You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
એ શીખ ગુરુ જેમણે ઔરંગઝેબ સામે જીવ આપી દીધો પણ માથું ના ઝુકાવ્યું
- લેેખક, રેહાન ફઝલ
- પદ, બીબીસી સંવાદદાતા
દિલ્હીથી શીખોનું એક જૂથ 1664ની 11 ઑગસ્ટે પંજાબના બકાલા ગામે પહોંચ્યું હતું. આઠમા ગુરુ હરકિશને તેમના નિધનના છ મહિના પહેલાં જાહેરાત કરી હતી કે તેમનો ઉત્તરાધિકારી બકાલામાંથી મળશે.
બકાલામાં શીખોની ખાસ સભા યોજીને તેગબહાદુરને ગુરુની ગાદી સોંપવાની જાહેરાત કરવામાં આવી હતી. એક પરંપરાગત સમારંભમાં ગુરુદિત્તા રંધાવાએ ગુરુના મસ્તક પર કેસર તિલક કરીને તેમને એક શ્રીફળ તથા પાંચ પૈસા ભેટ આપ્યા હતા અને ગુરુની ગાદી પર બેસાડ્યા હતા.
ગુરુ તેગબહાદુર શરૂઆતમાં બહુ બોલકા ન હતા. ખુશવંતસિંહે તેમના પુસ્તક ‘અ હિસ્ટ્રી ઑફ ધ શીખ્સ’માં લખ્યું છે કે, “પૃષ્ઠભૂમિમાં રહેવાના સ્વભાવને કારણે ગુરુ તેગબહાદુર સામાન્ય લોકોમાં પ્રિય થઈ ગયા હતા. ધીરમલે તેમની હત્યાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ હત્યા માટે બોલાવવામાં આવેલા લોકો તેમના કામમાં સફળ થઈ શક્યા ન હતા.”
ખુશવંતસિંહ લખે છે કે, “તેગ બહાદુર બકાલા છોડીને અમૃતસર આવ્યા હતા, જ્યાં હરમંદિર સાહેબના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા. અમૃતસરથી તેઓ તેમના પિતાએ વસાવેલા કીરતપુર શહેરમાં ગયા હતા. એ પછી તેમણે કીરતપુરથી પાંચ કિલોમિટર દૂર એક નવું ગામ વસાવ્યું હતું અને તેને આનંદપુર નામ આપ્યું હતું.”
આ ગામને હવે આનંદપુર સાહેબના નામ તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ આનંદપુરમાં પણ તેગબહાદુરને લોકોએ શાંતિથી રહેવા દીધા ન હતા.
ગુરુ તેગબહાદુરની ધરપકડ
ગુરુ તેગબહાદુરનો જન્મ 1621માં થયો હતો. તેઓ છઠ્ઠા શીખ ગુરુ હરગોવિંદના સૌથી નાના પુત્ર હતા. થોડા દિવસ આનંદપુરમાં રહ્યા પછી ગુરુ તેગબહાદુરે પૂર્વ ભારતના પ્રવાસનો નિર્ણય કર્યો હતો. પ્રવાસ દરમિયાન આલમ ખાનના નેતૃત્વ હેઠળના મુગલ સૈનિકોએ તેમની ધરપકડ કરી હતી અને તેમને દિલ્હી લાવવામાં આવ્યા હતા.
તેમની ધરપકડ શા માટે કરવામાં આવી હતી એ બાબતે ઇતિહાસકારો એકમત નથી. ખુશવંતસિંહે લખ્યું છે કે, “રામરાય નામના એક મુગલ દરબારીની ઉશ્કેરણીના લીધે આવું કરવામાં આવ્યું હતું. ગુરુ તેગબહાદુર પર શાંતિ ભંગ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.”
