You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બાબા આમટે : 'દેશ માટે મરવું સહેલું છે, પણ દેશ માટે જીવી જાણવું બહુ અઘરું'
- લેેખક, અર્જુન પરમાર
- પદ, બીબીસી ગુજરાતી
“દેશ માટે મૃત્યુને ગળે લગાડવું સહેલું છે, પરંતુ દેશ માટે જીવી જાણવું ઘણું અઘરું છે. આપણે ઘણી વાર અમુક હેતુ માટે પ્રાણ ત્યાગવાની તૈયારી બતાવીએ છીએ, પરંતુ એ હેતુ માટે જીવવું, સમાજ માટે - દુખિયારા અને વંચિતો માટે જીવન સમર્પિત કરવું ઘણું અઘરું છે.”
વર્ષ 1985ના અંત ભાગમાં 71 વર્ષીય સમાજસેવક મુરલીધર દેવીદાસ આમટે ઉર્ફે બાબા આમટેએ દેશમાં પ્રસરતી જઈ રહેલી ‘અલગાવવાદી ભાવના અને વાતાવરણ’થી વ્યથિત થઈને દેશમાં એકતાની ભાવના વધુ મજબૂત કરવાના આશયથી ભારતના દક્ષિણ છેડે આવેલ કન્યાકુમારીથી ‘ભારત જોડો યાત્રા’ શરૂ કરી હતી.
યાત્રા દરમિયાન પોતાના એક સંબોધનમાં બાબાએ ઉપરોક્ત વાત કહી હતી, જે પોતાના જીવનમાં તેઓ ડગલે ને પગલે સાકાર કરતા રહ્યા.
26 ડિસેમ્બર, 1914ના રોજ મધ્ય ભારતના એક માલેતુજાર કુટુંબની ‘સાહેબી’માં જન્મેલા બાબા આમટે આગળ ચાલીને ‘રોગિષ્ઠ દુ:ખીજનોની સેવા અને સશક્તીકરણ’ માટે જીવન ખર્ચી નાખશે એવું કદાચ કોઈએ નહીં વિચાર્યું હોય.
મહાત્મા ગાંધી, વિનોબા ભાવે અને સાને ગુરુજી જેવા મહાનુભવોનાં જીવનમૂલ્યો હૃદય સમીપે રાખી બાબા આમટેએ શરૂ કરેલા સેવાયજ્ઞે હજારો લોકોનાં જીવનમાં મહામૂલું પરિવર્તન આણવામાં ભૂમિકા ભજવી. આ કાજમાં તેમની અદ્વિતીય ભૂમિકા જેટલી જ નોખી તેમની જીવનગાથા પણ છે.
નોંધનીય છે કે ‘અભયસાધક’ બાબાને તેમની સેવાની કદરરૂપે 3 ઑગસ્ટ 1985ના રોજ પ્રતિષ્ઠિત રેમન મેગ્સેસે પુરસ્કાર અપાયું હતું.
સંવેદનશીલ બાળપણ
બાબા આમટે પરિવારનું સૌથી મોટું સંતાન હતા. તેમનાં માતા લક્ષ્મીબાઈ સાથેના તેમના અનુભવોએ તેમનામાં ‘નીડરતા, સંવેદશીલતા’ના ગુણોનું સિંચન કર્યું.
બાલ્યાવસ્થા દરમિયાન કહેવાતી ‘નીચી જ્ઞાતિ’નાં બાળકો, લોકો સાથે ન હળવામળવાના પિતાના આદેશની ‘અવજ્ઞા’ એ બાબા માટે એક સહજ પ્રવૃત્તિ બની ગઈ હતી. તેમણે ઘણી વાર કહેવાતી ‘નીચી જ્ઞાતિના મિત્રો’ સાથે રહેવાને કારણે તેમના પિતાના આક્રોશનો સામનો કરવો પડતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નીશા મીરચંદાની લિખિત ‘વિસડમ સૉન્ગ : ધ લાઇફ ઑફ બાબા આમટે’ પુસ્તકમાં રજૂ કરાયું છે એ મુજબ, “બાબા પોતાના સંવેદનશીલ પરંતુ વિદ્રોહી વલણનો શ્રેય તેમનાં માતાને આપતા.”
‘પુત્રનાં લક્ષણ પારણામાંથી’ કહેવત બાબા અને તેમના બાળપણના અનુભવો સંદર્ભે યથાર્થ લેખી શકાય.
