હિંમતવાન મુગલ રાજકુમારી, જેણે ઑટોમન સુલતાનનાં શાહી ફરમાનોને ફગાવ્યાં

    • લેેખક, શેરલેન મોલેન
    • પદ, બીબીસી ન્યૂઝ

1576ની પાનખર ઋતુના એક દિવસે એક મુગલ રાજકુમારીએ પવિત્ર શહેરો મક્કા અને મદીનાની અભૂતપૂર્વ યાત્રામાં શાહી મહિલાઓના સમૂહનું નેતૃત્વ કર્યું હતું.

હિન્દુસ્તાનમાં અકબર શહેનશાહ હતા, તો ઑટોમન સામ્રાજ્યનો તાજ સુલતાન મુરાદઅલીના શિરે હતો.

ઇસ્લામના પાંચ સ્તંભો પૈકીની એક ગણવામાં આવતી પવિત્ર હજ યાત્રાએ કોઈ મહિલા ગઈ હોય તેવું મુગલ ભારતમાં પહેલી વાર બન્યું હતું.

મુગલ સામ્રાજ્યના સ્થાપક બાબરનાં પુત્રી ગુલબદન બેગમ 53 વર્ષની વયે શાહી પરિવારની 11 મહિલાઓ સાથે ફતેહપુર સિકરીમાંના હેરમની મર્યાદા છોડીને યાત્રાએ નીકળ્યાં હતાં. એ યાત્રા છ વર્ષ લંબાવાની હતી.

જોકે, આ અદભુત યાત્રાની વિગતો રેકૉર્ડમાંથી ગાયબ છે. ઇતિહાસકારો કહે છે તેમ, મહિલા પ્રવાસીઓ અને તેમનાં તીર્થસ્થાનોની “મર્યાદા તથા પવિત્રતા” જાળવવા આતુર દરબારના પુરુષ ઇતિહાસકારો સંભવતઃ તેની નોંધ લેવાનું જાણીજોઈને ચૂકી ગયા હોવાને લીધે એવું થયું હશે.

શાનદાર યાત્રાની અધૂરી વાર્તા

લેખિકા અને ઇતિહાસકાર રૂબી લાલ તેમના પુસ્તક ‘વેગાબૉન્ડ પ્રિન્સેસઃ ધ ગ્રેટ ઍડવેન્ચર્સ ઑફ ગુલબદન’માં નોંધે છે તેમ, ગુલબદનની મક્કા યાત્રા બહાદુરી અને દયાનાં કૃત્યો ઉપરાંત એક બળવા જેવી પણ હતી.

રૂબી લાલનું આ પુસ્તક તાજેતરમાં ભારતમાં પ્રકાશિત કરવામાં આવ્યું છે અને આ મહિનાના અંતે તે આંતરરાષ્ટ્રીય સ્તરે રિલીઝ કરવામાં આવશે.

ગુલબદનને મુગલ સામ્રાજ્યનાં પ્રથમ અને એકમાત્ર મહિલા ઇતિહાસકાર ગણવામાં આવે છે. તેમણે હુમાયુનામામાં તેમના જીવનના અનુભવ લખ્યા છે, પરંતુ પુસ્તકમાં તેમની યાત્રાના અનુભવની કોઈ વિગત નથી. વાસ્તવમાં તેમનું પુસ્તક અધૂરું છે. તેમાંથી અનેક પૃષ્ઠો ગાયબ છે.

રૂબી લાલ કહે છે, “ઇતિહાસકારો માટે રાજવી પરિવારો દ્વારા લખવામાં આવેલી કૃતિઓની નકલો કરવાનું આસાન હતું ત્યારે ગુલબદન લખતાં હતાં, ગુલબદનના પુસ્તકની એક પણ સંપૂર્ણ નકલ અસ્તિત્વમાં નથી.”

રૂબી લાલે મુગલ રાજકુમારીની યાત્રાની વિગતો એકઠી કરી છે. તેમણે ઑટોમન ઇતિહાસ, ફારસી તથા મુગલ હસ્તપ્રતો અને વિભિન્ન અન્ય સ્રોતોનો અભ્યાસ કરીને પોતાનું સમર્પિત સંશોધન કર્યું છે.

