ઇસ્લામી ઇતિહાસનાં પ્રભાવશાળી રાણી, જે 'જાદુગર' કહેવાતાં

સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પર ઉત્તર આફ્રિકાની એક સ્કૂલની તસવીર પર અરબી ભાષામાં લખેલા શબ્દોને કારણે હું એક ક્ષણ રોકાવા મજબૂર બની ગયો.

આ ભાષાની થોડી ઘણી જાણકારી હોવાને કારણે મને શું લખાયેલું છે એ વિશે ખબર પડી : ઝૈનબ અલ-નફઝાવિયા સેકન્ડરી સ્કૂલ ફૉર ગર્લ્સ.

નજીકમાં લાગેલા એક બોર્ડની તસવીર પરથી ખબર પડી કે વર્ષ 1009થી 1106 સુધી જીવિત રહેલાં આ મલિકા યુસૂફ બિન તાશફીનનાં પત્ની હતાં. દાર્શનિક અને ઇતિહાસકાર ઇબ્ને ખદલૂન અનુસાર “પોતાની સુંદરતા અને નેતૃત્વ માટે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત મહિલાઓ પૈકી એક હતાં.”

યુસૂફ બિન તાસફીન વિશે મેં વાંચ્યું હતું. વાદળી રંગની પાઘડી બાંધનારા બર્બર નસલવાળા આ સરળ અને શ્રેષ્ઠ જનરલની સલ્તનત આફ્રિકાના એક નાના અને અસુરક્ષિત ક્ષેત્રમાંથી એવી તો ફેલાઈ કે વર્તમાન મોરક્કો, અલ્જિરિયા અને સ્પેન પણ તેનો ભાગ બની ગયા.

ઇબ્ને ખદલૂને ઝૈનબના નેતૃત્વ અંગે વાત કરી હતી, તેથી તેમના વિશે જાણવાની ઇચ્છા થઈ.

જો તમારી પાસે સમય હોય તો ઇસ્લામી ઇતિહાસનાં પ્રખ્યાત મહિલા લીડર ઝૈનબ અલ-નફઝાવિયાના જીવનને જાણવાની મારી યાત્રામાં મારી સાથે ચાલો. જેમને મોરોક્કોનાં લેખિકા ફાતિમા મરનીસીએ પોતાના પુસ્તક ‘ઇસ્લામની ભુલાયેલી મલિકાઓ’માં મહત્ત્વપૂર્ણ સ્થાન આપ્યું છે.

તેમણે લખ્યું કે, “ઝૈનબ અલ-નફઝાવિયા વર્ષ 1061 અને 1107 વચ્ચે ઉત્તર આફ્રિકાથી સ્પેન સુધી પ્રસરેલી એક મોટી સલ્તનતનાં શાસક હતાં અને પોતાના પતિ યુસૂફ બિન તાશફીન સાથે શાસન કરતાં હતાં.”

ઇતિહાસકાર ઝૈનબને ‘અલ-કાયમા બમલકિહી’ એટલે કે પોતાના પતિની સલ્તનતનાં શાસક કે તેનું સંચાલન કરનાર મુખ્ય પાત્ર તરીકે ઓળખાવે છે.

એક હોશિયાર સલાહકાર

ઝૈનબ દક્ષિણ આફ્રિકન કબીલા નફઝાવાના એક ધનવાન વેપારીનાં દીકરી હતાં. તેઓ અઘમત (મોરોક્કોનું શહેર)માં પેદા થયાં અને ત્યાં જ ભણ્યાં.

તેમનું પાલનપોષણ એક એવી મહિલાએ કર્યું છે જેઓ તેમને ગુલામ બનાવાયાં એ પહેલાં આફ્રિકાના એક શાહી પરિવાર સાથે સંબંધ ધરાવતાં હતાં. તેમણે ઝૈનબને ઔષધીય જડીબુટ્ટીઓનું જ્ઞાન આપ્યું.

ઇબ્ને ખલદૂન અનુસાર તેમણે અઘમતના અમીર (પ્રમુખ) લકૂત અલ-મુગરાવી સાથે નિકાહ કર્યા. લકૂત એક યુદ્ધમાં હુમલાખોરોના હાથે હણાયા અને વારસામાં તેમની સંપત્તિ ઝૈનબને મળી.

તેમણે બીજી વખત અલ-મૂરાવી અબુ બક્ર ઇબ્ને ઉમર સાથે નિકાહ કર્યા.

અબૂ બક્ર એક બંડને કચડવા રણમાં દક્ષિણ તરફ ગયા. તેમણે એ પહેલાં પશ્ચિમનાં પોતાનાં સૈન્યોની ધુરા પોતાના પિતરાઈ ભાઈ યુસૂફ બિન તાશફીનને સોંપી દીધી અને યુદ્ધ લાંબું ચાલશે તેવી આશંકાને પગલે ઝૈનબને તલાક આપી ગયા.