જોકે, આ વાત સાથે ઇતિહાસકાર ફૌજાસિંહ સહમત નથી. તેમનું કહેવું છે કે, “રામરાય તો તેગ બહાદુરને ગુરુ માની ચૂક્યા હતા અને ગુરુ તેગબહાદુર માટે તેમના મનમાં કોઈ દુર્ભાવના ન હતી.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઔરંગઝેબ સામે હાજરી અને મુક્તિ
સર્બપ્રીતસિંહે તેમના પુસ્તક ‘ધ સ્ટોરી ઑફ શીખ્સ’માં લખ્યું છે કે, “તેમની ધરપકડનું કારણ ભલે ગમે તે હોય, પરંતુ ગુરુ તેગબહાદુરને 1865ની આઠમી નવેમ્બરે ધરપકડ કરીને દિલ્હી લઈ જવામાં આવ્યા હતા અને ઔરંગઝેબ સામે રજૂ કરવામાં આવ્યા હતા.”
બાદશાહને સંબોધન કરતાં ગુરુ તેગબહાદુરે જણાવ્યું હતું કે, “મારો ધર્મ ભલે હિન્દુ ન હોય, મને વેદોની શ્રેષ્ઠતા, મૂર્તિપૂજા અને બીજાં રીત-રિવાજમાં શ્રદ્ધા ભલે ન હોય, પરંતુ હિન્દુઓના સન્માનથી રહેવાના તથા તેમના ધાર્મિક અધિકારો માટે લડતો રહીશ.”
જોકે, ગુરુ તેગબહાદુરના આ શબ્દોની ઔરંગઝેબ પર કોઈ અસર થઈ ન હતી. ઔરંગઝેબને તેમના દરબારમાંના અનેક ઉલેમાઓએ એવી કાનભંભેરણી કરી હતી કે ગુરુનો વધતો પ્રભાવ ઇસ્લામ માટે જોખમ સાબિત થઈ શકે છે.
ઔરંગઝેબે એક સમયે ગુરુને મૃત્યુદંડ આપવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ તેમના એક રાજપૂત પ્રધાન રાજા રામસિંહે ગુરુને જીવનદાન આપવા વિનંતી કરી હતી અને ઔરંગઝેબે તેનો સ્વીકાર કર્યો હતો.
એક મહિના પછી ડિસેમ્બરમાં ગુરુ તેગબહાદુર પરના આરોપો પાછા ખેંચવામાં આવ્યા હતા અને તેમને મુક્ત કરવામાં આવ્યા હતા. મુક્તિ મળવાની સાથે જ ગુરુ તેગબહાદુરે તેમની યાત્રા આગળ વધારી હતી અને તેઓ મથુરા, આગ્રા, કાનપુર, અલાહાબાદ, વારાણસી અને બોધગયા થઈને પટણા પહોંચ્યા હતા.
ત્રણ વર્ષ આસામમાં રહ્યા
એ દરમિયાન ઔરંગઝેબે કામરૂપના રાજાના બળવાને દબાવવાની જવાબદારી રાજા રામસિંહને સોંપી હતી. એ જમાનામાં કામરૂપને ખતરનાક પ્રદેશ માનવામાં આવતો હતો. તે પ્રદેશ તેના બહાદુર યૌદ્ધાઓ તથા કાળા જાદુ માટે વિખ્યાત હતો. રાજા રામસિંહને ગુરુ તેગ બહાદુરમાં ઊંડી આધ્યાત્મિક શ્રદ્ધા હતી.
રાજા રામસિંહે ગુરુ તેગબહાદુરને તેમની સાથે કામરૂપ અભિયાનમાં આવવાની વિનંતી કરી હતી અને ગુરુ તેગબહાદુર એ વિનંતીનો અસ્વીકાર કરી શક્યા ન હતા.