11 વર્ષની કુમળી વયે દિવાળીના તહેવાર માટે માતાએ ખરીદી માટે આપેલા સિક્કાથી ભરેલું ખિસ્સું બાબાએ સડકકિનારે ‘ઊભેલા અંધ ભિખારીની દરિદ્રતાથી દ્રવી ઊઠીને’ તેના કટોરામાં ખાલી કરી દીધું હતું.
‘બાળપણના જાહોજલાલીભર્યા અનુભવો વચ્ચે આસપાસની દુનિયામાં લોકોએ વેઠવી પડતી મુશ્કેલીઓ અને દર્દોનું ભાન કરાવતો’ આ તેમના જીવનનો પ્રથમ અનુભવ હતો.
પિતાના સ્પષ્ટ સૂચન છતાં શાળામાં અભ્યાસ દરમિયાન તેમણે ગરીબ પરિવારનાં બે બાળકોને પોતાની સાથે રાખી કોચિંગ આપવાનું શરૂ કર્યું હતું. ગાઢ જંગલમાં શિકાર માટે ઉનાળુ ગાળવાની પ્રવૃત્તિએ પોતાની જાગીરની આસપાસ સીમિત સંસાધનો સાથે જીવન પસાર કરતા આદિવાસી સમાજના લોકો સાથે તેમનો પરિચય કરાવ્યો.
આ લોકોની સાદાઈ, મૈત્રીપૂર્ણ સ્વભાવ, સમાજભાવના અને કુદરત સાથેના અતૂટ સંબંધથી બાબા પ્રભાવિત થયા અને કહેવાતા ‘સભ્ય સમાજ’ કરતાં મડિયા ગોંડનાં ‘જીવનમૂલ્યો’ તેમને ઘણાં ઊંચાં લાગવા મંડ્યાં.
કિશોરાવસ્થામાં અમુક સમય માટે ‘ભારતના સશસ્ત્ર સ્વાતંત્ર્ય સંઘર્ષના સિપાહીઓ’ સાથે પણ તેમનો પરિચય કેળવાયો. પરંતુ જલદી જ તેમને સમજાઈ ગયું કે ‘સશસ્ત્ર સંઘર્ષ’નો ઉપાય ‘લાંબા ગાળાની અને ટકાઉ’ વ્યૂહરચના નથી.
બાળપણના તેમના અનુભવોથી બાબા સમાજના ભદ્ર વર્ગમાં ‘વંચિતોની સમસ્યા અને મુશ્કેલીઓ સંદર્ભે જોવા મળતી ઉપેક્ષા’ અને ‘આવક અને સંસાધનની અસમાન વહેંચણી’ જેવા પ્રશ્નો વિશે વધુ સંવેદનશીલ અને સજાગ બન્યા.
આ બાબતથી પેદા થયેલી ‘પારકી પીડાનો અનુભવવાની’ ખૂબી તેમના આગળના જીવનની રાહ નક્કી કરવાની હતી.
વૈભવપૂર્ણ યુવાની
જીવનનાં શરૂઆતનાં વર્ષો ગોરજ ખાતે વિતાવી બાબા પરિવાર સાથે 1928માં નાગપુર આવી ગયા.
નાગપુરમાં તેમના અને તેમના પરિવારના વૈભવ અંગે લેખિકા મીરચંદાની લખે છે કે, “નાગપુર ખાતેના તેમના ઘરે લિવિંગ રૂમમાં પર્સિયન શેતરંજીઓ નાખેલી હતી, બાબાને ડ્રાઇવિંગનો શોખ હોઈ માત્ર તેમના માટે એક સ્પૉર્ટ્સ કાર હતી, આ કારની સીટો પર દીપડાના ચામડાનાં કવર હતાં. ખાસ તેમના માટે તૈયાર કરાયેલા સૂટ અને ખિસ્સાખર્ચ માટે પુષ્કળ નાણાં, એક યુવાનને જેની ઝંખના હોય એ બધું તેમના માટે હાથવગું હતું.”
એ દરમિયાન તેમને ફિલ્મો જોવાનો, ફિલ્મ રિવ્યૂ લખવાનો, કલાકારોને પત્રો લખવાનો અને કળાને માણવાનો શોખ હતો. યુવાનીમાં તેઓ આ પ્રવૃત્તિઓનો આનંદ અચૂક માણતા પણ ખરા.
તેમજ બીજી બાજુ તેઓ ક્યારેક કૉન્સર્ટ માણવા તો ક્યારેક આપત્તિને સ્થળે દોડી જવા લાંબી મુસાફરી કરવાની તક પણ ચૂકતા નહોતા.