ઝૈનબે ઇદ્દત (તલાક પછીની નિશ્ચિત અવધિ) પૂરી થયા બાદ યુસૂફ સાથે નિકાહ કરી લીધા. ઝૈન ન માત્ર તેમના જીવનસાથી બન્યાં બલકે એક હોશિયાર સલાહકાર પણ બન્યાં.

ઍટલાન્ટિક મહાસાગરથી માંડીને અલ્જિરિયા અને સેનેગલથી આગળ મુસ્લિમ સ્પેન સુધી ફેલાયેલી આ વિશાળ અલ-મુરાવી સલ્તનતનો પાયો યુસૂફની સૈનિક ક્ષમતાથી જ નખાયો.

બીજી તરફ આમાં ઝૈનબની સલાહ અને રાજકીય સમજનું પણ મહત્ત્વપૂર્ણ યોગદાન હતું.

ઇબ્ને અઝારી, અલ-બક્રી અને ઇબ્ને ખલદૂન સહિત મોટા ભાગના ઇતિહાસકારો અનુસાર ઝૈનબ અત્યંત સુંદર, ઊર્જાવાન અને અસામાન્યપણે પ્રતિભાવંત હતી.

તેઓ નીતિ મામલે વ્યાપક જાણકારી ધરાવતાં હતાં. આ જ કારણે ઇતિહાસકાર તેમને ‘જાદુગર’ કહેતાં.

યુસૂફ બિન તાશફીનના સૈન્યની તૈયારીમાં મદદ

ઇતિહાસકાર ઇબ્ને હૌકલ ઝૈનબને પશ્ચિમ આફ્રિકામાં 11મી સદીની મહાન હસ્તીઓ પૈકી એક ગણાવે છે. રાજકીય મામલાની વ્યાપક જાણકારીને કારણે તેમણે મધ્યકાલીન ‘મઘરીબ’ના ઇતિહાસમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી.

મઘરિબ એ આરબ વિશ્વનો પશ્ચિમ ભાગ છે, જેને ‘આરબ મઘરિબ’ અને ઉત્તર-પશ્ચિમ આફ્રિકા કહેવાય છે. આ પશ્ચિમ અને મધ્ય-ઉત્તર આફ્રિકાનું એ ક્ષેત્ર છે, જેમાં અલ્જિરિયા, લીબિયા, મોરીતાનિયા, મોરોક્કો અને ટ્યુનિશિયા તેમજ પશ્ચિમ સહરાનાં વિવાદિત ક્ષેત્રો પણ સામેલ છે.

યુસૂફ પાસે વિજયકૂચ ચાલુ રાખવા માટે મજબૂત સૈન્ય નહોતું. રિચર્ડ સી પૅનલ અનુસાર ઝૈનબે સૈન્યના પુનર્ગઠન માટે પોતાની સંપૂર્ણ સંપત્તિ યુસૂફને આપી દીધી અને તેમને વિવિધ ક્ષેત્રોમાંથી ટૅક્સ ઉઘરાવવાની સલાહ આપી.

આના થકી તેમણે અલગઅલગ સમૂહોને એકઠા કરીને સૈન્ય તૈયાર કર્યું.

ઇબ્ને અબી-ઝર પોતાના પુસ્તક ‘રૌઝ અલ-કરતાસ’માં લખે છે કે ઝૈનબની સલાહ પ્રમાણે યુસૂફે પશ્ચિમ આફ્રિકા પર જીત મેળવી અને સમાધાન માટેની વાતચીતનું કામ ઝૈનબે સંભાળ્યું. સમાધાન માટેની વાતચીતમાં તેમની આવડતને કારણે તેઓ ‘જાદુગર’ કહેવાયાં.

યુસૂફે મરાકશ (મોરોક્કો) શહેર બનાવ્યું, જે આ ઊભરતી તાકતનું પાટનગર બની ગયું. એવું લાગે છે કે ઝૈનબે આ જગ્યાની પસંદગી માટે સલાહ આપી હતી.

આ નવું પાટનગર એ જગ્યાએથી વધુ દૂર નહોતું જ્યાં તેઓ રહી રહ્યાં હતાં. ઘણી જગ્યાએ એવું કહેવાયું છે કે તેમના માટે ‘કસ્ર અલ-હજ્ર’ (પથ્થરનો કિલ્લો) બનાવાયો હતો અને યુસૂફે જાતે તેના નિર્માણમાં મદદ કરી હતી.

