You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અટલ બિહારી વાજપેયી અને ઇંદિરા ગાંધી વચ્ચે કેવા રાજકીય સંબંધો હતા?
- લેેખક, રેહાન ફઝલ
- પદ, બીબીસી સંવાદદાતા
અટલ બિહારી વાજપેયીને તેમના દોસ્ત અપ્પા ઘટાટેએ 1977ની ચૂંટણી વખતે સવાલ કર્યો હતો કે “તમે મોરારજી દેસાઈના નામે લોકો પાસેથી મત માગશો?”
વાજપેયીએ તેનો પળવારમાં જવાબ આપતાં કહ્યું હતું, “શા માટે? હું તો મારા નામે મત માગીશ.”
અટલ બિહારી વાજપેયી બરાબર જાણતા હતા કે જનતા પાર્ટીમાં જયપ્રકાશ નારાયણ પછી તેમનું ભાષણ સાંભળવા સૌથી વધુ લોકો આવે છે.
1977ની સાતમી ફેબ્રુઆરીએ દિલ્હીના રામલીલા મેદાનમાં વિરોધ પક્ષના નેતાઓની સફેદ ઍમ્બૅસૅડર મોટરકારો આવી પહોંચી હતી. એ પૈકીના મોટા ભાગના નેતાઓ વૃદ્ધ હતા. તેઓ ધીમે-ધીમે પગથિયાં ચડીને મંચ પર પહોંચ્યા હતા.
મંચ પરના તમામ નેતાએ જેલમાં તેમની સાથે થયેલા દુર્વ્યવહાર વિશે એક પછી એક વાત કરી હતી. તમામનું ભાષણ એકસરખું હોવા છતાં લોકો સભા છોડી ગયા ન હતા.
લગભગ સાડા નવ વાગ્યે અટલ બિહારી વાજયેપીનો વારો આવ્યો હતો. તેમને જોતાં જ ભીડ ઊભી થઈને તાળી વગાડવા લાગી હતી. વાજપેયીએ સ્મિત સાથે પોતાના બન્ને હાથ ઊંચા કરીને લોકોને શાંત થવાનો ઈશારો કર્યો હતો.
એ પછી બંધ આંખો અને બેખયાલીના અંદાજમાં એક મિસરો બોલ્યા, “બડી મુદ્દત બાદ મિલે હૈં, દીવાને” એ પછી તેમણે તેમની આગવી શૈલીમાં વિરામ લીધો હતો. લોકો બેચેન થઈ ગયા હતા.
તેમણે ફરી લોકોને શાંત થવા ઈશારો કર્યો અને મિસરો પૂર્ણ કરતાં કહ્યું, “કહને સુનને કો બહુત હૈ અફસાને.” આ વખતે લોકોએ વધારે જોરથી તાળીઓનો ગડગડાટ કર્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એ પછી તેમણે આંખો બંધ કરી અને મિસરાની અંતિમ પંક્તિઓ બોલ્યા, “ખૂલી હવા મેં સાંસ તો લે લેં. કબ તક રહેલી આઝાદી કૌન જાને.”
લોકોની ધીરજ ત્યાં સુધીમાં તો ખૂટી ગઈ હતી. રામલીલા મેદાનથી આઠ કિલોમીટર દૂર 1, સફદરજંગ રોડ પરના પોતાના નિવાસસ્થાનમાં બેઠેલાં ઇંદિરા ગાંધીને અંદાજ ન હતો કે તેમના પરાજયનો પાયો વાજપેયી નાખી ચૂક્યા છે.
બૅન્કોના રાષ્ટ્રીયકરણનો મુદ્દો
ઇંદિરા ગાંધી 1966માં વડાં પ્રધાન બન્યાં ત્યારે રામમનોહર લોહિયાએ ‘મૂંગી ઢીંગલી’ કહીને તેમની મજાક કરી હતી, પરંતુ એક જ વર્ષમાં ઇંદિરા ગાંધીએ તે ઇમેજથી છુટકારો મેળવી લીધો હતો અને તેઓ વિરોધ પક્ષના હુમલાનો જવાબ તેમની જ ભાષામાં આપવા લાગ્યાં હતાં.
