એ મહિલાની આપવીતી જેને પ્રસૂતિ વખતે ઊંટ પર સાત કલાકનો પ્રવાસ ખેડવો પડ્યો

    • લેેખક, શાર્લીન ઍન રૉડ્રીગઝ
    • પદ, બીબીસી ન્યૂઝ

મોનાને પ્રસૂતિની ઊપડી ત્યારે એક ઊંટ તેમનું તારણહાર બન્યું હતું.

19 વર્ષનાં મોનાએ એવું ધારેલું કે પર્વતની ટોચ પર આવેલા તેમના ઘરેથી હૉસ્પિટલ સુધીનું 40 કિલોમીટરનું અંતર ચાર કલાકમાં કાપી શકાશે, પરંતુ ખરાબ રસ્તા અને પ્રતિકૂળ હવામાનને કારણે તેમને સાત કલાક લાગ્યા હતા.

મોનાએ કહ્યું હતું કે “ઊંટ પ્રત્યેક ડગલું આગળ વધતું હતું ત્યારે હું પીડાથી ચિત્કારતી ઊઠતી હતી.”

ઊંટ અટકી ગયું ત્યારે મોના તેના પરથી નીચે ઊતરી ગયાં હતાં અને તેમના પતિ સાથે પગપાળા ચાલીને હૉસ્પિટલે પહોંચ્યા હતાં.

ઉત્તર-પશ્ચિમ યમનના માહવીત પ્રાંતમાં બાની સાદ હૉસ્પિટલ હજારો મહિલાઓ માટેની એકમાત્ર કાર્યરત્ હૉસ્પિટલ છે. મોનાનું ઘર અલ-માકરા ગામમાં આવેલું છે અને ત્યાંથી ઊંટ પર બેસીને અથવા જોખમી પર્વતમાં પગપાળા પ્રવાસ કરીને જ પહોંચી શકાય છે.

ઊંટ પર બેસીને પ્રવાસ કરતી વખતે મોના પોતાની તથા તેમના ગર્ભમાંના બાળકની સલામતી બાબતે ભયભીત રહ્યાં હતાં.

‘શારીરિક અને માનસિક રીતે થકવી નાખનારા પ્રવાસને’ યાદ કરતાં મોનાએ કહ્યું હતું કે “રસ્તો ખડકાળ હતો. એ પ્રવાસમાં એવો સમય પણ આવ્યો હતો, જ્યારે મેં ભગવાનને પ્રાર્થના કરી હતી કે મારો જીવ લઈ લેજો પણ મારા સંતાનને હેમખેમ રાખજો.”

હૉસ્પિટલમાં પહોંચ્યાં પછી શું થયું હતું એ મોનાને યાદ નથી, પરંતુ નર્સ અને ડૉક્ટરના હાથમાં રડતા બાળકનો અવાજ સાંભળ્યો ત્યારે તેમનું હૈયું પુલકિત થઈ ગયું હતું.

મોના અને તેમના પતિએ નવજાત દીકરાનું નામ જારાહ રાખ્યું છે. તેમણે દીકરાનું નામ તેને બચાવનાર ડૉક્ટરના નામ પરથી રાખ્યું છે.

નજીકનાં ગામોમાંથી હૉસ્પિટલ સુધી પહોંચવાના રસ્તા સાંકડા છે. સાઉદી અરેબિયાના વડપણ હેઠળનાં સરકાર તરફી દળો અને ઇરાનનું સમર્થન ધરાવતા હુથી બળવાખોરો વચ્ચે આઠ વર્ષથી ચાલી રહેલા યુદ્ધને કારણે એ માર્ગો તૂટી ગયા છે અથવા અવરોધિત છે.

પર્વતીય પ્રદેશમાં રહેતી સગર્ભા મહિલાઓને હૉસ્પિટલ સુધી પહોંચાડવાનું કામ મોટા ભાગે અન્ય મહિલાઓ, તેમના પરિવારજનો અથવા તો પતિઓ કરતાં હોય છે.

એક અન્ય સગર્ભા મહિલા સાથે આવેલાં 33 વર્ષનાં સલમા અબ્દુએ જણાવ્યું હતું કે તેઓ હૉસ્પિટલે આવતાં હતાં ત્યારે માર્ગમાં મધરાતે મૃત્યુ પામેલી એક સગર્ભા મહિલાને તેમણે જોઈ હતી.

સલમા સગર્ભા સ્ત્રીઓ તથા બાળકો પ્રત્યે દયા દાખવવાની વિનંતી કરી રહ્યાં છે.

તેમણે કહ્યું હતું કે “અમને સારા રસ્તા, હૉસ્પિટલો અને ફાર્મસીઓની જરૂર છે. અમે આ ખીણમાં ફસાયેલાં છીએ. નસીબદાર સ્ત્રીઓ સલામત રીતે બાળકને જન્મ આપી શકે છે. અન્ય સ્ત્રીઓ પ્રવાસની પીડા સહન કરવા છતાં મૃત્યુ પામે છે.”

કેટલાક પરિવારો હૉસ્પિટલનો ખર્ચ ચૂકવી શકે તેવી સ્થિતિમાં છે, પરંતુ હૉસ્પિટલ સુધી પહોંચવા માટે તેમની પાસે નાણાકીય સંસાધન હોતાં નથી.

યમનમાં કાર્યરત્ સંયુક્ત રાષ્ટ્રસંઘ પોપ્યુલેશન ફંડ(યુએનએફપીએ)ના પ્રતિનિધિ હિચમ નાહરોને જણાવ્યા મુજબ, મૃત્યુ નિવારી શકાય તેવાં કારણોસર યમનમાં દર બે કલાકે એક સ્ત્રીનું પ્રસૂતિ દરમિયાન મોત થાય છે.

