એ 67 શબ્દો જેણે ઇસ્લામિક વિશ્વનો ઇતિહાસ બદલી નાખ્યો અને ઇઝરાયલનો જન્મ થયો

    • લેેખક, બીબીસી ન્યૂઝ વર્લ્ડ
    • પદ, .

તે એક કાગળ પર લખવામાં આવેલા 67 શબ્દો હતા, જેણે આધુનિક સમયમાં, નિરાકરણ સૌથી મુશ્કેલ હોય તેવા સંઘર્ષો પૈકીના એકની શરૂઆત કરી હતી.

ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ઓછામાં ઓછા 1,400 ઇઝરાયલીઓ મૃત્યુ પામ્યા છે અને ગાઝામાં 8,500થી વધુ લોકો માર્યા ગયા છે. બાલ્ફોર ઘોષણાનાં 106 વર્ષ પછી આ લડાઈ ચાલી રહી છે. એ દસ્તાવેજને પગલે ઇઝરાયલનો જન્મ થયો. અને તેણે મધ્ય-પૂર્વના ઇતિહાસને બદલી નાખ્યો.

1917ની બીજી નવેમ્બરે પ્રથમ વિશ્વ યુદ્ધ દરમિયાન બ્રિટિશ સરકારે પૅલેસ્ટાઇનમાં ‘યહૂદી લોકો માટે રાષ્ટ્રીય ઘર’ની સ્થાપનાને સૌપ્રથમ વખત સમર્થન આપ્યું હતું.

એ સમયે પૅલેસ્ટાઇન પ્રદેશ પર યુનાઈટેડ કિંગડમનું નિયંત્રણ હતું. આ હકીકતથી સમજી શકાય કે આ પ્રદેશનો વહીવટ શા માટે બ્રિટિશ સરકારના હાથમાં હતો.

ઇઝરાયલીઓ આ દસ્તાવેજને આધુનિક ઇઝરાયલનો પાયાનો પથ્થર માને છે, જ્યારે ઘણા આરબો તેને વિશ્વાસઘાતનું કૃત્ય ગણે છે, કારણ કે ઑટ્ટોમન સામ્રાજ્ય સામેની લડાઈમાં તેમણે બ્રિટિશરોને સાથ આપ્યો હતો.

બાલ્ફોર ઘોષણા પછી અંદાજે એક લાખ યહૂદીઓ સ્થળાંતર કરીને આ પ્રદેશમાં આવ્યા હતા.

બાલ્ફોર ઘોષણા શું કહે છે?

બ્રિટિશ વિદેશ સચિવ આર્થર બાલ્ફોરે બ્રિટનમાં યહૂદી સમુદાયના નેતા બેરન લિયોનેલ વોલ્ટર રૉથ્સચાઇલ્ડને મોકલેલા પત્રમાં આ ઘોષણા પર મહોર મારી હતી.

પત્રમાં નીચે મુજબ લખવામાં આવ્યું હતું.

પ્રિય લૉર્ડ રૉથ્સચાઇલ્ડ

ઝાયોનિસ્ટ યહૂદીઓની આકાંક્ષાઓને સમર્થન આપતું નીચે મુજબનું નિવેદન, જેને પ્રધાનમંડળ દ્વારા સબમિટ અને મંજૂર કરવામાં આવ્યું છે તે, હિઝ મૅજેસ્ટીની સરકાર વતી તમને મોકલતાં મને બહુ આનંદ થાય છે.

હિઝ મૅજેસ્ટીની સરકાર પૅલેસ્ટાઇનમાં યહૂદી લોકો માટે રાષ્ટ્રીય ઘરની સ્થાપનાની તરફેણ કરે છે અને પૅલેસ્ટાઇનમાંના હાલના બિન-યહૂદી સમુદાયોના નાગરિક અને ધાર્મિક અધિકારો પર અથવા અન્ય કોઈ પણ દેશમાં યહૂદીઓના અધિકારો તથા રાજકીય દરજ્જા પર પ્રતિકૂળ પ્રભાવ પડે તેવું કશું ન થવું જોઈએ તેવી સ્પષ્ટ સમજ સાથે આ ઉદ્દેશની પ્રાપ્તિને સરળ બનાવવા માટે પોતાનાથી બનતા શ્રેષ્ઠ પ્રયાસો કરશે.