ઇંદિરા ગાંધીની આર્થિક નીતિઓને લીધે જનસંઘમાં મતભેદ સર્જાયા હતા. ભારતીય મજદૂર સંઘના સ્થાપક અને જનસંઘના રાજ્યસભાના સંસદસભ્ય દત્તોપંત ઠેંગડીએ બૅન્કોના રાષ્ટ્રીયકરણની તરફેણમાં પ્રસ્તાવ રજૂ કર્યો હતો.
પક્ષના વરિષ્ઠ નેતા બલરાજ મધોકે તેનો વિરોધ કરતાં જણાવ્યુ હતું કે તેમના પક્ષના 1967ના ચૂંટણીઢંઢેરામાં બૅન્કોના રાષ્ટ્રીયકરણનો વિરોધ કરવામાં આવ્યો છે. મધોકે તેમની આત્મકથા ‘જિંદગી કા સફર – ભાગ – 3’માં લખ્યું છે, “બપોરના ભોજન વખતે વાજપેયી મને એ કહેવા આવ્યા હતા કે ઠેંગડીના પ્રસ્તાવને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના આશીર્વાદ મળેલા છે.”
તાજેતરમાં પ્રકાશિત પુસ્તક ‘વાજપેયી, ધ એસ્સેંટ ઑફ ધ હિંદુ રાઇટ, 1924-1977’માં લેખક અભિષેક ચૌધરીએ લખ્યું છે, “વાજપેયીએ બૅન્ક રાષ્ટ્રીયકરણને લોકવિરોધી ગણાવીને સંસદમાં પહેલાં તેની ટીકા કરી હતી, પરંતુ એ પગલું લોકપ્રિય સાબિત થવાની ખબર તેમને બહુ જલદી પડી ગઈ હતી. ઉત્તર ભારતમાં જનસંઘના સમર્થક વ્યાપારી સમુદાય માનતો હતો કે બૅન્કોની લોન નીતિમાં ફેરફારથી તેમને પણ લાભ થશે.”
જનસંઘના અખબાર ‘ઑર્ગેનાઇઝર’ના 1969ની 23 ઑગસ્ટના અંકમાં લખવામાં આવ્યું હતું કે “બૅન્કોના રાષ્ટ્રીયકરણનો ઇંદિરા ગાંધીનો નિર્ણય આર્થિક નહીં, પરંતુ સંપૂર્ણપણે રાજકીય છે. તે એક રીતે સત્તામાં ટકી રહેવાનું તેમનું હથિયાર છે, એવું વાજપેયી માનતા હતા. તેથી તેમને પ્રવર્તમાન મતની વિરુદ્ધ જવાનું બુદ્ધિગમ્ય જણાયું ન હતું.”
પ્રિવી પર્સના મુદ્દે ઇંદિરા ગાંધી સાથે ટક્કર
અટલ બિહારી વાજપેયી અને ઇંદિરા ગાંધી વચ્ચે પહેલી ખુલ્લેઆમ ટક્કર ભૂતપૂર્વ રાજાઓને આપવામાં આવનાર પ્રિવી પર્સ (સરકારી ભથ્થાં)ના મુદ્દે થઈ હતી.
રાજાઓને પ્રિવી પર્સ ન આપવાનો ખરડો 1969ની પહેલી સપ્ટેમ્બરે લોકસભામાં બે-તૃતીયાંશ બહુમતીથી પસાર થયો હતો, પરંતુ ત્રણ દિવસ પછી એ જ ખરડો રાજ્યસભાએ માત્ર એક મતથી નકારી કાઢ્યો હતો. ઇંદિરા ગાંધી ચૂપ રહ્યાં નહીં. તેમણે પાંચમી સપ્ટેમ્બરે એક વટહુકમ બહાર પાડીને પ્રિવી પર્સ પર પૂર્ણવિરામ મૂકી દીધું હતું.
અટલ બિહારી વાજપેયીએ તેને સંસદ અને બંધારણનું અપમાન ગણાવ્યું હતું.
મેં અભિષેક ચૌધરીને સવાલ કર્યો હતો કે પ્રિવી પર્સના મુદ્દે ઇંદિરા ગાંધીને લોકોનો ટેકો હોવાનું જાણતા હોવા છતાં વાજપેયીએ તેનો વિરોધ શા માટે કર્યો હતો?
