વારસામાં 25 હજાર કરોડની સંપત્તિ મેળવનારા રાજવીએ એ ખજાનો કેવી રીતે ખાલી કરી નાખ્યો?

હૈદરાબાદના નિઝામશાહીના આઠમા નિઝામ નવાબ મીર બરકત અલીખાન વાલાશાન મુકર્રમ જાહ બહાદુરનું ઇસ્તંબૂલમાં જ્યારે 14 જાન્યુઆરી, 2023ના દિવસે 89 વર્ષની વયે નિધન થયું ત્યારે તેઓ માત્ર બે બેડરૂમના ફ્લેટમાં રહેતા હતા.

આ ફ્લેટની વાત એટલા માટે જરૂરી છે કારણ કે જ્યારે મુકર્રમ જાહને રૂપિયા 25 હજાર કરોડની સંપત્તિ 30 વર્ષની વયે વારસામાં મળી હતી. તેમણે પોતાના જીવનમાં આ તમામ સંપત્તિ વાપરી નાખી અને જીવનના અંતિમ દિવસોમાં તેમણે આખરે બે બેડરૂમના ફ્લેટમાં રહેવું પડ્યું હતું.

તેમની ઑફિસમાં જારી એક નિવેદનમાં કહેવાયું, "બહુ દુખ સાથે અમે સૂચિત કરીએ છીએ કે હૈદરાબાદના આઠમા નિઝામ મહામહિમ નવાબ મીર બરકત અલીખાન વાલાશાન મુકર્રમ જાહ બહાદુરનું તુર્કીના ઇસ્તંબૂલમાં નિધન થયું છે."

નિવેદનમાં કહેવાયું, "તેમની અંતિમ ઇચ્છા અનુસાર તેમને તેમના જન્મસ્થળ હૈદરાબાદમાં દફનાવાશે."

કોણ હતા મુકર્રમ જાહ?

મુકર્રમ જાહ હૈદરાબાદ પર શાસન કરનાર છેલ્લા નિઝામ મીર ઉસ્માન અલીખાન બહાદુરના પૌત્ર હતા.

મીર ઉસ્માન અલીખાને 1948 સુધી હૈદરાબાદ પર શાસન કર્યું. તેઓ સાતમા નિઝામ હતા. મુકર્રમ જાહ, આઝમ જાહ અને રાજકુમારી દુરુ શહવરના પુત્ર હતા. તેમનો જન્મ 1933માં થયો હતો. આઝમ જાહ મીર ઉસ્માન અલીખાનના મોટા પુત્ર હતા.

ધ હિંદુના અહેવાલ મુજબ, ઉસ્માન અલીખાને તેમના પુત્રોને કોરાણે રાખીને તેમના પૌત્ર મુકર્રમ જાહને તેમના ઉત્તરાધિકારી જાહેર કર્યા હતા.

આ અહેવાલ અનુસાર, એપ્રિલ 1967માં રાજ્યાભિષેક સમારોહ પછી મુકર્રમ જાહ ઔપચારિક રીતે આઠમા નિઝામ બન્યા. આ રાજ્યાભિષેક સમારોહ ચૌમહલ્લા પૅલેસમાં થયો હતો.

ત્યાર પછી તેઓ ભારતથી ઑસ્ટ્રેલિયા ચાલ્યા ગયા. થોડો સમય ત્યાં રહ્યા પછી તેમણે તુર્કીને પોતાનું ઘર બનાવી લીધું. બાદમાં તેઓ ત્યાં કાયમી વસી ગયા.

મુકર્રમ નિઝામ ચેરિટેબલ ટ્રસ્ટ અને શિક્ષણક્ષેત્રે કામ કરતી મુકર્રમ જાહ ટ્રસ્ટ ફૉર ઍજ્યુકેશન ઍન્ડ લર્નિંગના અધ્યક્ષ પણ હતા.

અખૂટ સંપત્તિ ખતમ થઈ ગઈ

હૈદરાબાદથી નીકળતા દૈનિક અખબાર 'સિયાસત' અનુસાર, સાતમા નિઝામના ઉત્તરાધિકારી તરીકે મુકર્રમ જાહ વિશ્વના 'સૌથી મોટા ખજાના'ના માલિક બન્યા હતા.

પરંતુ વૈભવી જીવનશૈલી, મિલકતો અને રાજમહેલોની જાળવણીમાં બેદરકારી અને મોંઘા દાગીના પાછળ બેફામ ખર્ચ કરવાની ટેવને કારણે તેમની બધી સંપત્તિ નષ્ટ થઈ ગઈ.

મુકર્રમ જાહને વિરાસતમાં 25,000 કરોડની સંપત્તિ મળી હતી. તે સમયે તેમની ઉંમર માત્ર 30 વર્ષની હતી. પરંતુ તેમની વૈભવી જીવનશૈલી પાછળ તમામ પૈસા ખર્ચાવાને કારણે તેમને જીવનના અંતિમ દિવસોમાં બે બેડરૂમના એપાર્ટમેન્ટમાં રહેવું પડ્યું.

