સરકારના અત્યાચારોની કથનીઓથી કમકમાટી અનુભવી. તેની માનસિક અસર એવી થઈ કે અબ્બાસ તૈયબજીને અંત નજીક લાગ્યો. તેમની ઇચ્છાથી ગાંધીજીએ પોતાના હાથે અબ્બાસસાહેબનું વિલ લખ્યું અને તેની પર ડૉ. જીવરાજ મહેતાની સાથે સહી પણ કરી.
પંજાબના અત્યાચારો અને જલિયાંવાલા બાગના હત્યાકાંડ પછી બીજા ઘણા લોકોની જેમ અબ્બાસસાહેબનો પણ અંગ્રેજી રાજ પરથી ભરોસો ઊઠી ગયો અને તે પાકા સત્યાગ્રહી બન્યા. ગાંધીજીએ અંગ્રેજી રાજ સામે અસહકારનો વિચાર મૂક્યો ત્યારે અબ્બાસસાહેબમાં જાણે નવેસરથી જુવાની આવી. એ ચળવળ દરમિયાન તેમણે ગાંધી ટોપી અપનાવી. ગાંધીજીએ ટિળક સ્વરાજ ફંડ પેટે એક વર્ષમાં રૂ. એક કરોડ ઉઘરાવાનું અશક્ય લાગતું ધ્યેય નક્કી કર્યું, તેમાંથી ગુજરાત રૂ. દસ લાખ આપશે એવું વલ્લભભાઈ પટેલે જાહેર કર્યું.
તે વચન પૂરું કરવા માટે અબ્બાસસાહેબ ખેડા જિલ્લાના કાર્યકરોના આગેવાન બન્યા. બધી સાહ્યબી છોડીને તેમણે રવિશંકર મહારાજ સાથે ખેડાનાં ગામડાંમાં રઝળપાટ આદરી. જે મળે તે ખાવું, જ્યાં રહેવા મળે ત્યાં રહેવું, એવો તેમના માટે એ પહેલો અનુભવ હતો, પણ અબ્બાસસાહેબ હિંમત હાર્યા નહીં. તેમને તો એ કામ ‘વસાણા જેવું’ લાગ્યું. તેમણે કહ્યું હતું, ‘મારી માંદગી અને આળપંપાળપણું ક્યાં જતાં રહ્યાં તેની ખબર જ ન પડી. અસહકાર જાગ્યો ન હોત તો હું ખાટલે પડીને ક્યારનો મરી ગયો હોત.’
બારડોલી સત્યાગ્રહ અને દાંડીકૂચ
વલ્લભભાઈ પટેલે બારડોલીમાં અન્યાયી મહેસૂલવધારાના વિરોધમાં સત્યાગ્રહની આગેવાની લીધી, ત્યારે ઘણા ઘડાયેલા અગ્રણીઓ તેમની મદદમાં રહ્યા અને વિવિધ છાવણીઓની જવાબદારીઓ સંભાળી. અબ્બાસસાહેબ મઢી છાવણીના વડા હતા. સત્યાગ્રહની શરૂઆતથી તે બારડોલી પહોંચ્યા હતા અને સત્યાગ્રહના અંત સુધી રહ્યા. ઉંમરમાં વલ્લભભાઈ કરતાં 21 વર્ષ મોટા હોવા છતાં, વલ્લભભાઈની સરદારી હેઠળ કામ કરવામાં તેમને જરાય સંકોચ ન નડ્યો. ભૂતકાળના મોભાનો ભાર તો ખેડાનાં ગામોમાં ફરતી વખતે જ જતો રહ્યો હતો.
ગાંધીજીએ દાંડીકૂચની જાહેરાત કરી, ત્યારે એક અખબારી અહેવાલથી અબ્બાસસાહેબને એવી ગેરસમજ થઈ કે તેમણે પણ કૂચમાં જોડાવાનું છે. ઉતાવળે તૈયારી કરીને તે સાબરમતી આશ્રમે પહોંચ્યા ત્યારે ગાંધીજીએ તેમને કહ્યું, ‘તમને કૂચમાં લઈ જવાના છે એવું કોણે કહ્યું? તમને તો બંદૂકની ગોળી ખાવા માટે રાખ્યા છે.’ છેવટે એવું નક્કી થયું કે અબ્બાસસાહેબે કૂચમાં જવું ખરું, પણ ગાંધીજી કરતાં એક મુકામ પાછળ રહેવું અને ગાંધીજીની ધરપકડ થાય તો કૂચની જવાબદારી તેમણે સંભાળવી.