અભિષેક ચૌધરીએ કહ્યું, “રાજમાતા સિંધિયા અને બીજા રાજાઓને કારણે જનસંઘ પ્રિવી પર્સ હટાવવાના વિરોધમાં હતો. ફેબ્રુઆરી, 1970માં ગ્વાલિયરમાં એક સમારંભ યોજાયો હતો. તેમાં અટલ બિહારી વાજપેયી પણ હાજર હતા. એ સમારંભમાં વિજયારાજેના પુત્ર માધવરાવ સિંધિયા જનસંઘના સભ્ય બન્યા હતા.”
ચૌધરીના જણાવ્યા મુજબ, એ નિર્ણયનો પ્રભાવ મધ્ય પ્રદેશના રાજકારણ પર દેખીતી રીતે થવાની હતી. મધ્ય પ્રદેશમાં ગ્વાલિયર દરબારના રાજકીય પ્રભાવને અવગણી શકાય તેમ ન હતું.
પ્રિવી પર્સ વિશેના રાષ્ટ્રપતિના વટહુકમને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે 15 ડિસેમ્બરે આપેલા ચુકાદામાં વટહુકમને ગેરબંધારણીય અને ગેરકાયદે જાહેર કર્યો હતો.
અટલ બિહારી વાજપેયીએ સુપ્રીમ કોર્ટના ચુકાદાને સરકારના મોં પરનો તમાચો ગણાવ્યો હતો.
ઇંદિરા ગાંધી પર શબ્દબાણ
1971ના ચૂંટણીપ્રચાર દરમિયાન વાજપેયીએ ઇંદિરા ગાંધી પર જોરદાર શાબ્દિક હુમલો કરતાં કહ્યું હતું, “વડાં પ્રધાન ભારતીય લોકતંત્રમાં જે કંઈ પવિત્ર છે, તેના દુશ્મન છે. તેમના પક્ષે રાષ્ટ્રપતિપદ માટેના તેમના ઉમેદવારનો અસ્વીકાર કર્યો ત્યારે તેમણે પક્ષ તોડી નાખ્યો. સંસદે પ્રિવી પર્સ પર પૂર્ણવિરામ મૂકવાનો ખરડો પસાર ન કર્યો ત્યારે તેમણે વટહુકમનો સહારો લીધો.”
“સુપ્રીમ કોર્ટે વટહુકમને ગેરકાયદે જાહેર કર્યો એટલે તેમણે લોકસભા વિખેરી નાખી. લેડી ડિક્ટેટરનું ધાર્યું થાય તો તેઓ સુપ્રીમ કોર્ટને પણ વિખેરી નાખશે.”
વાજપેયીએ એવી ફરિયાદ પણ કરી હતી કે વડાં પ્રધાન ચૂંટણીપ્રચાર માટે વાયુસેનાના વિમાનનો ઉપયોગ કરી રહ્યાં છે, જ્યારે તેમને (વાજપેયી) ઇન્ડિયન એરલાઇન્સના મામૂલી વિમાનમાં ટિકિટ બૂક કરાવવામાં પણ મુશ્કેલી થાય છે અને એ વિમાનો રહસ્યમય રીતે કલાકો મોડાં ઊપડી રહ્યાં છે.
ચૂંટણીપ્રચાર દરમિયાન જ વાજપેયી દિલ્હીની બોટ ક્લબમાં સરકારી કર્મચારીઓને સંબોધન કરી રહ્યા હતા ત્યારે પીળા રંગના એક ટુ-સીટર વિમાને ઉપરથી ચૂંટણીનાં ફરફરિયાં ફેંકવાનું શરૂ કર્યું હતું.
અભિષેક ચૌધરી લખે છે, “તે તત્કાલીન વડાં પ્રધાનના મોટા પુત્ર રાજીવ ગાંધીની યોજના હતી. પહેલાં તો તેની હાંસી ઉડાવતાં વાજપેયીએ કહ્યું હતું, આ ફરફરિયાં હવામાં ઊડવા દો. હું તો તમારા મત લેવા આવ્યો છું.”
તેમ છતાં એ વિમાન ઉપર ઊડતું રહ્યું હતું અને તેણે કુલ 23 ચક્કર માર્યાં હતાં. વાજપેયીએ તે કૃત્યને લોકશાહીનું અપમાન ગણાવ્યું હતું. ફરફરિયાંનો વરસાદ કરતા વિમાન તરફ ઇશારો કરતાં તેમણે કહ્યું હતું, “શું આ લોકશાહી છે?”