યુવાનીના દિવસોમાં તેઓ મોજશોખમાં જ રત રહ્યા એવું નહોતું. પરંતુ એ દરમિયાન તેઓ ઈશ્વરની ભૂમિકા, જીવનનો અર્થ જેવા માનવઅસ્તિત્વ સાથે સંકળાયેલાં પાસાં અંગે પોતાની જાતને મૂંઝવતા સવાલોના જવાબોની શોધ કરવાનું પણ ચાલુ રાખ્યું હતું.
તેઓ વૈજ્ઞાનિક સમજણ સિવાય પોતાના મનમાં ઊઠી રહેલા સવાલો અંગે આધ્યાત્મિક અને ફિલસૂફી આધારિત ઉપાયો માટે પણ સતત મથતા રહ્યા.
આ સમય દરમિયાન તેઓ ગાંધીજી અને રવીન્દ્રનાથ ટાગોરના સાંનિધ્યમાં રહીને તેમની પરોપકારી નિ:સ્વાર્થ ફિલસૂફીનો આસ્વાદ માણી શક્યા, જે આગળ ચાલીને તેમના જીવનમાં પથપ્રદર્શક સાબિત થઈ.
આ જ સમયગાળા દરમિયાન તેમણે નાગપુર યુનિવર્સિટીથી બી. એ.ની પરીક્ષા પાસ કરી અને પિતાના આગ્રહને વશ થઈને મેડિકલ ક્ષેત્રે આગળ વધવા માગતા બાબાએ કાયદાનો અભ્યાસ કર્યો.
એ સમયે વકીલાતના વ્યવસાયમાં પૈસા કમાવવાની સારી તક હતી.
આખરે વર્ષ 1936માં નાગપુરની યુનિવર્સિટી કૉલેજ ઑફ લૉમાંથી તેમણે વકીલાતની ડિગ્રી મેળવી અને હાલના છત્તીસગઢના દુર્ગ ખાતે એક નામાંકિત વકીલ સાથે ક્રિમિનલ લૉની પ્રૅક્ટિસમાં જોડાયા.
વકીલાતના વ્યવસાયમાં સારી એવી કમાણી હોવા છતાં બાબા પોતાના જીવનનાં મૂલ્યો અને વ્યવસાયમાં ભારે વિરોધાભાસનો અનુભવ કરી રહ્યા હતા. વર્ષ 1940માં વરોરા ખાતે પોતે અન્ય બે પાર્ટનરો સાથે મળીને વકીલાત શરૂ કરી.
ગાંધીજીએ ‘અભયસાધક’ કહીને બિરદાવ્યા
વર્ષ 1942માં ગાંધી બાપુએ જ્યારે ‘ભારત છોડો’ આંદોલનની શરૂઆત કરી ત્યારે બાબા પણ તેમાં હોંશભેર જોડાયા અને એક અઠવાડિયા સુધી જેલમાં પણ રહ્યા. આંદોલન દરમિયાન ચીમુર ખાતે સુરક્ષા દળોએ સ્થાનિકો પર ‘દમન’ ગુજાર્યું. આ સમગ્ર બનાવની તપાસ માટે નિમાયેલ કમિશન સામે સ્થાનિકો વતી બાબાએ દલીલો કરી હતી.
ચીમુર ટ્રાયલની જવાબદારી સંભાળવાને લઈને બાબાએ પોતાના પિતાની ખફગી પણ વહોરવાનું મંજૂર રાખ્યું હતું. ટ્રેનમાં મુસાફરી વખતે અંગ્રેજ સિપાહીઓ નવપરિણીત યુગલ પૈકી મહિલાને પરેશાન કરી રહ્યા હતા. આ સમયે તેમની સાથે મુસાફરી કરતા બાબાએ આ અન્યાય સામે કરેલા પ્રતિકારની નોંધ લઈ ગાંધીજીએ તેમની બહાદુરીને બાબાને ‘અભયસાધક’ બિરુદ આપી બિરદાવી હતી.
આ દરમિયાન તેમણે સફાઈ કામદારો તેમજ અન્ય જૂથો માટે 16 જેટલાં યુનિયન બનાવવામાં પણ મદદ કરી. બાદમાં તેમણે રાજકારણમાં પણ ઝંપલાવ્યું અને વરોરા મ્યુનિસિપાલિટીના ઉપપ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા. પરંતુ એ સમયના તેમના સાથીદારોના શબ્દોમાં કહીએ તો “તેઓ ક્યારેય રાજનેતા બનવા માટે ઘડાયા નહોતા.”