સર્બપ્રીત સિંહે લખ્યું છે કે, “લડાઈ દરમિયાન ગુરુ તેગબહાદુરે લગભગ ત્રણ વર્ષ આસામમાં પસાર કર્યાં હતાં. ક્યારેક તેમણે મધ્યસ્થીની ભૂમિકા પણ ભજવી હતી. પાછા ફરતી વખતે તેઓ પટનામાં રહેતાં તેમનાં પત્નીને મળી શક્યા ન હતા, કારણ કે પંજાબમાં તેમની વધારે જરૂર હોવાના સંદેશા સતત મળી રહ્યા હતા. 1672માં તેઓ ચક નાનકીની પોતાની ગાદી પર પાછા ફર્યા હતા. તેમની યાત્રા તેમને એવાં-એવાં સ્થળોએ લઈ ગઈ હતી, જ્યાં ગુરુ નાનક સિવાયના કોઈ શીખ ગુરુ ગયા નથી.”
કાશ્મીરી પંડિતોની વિનંતી
ગુરુ તેગબહાદુર 1675ની 25 મેએ આનંદપુર સાહિબમાં એક સંગતમાં બેઠા હતા ત્યારે કાશ્મીરથી કેટલાક લોકોનું એક જૂથ તેમને મળવા આવ્યું હતું. એ જૂથનું નેતૃત્વ પંડિત કિરપા રામ કરતા હતા. તેમણે ગુરુને હાથ જોડીને જણાવ્યું હતું કે, “તેમના હજારો વર્ષ જૂના ધર્મ પર જોખમ તોળાઈ રહ્યું છે.” ઔરંગઝેબનું પ્રતિનિધિત્વ કરતા કાશ્મીરના ગવર્નર ઈફ્તેખાર ખાને તેમને આદેશ આપ્યો છે કે, તેઓ ઇસ્લામ ધર્મ અંગીકાર નહીં કરે તો તેમની હત્યા કરવામાં આવશે.
કિરપા રામની વિનંતીનો ગુરુ તેગબહાદુરે તરત કોઈ પ્રતિસાદ આપ્યો ન હતો, પરંતુ તેમની વ્યથા સાંભળીને ગુરુનું હૃદય પીગળી ગયું હતું. ગુરુ તેગબહાદુરના જીવનચરિત્રમાં હરિરામ ગુપ્તાએ લખ્યું છે કે, “ગુરુએ કાશ્મીરથી આવેલા બ્રાહ્મણોને જણાવ્યું હતું કે તમે બાદશાહના પ્રતિનિધિઓને કહો કે ગુરુ તેગબહાદુર ઇસ્લામ અપનાવશે તો અમે પણ ધર્મપરિવર્તન કરીશું.”
હરિરામ ગુપ્તે લખ્યું છે કે, “ગુરુ તેગબહાદુરને લોકો સચ્ચા બાદશાહ કહેતા હતા અને ઔરંગઝેબને તેની સામે વાંધો હતો. ઔરંગઝેબે તેનો અર્થ એવો કર્યો હતો કે, ગુરુ પોતે ભારતના સાચા બાદશાહ હોવાનો પ્રચાર કરે છે અને હું ભારતનો નકલી બાદશાહ છું. ઔરંગઝેબને ગુરુના નામ પાછળ બહાદુર શબ્દ લગાવવાનું પણ ખટકતું હતું, કારણ કે મુગલ દરબારમાં જૂજ લોકોને જ ‘બહાદુર’ ખિતાબ આપવામાં આવતો હતો.”
ઔરંગઝેબે આદેશ આપ્યો હતો કે, ગુરુ તેગબહાદુરને તેમની સામે રજૂ કરવામાં આવે અને તેમને ઇસ્લામ અંગીકાર કરવા માટે મજબૂર કરવામાં આવે. તેઓ એવું નહીં કરે તો તેમણે પ્રાણ ગુમાવવા પડશે.