1971ના યુદ્ધમાં ઇંદિરા ગાંધીનું સમર્થન
1971ની ચૂંટણીના પરિણામ વિશેનું વાજપેયીનું અનુમાન તદ્દન ખોટું સાબિત થયુ હતું. તેમણે ધાર્યું હતું કે સન્માનજનક પરાજય થશે, પરંતુ મહાગઠબંધનને માત્ર 49 બેઠકો મળી અને જનસંઘની બેઠકોની સંખ્યા 35થી ઘટીને 22 થઈ ગઈ તેનાથી વાજપેયીને આંચકો લાગ્યો હતો.
જનસંઘને મળેલી બેઠકો પૈકીની મોટા ભાગની મધ્યપ્રદેશ તથા રાજસ્થાનના એ વિસ્તારોમાંથી મળી હતી, જ્યાં ભૂતપૂર્વ રાજાઓનો પ્રભાવ હતો. બાકીના હિન્દીભાષી વિસ્તારમાંથી જનસંઘને માત્ર સાત બેઠકો મળી હતી.
નવેમ્બર, 1971માં ઇંદિરા ગાંધીએ નક્કી કર્યું હતું કે ભારત ચોથી ડિસેમ્બરે પાકિસ્તાન પર હુમલો કરશે, પરંતુ પાકિસ્તાને તેના એક દિવસ પહેલાં જ ભારતીય હવાઈ દળનાં સ્થાનકો પર હુમલા શરૂ કર્યા હતા.
વાજપેયીએ તે પછીના બે સપ્તાહ સંસદની કાર્યવાહીમાં ભાગ લેવામાં અને દિલ્હીમાં જાહેર સભાઓ સંબોધિત કરવામાં પસાર કર્યાં હતાં.
એ દરમિયાન તેમણે એક રસપ્રદ નિવેદન કર્યું હતું કે “ઇંદિરાજી હવે જનસંઘની નીતિને અનુસરી રહ્યાં છે.”
તેની સાથે તેમણે એવું પણ જણાવ્યું હતું કે યુદ્ધના મુદ્દે તેમનો પક્ષ સરકારને સંપૂર્ણ ટેકો આપે છે. સંયુક્ત રાષ્ટ્રસંઘની સલામતી પરિષદમાં યુદ્ધવિરામની અમેરિકાની દરખાસ્તને સોવિયેત સંઘે વીટો કરી ત્યારે વાજપેયીએ યૂ-ટર્ન લેતાં સોવિયેત સંઘનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે “જે દેશ અમારા સંકટ દરમિયાન અમારી સાથે છે તે અમારો દોસ્ત છે. અમે અમારી વૈચારિક લડાઈ પછી પણ જીતી શકીશું.”
ઇંદિરા ગાંધીના સમર્થનમાં વકતવ્ય આપતાં વાજપેયીએ કહ્યું હતું, “ઇંદિરા ગાંધી યાહ્યા ખાનને પાઠ ભણાવી રહ્યાં છે તેનાથી હું ખુશ છું. એક ધર્મશાસિત દેશનું અસ્તિત્વ ખતમ કરવાની અથવા તેના શક્ય હોય તેટલા નાના ટુકડા કરી નાખવાની ઐતિહાસિક તક આપણી પાસે છે.”
ઇંદિરા ગાંધીને ‘દુર્ગાનો અવતાર’ ક્યારેય ગણાવ્યાં ન હતાં
પાકિસ્તાની સૈનિકોએ જે દિવસે ઢાકામાં આત્મસમર્પણ કર્યું એ દિવસે વાજપેયીએ ઇંદિરા ગાંધીને ‘દુર્ગાનો અવતાર’ ગણાવ્યાં હોવાની માન્યતા છે.
અભિષેક ચૌધરી એ ધારણાને જડમૂળથી નકારી કાઢે છે. તેઓ કહે છે, “વાસ્તવિકતા એ છે કે 16 ડિસેમ્બરે વાજપેયી સંસદમાં હાજર જ ન હતા. તેઓ પ્રવાસ કરી રહ્યા હતા અથવા બીમાર હતા. ઇંદિરા ગાંધીએ યુદ્ધવિરામ બાબતે ચર્ચા કરવા યોજેલી વિરોધ પક્ષની બેઠકમાં પણ વાજપેયી હાજર ન હતા.”