હિચમ નાહરોએ જણાવ્યું હતું કે યમનના અંતરિયાળ વિસ્તારોમાં રહેતી સગર્ભા સ્ત્રીઓ, તેમને રક્તસ્ત્રાવ શરૂ ન થાય કે સખત પીડા ન થાય ત્યાં સુધી મોટા ભાગે નિયમિત ચેક-અપ કરાવતી નથી અથવા તબીબી મદદ લેતી નથી.

યુએનએફપીએના જણાવ્યા મુજબ, કુલ પૈકી અડધાંથી ઓછી પ્રસૂતિ તાલીમપ્રાપ્ત તબીબોની મદદ વડે કરવામાં આવે છે અને માત્ર 33 ટકા પ્રસૂતિ સરકારી હૉસ્પિટલમાં થાય છે. યમનમાં બે-પંચમાંશ લોકો જ સંપૂર્ણપણે કાર્યરત્ હોય તેવી હૉસ્પિટલથી 60થી વધુ મિનિટના અંતરે આવેલા વિસ્તારોમાં રહે છે.

યમનમાં આરોગ્યવ્યવસ્થા યુદ્ધ શરૂ થઈ તે પહેલાં પણ ખરાબ હાલતમાં હતી. હાલના યુદ્ધને કારણે યમનની હૉસ્પિટલો તથા રસ્તાઓને વ્યાપક નુકસાન થયું છે. માર્ગોની અત્યંત ખરાબ હાલતને કારણે લોકો માટે હૉસ્પિટલ સુધી પહોંચવાનું મુશ્કેલ બની ગયું છે.

હૉસ્પિટલોમાં લાયકાત ધરાવતા કર્મચારીઓ નથી. પૂરતા પ્રમાણમાં સાધનો અને દવાઓ નથી. માર્ગો તથા માળખાકીય સુવિધાનું નિર્માણ થંભી ગયું છે.

યુએનએફપીએના જણાવ્યા અનુસાર, કાર્યરત હૉસ્પિટલો પ્રત્યેક પાંચમાંથી એક જ માતા તથા બાળકને ભરોસાપાત્ર આરોગ્યસેવા પ્રદાન કરી શકે છે.

‘મને થયું હતું કે આ જીવનનો અંત છે’

મોનાની કથા, યમનમાં ગર્ભવતી સ્ત્રીઓએ જે મુશ્કેલીનો સામનો કરવો પડે છે એવા હજારો કિસ્સાઓ પૈકીની એક છે. પોતાની કારની માલિકી યમનમાં મોટા ભાગના લોકોની પહોંચની બહારની વાત છે. અહીંની 80 ટકા વસ્તી મદદ પર નિર્ભર છે.

હેલાહના પતિ સાઉદી અરેબિયામાં નોકરી કરતા હતા ત્યારે તેમણે થોડા પૈસા બચાવ્યા હતા. એ પૈસાનો ઉપયોગ તેમણે તેમની પત્નીને ભાડાની મોટરસાયકલ પર હૉસ્પિટલ સુધી પહોંચાડી શકાય એટલા માટે કર્યો હતો.

હેલાહના ગર્ભાશયમાંથી બધું પ્રવાહી નીકળી ગયું ત્યારે તેમના દિયર તેમને બાઈક પર બાંધીને હૉસ્પિટલે પહોંચાડવા રવાનાં કર્યાં હતાં, પરંતુ રસ્તામાં હેલાહ બાઈક પરથી સરકી પડ્યાં હતાં.

તેઓ ધામર ખાતેના હડાકા હેલ્થ સેન્ટરમાં પહોંચ્યા ત્યારે હેલાહને સર્જરી વૉર્ડમાં ખસેડવામાં આવ્યાં હતાં.

30 વર્ષનાં હેલાહે કહ્યું હતું કે “મને લાગ્યું હતું કે જીવનનો અંત આવી ગયો છે. મારા અને મારા ગર્ભમાંની બાળકના બચવાની કોઈ આશા ન હતી.”

હેલાહના ગર્ભાવસ્થાના પ્રારંભિક તબક્કામાં જ ચેતવણી આપવામાં આવી હતી કે રક્તસ્ત્રાવ અને ગર્ભાવસ્થા સંબંધી અન્ય તકલીફોને કારણે તેમની પ્રસૂતિ ઘરે કરાવવાનું શક્ય નથી. આરોગ્ય કેન્દ્રના તબીબે જણાવ્યું હતું કે હેલાહ અને તેમના સંતાનને છેલ્લી ઘડીએ બચાવી લેવાયા હતા.

હેલાહે તેમની દીકરીનું નામ અમલ રાખ્યું છે, જેનો અરબીમાં અર્થ ‘આશા’ થાય છે.

હેલાહે કહ્યું હતું કે “હું મારા બાળકને લગભગ ગુમાવી દેવાની હતી. શાપિત યુદ્ધને કારણે જીવન પણ અર્થહિન બની ગયું છે, પરંતુ મારી દીકરીએ મને આશા આપી છે.”

આંતરરાષ્ટ્રીય સહાય મળતી બંધ થવાને કારણે બાની સાદ હૉસ્પિટલ જેવાં આરોગ્યકેન્દ્રો વધુ નાણાકીય ભીંસ અનુભવી રહ્યાં છે. આરોગ્યકેન્દ્રના કર્મચારીઓ માતાઓ તથા નવજાત બાળકોના ભવિષ્ય બાબતે ભયભીત છે, કારણ કે કોને અગ્રતા આપવી તેનો નિર્ણય તેમણે કરવો પડે છે.

(પૂરક માહિતીઃ ફુઆદ રાજેહ અને મહમ્મદ અલ કાલિસી)

સબહેડ

text