ગુરુ તેગબહાદુર સાથે સવાલ-જવાબ
ગુરુ તેગબહાદુરે તેમના પરિવાર તથા સાથીઓથી વિદાય લીધી અને જાહેરાત કરી હતી કે, તેમના પછી તેમના પુત્ર ગોવિંદરાયને નવા ગુરુ બનાવવામાં આવે. 1675ની 11 જુલાઈ ગુરુ તેગબહાદુર તેમના પાંચ અનુયાયી ભાઈ મતિદાસ, તેમના નાના ભાઈ સતીદાસ, ભાઈ દયાલા, ભાઈ જૈતા અને ભાઈ ઉદય સાથે દિલ્હી જવા રવાના થયા હતા. માર્ગમાં થોડા આગળ વધ્યા પછી તેમણે ભાઈ ઉદય અને ભાઈ જૈતાને દિલ્હી માટે આગળ મોકલ્યા હતા.
એક દિવસ પછી તેમની રોપડ થાણાના હાકેમ મિર્ઝા નૂરમોહમ્મદ ખાંએ મલિકપુરના રંધારણ ગામમાં ધરપકડ કરી હતી. ગુરુ અને તેમના ત્રણ સાથીઓને ભારે સલામતી વચ્ચે રોપડથી સરહિંદ લઈ જવામાં આવ્યા હતા. એ પછી તેમને દિલ્હીના ચાંદની ચોક થાણામાં મોકલવામાં આવ્યા હતા. કારાવાસના ચાર મહિના દરમિયાન ગુરુ અને તેમના ત્રણેય અનુયાયીઓ પર અત્યાચાર કરવામાં આવ્યો હતો.
ગુરુ તેગબહાદુરના જીવનચરિત્રના લેખક હરબંસસિંહ વિર્દીએ તેમના પુસ્તક ‘ગુરુ તેગબહાદુર, સેવિયર ઑફ હિન્દુઝ ઍન્ડ હિન્દુસ્તાન’માં લખ્યું છે કે, “દિલ્હીમાં ગુરુ તથા તેમના અનુયાયીઓને લાલ કિલ્લામાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાં તેમને હિન્દુ તથા શીખ ધર્મ વિશે અનેક સવાલ પૂછવામાં આવ્યા હતા. તેમને એવું પણ પૂછવામાં આવ્યું હતું કે, તેઓ જનોઈ પહેરતા અને માથા પર તિલક કરતા લોકો માટે પોતાના પ્રાણ શા માટે ન્યોછાવર કરી રહ્યા છે?”
“એ સવાલના જવાબમાં ગુરુ તેગબહાદુરે જણાવ્યું હતું કે, “હિન્દુઓ નબળા પડ્યા હોવાથી નાનકના દરબારમાં શરણ લેવા આવ્યા છે. આ પ્રકારની મદદ મુસલમાનોએ માગી હોત તો તેમણે મુસલમાનો માટે પણ પોતાના પ્રાણ ન્યોછાવર કર્યા હોત.”
ઔરંગઝેબની ચેતવણી
ડૉક્ટર ત્રિલોચન સિંહે તેમના પુસ્તક ‘ગુરુ તેગબહાદુર, પ્રોફેટ ઍન્ડ માર્ટિયર’માં લખ્યું છે કે, “ઔરંગઝેબ સવારે નવ વાગ્યે દીવાન-એ-આમમાં પહોંચ્યા હતા અને પછી તેમની બાલ્કનીમાં ગયા હતા. તેમણે સફેદ સિલ્કનો પોશાક પહેર્યો હતો અને તેમાં સિલ્કનો જ કમરબંધ હતો. તે કમરબંધમાં રત્નો જડેલી એક કટાર લટકતી હતી. ઔરંગઝેબે સફેદ રંગનો સાફો પહેર્યો હતો. બાદશાહની બન્ને બાજુએ ઊભેલા કિન્નર યાકની પૂંછડી અને મોરપીંછથી બનેલા પંખા વડે હવા નાખી રહ્યા હતા.”