“બીજા દિવસે ઇંદિરા ગાંધીએ યુદ્ધવિરામના નિર્ણયને સમર્થન આપવા માટે વિરોધ પક્ષનો આભાર માન્યો ત્યારે વાજપેયીએ ઊભા થઈને કહ્યું હતું કે અમે યુદ્ધવિરામ ઇચ્છતા નથી. અમે તો આપણા પ્રત્યેની દુશ્મનાવટને કાયમ માટે ખતમ કરવા ઇચ્છીએ છીએ. તેથી પશ્ચિમ સેક્ટરમાં લડાઈ ચાલુ રાખવી જરૂરી છે.”
લોકસભાના તત્કાલીન અધ્યક્ષ ગુરદયાલસિંહ ઢિલ્લોંએ આ બાબતે ચર્ચાની અનુમતિ આપી ન હતી અને વાજપેયીને ઠપકો આપતાં કહ્યું હતું કે “આવા શુભ પ્રસંગે આ પ્રકારની અસંવેદનશીલ વાત ન કરવી જોઈએ.”
બે દિવસ પછી સંસદના કેન્દ્રીય કક્ષમાં ઇંદિરા ગાંધીને અભિનંદન આપવા માટે બન્ને ગૃહની સંયુક્ત બેઠક યોજાઈ ત્યારે વાજપેયીએ તેમાં જાણીજોઈને હાજરી આપી ન હતી.
ઇંદિરા ગાંધી માટેની હૂંફ કડવાશમાં પરિવર્તિત થઈ
થોડા દિવસ પછી વાજપેયી વિજય રેલીને સંબોધન કરવા મુંબઈ ગયા હતા. એ જાહેર સભામાં તેમણે કહ્યું હતું, “દેશે અનેક શતાબ્દીથી આવો વિજય હાંસલ કર્યો નથી. આ જીતનું અસલી હકદાર ભારતીય સૈન્ય છે.”
તેમણે ઇંદિરા ગાંધીને વખાણતાં જણાવ્યું હતું કે ઇંદિરા ગાંધીએ બે સપ્તાહની લડાઈમાં ઠંડા દિમાગથી કામ કર્યું હતું અને દેશનું આત્મવિશ્વાસસભર નેતૃત્વ કર્યું હતું.
જોકે, ત્રણ મહિના પછી રાજ્યોની વિધાનસભા ચૂંટણી આવતા સુધીમાં ઇંદિરા ગાંધી પ્રત્યેની તેમની હૂંફ લગભગ ખતમ થઈ ગઈ હતી. તેમની ફરિયાદ એ હતી કે ઇંદિરા ગાંધીએ 1967થી 1972 દરમિયાન દિલ્હીમાં સ્વચ્છ વહીવટ કરવા બદલ જનસંઘ માટે ક્યારેય સારા શબ્દો કહ્યા ન હતા.
વાજપેયીએ જણાવ્યું હતું કે જનસંઘે રસ્તાઓ અને કૉલોનીઓનાં નામ બદલવા સિવાય બીજું કશું કર્યું નથી એવું ઇંદિરા ગાંધી ઠેકઠેકાણે કહેતાં રહ્યાં છે.
ઑર્ગેનાઇઝરના 1972ની ચોથી માર્ચના અંકમાં વાજપેયીને એવું કહેતા ટાંકવામાં આવ્યા હતા કે “ઇંદિરા ગાંધીએ પાકિસ્તાન સામે યુદ્ધ છેડવામાં વિલંબ કર્યો હતો અને યુદ્ધવિરામ પણ વહેલો કર્યો હતો. તેમણે સોવિયેત સંઘના દબાણને લીધે યુદ્ધવિરામ કર્યો હતો, પણ સૈન્યના વડાઓ સાથે મસલત કરી ન હતી. પાકિસ્તાન સાથે થોડા વધુ દિવસ યુદ્ધ ચાલુ રાખ્યું હોત તો પાકિસ્તાની સૈન્યની કમર તૂટી ગઈ હોત.”
વાજપેયીને ઇંદિરા ગાંધીનો જવાબ
પાકિસ્તાન સાથે જુલાઈ, 1972માં થયેલો શિમલા કરાર વાજપેયીને ગમ્યો ન હતો. તેમની ફરિયાદ હતી કે ભારતે પાકિસ્તાનના કબજા હેઠળનું કાશ્મીર પોતાના તાબામાં લીધા વિના પંજાબ તથા સિંધમાં પાકિસ્તાન પાસેથી જિતેલો પ્રદેશ તેને પરત કર્યો હતો.