તમે ઝાઓનિસ્ટ ફૅડરેશનને આ ઘોષણા બાબતે માહિતગાર કરશો તો હું આપનો આભારી રહીશ.

આર્થર જેમ્સ બાલ્ફોર

આર્થર જેમ્સ બાલ્ફોર કોણ હતા?

બાલ્ફોર ઘોષણાને ડેવિડ લૉયડ જ્યૉર્જના હાથ નીચેના તત્કાલીન બ્રિટિશ વિદેશ સચિવ આર્થર બાલ્ફોરનું નામ આપવામાં આવ્યું હતું.

બ્રિટિશ કુલીન વર્ગના સભ્ય, સમૃદ્ધ અને બુદ્ધિશાળી બાલ્ફોરે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી અભ્યાસ પૂર્ણ કર્યા પછી તરત જ કન્ઝર્વેટિવ પાર્ટીના પ્રતિનિધિ તરીકે સંસદમાં પ્રવેશ કર્યો હતો.

સ્કૉટિશ મૂળના બાલ્ફોર 1902થી 1905ની વચ્ચે બ્રિટનના વડા પ્રધાન બન્યા હતા. તેમણે તેમની કારકિર્દીનો મહત્ત્વનો હિસ્સો તેમના દેશની વિદેશ નીતિ સંબંધિત મુદ્દાઓને સમર્પિત કર્યો હતો.

બ્રિટિશ સરકારે ઝિયોનિઝમને સ્પષ્ટ સમર્થન આપવું જોઈએ એ વિચારને બાલ્ફોરે પ્રોત્સાહન આપ્યું હતું. ઝિયોનિઝમ 19મી સદીના અંતમાં યુરોપમાં આકાર પામેલી એક રાજકીય ચળવળ છે. તેમાં તત્કાલીન પૅલેસ્ટાઇનમાં એક યહૂદી રાષ્ટ્રની માગણી કરવામાં આવી હતી. યહૂદીઓ માટે પૅલેસ્ટાઇન ઇઝરાયલની પ્રાચીન ભૂમિ હતું.

યુનાઈટેડ કિંગડમમાં ચાઈમ વેઈઝમૅન અને લિયોનેલ વૉલ્ટર રૉથ્સચાઇલ્ડ જેવા પ્રભાવશાળી યહૂદી નેતાઓના સમર્થન સાથે વૉર કૅબિનેટને ઘોષણા જારી કરવા માટે રાજી કરવાનું શ્રેય બાલ્ફોરને આપવામાં આવે છે.

કેટલાક માને છે કે તેઓ એક ખ્રિસ્તી ઝિયોનિસ્ટ હતા અને તેમને બાઇબલના જૂના કરારમાં પ્રતિબિંબિત યહૂદીઓના ઇતિહાસમાં તેમની રૂચિને કારણે આ વિષયમાં રસ પડ્યો હતો. અન્ય લોકો એવું માને છે કે બાલ્ફોર રાજકીય લાભ મેળવવાના વ્યૂહાત્મક દૃષ્ટિકોણથી ઝિયોનિસ્ટ પ્રોજેક્ટને ટેકો આપવામાં રસ ધરાવતા હતા.

કોણ હતા લિયોનેલ વૉલ્ટર રૉથ્સચાઇલ્ડ?

આ બ્રિટિશ રાજકારણીએ 148, પિકાડેલી સ્ટ્રીટ ખાતેના પોતાના ઘરેથી બેરન લિયોનેલ વૉલ્ટર રથ્સચાઇલ્ડને ઐતિહાસિક પત્ર લખ્યો હતો. રૉથ્સચાઇલ્ડ એક શક્તિશાળી બૅંકિંગ પરિવારની અંગ્રેજ શાખાના વડા હતા અને બ્રિટિશ યહૂદી સમુદાયના નેતાઓ પૈકીના એક હતા.