બાદશાહ શીખ ધર્મ વિશે તો અગાઉથી જ જાણતા હતા. તેમને એ પણ ખબર હતી કે શીખો પણ મુસલમાનોની જેમ મૂર્તિપૂજા કરતા નથી. ગુરુ તેગબહાદુરને ઇસ્લામ અંગીકાર કરવા મનાવી લેવાની તેમને બહુ આશા હતી, કારણ કે બન્ને ધર્મમાં ઘણી વૈચારિક નિકટતા જોવા મળતી હતી.
ઔરંગઝેબે ગુરુ તેગબહાદુરને કહ્યું હતું કે, “તમને મૂર્તિપૂજામાં કે બ્રાહ્મણોમાં વિશ્વાસ નથી તો પછી તેમનો મામલો લઈને અમારી પાસે શા માટે આવ્યા છો?”
ગુરુ તેગબહાદુર ઔરંગઝેબને સમજાવવામાં સફળ થયા ન હતા. આખરે દરબાર તરફથી સ્પષ્ટ જણાવી દેવામાં આવ્યું હતું કે, તેઓ ઇસ્લામ અંગીકાર કરી લે અથવા મરવા માટે તૈયાર રહે. ગુરુ તેગબહાદુરને સાંકળથી બાંધીને લોખંડના પાંજરામાં પૂરી દેવામાં આવ્યા હતા.
ઔરંગઝેબે ગુરુને અનેક સંદેશા મોકલ્યા હતા, પરંતુ ગુરુ પોતાની વાત પર અડગ રહ્યા હતા. એક દિવસ જેલના વડાએ તેમને કહ્યું હતું કે, “બાદશાહ ઇચ્છે છે કે તમે ઇસ્લામ અંગીકાર કરો. એમ કરવું શક્ય ન હોય તો કોઈ ચમત્કાર કરી બતાવો, જેથી એ સિદ્ધ થાય કે તમે પવિત્ર પુરુષ છો.”
હરબંસસિંહ વિર્દીએ લખ્યું છે કે, “ગુરુએ તેમને જણાવ્યું કે મારા દોસ્ત, ચમત્કારનો અર્થ ઈશ્વરની મહેરબાની અને કૃપા. ઈશ્વર દુનિયા સામે જાદુગરી બતાવવાની છૂટ આપતા નથી. તેમની કૃપાનો દુરુપયોગ કરવાથી તેઓ નારાજ થઈ જશે. મારે ચમત્કાર બતાવવાની કોઈ જરૂર નથી, કારણ કે આપણી સામે રોજ ચમત્કારો થાય છે. બાદશાહ બીજા લોકોને મોતની સજા તો કરે છે, પણ એક દિવસ તેમણે પણ મરવાનું છે તેની તેમને ખબર નથી, શું એ મોટો ચમત્કાર નથી?”
ત્રણ અનુયાયીઓની હત્યા
ગુરુ તેગબહાદુર તેમના વિચાર નહીં બદલે એવું સમજી ગયા પછી તેમના ત્રણેય અનુયાયીઓ પર તેમની નજર સામે અત્યાચાર કરવામાં આવ્યો હતો. હરિરામ ગુપ્તાએ ગુરુ તેગબહાદુરના જીવનચરિત્રમાં લખ્યું છે કે, “ચાંદની ચોકમાં આજે જ્યાં પોલીસ સ્ટેશન છે તેની સામેના ફુવારા પાસે ભાઈ મતિદાસનું મસ્તક કાપવામાં આવ્યું હતું. તેમણે અત્યાચારનો સામનો શાંતિ તથા બહાદુરીથી કર્યો હતો. તેમનો ઉલ્લેખ શીખોની દૈનિક પ્રાર્થનામાં કરવામાં આવે છે.”
ભાઈ સતીદાસે પોતાનો વારો આવતા પહેલાં હાથ જોડીને દૃશ્ય નિહાળી રહેલા ગુરુના આશીર્વાદ લીધા હતા. ભાઈ સતીદાસને ઊકળતા તેલમાં જીવતા નાખી દેવામાં આવ્યા હતા. ભાઈ દયાલાના શરીરની ચારે તરફ રૂ લપેટીને એક થાંભલા સાથે બાંધવામાં આવ્યા હતા અને તેમને આગ ચાંપી દેવામાં આવી હતી.