દરેક ભારતીય કુટુંબમાં બને એ રીતે બાબાના કુટુંબમાંથી પણ હવે તેમનાં લગ્નની વાત ગંભીરપણે ચર્ચાવા લાગી. પરંતુ ‘યથાસ્થિતિ જાળવવાનો, પરંપરાગત અને ગૂંગળામણભરી સ્થિતિમાં જીવન જીવવાનો’ ખ્યાલ તેમને હચમચાવી મૂકતો હતો. તેથી તેમણે આ પ્રશ્નનો ધરમૂળથી ઉકેલ લાવવા માટે સાધુ બનવાનું ઠરાવ્યું. અને ધર્મની શરણ લીધી.
આમ તેમને થોડા સમય સુધી વકીલાતથી થોડું અંતર જાળવવામાં અને આધ્યાત્મિક માર્ગને અનુસરવાની તક મળી. પરંતુ આખરે જ્યારે તેઓ એક સામાજિક પ્રસંગમાં તેમનાં ભાવિ પત્ની સાધના (ઇન્દુ)ને મળ્યાં અને સમયાંતરે બંનેએ એકબીજા સાથે જીવન વિતાવવાનો નિર્ધાર કર્યો. 18 ડિસેમ્બર, 1946ના રોજ બંનેનાં લગ્ન થયાં. લગ્નના અમુક સમય બાદ દંપતી વરોરા ખાતે સ્થાયી થયાં. થોડા સમય બાદ બાબાએ વકીલાત છોડી પોતાનું જીવન સમાજસેવા અને ગાંધીવિચારના પ્રચાર માટે સમર્પિત કરવાનું ઠરાવી દીધું હતું. પતિ-પત્ની બંનેએ કહેવાતા ‘અસ્પૃશ્યો’ના ઉદ્ધાર માટેના પ્રયત્નો શરૂ કરી દીધા.
સમાજસેવાના મહાયજ્ઞનો આરંભ
સ્વતંત્રતાદિવસની સાંજે બાબાએ સામાજિક ન્યાય અને સમૂહજીવનની ભાવનાને પ્રેરિત કરવાના આશયથી વરોરા ખાતે પોતાનો સમાજસેવાનો પ્રથમ પ્રયોગ એવો ‘શ્રમઆશ્રમ’ આરંભ્યો. જેમાં સફાઈ કામદારો, પગરખાં બનાવનાર, લુહાર, મજૂરો અને મધ્યમ વર્ગીય કર્મચારીઓ સાથે મળીને કામ કરતા.
ખેતરમાં જાતે કામ કરીને ઉગાડેલી પેદાશો વેચીને આ જૂથ સ્વાધીન સમૂહજીવનના એક સફળ સામાજિક પ્રકલ્પનું ઉદાહરણ રજૂ કરવા તરફ આગળ વધી રહ્યું હતું.પરંતુ 18 મહિના બાદ બાબાએ કેટલાંક કારણોસર આ નવીન પહેલનો અંત આણવાનું નક્કી કર્યું.
બાદમાં સફાઈ કામદાર યુનિયનના પ્રમુખ એવા બાબાએ સફાઈ કામદારોની પીડાનો અનુભવ કરવા અને તેમના સામાજિક ઉત્થાન માટે પરિવર્તન આણવા જાતે જાજરૂ સફાઈનું કામ કર્યું. સાથે સાથે જ તેમનાં પત્ની અને તેઓ દલિતોની વસતિમાં જઈને બાળકોને શિક્ષણ આપવાનું પણ ચાલુ રાખ્યું. બાબાએ દલિતોને તેમના અધિકારોથી વાકેફ કરવાની સાથોસાથ આધ્યાત્મિક ગીતો થકી સમાજસુધારાના પ્રયાસો પણ ચાલુ રાખ્યા. પરંતુ આ દરમિયાન બાબાનું જીવન પલટાવાનું હતું.
એક દિવસ રાત્રે બાબા આવી જ રીતે જાજરૂની સફાઈ કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે તેમને રસ્તાના ખાડામાં કંઈક હલતું હોય એવો આભાસ થયો. પહેલાં તો તેમને લાગ્યું કે એ વસ્તુ થેલાનો પોટલો હશે. પરંતુ અચાનક જ તેમને ખબર પડી કે એ તો એક માણસ છે. એ વ્યક્તિનું નામ તુલસીરામ હતું.
