ગધેગલ : રાજાઓના ધમકીભર્યા શિલાલેખો જે ગાળ બની ગયા

    • લેેખક, જયદીપ વસંત
    • પદ, બીબીસી ગુજરાતી માટે

'જો કોઈએ રાજાનો આદેશ ન માન્યો તો પરિવારની મહિલા સાથે આવું થઈ શકે છે' આવી (માતાની ગાળ, પરંતુ પત્નીની ધમકીઓ પણ છે એટલે) ધમકી સાથે એક ચિત્ર કોતરવામાં આવ્યું હોય છે, જેમાં ગધેડાને મહિલા સાથે સંબંધ બાંધતા જોઈ શકાય છે.

'ગધેગલ' ('गधेगळ) તરીકે ઓળખાતા શિલાલેખ મહારાષ્ટ્ર, ગુજરાત, ગોવા અને પૂર્વ તથા દક્ષિણ કર્ણાટકમાં અલગ-અલગ સ્થળોએથી મળી આવ્યા છે. જે પુરાતત્ત્વવિદો માટે અભ્યાસનો વિષય છે.

જમીન કે જળસ્રોતના અધિકારની જાહેરાત કરતા આ શિલાલેખ કોઈ એક રાજા કે રજવાડાં સુધી જ મર્યાદિત નથી, પરંતુ સદીઓના ગાળા દરમિયાન તેનું ચલણ જોવા મળે છે. જે શાસનકર્તા દ્વારા આપવામાં આવેલી ખુલ્લી ધમકી સમાન છે.

તત્કાલીન શાસનવ્યવસ્થામાં મહિલાઓની દારૂણ સ્થિતિ શિલાલેખોમાં સ્પષ્ટ થાય છે.

શું છે ગધેગલ?

ગધેગલએ મરાઠીમાં બે અલગ-અલગ શબ્દ 'ગધે' અને 'ગલ'નો મતલબ પથ્થર એવો થાય છે. આ સિવાય વધુ એક અર્થ થાય છે, જેનો મતલબ 'ગધેડો' અને 'ગાળ' એવો થાય છે.

ગધેગલનો વ્યાપક અભ્યાસ કરનાર ડૉ. કુરુષ દલાલ આર્કિયૉલૉજીના અલગ-અલગ પ્રવાહોનો અભ્યાસ કરતા જર્નલ હૅરિટેજ (વૉલ્યુમ-3, પેજ 295-296) પર આ સમજ આપે છે.

ગધેગલ વિશે સંશોધન કરનારાં હર્ષદા વિરકુડનાં મતે, "ગધેગલ ત્રણ ભાગમાં વહેંચાયેલા હોય છે. જેના ઉપરના ભાગમાં કળશ, ચંદ્ર અને સૂરજ હોય છે. વચ્ચેના ભાગમાં લખાણ હોય છે."

"જેમાં ધમકી લખેલી રહેતી કે જે કોઈ રાજાના આદેશનું પાલન નહીં કરે, તેના પરિવારની મહિલાને આ પ્રકારની સજા ભોગવવી પડશે. નીચેના ભાગમાં એક ગધેડા અને મહિલા વચ્ચેના યૌનસંબંધનું ચિત્ર હોય છે."

આ શિલાલેખમાં સૂરજ અને ચંદ્રને કંડારવાનો મતલબ હતો કે 'જ્યાં સુધી સૂરજ અને ચંદ્ર રહેશે, ત્યાં સુધી' આ આદેશ અમલમાં રહેશે.

અમુક કિસ્સામાં ગધેડા સાથે મહિલાના અકુદરતી જાતીયસંબંધના ચિત્ર પણ કંડારવામાં આવ્યા છે.

ઐતિહાસિક અને ઇતિહાસ પણ

વિરકુડના મતે સૌથી જૂનો ગધેગલ શિલાલેખ ઈ.સ. 934થી 1012ની વચ્ચે હોવાનું માનવામાં આવે છે. સૌ પહેલાં શિલાહાર શાસકોએ આ પ્રકારના શિલાલેખો સ્થાપવાનું શરૂ કર્યું હતું. આ સિવાય યાદવ, ચાલુક્ય, કદંબ અને બહમાની આદિલશાહી શાસકોએ પણ આ પ્રકારના શિલાલેખ સ્થાપિત કરાવ્યા હતા.

જેને જમીન કે જળસ્રોતના અધિકાર આપવામાં આવ્યા હતા, તેની ફરતે આ પ્રકારના પથ્થર સ્થાપિત કરવામાં આવતા હોવાનું માનવામાં આવે છે.

સંશોધનકારોને અભ્યાસ દરમિયાન માલૂમ પડ્યું હતું કે કેટલાંક ગામોમાં આ પ્રકારના ગધેગલ હતા, પરંતુ તેને અશ્લીલ અને અસભ્ય ગણીને તેને ખંડિત કરી દેવામા આવ્યા હતા, તો ક્યાંક આ પ્રકારના દૃશ્યને અડધા જમીનમાં દાટી દેવામાં આવ્યા હતા. અમુક જગ્યાએ તેને કાળા જાદુ સાથે સાંકળીને તેની પૂજા કરવામાં આવતી. ક્યાંક સ્ત્રી 'વ્યભિચારિણી' હતી એટલે તેને ગદર્ભ સાથે સંબંધ બાંધવાની સજા કરવામાં આવી હતી.