એ દરમિયાન તેમણે રાજસ્થાનની સીમા પરના પાકિસ્તાન પાસેથી જીતી લેવામાં આવેલા ગાદરા શહેર જવાનો નિર્ણય કર્યો હતો.
અભિષેક ચૌધરી લખે છે, “વાજપેયી તેમની સાથે 64 સત્યાગ્રહીને લઈ ગયા હતા. તેમણે નારા લગાવ્યા હતાઃ દેશ ન હારા, ફૌજ ન હારી, હારી હૈ સરકાર હમારી.”
આકરા તાપ અને આંધીનો સામનો કરતાં ચાર કિલોમીટરનો પંથ કાપીને તેઓ ગાદરા શહેરમાં પ્રવેશ્યા હતા. જીતવામાં આવેલા પ્રદેશની 180 મીટર અંદર ગયા ત્યારે વાજપેયી અને તેમના તમામ સાથીની ધરપકડ કરવામાં આવી હતી તથા તેમને ટ્રકમાં બેસાડીને ભારતીય પ્રદેશમાં લાવવામાં આવ્યા હતા.
ત્યાંથી પાછા ફર્યા બાદ બોટ ક્લબમાં એક સભાને સંબોધન કરતાં વાજપેયીએ ઇંદિરા ગાંધીને સવાલ પૂછ્યો હતો કે “છેલ્લા દિવસે ક્રેમલિનથી સંદેશો આવ્યા પછી શિમલામાં મડાગાંઠ ઉકેલાઈ હતી?”
એ દિવસ સુધી ઇંદિરા ગાંધી વાજપેયીના આક્ષેપોની અવગણના કરતાં હતાં, પરંતુ આ વખતે વાજપેયીના સવાલનો જવાબ આપતાં તેમણે કહ્યું હતું, “આ પ્રકારના આક્ષેપ હીનભાવનાથી ગ્રસ્ત વ્યક્તિ જ કરી શકે. અમે કરોડો લોકોનો અવાજ સાંભળીએ કે કાયમ રડારોળ કરતા જૂજ લોકોનો? વાજપેયીએ ગયું આખું વર્ષ મારી મજાક કરી છે. બાંગ્લાદેશ આજે વાસ્તવિકતા છે એ વાતનો વાજપેયી ઇનકાર કરી શકે?”
મારુતિ અને વડા ન્યાયમૂર્તિની નિમણૂકનો મામલો
વાજપેયીને બે વર્ષમાં જ ઇંદિરા ગાંધી પર ફરી હુમલો કરવાની તક મળી હતી. ઇંદિરા ગાંધીના પુત્ર સંજયે મારુતિ કારનું કારખાનું શરૂ કર્યું ત્યારે વાજપેયીએ તેમને ટોણો મારતા કહ્યું હતું, “આ કંપની મારુતિ લિમિટેડ નથી, કરપ્શન અનલિમિટેડ છે.”
ઇંદિરા ગાંધી સરકારે સુપ્રીમ કોર્ટના ત્રણ વરિષ્ઠ ન્યાયમૂર્તિની અવગણના કરીને એએન રાયને દેશના વડા ન્યાયમૂર્તિ બનાવ્યા ત્યારે વાજપેયીની ઇંદિરા ગાંધી પર હુમલો કરવાની વધુ એક તક મળી હતી.
વાજપેયીએ કટાક્ષ કરતાં કહ્યુ હતું, “મુખ્ય ચૂંટણી કમિશનર અને સંઘ લોક સેવા આયોગના વડાનું સામાજિક દર્શન પણ સરકારને અનુરૂપ હોય, એવું બની શકે. આ નિયમ સશસ્ત્ર સેનાને પણ લાગુ પડશે? કાયદો જીહજૂરી કરતા લોકોની મદદથી બની શકે નહીં. એ માટે ન્યાયપાલિકા આઝાદ હોવી જરૂરી છે.”
ભારતે 1974માં પોતાનું સૌપ્રથમ અણુ-પરીક્ષણ કર્યું ત્યારે વાજપેયીએ ભારતીય અણુવિજ્ઞાનીઓનાં વખાણ કર્યાં હતાં, પરંતુ તેનું શ્રેય વડા પ્રધાનને આપ્યું ન હતું.