બાબાએ એ દૃશ્ય આલેખતાં કહ્યું, “રક્તપિત્તના અંતિમ તબક્કાનો દર્દી તુલસીરામ જાણે સડી રહેલા માનવમાંસ ગઠ્ઠો હતો. નાકના સ્થાને બે છિદ્ર હતાં, તેના શરીર પર આંગળા કે હથેળી નહોતાં. શરીર કીડાથી ખદબદતું હતું અને આંખના સ્થાને બે મોટા ઘા દેખાઈ રહ્યા હતા.”
આ દૃશ્ય જોઈને ‘અભયસાધક’ બાબાનું હૃદય ગભરાટથી હચમચી ગયું. તેઓ સ્થળેથી ભાગી ગયા. પોતાના ભય પર કાબૂ મેળવીને જ્યારે તેઓ તુલસીરામ પર કોથળો નાખવા માટે પરત ફર્યા ત્યાં સુધી ઘણું મોડું થઈ ચૂક્યું હતું.
આ અનુભવ બાદ તેમણે રક્તપિત્તની બીમારીના પોતાના ભય પર વિજય હાંસલ કરવા માટે રક્તપિત્તના દર્દીઓની સેવા અને રોગ સામે ઝઝૂમવાના ઇરાદે સમાજસેવાનું યજ્ઞ આદર્યું. ‘તુલસીરામ જેવા અનેક દર્દીઓ આ પીડાનો સામનો કરી રહ્યા હોવાની’ વાત તેમના મનને કોરી ખાવા લાગી. તેમણે રક્તપિત્ત અંગે માહિતી મેળવવાનું અને ઇલાજ માટે તાલીમ મેળવવાનું શરૂ કર્યું.
પ્રારંભિક તાલીમ બાદ વરોરા ખાતે તેમણે ક્લિનિક શરૂ કર્યું. એ સમયે રક્તપિત્ત એક ખૂબ જ ચેપી રોગ હોવાની માન્યતાને કારણે બાબા અને તેમના પરિવારે પણ ‘સામાજિક બહિષ્કાર’ જેવી સ્થિતિનો સામનો કરવો પડ્યો.
જીવલેણ રોગનો ઇલાજ શોધવા જાત પર કર્યા પ્રયોગ
અમુક સમય સુધી વરોરાના પોતાના ક્લિનિક ખાતે રક્તપિત્તના દર્દીઓની નિ:સ્વાર્થ સેવા કર્યા બાદ બાબાએ વર્ષ 1949માં 'મહારોગી સેવા સમિતિ' નામક સંસ્થાની સ્થાપના કરી. પરંતુ આ સમયે બાબાને સમજાયું કે જો તેમણે સાચા અર્થમાં આ રોગના નિવારણ અને દર્દીઓની સેવામાં જીવન સમર્પિત કરવું હોય તો તેમણે રક્તપિત્ત વિશે અભ્યાસ કરી દર્દીઓની સારવાર માટે યોગ્ય લાયકાત હાંસલ કરવી પડશે.
અંતે આચાર્ય વિનોબા ભાવેના આગ્રહથી તત્કાલીન વડા પ્રધાન જવાહરલાલ નહેરુએ કલકત્તા સ્કૂલ ઑફ ટ્રોપિકલ મેડિસિન ખાતે રક્તપિત્તના ઉપચારની ટ્રેનિંગ માટે ખાસ પરવાનગી આપી. જ્યાં તેમણે રક્તપિત્તના દર્દીઓનાં નિદાન અને ઉપચાર કરવાની તાલીમ મેળવી.
આ જ સમય દરમિયાન કંઈક અવિશ્વનીય ઘટના બનવાની હતી. મેડિકલ સ્કૂલમાં અભ્યાસ વખતે ત્યાંના એક વિદ્વાન સંશોધકે પોતાના વિદ્યાર્થીઓ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, “પ્રાણીઓ પરના પ્રયોગો નિષ્ફળ નીવડ્યા છે, પરંતુ મનુષ્ય પર જો પ્રયોગ કરવામાં આવે તો એ સ્થિતિ આદર્શ રહેશે.”
જોકે, શિક્ષકને પોતાના વિદ્યાર્થીઓ આ વાતને ગંભીરતાપૂર્વક લેશે એવી અપેક્ષા નહીં હોય. પરંતુ બાબાએ થોડું વિચાર કર્યા બાદ રક્તપિત્તના સંશોધનમાં મદદ માટે પોતાની જાત પર પરીક્ષણ કરાવવા તૈયારી બતાવી. તેમના શરીરમાં આ રોગના જીવિત બૅક્ટેરિયા પણ દાખલ કરાયા.