શ્રીમંત રૉથ્સચાઇલ્ડનો આંતરરાષ્ટ્રીય બૅંકિંગ પરિવાર પૅલેસ્ટાઇનમાં યહૂદીઓના વતનના નિર્માણના સૌથી મોટા પ્રાયજકો પૈકીનો એક હતો.

તેના એક સભ્ય ઍડમન્ડ રૉથ્સચાઇલ્ડ ઝિયોનિઝમમાં દ્રઢ વિશ્વાસ ધરાવતા હતા. તેમણે પૅલેસ્ટાઇનમાં મોટા પ્રમાણમાં જમીન ખરીદી હતી અને 19મી સદીના અંતમાં પૅલેસ્ટાઇનમાં યહૂદી વસાહતો માટે નાણાં આપ્યાં હતાં.

તે સમયે રૉથ્સચાઇલ્ડ પરિવાર, વિશ્વમાં સૌથી વધુ ખાનગી સંપત્તિ ધરાવતા પરિવારો પૈકીનો એક હતો.

ઝિયોનિસ્ટ હેતુ માટે તેમણે આપેલું દાન એટલું નોંધપાત્ર ગણવામાં આવ્યું હતું કે ઍડમન્ડ રૉથ્સચાઇલ્ડને ‘ધ બૅનિફેક્ટર’ (દાની) ઉપનામ મળ્યું હતું.

આ પરિવારે 1917માં લિયોનેલને બાલ્ફોર ઘોષણાપત્ર મળ્યો ત્યાં સુધી ઇઝરાયલની રચનામાં મોખરાની ભૂમિકા ભજવી હતી.

એ નિવેદન સ્ટુઅર્ટ સેમ્યુઅલને સંબોધીને નહીં, પરંતુ લિયોનેલ રૉથ્સચાઇલ્ડને સંબોધીને શા માટે કરવામાં આવ્યું હતું તેનું ઘણાને આશ્ચર્ય થાય છે. સેમ્યુઅલ બ્રિટિશ યહૂદીઓના બોર્ડ ઑફ ડૅપ્યુટીઝના પ્રમુખ હતા, જે દેશના યહૂદી સમુદાયનું સત્તાવાર પ્રતિનિધિમંડળ હતું.

હકીકત એ છે કે એ સમયે આ સંસ્થામાં ઝિઓનિસ્ટ તરફી યહૂદી અને ઝિયોનિસ્ટ વિરોધી યહૂદી એમ બે ભાગ પડી ગયા હતા.

રૉથ્સચાઇલ્ડ પાસે કોઈ સત્તાવાર હોદ્દો ન હતો, પરંતુ વ્યવહારમાં તેઓ ચાઈમ વેઈઝમેન સાથે ઝિયોનિસ્ટ તરફી યહૂદીઓના સૌથી મહત્ત્વપૂર્ણ નેતાઓ પૈકીના એક હતા.

તેમને બાલ્ફોર સાથે સીધો સંબંધ હોવાથી તેમને પત્ર મોકલવામાં આવ્યો હતો. વાસ્તવમાં રૉથ્સચાઇલ્ડે પોતે દસ્તાવેજનો મુસદ્દા ઘડવામાં ભાગ લીધો હોવાનું કહેવામાં આવે છે, પરંતુ આ દાવાનું સમર્થન કરતા કોઈ પુરાવા નથી.

થોડાં વર્ષો પછી 1925માં લિયોનેલ રૉથ્સચાઇલ્ડ બ્રિટિશ યહૂદીઓના બોર્ડ ઑફ ડેપ્યુટીઝના પ્રમુખ બન્યા હતા, જે યુનાઇટેડ કિંગ્ડમમાં યહૂદી સમુદાયનું પ્રતિનિધિત્વ કરતી મુખ્ય સંસ્થા છે.

પત્ર પછી શું થયું?

બ્રિટિશ સરકારને આશા હતી કે આ ઘોષણા યહૂદીઓને અને ખાસ કરીને અમેરિકામાં રહેતા લોકોને પ્રથમ વિશ્વ યુદ્ધ (1914-1918) દરમિયાન સાથી રાષ્ટ્રોની તરફેણમાં લાવવામાં મદદ કરશે.