રૂબી લાલ કહે છે, “આટલી શક્તિશાળી મહિલાની એક પ્રકારની યાત્રાની આસપાસનું મૌન ઘણું બોલે છે.”

સત્તાના કેન્દ્રથી અંતર

ગુલબદનનો જન્મ શહેનશાહ બાબરનાં ત્રીજાં પત્ની દિલદાર બેગમની કૂખે 1523માં કાબુલમાં થયો હતો. ગુલબદનના જન્મસમયે બાબર તેમનાથી માઈલો દૂર હતા. તેઓ એ સમયે હિન્દુસ્તાન તરીકે ઓળખાતા ભારતીય ઉપખંડ પર વિજય મેળવવાની યોજના બનાવી રહ્યા હતા.

બાબર અનેક યુદ્ધ લડ્યા હતા. બે યુદ્ધ વચ્ચેના સમયગાળામાં રાજકુમારીની ટૂંકી મુલાકાત તેમના પિતા સાથે થતી હતી. આવા અલગાવનો પ્રભાવ રાજકુમારીના તેમના પિતા, સાવકા ભાઈ હુમાયુ અને ભત્રીજા અકબર સહિતના તેમના પરિવારના શક્તિશાળી પુરુષો સાથેના સંબંધ પર પડ્યો હતો.

પરિવારના પુરુષો દૂર-દૂર પ્રદેશો પર વર્ચસ્વ મેળવવા માટે લોહિયાળ લડાઈ લડતા હતા ત્યારે ગુલબદન સમ્રાટનાં માતા, કાકી અને બહેનો, તેમની પત્નીઓ જેવી મજબૂત સ્ત્રીઓ તથા પુત્રીઓની સંગતમાં ઉછર્યાં હતાં. તેમણે દરબારી બાબતોમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. રાજાઓ અને રાજકુમારોના વિશ્વાસુ તથા સલાહકાર તરીકે કામ કર્યું હતું.

નાની રાજકુમારીનું બાળપણ પણ સાહસભર્યું હતું. પિતાએ આગ્રા કબજે કર્યું એ પછી તેઓ છ વર્ષની વયે કાબુલથી આગ્રાની મુસાફરી કરનાર પ્રથમ મુગલ કન્યા બન્યાં હતાં. અફઘાન રાજા શેરશાહ સૂરી દ્વારા તેમના પરિવારને હિન્દુસ્તાનમાંથી હાંકી કાઢવામાં આવ્યા પછી એક પરિણીત મહિલા તરીકે તેઓ તેમના બાળપણની ભૂમિ કાબુલમાં પાછાં ફર્યાં હતાં.

એ પ્રવાસ મહિનાઓ સુધી લંબાયો હતો અને ગુલબદન તથા અન્ય શાહી મહિલાઓએ તંબુમાં પડાવ નાખ્યો હતો. પાલખીઓમાં અને ઘોડાઓ પર સવાર થઈને નિર્જન પર્વતીય પ્રદેશોમાં દુશ્મનો, ચોરો તથા બીજી મુશ્કેલીઓને પાર કરીને મુસાફરી કરી હતી.

રૂબી લાલ કહે છે, “મુગલ મહિલાઓને જીવનશૈલી સતત સ્થળાંતર કરતા રહેવાની હતી. પોતાના પુરુષો સાથે યુદ્ધમાં પ્રવાસ કરતા હોવાને લીધે તેઓ સતત નવાં સ્થાનો પર સ્થળાંતર કરતાં હતાં અથવા તો અસ્થાયી છાવણીઓમાં રહેતાં હતાં.”

રૂબી લાલે જણાવ્યા મુજબ, કદાચ સતત પ્રવાસ કરતા રહેવાની આ ઝંખનાને લીધે રાજકુમારી 1500ના દાયકાના અંતમાં તેમના ભત્રીજા અકબર પાસે હજ પર જવાની પરવાનગી માગવા પ્રેરાયાં હશે.