એ સમયે એક અસાધ્ય મનાતા રોગના જીવિત બૅક્ટેરિયા પોતાના શરીરમાં દાખલ કરવાનું આ કામ આજે લાગે છે એનાથી ઘણું મુશ્કેલ હશે. કારણ કે જીવના જોખમની સાથોસાથ સામાજિક બહિષ્કાર અને પારિવારિક મુશ્કેલીઓ સહિતના અનેક પડકારો એ વખતે આ રોગ સાથે સંકળાયેલા હતા.
આ એક અત્યંત હિંમતવાળું કામ હતું. પોતે આ પ્રયોગ માટે તૈયારી બતાવી આખરે પોતાના ડર પર કાબૂ મેળવ્યાનો બાબાને અહેસાસ થયો. પરંતુ આ ઘટનાના થોડાક સમયમાં જ આ રોગની સારવાર માટે વર્ષ 1950માં ડેપસોન નામની ‘ચમત્કારિક’ દવાની શોધ થઈ.
પોતાની તાલીમ મેળવ્યા બાદ બાબા ઘણા સમય સુધી ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારોમાં હજારો કિલોમીટરનો પ્રવાસ ખેડીને રક્તપિત્તના દર્દીઓના ઇલાજ માટે ભ્રમણ કરવા લાગ્યા. જોતજોતામાં તેમની સેવા અને ઇલાજથી હજારો દર્દીઓની સંખ્યા હજારોને પાર કરી ગઈ. પરંતુ તેઓ જાણતા હતા કે માત્ર રોગથી છૂટકારો મેળવવાથી રક્તપિત્તના દર્દીઓ સ્વમાનભેર જીવન જીવી નહીં શકે. તે માટે વધુ સઘન પ્રયાસો કરવાની જરૂર હતી.
બસ, આ બાબત મહારોગી સેવા સમિતિની પ્રથમ વસવાટ આધારિત સ્વાધીન સંસ્થા ‘આનંદવન’ની સ્થાપના પાછળનો પાયાનો વિચાર બની.
આનંદવનની સ્થાપના
રક્તપિત્તના દર્દીઓને સમાજમાં ગરિમાપૂર્ણ સ્થાન મળે અને તેઓ સ્વાવલંબી બને એ હેતુને પાર પાડવા માટે લાંબા ગાળાનું આયોજન જરૂરી હતું. આ વિચાર સાથે શરૂ થયેલ આનંદવનમાં રક્તપિત્તના દર્દીઓ દ્વારા ખેતી અને અન્ય પ્રવૃત્તિઓ શરૂ કરવામાં આવી. જેથી સમાજની મુખ્ય ધારામાં તેમને સામેલ કરી શકાય. શરૂઆતમાં વેઠેલી મુશ્કેલીઓ બાદ બાબા આસપાસના લોકોને એ વાત સમજાવામાં સફળ રહ્યા કે માત્ર રક્તપિત્ત થવાને કારણે દર્દી સમાજ માટે બહિષ્કૃત કે ‘નિર્માલ્ય’ બની જતા નથી.
બાબા નક્કરપણે માનતા કે ‘દાન વિનાશ કરે છે જ્યારે કામ સર્જન.’ એટલે તેમણે રક્તપિત્તના દર્દીઓને સ્વાવલંબનના પાઠ ભણાવ્યા. આનંદવન ખાતે સમાજના મુખ્ય પ્રવાહમાં તેમને સામેલ કરવા માટે નાના અને મધ્યમ કક્ષાના અન્ય ઉદ્યોગો શરૂ કરાયા. સારવાર મેળવ્યા બાદ દર્દીઓને આત્મનિર્ભર બનાવવાના આશય સાથે વિવિધ કૌશલ્યો વિકસાવવામાં મદદ ઉપલબ્ધ કરાવી આપી.
દર્દીઓ ફરીથી પોતાના પરિવાર શરૂ કરી શકે એ માટેની વ્યવસ્થા, તેમનાં બાળકો માટે શાળા, કૉલેજો વગેરેની સ્થાપના બાબાની અગણિત ઉપલબ્ધિઓ પૈકી અમુક છે.
બાબાએ આગળ જતાં વિશિષ્ટ જરૂરિયાતવાળી વ્યક્તિઓ માટે શાળા-કૉલેજોની સ્થાપના કરી, અનાથાશ્રમ, ઘરડાઘર અને હજારો લોકો માટે રહેઠાણની સુવિધાઓ પણ આનંદવનના વિવિધ પ્રકલ્પો હેઠળ ઊભી કરવામાં આવી.