જો આ પ્રકારના ગધેગલ મંદિરમાં હોય તો તેની સાથે ધાર્મિકતર્ક જોડી દેવામાં આવ્યા છે. જેની ઉપર સિંદૂર અને તેલ ચઢાવવામાં આવ્યાં હોય, જેના કારણે લખાણને ક્ષતિ પહોંચી હોય. ત્યાં નિયમિત રીતે ધૂપ-દીપ પણ થતા હોય.

ઘણી વખત ગ્રામજનો દ્વારા આવા કોઈ શિલાલેખની પૂજાઅર્ચના થતી હોય અને જ્યારે સંશોધનકારો તેનો કોઈ દૈવીસંબંધ નહીં, પરંતુ ગધેગલ હોવાનું સમજાવે ત્યારે તેમના માટે સ્વીકાર કરવો મુશ્કેલ બની જતો હોય છે.

એક જગ્યાએ શરાબના નશામાં સ્થાનિક શખ્સે ગધેગલને નુકસાન પહોંચાડ્યું હતું. તો એક ગામમાં સંશોધનકારો પહોંચ્યા અને ગધેગલની ખરાઈ કર્યા બાદ ગ્રામજનોને તેની સંભાળ રાખવા વિનંતી કરી હતી, પરંતુ જ્યારે તેની જાળવણી માટે ટીમ ત્યાં બીજી વખત પહોંચી ત્યારે તેની ઉપર રંગકામ કરી દેવામાં આવ્યું હતું.

સંશોધકોનું કહેવું છે કે ગધેગલને ઐતિહાસિક કળાના નમૂના કે શિલાલેખ સિવાયનાં ઐતિહાસિક લખાણ (એક્સ્ટ્રા મ્યુરલ) તરીકે જોવા જોઈએ. તેનાથી ભયભીત થવાની જરૂર નથી, તેના પ્રત્યે પૂજ્યભાવ લાવવાની જરૂર નથી કે તેની ઉપરના દૃશ્યને કારણે ઘૃણા કરવાની પણ જરૂર નથી.

સજા સાંકેતિક કે વાસ્તવિક ?

સામાન્ય રીતે આવા આદેશ બ્લૅક બેસલ્ટ પથ્થર ઉપર કોતરવામાં આવતા. જે તત્કાલીન સમયની રાજકીય, સામાજિક અને આર્થિક સ્થિતિ ઉપર પ્રકાશ પાડે છે. જેમાં મહિલાઓ હાંસિયામાં ધકેલાયેલી હતી.

એ સમયે સામંતવાદી રાજાઓ પોતાની હદો વિસ્તારવા માગતા હતા. તેઓ પ્રજા પર પકડ જમાવી રાખવા માગતા હતા, એટલે તેમના આદેશનો અસરકારક અમલ થાય તે માટે આ પ્રકારની ધમકીઓ આપવામાં આવતી.

વરિષ્ઠ ઇતિહાસકાર આર.સી. ઢેરેએ ગધેગલ પર સંશોધન કર્યું હતું. તેમના મતે સ્ત્રીએ ધરતીનું પ્રતિનિધિત્વ કરે છે, જે સમૃદ્ધિનું પ્રતીક છે. જ્યારે ગધેડોએ ઉજ્જડતાને રજૂ કરે છે. મતલબ કે જે કોઈ આદેશનું પાલન નહીં કરે તેમની જમીનને ઉજ્જડ કરી દેવામાં આવશે.

શિવાજીના જીવન સાથે જોડાયેલી એક ઘટના આ પ્રકારની માન્યતાની ઉપર પ્રકાશ પાડે છે. કહેવાય છે કે 1630ના દાયકામાં આદિલશાહના મરાઠા સરદાર રાયારાવે પુનાને ઉજ્જડ કરી નાખ્યું હતું. એ પછી તેણે ત્યાં ગધેડે હળ જોતાવ્યા હતા.

જીજાબાઈ અને બાળ શિવાજી જ્યારે પુના આવ્યાં, ત્યારે તે એકદમ વેરાન હતું. જીજાબાઈએ વિસ્તારના વિકાસના આદેશ આપ્યા અને સોનાના હળે જમીન જોતાવી હતી, જેથી કરીને અહીં સમૃદ્ધિ પરત ફરી અને આજે પુના જેવું છે, તેવું સમૃદ્ધ જોવા મળ્યું હોવાની સ્થાનિકોની માન્યતા છે.

જો ધરતી માતા સમાન હોય અને પરિવારની માતાના ગધેડા સાથે સંબંધ દ્વારા તેમને અપમાનિત કરવાની વાત હોય તો અમુક કિસ્સામાં આ પ્રકારની ધમકી પત્ની કે ભંગ કરનાર માટે પણ આપવામાં આવી છે.