જ્યારે અકબર સાથે વાત કરી

અકબરની સૌથી મોટી મહત્ત્વાકાંક્ષા મુગલ વંશની સર્વોપરિતા સ્થાપિત કરવાની હતી અને આ ધ્યેય સાથે હિન્દુસ્તાનમાં આગળ વધતાં તેમણે “પોતાના એક પવિત્ર વ્યક્તિ, સર્વોત્તમ આધ્યાત્મિક સત્તાધીશ તરીકે દર્શાવવાનું શરૂ કર્યું હતું,” એમ રૂબી લાલે પુસ્તકમાં લખ્યું છે.

અકબર એવા પ્રથમ મુગલ શાસક હતા, જેમણે તમામ મુગલ સ્ત્રીઓને દીવાલવાળા હેરમમાં એકાંતમાં રહેવાનો આદેશ આપ્યો હતો.

રૂબી લાલે લખ્યું છે, “શાહી હરમ અભેદ્ય હતા. તેમાં માત્ર સમ્રાટ જ પ્રવેશી શકતા હતા. શાહી હરમ ભવ્ય અને અસ્પૃશ્ય મહિલાઓનો આવાસ હતા. એ તેમની દિવ્યતાનો પુરાવો હતા.”

જોકે, આ સ્થિરતાએ ગુલબદનને બેચેન કરી મૂક્યાં હતાં. તેથી તેમણે ઑક્ટોબર, 1576માં શાહી પરિવારની અન્ય મહિલાઓ સાથે મક્કાની યાત્રા માટે પ્રયાણ કર્યું હતું. તેમણે અકબરને કહ્યું હતું કે આ પરમાત્મા પાસે કરેલી પ્રતિજ્ઞા છે અને તેનું પાલન કરવા તેઓ મક્કા જઈ રહ્યાં છે.

અકબરે પોતાના માટે નિર્મિત બે ભવ્ય મુગલ જહાજ -સલીમી અને ઈલાહીને તેમની યાત્રામાં સામેલ કર્યાં હતાં. શાહી રસાલો તેની સાથે ભિક્ષામાં આપવા માટે ચાંદી તથા સોનાના ટુકડાથી ભરેલી સોનાની તિજોરીઓ, હજારો રોકડા રૂપિયા અને 12,000 પોશાક પણ લઈને નીકળ્યો હતો.

રૂબી લાલે તેમના પુસ્તકમાં લખ્યું છે, “યાત્રા માટે રવાના થતા કાફલાને જોવા માટે સામાન્ય પુરુષો, મહિલાઓ, વૃદ્ધો, યુવાનો અને બાળકો રેડ સેન્ડસ્ટૉનથી બનેલી રાજધાની ફતેહપુર સિકરીના રસ્તા પર કતારમાં ઊભા હતા.”

જોકે, એ યાત્રા પ્રારંભથી જ જોખમી હતી. મક્કા સુધીનો સમુદ્રી માર્ગ પોર્ટુગીઝ લોકોના નિયંત્રણમાં હતો. એ લોકો મુસ્લિમ જહાજોને લૂંટવા અને બાળી નાખવા માટે કુખ્યાત હતા. પર્શિયામાંથી પસાર થતો જમીનમાર્ગ પણ એટલો જ અસલામત હતો. એ માર્ગ પ્રવાસીઓ પર હુમલો કરતા ઉગ્રવાદીઓને શરણ આપવા માટે કુખ્યાત હતો.

ગુલબદન અને તેમના સાથીઓ પોર્ટુગીઝ નિયંત્રણ હેઠળના પ્રદેશમાંથી સલામત નીકળી જતાં પહેલાં લગભગ એક વર્ષ સુધી સુરત બંદરે ફસાયેલા રહ્યાં હતાં. જેદ્દાહ પહોંચવા માટે તેમણે ચાર સપ્તાહ સુધી અરબી સમુદ્રમાં પ્રવાસ કર્યો હતો અને મક્કા પહોંચવા માટે અનેક દિવસો સુધી રણની ગરમ રેતીમાં ઊંટો પર યાત્રા કરી હતી.