16 જેટલાં કૌશલ્યો શીખવવા માટે વૉકેશનલ ટ્રેનિંગ સેન્ટરો ઊભાં કરાયાં. પોતાની બીમારીને કારણે જેમને આશ્રિત ગણી સમાજ દયાને પાત્ર ગણતો તેવા દર્દીઓની વિવિધ ગુણવત્તાસભર બનાવટો બાબાના પ્રયાસો અને આનંદવનની ઓળખ બની ગઈ.
આમ, બાબા આમટેના પ્રયાસોને લીધે એક સમયે ‘બહિષ્કૃત અને બાપડા-બિચારા’ મનાતા દર્દીઓનું ફૂલતુંફાલતું એક આધુનિક અને સ્વાવલંબી એવું નાનું નગર ઊભું થઈ ગયું.
આવી જ રીતે બાબાએ અશોકવન, સોમનાથ નામે અન્ય કેન્દ્રોની પણ શરૂઆત કરી. જે વિકલાંગો માટે પુનર્વસન કેન્દ્રો અને સમાવેશી ગ્રામીણ વિકાસનાં ઉદાહરણ બન્યાં.
વર્ષ 1973માં બાબા આમટેએ મડિયા-ગોંડ આદિવાસી સમાજના ઉત્થાન માટે મહારાષ્ટ્રના ગઢચિરૌલી જિલ્લાના ભમરાગડ તાલુકાના હેમલકાસા ગામે લોક બિરાદરી પ્રકલ્પની સ્થાપના કરી.
બાબા આમટે મડિયા-ગોંડ આદિવાસી સમાજના જીવનમાં આમૂલ પરિવર્તન લાવી શકે તેવા પ્રકલ્પો આ સંસ્થાના નેજા હેઠળ શરૂ કરવા માગતા હતા. આ કામની જવાબદારી તેમના નાના પુત્ર પ્રકાશ અને પુત્રવધૂ મંદાકિનીએ સ્વીકારી લીધી.
ડૉક્ટર દંપતીએ પોતાની ખાનગી પ્રૅક્ટિસ ત્યાગીને વીજળી, સંચાર અને પાયાની સુવિધાઓના અભાવવાળા આ વિસ્તારમાં સેવાયજ્ઞ આદર્યું.
આદિવાસી વિસ્તારમાં સ્વાસ્થ્યસુવિધાઓ માટે કૉમ્યુનિટી હેલ્થ સેન્ટર શરૂ કરાયું. જે વિસ્તાર પાયાની આરોગ્યસેવાઓથી વંચિત રહેતો ત્યાં બાબાની પહેલથી સ્વાસ્થ્યસેવાઓ પહોંચી જે અસંખ્ય આદિવાસીઓ માટે ઉપકારક સાબિત થઈ. આદિવાસીઓ માટે વ્યવસાયિક તાલીમ અને શિક્ષણકેન્દ્ર શરૂ કરાયાં. આ કેન્દ્રોમાંથી તાલીમ મેળવીને કેટલાય આદિવાસી પરિવારો ખેતી કરી સ્વાવલંબી બન્યા છે તેમજ કેટલાય સમાજની મુખ્ય ધારામાં પોતાનું સ્થાન બનાવી શક્યા છે.
ઍક્ટિવિસ્ટ બાબા
કરોડરજ્જુને લગતી અવસ્થાને કારણે બાબા આમટે જાતે વર્ષ 1970થી બેસી શકતા નહોતા. તેમને કાં તો ઊભા રહેવું પડતું કાં તો ચતા સૂઈ જવું પડતું. જોકે, આ અવસ્થા પણ તેમનો જુસ્સો ઠંડો પાડી શકી નહોતી.
એક સમાજસેવી તરીકે બાબા જેટલા સમર્પિત હતા, તેટલા જ ઉદ્યમી તેઓ સામાજિક ચળવળો અને સુધારા બાબતે પણ હતા. 80ના દાયકામાં સરકારે ઇંચામપલ્લી અને ભોપાલટનમ ખાતે મોટા ડૅમ બનાવવાની યોજના ઘડી હતી.
આ યોજનાને કારણે 40 હજાર જેટલા મડિયા ગોંડ આદિવાસીઓએ સ્થળાંતર કરવું પડે તેવી સ્થિતિ સર્જાવાની હતી.