આ બધું લોકોની મોટી ભીડ જોઈ રહી હતી. આ બધું ગુરુ તેગબહાદુરની નજર સામે થઈ રહ્યું હતું અને તેઓ સતત વાહે ગુરુના જાપ કરતા હતા.
એ વખતે ત્યાં હાજર એક અન્ય અનુયાયી જૈતા દાસે રાત્રે મારી નાખવામાં આવેલા લોકોનાં પાર્થિવ શરીરને નજીકમાં વહેતી યમુના નદીમાં વહાવી દીધાં હતાં.
ગુરુ તેગબહાદુરનો અંતિમ દિવસ
મોતની સજા થવાની હતી એ દિવસે ગુરુ તેગબહાદુર બહુ વહેલા ઊઠી ગયા હતા. તેમણે પોલીસ સ્ટેશન પાસેના એક કૂવા પાસે સ્નાન કર્યું હતું અને પ્રાર્થના કરી હતી.
સવારે 11 વાગ્યે તેમને મોતની સજાના સ્થળે લઈ જવામાં આવ્યા હતા અને કાઝી અબ્દુલ વહાબ બોરાએ તેમને ફતવો વાંચી સંભળાવ્યો હતો. જલ્લાદ જલાલુદ્દીન તેમની સામે ખુલ્લી તલવાર લઈને ઊભો હતો. એ સમયે આકાશમાં વાદળા ધસી આવ્યાં હતાં અને ત્યાં હાજર લોકો રડવા લાગ્યા હતા.
ગુરુ તેગબહાદુરે પોતાના બન્ને હાથ ઊંચા કરીને તેમને આશીર્વાદ આપ્યા હતા. જલાલુદ્દીને ગુરુ તેગબહાદુરનું મસ્તક શરીરથી અલગ કરી નાખ્યું ત્યારે ભીડમાં સન્નાટો છવાઈ ગયો હતો. જે સ્થળે ગુરુ તેગબહાદુરે શહાદત વહોરી હતી એ સ્થળે બાદમાં સીસગંજ ગુરુદ્વારા બનાવવામાં આવ્યું હતું.
લખીશાહ નામની એક અન્ય વ્યક્તિએ પોલીસ સ્ટેશનથી આઠ કિલોમિટર દૂર આવેલા રકાબ ગંજમાં ગુરુ તેગબહાદુરના પાર્થિવ શરીરના અંતિમ સંસ્કાર કર્યા હતા. એ સ્થળે પણ તેમની સ્મૃતિમાં એક ગુરુદ્વારા બનાવવામાં આવ્યું છે.
મુગલોના પતનનો પ્રારંભ
ગુરુ તેગબહાદુરના બલિદાન બાદ અનેક કાશ્મીરી પંડિતોએ શીખ ધર્મ અપનાવ્યો હતો. કાશ્મીરી બ્રાહ્મણોનું નેતૃત્વ કરતા કિરપા રામે પણ શીખ ધર્મ અપનાવ્યો હતો.
શીખ વિદ્વાન ગુરમુખસિંહે તેમના પુસ્તક ‘ગુરુ તેગબહાદુર, ધ ટ્રુ સ્ટોરી’માં લખ્યું છે કે, “ગુરુ તેગબહાદુરના બલિદાનની એટલી જોરદાર અસર થઈ હતી કે તેનાથી ભારતીય ઉપખંડનો ઇતિહાસ બદલાઈ ગયો હતો. તેમની શહાદત માનવ ઇતિહાસમાં માનવાધિકારો માટેની સૌથી મોટી શહાદતનું ઉદાહરણ બની ગઈ. ભારતમાં મુગલ સામ્રાજ્યના પતનનો પ્રારંભ ત્યાંથી થયો હતો.”