એ સમયે સમાજમાં વર્ણવ્યવસ્થા પ્રવર્તમાન હતી. ક્ષત્રિય, બ્રાહ્મણ અને વૈશ્યને જ જમીનના અધિકાર મળેલા હતા. આ સિવાય ધાર્મિકસ્થળોને પણ નિભાવ માટે જમીન આપવામાં આવતી.

પ્રવર્તમાન દેવનાગરી ભાષાથી બધા વાકેફ ન હોય એટલે આ પ્રકારના પ્રતીકાત્મક સંકેત મૂકવામાં આવતા. આગળ જતાં મરાઠી ભાષાનો વિકાસ થયો ત્યારે તેનો પણ ઉપયોગ થવા લાગ્યો અને પ્રદેશ પર રાજ કરનારા મૂળ વિદેશીશાસકોએ પણ તેની ઉપર અમલ કર્યો હતો.

આગળ જતાં આદિલશાહી સમયગાળામાં જ્યારે મરાઠી વિકસિત થઈ ગઈ હતી. એક ગધેગલમાં ફારસી અને મરાઠી એમ બે ભાષામાં હિંદુ અને મુસલમાનો માટે આ પ્રકારની ચેતવણી આપવામાં આવી છે.

મરાઠી ભાષામાં ભંગ કરનાર વ્યક્તિનો (સ્પષ્ટપણે સ્ત્રી નહીં) ગધેડા સાથે સંબંધનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તો ફારસી ભાષામાં ખતા કરનાર વ્યક્તિનું (સ્પષ્ટપણે સ્ત્રી નહીં) મોં કાળું કરવાની વાત કહેવામાં આવી છે. આ ગધેગલ સતારા મ્યુઝિયમમાં છે.

અમુક ગધેગલમાં આદેશભંગને ગોહત્યા', 'બ્રહ્મહત્યા' કે 'બાળહત્યા' સાથે સરખામણી કરવામાં આવ્યો છે.

અગાઉ હર્ષદાએ બીબીસી મરાઠીને જણાવ્યું હતું, "લગભગ 150 જેટલા ગધેગલ શિલાલેખોના સંશોધન પછી મને લાગે છે કે ગધેગલનો સંબંધ તત્કાલીન સમાજમાં મહિલાઓની સ્થિતિ સાથે છે."

"એ સમયની સામાજિક સ્થિતિ એકદમ ખરાબ હતી. સત્તા અને વિસ્તાર માટે રાજાઓ વચ્ચે યુદ્ધ થતાં. સામંતવાદી રાજા પોતાની હદો વિસ્તારવા માગતા હતા અને લોકોની વચ્ચે પોતાની ધાક જમાવવા માગતા હતા."

"ઘરમાં મહિલાઓને માતા, બહેન, પત્ની કે દેવી તરીકે જોવામાં આવતી, પરંતુ સમાજમાં તેમનું કોઈ સ્થાન ન હતું, એટલે જ શિલાલેખોમાં આ પ્રકારની તસવીરો કંડારવામાં આવતી."

તેઓ ઉમેરે છે કે, "એવું માનવામાં આવતું કે જો કોઈ પરિવારની મહિલા સાથે આ પ્રકારનું જઘન્ય કૃત્ય થાય તો સમાજમાં જે-તે પરિવારની પ્રતિષ્ઠા ધૂળધાણી થઈ જશે. એટલે જ કોઈ પણ વ્યક્તિ રાજાના આદેશનો ભંગ કરવા વિશે વિચારતી નહોતી."

"આ પ્રકારની સજા આપવામાં આવી હોય, તેના વિશે કોઈ સ્પષ્ટ પુરાવા નથી મળતા. આવી સજા આપવામાં આવી હતી કે નહીં, તે ચોક્કસપણે કહી ન શકાય પરંતુ તે રાજા તરફથી આપવામાં આવેલી ધમકી નિશ્ચિતપણે હતી."

ગુજરાતીની જેમ જ મરાઠી ભાષાના અનેક શબ્દસમૂહમાં ગધેડો એ મૂર્ખતા, અસ્વચ્છતા, ઉજ્જડતા કે અણસમજનું પ્રતિનિધિત્વ કરે છે. આજે પણ મરાઠી ભાષામાં માતા અને ગધેડાને સાંકળતો શબ્દસમૂહ 'તુજા આઈલા....' (ગાળ છે ) ગાળ તરીકે પ્રચલિત છે.

જો ગધેગલ એ સમયની મહિલાઓની સ્થિતિને રજૂ કરે છે, તો આજે પણ ન કેવળ બે પુરુષ, પરંતુ બે મહિલાના ઝગડામાં પણ ગાળો મહિલાકેન્દ્રિત જ હોય છે. ગાળો જેન્ડર ન્યૂટ્રલ કે પુરુષકેન્દ્રિત નથી હોતી જે પણ વિચારયોગ્ય છે.