સુલતાન મુરાદ સામે વિદ્રોહ

ગુલબદનની યાત્રાનો સૌથી રસપ્રદ મુકામ મક્કાની યાત્રા પછી આવ્યો હતો, કારણ કે તેમણે અને તેમના સાથીઓએ આગલા ચાર વર્ષ સુધી અરેબિયામાં જ રહેવાનો નિર્ણય કર્યો હતો.

રૂબી લાલે તેમના પુસ્તકમાં લખ્યું છે, “જે રીતે તેઓ હરમ છોડવાના પોતાના નિર્ણયમાં એકમત હતાં, તેવી જ રીતે રણપ્રદેશમાં રખડુ, મુજાવિર (આધ્યાત્મિક પ્રવાસી) બનવાના પોતાના નિર્ણયમાં પણ એકમત હતાં.”

અહીં ગુલબદન અને તેમના સાથી પ્રવાસીઓએ ભિક્ષામાં સિક્કા તથા અન્ય સામાન આપ્યો હતો, જે શહેરમાં ચર્ચાનો વિષય બન્યો હતો. મુગલ રાજકુમારીની ઉદારતાને લીધે સત્તારૂઢ તુર્ક સુલતાન મુરાજ નારાજ થયા હતા. તેમણે રાજકુમારીનાં આ કૃત્યોને અકબરની વધતી રાજકીય તાકાતનો પુરાવો ગણ્યાં હતાં.

તેથી સુલતાને તેમના લોકોને ચાર ફરમાન મોકલ્યાં હતાં અને ગુલબદન તથા અન્ય મુગલ મહિલાઓને અરેબિયામાંથી તગેડી મૂકવાનો આદેશ આપ્યો હતો.

ગુલબદને દરેક વખતે ત્યાંથી જવાનો ઇનકાર કર્યો હતો.

રૂબી લાલ કહે છે, “તે એક મુગલ મહિલા દ્વારા વિદ્રોહનું અભૂતપૂર્વ કાર્ય છે. એ દર્શાવે છે કે સ્વાતંત્ર્યની પોતાની મહેચ્છા પ્રત્યે ગુલબદન કેટલાં પ્રતિબદ્ધ હતાં.”

આખરે સુલતાને ગુલબદનની જીદ્દથી કંટાળીને ઑટોમન તુર્કીમાં મહિલાઓ નિંદાત્મક ગણાતા એક શબ્દ ‘ના-મેશરુ’નો ઉપયોગ કર્યો હતો. (તેનો અર્થ અનુચિત કે ખોટું કામ એવો થાય) એ શબ્દને એટલો ગંભીર માનવામાં આવ્યો હતો કે સુલતાને અકબરની નારાજગી વહોરવી પડી હતી.

આ પાંચમા ફરમાન બાદ 1580માં ગુલબદન તથા તેમના સાથીઓએ અરેબિયા છોડી દીધું હતું અને તેમનો કાફલો 1582માં ફતેહપુર સિકરીથી 60 કિલોમીટર પશ્ચિમે આવેલા ખાનવા પહોંચ્યો હતો.

તેઓ પાછાં આવ્યાં પછી ગુલબદનને નવાબ તરીકે સન્માનિત કરવામાં આવ્યાં હતાં અને અકબર દ્વારા અકબરનામામાં એકમાત્ર મહિલા યોગદાનકર્તા તરીકે પણ આમંત્રિત કરવામાં આવ્યાં હતાં. અકબરનામા પુસ્તક સમ્રાટના રાજવંશની ભવ્યતાનો ઇતિહાસ છે.

અકબરનામાનો એક આખો વિભાગ ગુલબદનની મક્કા યાત્રાને સમર્પિત હોવા છતાં અરેબિયામાં તેમના જીવન અને સુલતાન મુરાદ દ્વારા કરવામાં આવેલી નિંદા વિશેનો કોઈ ઉલ્લેખ આખા પુસ્તકમાં ક્યાંય મળતો નથી.