અબુ બક્ર ઇબ્ને ઉમરની વાપસી અને ઝૈનબની સલાહ

અબુ બક્ર ઇબ્ને ઉમરે પોતાના પિતરાઈ ભાઈ યુસૂફને પોતાની વાપસીના સમાચાર આપ્યા. આ કરવા પાછળનું કારણ નિશ્ચિતપણે એવું હતું કે તેઓ પોતાની તાકત અને પોતાની પત્ની બંનેને ફરી વખત હાંસલ કરવાની આશા સેવી રહ્યાં હતાં.

અબુલ હસન ઇબ્ને અબુ ઝહર અલ-ફાસી લખે છે કે ઝૈનબે હસ્તક્ષેપ કરીને યુસૂફને સલાહ આપી કે તેઓ ઘાનાના કાળા સુરક્ષાકર્મીઓ સાથે અબુ બક્રનું અનોખી રીતે સ્વાગત કરે.

યુસૂફ ઘોડેસવાર થઈને રાજાની માફક સ્વાગત કર્યું, પરંતુ સાથે ઘણી ભેટસોગાદો પણ આપી.

આટલાં ધનદોલતથી આશ્ચર્યચકિત થઈને અબુ બક્રે યુસૂફને આ દરિયાદિલીનું કારણ પૂછ્યું. તો તેમણે જવાબ આપ્યો કે, “આ બધું એટલું છે કે રણમાં તમને બીજી કોઈ વસ્તુ યાદ ન આવે, જ્યાં નવાં કારનામાં તમારી રાહ જોઈ રહ્યા છે.”

અબુ બક્રને આ સંદેશનો અર્થ સમજાઈ ગયો અને તેમને લાગ્યું કે ભેટસોગાદો કબૂલ કરવામાં વધુ સમજદારી છે.

અઘમતના ટૂંકા પ્રવાસ બાદ સત્તા હસ્તાંતરણનો દસ્તાવેજ લખીને તેઓ જાતે રણ તરફ જતા રહ્યા, જ્યાં તેમણે ઘાના અને સુદાનના એક મોટા ભાગ પર કબજો કરી લીધો.

તે બાદ 1087માં મૃત્યુ પહેલાં સુધી અલ-મૂરાવી સલ્તનતના આધિકારિક પ્રમુખ રહ્યા.

મહિલાઓને યોગ્ય સ્થાન અપાવવામાં ઝૈનબની ભૂમિકા

યુસૂફ બિન તાશફીન ‘મઘરિબ’ના નિર્વિવાદ શાસક અને બૃહદ સલ્તનતના માલિક બની ગયા. ચાર્લ્સ નોએલ અનુસાર ઝૈનબના શક્તિશાળી પ્રભાવનાં ઘણાં કારણો હોઈ શકે છે.

પ્રથમ એ કે ઝૈનબ શિક્ષિત હતાં અને યુસૂફની અરબીની સીમિત જાણકારીને કારણે તેમને લાભ થયો.

બીજું, ઝૈનબને રાજકીય પ્રભાવ અને વ્યક્તિત્વની મજબૂતી અને નિર્ણય લવાની ક્ષમતા પતિના વિશ્વાસમાંથી પ્રાપ્ત થઈ.

ત્રીજું કારક સૈનિક અભિયાન હોઈ શકે છે, જેના કારણે યુસૂફની ગેરહાજરીમાં તેમને કામ કરવાની તક મળી.

તેમની જ પરંપરા અનુસાર મોરોક્કોમાં મહિલાઓને અલ-મૂરાવી વંશના સમયગાળા દરમિયાન ઉચ્ચ સ્થાન પ્રાપ્ત થયું હતું.

રાજકુમારીને રાજકાજના મામલામાં ભાગ લેવાની પરવાનગી હતી. આ સાથે જ મહિલાઓ માટે શિક્ષણ ઉપલબ્ધ બનાવડાવ્યું હતું.

એલિસન બેકર અનુસાર, ઓછામાં ઓછી બે મહિલાઓ વિશે એવું મનાય છે કે તેઓ ડૉક્ટર હતી. આવી જ રીતે રાજકુમારી ફિનુએ 1147માં પરિવારના પતનના સમયગાળા દરમિયાન પાટનગરના રક્ષણમાં ભાગ લીધો હતો.

હાલના દાયકામાં ઝૈનબ અલ-નફઝાવિયાનું જીવન ટેલિવિઝન અને ફિલ્મનો વિષય બન્યું છે, પરંતુ તેમની પરંપરા સ્થાયીપણે એ શાળાઓમાં પ્રતિબિંબિત થાય છે, જ્યાં બાળકીઓ શિક્ષણ મેળવી રહી છે.