જગજીવન રામ વડાપ્રધાન બને તેવું ઇચ્છતા હતા
1971ની લોકસભા ચૂંટણીમાં જનતા પાર્ટીનો વિજય થયો ત્યારે જનસંઘને સૌથી વધારે 90 બેઠક મળી હતી. ભારતીય લોકદળને 55 અને સોશિયાલિસ્ટ પક્ષને 51 બેઠક મળી હતી. જનસંઘ સૌથી મોટો પક્ષ હોવાને કારણે વાજપેયી વડા પ્રધાનપદ માટે દાવેદારી કરી શકે તેમ હતા.
અભિષેક ચૌધરી કહે છે, “તેનું કારણ એ છે કે એ વખતે વાજપેયી માત્ર બાવન વર્ષના હતા. મોરારજી દેસાઈ, જગજીવન રામ અને ચરણસિંહની સરખામણીએ તેમને વહીવટનો કોઈ અનુભવ ન હતો. વાજપેયીએ નેતૃત્વની સ્પર્ધામાં ઝુકાવ્યું હોત તો નવી જ બનેલી જનતા પાર્ટી માટે વધુ મુશ્કેલી સર્જાઈ હોત. વ્યૂહરચનાની માગ એ હતી કે આ વખતે વાજપેયી પાછળ રહે અને પોતાનો વારો આવવાની રાહ જુએ.”
વાજપેયીએ શરૂઆતમાં વડા પ્રધાનપદ માટે જગજીવન રામને સમર્થન આપ્યું હતું. સંસદમાં વિરોધી હોવા છતાં જગજીવન રામ સાથે તેમને સારો સંબંધ હતો.
મોરારજી દેસાઈ જિદ્દી હતા. તેમનામાં લવચીકતાનો અભાવ હતો. જગજીવન રામને ટેકો આપવાથી દલિતોમાં સંઘ પરિવારની ઇમેજ સુધરી શકે તેમ હતી, પરંતુ ચરણસિંહે કર્યા-કારવ્યા પર પાણી ફેરવી દીધું હતું.
તેમણે હૉસ્પિટલના બિછાનેથી લખેલા પત્રમાં જગજીવન રામની ઉમેદવારીને એવી દલીલ સાથે ફગાવી દીધી હતી કે તેમણે સંસદમાં કટોકટીનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો.
વાજપેયી પાસે મોરારજી દેસાઈને ટેકો આપવા સિવાય કોઈ વિકલ્પ રહ્યો ન હતો.
જનતા પાર્ટી સરકારમાં વિદેશમંત્રી બન્યા
ચરણસિંહના નેતૃત્વ હેઠળની જનતા સરકારમાં વાજપેયીને ગૃહ મંત્રાલય મળવાની કોઈ શક્યતા ન હતી.
મોરારજી દેસાઈએ તેમને સંરક્ષણ અથવા વિદેશ એ બેમાંથી એક મંત્રાલયની પસંદગી કરવાનું કહ્યું હતું. વાજપેયીએ તત્કાળ વિદેશ મંત્રાલય પસંદ કર્યું હતું.
ચૂંટણી પછી રામલીલા મેદાનમાં એક જાહેર સભાને સંબોધન કરતાં અટલ બિહારી વાજપેયીએ ઇંદિરા ગાંધીને નિશાન બનાવતાં એ મશહૂર વાક્ય કહ્યું હતું, “જે લોકો ખુદને ભારતનો પર્યાય ગણાવતા હતા, તેમને લોકોએ ઇતિહાસની કચરાપેટીમાં ફેકી દીધા.”
ઇંદિરા ગાંધીએ વાજપેયી ખોટા સાબિત કર્યા હતા અને ત્રણ વર્ષ પછી ફરી એક વાર સત્તા પર આવ્યાં હતાં એ અલગ વાત છે.
વાજપેયીનો વારો પણ આવ્યો હતો. તેઓ 1996 અને પછી 1998 તથા 1999માં એમ ત્રણ વખત વડા પ્રધાન બન્યા હતા. તેમની સરકાર એવી પહેલી બિન-કૉંગ્રેસી સરકાર હતી, જેણે પોતાનો કાર્યકાળ પૂર્ણ કર્યો હતો.