હવે મુકર્રમ જાહના નિધન સાથે એક વારસાનો અંત આવ્યો છે.

હૈદરાબાદમાં નિઝામશાહીની શરૂઆત 1724માં નિઝામ ઉલ-મુલ્ક સાથે થઈ હતી. નિઝામ પરિવારે 1724થી 1948 સુધી હૈદરાબાદ પર શાસન કર્યું હતું.

તેલંગણાના મુખ્ય મંત્રી કે. ચંદ્રશેખર રાવે મુકર્રમ જાહના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

તેલંગણાના સીએમઓએ ટ્વીટ કર્યું કે, "આઠમા નિઝામ ગરીબો માટે કામ કરતા હતા. શિક્ષણ અને આરોગ્યક્ષેત્રે તેમના કામના સન્માનમાં તેમના સંપૂર્ણ રાજકીય સન્માન સાથે અંતિમસંસ્કાર કરવામાં આવશે."

મુકર્રમ જાહના દાદા સાતમા નિઝામ કોણ હતા?

બ્રિટિશ સરકારના ખાસ વફાદાર રહેલા આસફ જાહ મુઝફ્ફરુલ મુલ્ક સર ઉસ્માન અલીખાન 1911માં હૈદરાબાદના રજવાડાના શાસક બન્યા.

22 ફેબ્રુઆરી, 1937ના રોજ ટાઈમ મૅગેઝિનમાં મીર ઉસ્માનઅલી પર કવર સ્ટોરી પ્રકાશિત થઈ હતી. તેમને 'વિશ્વની સૌથી ધનિક વ્યક્તિ' તરીકે વર્ણવાયા હતા.

સાતમા નિઝામ પાસે 282 કૅરેટ જેકબ ડાયમંડ હતો. તે વિશ્વના સૌથી મોટા હીરામાંથી એક છે. તેને જોનાર લોકોના જણાવ્યા અનુસાર, એ હીરો નાના લીંબુ જેવડો હતો.

લોકોથી તેને બચાવવા માટે તેઓ તેને સાબુના બૉક્સમાં છુપાવીને રાખતા હતા. ક્યારેક-ક્યારેક તેને તેઓ પેપરવેટ તરીકે પણ ઉપયોગ કરતા હતા.

હૈદરાબાદ એ ત્રણ રજવાડાંમાંનું એક હતું જેણે સ્વતંત્રતા પછી ભારતમાં વિલય થવાનો ઇનકાર કર્યો હતો. જોકે ભારત સરકારે પોલીસ કાર્યવાહીથી 1948માં તેને પોતાની સાથે જોડી દીધું હતું.

હૈદરાબાદની સેનાની શરણાગતિ પછી ભારત સરકારે નિઝામના સમર્થક કાસિમ રિઝવી અને લઈક અહમદને કસ્ટડીમાં લીધા હતા. લઈક અહમદ કસ્ટડીમાંથી ભાગીને બૉમ્બે (હાલનું મુંબઈ) ઍરપૉર્ટ પર પહોંચી ગયા. ત્યાંથી તેઓ પ્લેનમાં પાકિસ્તાન ગયા હતા.

ભારત સરકારે સાતમા નિઝામ અને તેમના પરિવારને કોઈ નુકસાન પહોંચાડ્યું નહોતું. સાતમા નિઝામ ઉસ્માન અલીખાન અને તેમના પરિવારને તેમના પોતાના મહેલમાં રહેવાની મંજૂરી અપાઈ હતી.

હૈદરાબાદનો ભારતમાં વિલય

હૈદરાબાદ ભારતમાં સામેલ થનારું 562મું રજવાડું હતું. ભારત સરકાર અને સાતમા નિઝામ વચ્ચે 25 જાન્યુઆરી, 1950માં એક કરાર થયો હતો. જે અનુસાર ભારત સરકારે તેમને વાર્ષિક 42,85,714 રૂપિયાનું પ્રિવી પર્સ દેવાનો નિર્ણય લીધો હતો.

સાતમા નિઝામ નવેમ્બર 1956 સુધી હૈદરાબાદના રાજપ્રમુખ એટલે કે ગવર્નર રહ્યા હતા. ભારત સરકાર તરફથી રાજ્યોના પુનર્ગઠન અનુસાર, જૂના નિઝામ રાજ્યને ત્રણ ભાગમાં વહેંચીને ત્રણ નવાં રાજ્યો બનાવ્યાં. આ રાજ્યો હતાં- આંધ્ર પ્રદેશ, કર્ણાટક અને મહારાષ્ટ્ર.

24 ફેબ્રુઆરી, 1967માં સાતમા નિઝામનું નિધન થયું હતું.