આ નિર્ણય સામે બાબાએ ‘જલ આંદોલન’ ચલાવ્યું, ‘ચિપકો આંદોલન’ પ્રણેતા સુંદરલાલ બહુગુણા અને ડૅમની યોજનાનો વિરોધ કરી રહેલા આદિવાસીઓ સાથે મળીને બાબાએ વિરોધ પ્રદર્શિત કરવા નદીને બચાવવા માટે પ્રતીકાત્મક પ્રયાસ તરીકે માનવસાંકળ રચીને વિરોધ કર્યો. અંતે આ પ્રોજેક્ટ અભરાઈએ ચડાવી દેવાયો.
બાદમાં બાબાએ વર્ષ 1985માં ‘રાષ્ટ્રીય એકતાની ભાવનાને સુદૃઢ કરવાના’ સંદેશા સાથે યુવાનોને સાથે રાખીને ભારતના દક્ષિણથી ઉત્તર છેડા સુધી ચાર મહિના લાંબી ‘ભારત જોડો યાત્રા’નું સફળ આયોજન કર્યું હતું. તેમજ પંજાબમાં અજંપાભરી સ્થિતિને કારણે શાંતિના સંદેશ સાથે પંજાબની યાત્રાઓ કરી. બાદમાં ફરી એક વાર ભારતના પૂર્વથી પશ્ચિમ છેડા સુધી પાંચ મહિના લાંબી ‘ભારત જોડો યાત્રા’ કરી. અને આ બધું ત્યારે જ્યારે તેઓ પોતે કરોડરજ્જુની તકલીફને કારણે આડા પડી રહેવા મજબૂર હતા.
આ બાબત દર્શાવે છે કે ભારતની અખંડિતતા જાળવવાની અને સમાજસેવાની અનન્ય ભાવનાનાં મૂળ તેમના મનમાં કેટલા ઊંડે સુધી ઊતરેલાં હતાં.માર્ચ, 1990માં બાબાએ સરદાર સરોવર પ્રોજેક્ટના વિરોધ અને પ્રોજેક્ટના કારણે ‘અસરગ્રસ્ત’ આદિવાસીઓ માટે અવાજ ઉઠાવ્યો હતો.
આ તેમની સમાજસેવાની કારકિર્દીનો સૌથી ‘વિવાદાસ્પદ’ પ્રકરણ મનાય છે. આ કાજ માટે બાબા જીવનનો એક દાયકો નર્મદા કાંઠે રહીને ‘ખર્ચી નાખ્યો.’ એવું મનાતું હતું કે વિશાળ ડેમના પ્રોજેક્ટના કારણે નર્મદા નદી, તેની ઇકૉસિસ્ટમ અને તેના પર આધારિત લોકોનાં જીવન ‘ખતરા’માં મુકાશે.
બાબા ‘ટૂંકા ગાળાના આર્થિક લાભ’ માટે પ્રાકૃતિક સંસાધનોના વિનાશનો વિરોધ કરતા. બાબા ‘નર્મદા બચાઓ આંદોલન’ના તેમના સાથીદારો સાથે માર્ચ 1990થી ઑક્ટોબર 2000 સુધી નર્મદાને કાંઠે રહ્યા. જીવનના અંતિમ પડાવ સુધી બાબા ‘સત્ય અને મૂલ્યો માટે ઝઝૂમવા’ની શક્તિ અને જુસ્સો ધરાવતા હતા.
અંતે તેઓ વર્ષ 2000માં પોતાની કથળતા જતા આરોગ્યને કારણોસર આનંદવન પરત ફર્યા, જ્યાં તેમણે 94 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા.
સમાજસેવા, સામાજિક સશક્તીકરણ અને દેશની એકતા-અખંડિતતા જાળવવાના પ્રયાસોની કદરરૂપે તેમને રેમન મેગ્સેસ સહિત ઘણા રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે પુરસ્કારોથી સન્માનિત કરાયા હતા. બાબાના દેહાવસાન બાદ પણ તેમણે શીખવેલાં મૂલ્યો અને સ્થાપેલી સંસ્થાઓ હજુ પણ સમગ્ર ભારતમાં ‘માનવતાની મહેક’ રેલાવી તેમનો વારસો જીવિત રાખી રહ્યાં છે.
મુખ્ય સંદર્ભ : નીશા મીરચંદાની લિખિત પુસ્તક ‘વિસડમ સૉન્ગ : ધ લાઇફ ઑફ બાબા આમટે’