કૂચ પૂરી થયાના થોડા દિવસ પછી ગાંધીજીની ધરપકડ થઈ. ત્યાર પછી ધરાસણાનાં મીઠાનાં અગરો પર ધાડ પાડવાની વાત આવી. નક્કી થયા પ્રમાણે અબ્બાસસાહેબે તેની આગેવાની લીધી. તેમને તરત પકડી લેવામાં આવ્યા અને છ મહિનાની જેલની સજા થઈ. જેલમાં જવાને કારણે તેમને મળતું ગાયકવાડ સરકારનું પેન્શન બંધ થઈ ગયું હતું. તે ગાંધી-ઇર્વિન સંધિ પછી ફરી શરૂ થયું, પણ 1932માં ફરી પકડાયા ત્યારે તે કાયમ માટે બંધ થયું.
વડોદરા રાજ્યમાં પ્રજાના હકોના રક્ષણ માટે પ્રજામંડળની રચના થઈ તેમાં અને દલિતોની સેવાની પ્રવૃત્તિમાં એંસી વર્ષની ઉંમરે પણ અબ્બાસસાહેબ ઉત્સાહથી ભાગ લેતા હતા. વર્ષ 1934માં તેમની 80મી જયંતી ઊજવાઈ ત્યારે પ્રકાશિત થયેલી પુસ્તિકા ‘બુઝરગ યુવાન’માં ગાંધીજીએ અબ્બાસસાહેબની લાક્ષણિકતાઓને ચોટડૂક ભાષામાં આ શબ્દોમાં વર્ણવી હતીઃ ‘(તે) ચુસ્ત મુસલમાન હોવા છતાં ચુસ્ત હિંદુની સાથે સગા ભાઈની જેમ રહી શકે છે, સાહેબ લોકોનું જીવન ગાળતા આવ્યા છે છતાં ગમે તેવું ગામડિયા જીવન હસમુખા વદને ગાળી શકે છે. કોમળ શરીર હોવા છતાં જેલજીવન સહી શકે છે. વિચાર અને વાણીનો મેળ સાધે છે...એ ડોસો સો વર્ષ જીવો.’ (18-1-34)
બે વર્ષ પછી તેમનું અવસાન થયું ત્યારે ગાંધીજીએ તેમને ‘મારા સૌથી પાકા મિત્રોમાંના એક’ અને ‘ગ્રાન્ડ ઑલ્ડ મૅન ઑફ ગુજરાત’ તેમ જ દેશના વફાદાર સેવક તરીકે ઓળખાવ્યા હતા.
(માહિતીનો મુખ્ય આધારઃ બુઝરગ યુવાન અબ્બાસ તૈયબજી, લેખક કલ્યાણજી વિ. મહેતા, નવજીવન કાર્યાલય, અમદાવાદ, 1938)
- ચંદુલાલ પટેલ : ગોંડલરાજના એ વિદ્યાધિકારી જેમણે ‘ભગવદ્ગોમંડલ’નું સંપાદન કરી ગુજરાતી ભાષાની સેવા કરી
- છોટુભાઈ પુરાણી : માયકાંગલા હોવાનું મહેણું ખાતા ગુજરાતીઓમાં અખાડાપ્રવૃત્તિથી પરાક્રમ પ્રગટાવનાર ગુજરાતી
- સ્વામી આનંદ : ગુજરાતી સાહિત્યના એ 'ગદ્યસ્વામી' જેમણે દેશસેવા માટે ભગવાં ત્યજી દીધાં
- ભાઈકાકા – પાકિસ્તાનના સક્કરબેરેજથી લઈ શિક્ષણનગરી વલ્લભવિદ્યાનગરનું નિર્માણ કરનારા ગુજરાતી એન્જિનિયર
- ત્રિભુવનદાસ કે. ગજ્જર: રાણી વિક્ટોરિયાનાં પૂતળા પર દૂર કરવા અશક્ય મનાતા ડાઘને સાફ કરી આપનારા ગુજરાતી રસાયણશાસ્ત્રી
- હરિદાસ વિહારીદાસ દેસાઈ જેમને સ્વામી વિવેકાનંદ પિતાતુલ્ય ગણતા
- નરસિંહભાઈ પટેલ : સાચું બોલવામાં કોઈની શરમ ન રાખતા એ ગુજરાતી જેમણે ટાગોરને પણ સંભળાવી દીધું હતું
- ગાંધીજીએ જેમને 'માતૃત્વમૂર્તિ' કહી બિરદાવ્યાં એ ગુજરાતનાં પ્રથમ સ્ત્રી સ્નાતક શારદાબહેન મહેતા કોણ હતાં?
- કાનજીભાઈ રાઠોડ : ભારતીય ફિલ્મઉદ્યોગના પહેલા પ્રોફેશનલ ડાયરેક્ટરની કહાણી