કેટલાક ઇતિહાસકારોનું માનવું છે કે યહૂદી સમુદાય પાસે પૂરતી આર્થિક શક્તિ અને આંતરરાષ્ટ્રીય નાણા ક્ષેત્રે પૂરતો પ્રભાવ છે. તેથી યુદ્ધ જીતવામાં મદદ મળશે, એવું બ્રિટિશ નેતાઓ માનતા હતા.

અન્ય નિષ્ણાત એવી દલીલ કરે છે કે યુદ્ધ પૂર્ણ થયું ત્યારે બ્રિટન પણ મધ્ય-પૂર્વમાં મજબૂત રીતે પગ જમાવવા ઇચ્છતું હતું.

પત્ર લખવા તરફ દોરી ગયેલાં ચોક્કસ પરિબળોને બાજુ પર રાખીએ તો પણ 1948માં ઇઝરાયલની રચના અને ત્યાર બાદ એ પ્રદેશમાંથી હજારો પૅલેસ્ટિનિયનોના વિસ્થાપનમાં તેનો મૂળભૂત પ્રભાવ રહ્યો છે.

ઇઝરાયલીઓ માટે બાલ્ફોર ઘોષણા એ દસ્તાવેજ છે કે જેણે ઇઝરાયલની પ્રાચીન ભૂમિમાં એક રાષ્ટ્રના નિર્માણના સ્વપ્નને જન્મ આપ્યો હતો, જ્યારે પૅલેસ્ટાઇનના લોકો માટે તે આજ સુધી ચાલુ વેદનાની શરૂઆત છે.

તેઓ એ વાતની ટીકા કરે છે કે દસ્તાવેજમાં તેમનો ઉલ્લેખ “વર્તમાન પૅલેસ્ટાઇનમાંના બિન-યહૂદી સમુદાયો” તરીકે કરવામાં આવ્યો ત્યારે તેમનું નામ આપવામાં આવ્યું ન હતું.

પ્રથમ વિશ્વયુદ્ધમાં ઑટ્ટોમન સામ્રાજ્યની હાર પછી બાલ્ફોર ઘોષણાને સાથી રાષ્ટ્રોએ સમર્થન આપ્યું હતું અને તેનો સમાવેશ જુલાઈ, 1922માં લીગ ઑફ નેશન્શ (સંયુક્ત રાષ્ટ્રસંઘ પહેલાની સંસ્થા) દ્વારા મંજૂર કરવામાં આવેલા પૅલેસ્ટાઇન વિશેના બ્રિટિશ મૅન્ડેટમાં કરવામાં આવ્યો હતો. એ મૅન્ડેટ દ્વારા યુનાઈટેડ કિંગડમે તે પ્રદેશોના વહીવટનો હવાલો સંભાળ્યો હતો.

1930ના દાયકામાં, આ વિસ્તારમાં રહેતા આરબ લોકોએ યહૂદીઓની વસ્તીમાં ઝડપી વધારા અને બંને સમુદાયો વચ્ચે ઉત્તરોત્તર વધતી હિંસા બાબતે અસંતોષ વ્યક્ત કરવાનું શરૂ કર્યું હતું.

વિરોધ ઓછો કરવાના પ્રયાસમાંં બ્રિટિશરોએ યહૂદી સ્થળાંતરનો ક્વોટા નક્કી કર્યો હતો, પરંતુ બીજા વિશ્વ યુદ્ધના અંત પછી હૉલોકૉસ્ટ દરમિયાન આચરવામાં આવેલી હિંસાની ભયાનકતા છતી થઈ પછી યહૂદીઓ માટે અલગ દેશ બનાવવાનું દબાણ વધ્યું હતું.

1948ની 14 મેની મધરાતે પૅલેસ્ટાઇન માટેના બ્રિટિશ મૅન્ડેટની મુદ્દત પૂર્ણ થઈ હતી અને અંગ્રેજોએ ઔપચારિક રીતે તે પ્રદેશ છોડી દીધો હતો.

એ જ દિવસે ઇઝરાયલે પોતાના સ્વાતંત્ર્યની જાહેરાત કરી હતી.