ઑપરેશન બ્લૂ સ્ટાર વખતે સેનાના વડા રહેલા જનરલ અરુણકુમાર વૈદ્યની ધોળે દહાડે કોણે હત્યા કરી હતી?

    • લેેખક, સિદ્ધનાથ ગણુ
    • પદ, બીબીસી મરાઠી સંવાદદાતા

10 ઑગસ્ટ, 1986. પૂણે શહેરમાં સવારના સાડા અગિયાર વાગ્યા હતા.

ભારતીય સૈન્યના સધર્ન કમાન્ડનું મુખ્યાલય આવેલું છે એ કૅમ્પ પરિસરના રાજેન્દ્રસિંહજી રોડ પરથી એક મારુતિ કાર જઈ રહી હતી.

વળાંક લેવા માટે મારુતિ કાર ધીમી પડી ત્યારે જ બે બાઇકસવાર કારની સમાંતરે આવી ગયા હતા.

બાઇક પર પાછળ બેઠેલા માણસે કાર ચલાવી રહેલી વ્યક્તિ પર એકસાથે ચાર ગોળી છોડી હતી.

પછી બન્ને બાઇકસવાર ઝડપભેર ત્યાંથી નાસી છૂટ્યા હતા. ગાડી ચલાવી રહેલી વ્યક્તિ ભારતીય સૈન્યના નિવૃત્ત વડા જનરલ અરુણકુમાર શ્રીધર વૈદ્ય હતા.

અમૃતસરના સુવર્ણ મંદિરમાં છુપાયેલા ખાલિસ્તાનવાદીઓનો સફાયો કરવા માટે હાથ ધરાયેલા 'ઑપરેશન બ્લૂ સ્ટાર'નો બદલો લેવા માટે જનરલ વૈદ્યની હત્યા કરવામાં આવી હતી.

જનરલ વૈદ્ય ઓગસ્ટ-1983માં ભારતીય સૈન્યના વડા બન્યા ત્યારે પંજાબમાં ભારેલો અગ્નિ હતો. ખાલિસ્તાનવાદીઓની વગ વધી રહી હતી.

એ બધા પર પૂર્ણવિરામ મૂકવા માટે તત્કાલીન વડાં પ્રધાન ઈંદિરા ગાંધીએ લશ્કરી પગલાં લેવાનો નિર્ણય કર્યો હતો.

જૂન શરૂ થતાંની સાથે જ પંજાબમાં કડક પ્રતિબંધો લગાવવામાં આવ્યા હતા, અમૃતસર શહેરમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો, પત્રકારોને શહેરમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા અને ફોન લાઇનો પણ બંધ કરી દેવામાં આવી હતી.

સુવર્ણમંદિરમાં અડિંગો જમાવીને બેઠેલા ધાર્મિક નેતા ભિંડરાંવાલે તથા તેમના સશસ્ત્ર અનુયાયીઓ અને ભારતીય સૈન્ય વચ્ચે 1984ની છ જૂને અથડામણ થઈ હતી.

શીખોના પવિત્ર ધર્મસ્થાન સુવર્ણમંદિરમાં પ્રવેશીને સેનાએ કાર્યવાહી કરવી પડી હતી.

અકાલ તખ્તને નુકસાન થયું હતું, પણ ભિંડરાંવાલે અને તેમના અનુયાયીઓ પરાજિત થયા હતા અને ખાલિસ્તાની ચળવળના નેતૃત્વને સેનાએ ખતમ કરી નાખ્યું હતું.

ભિંડરાંવાલે માર્યા ગયા હતા, પણ તેમના અનુયાયીઓનું ઝનૂન ઓસર્યું ન હતું. તેમના અનુયાયીઓનો પંજાબ તથા વિદેશમાં વસતો એક મોટો વર્ગ ભારતમાંથી અલગ થઈને શીખો માટે દેશની માગણી કરી રહ્યો હતો.

ભિંડરાંવાલેના મોતથી રોષે ભરાયેલા ષીખ કટ્ટરતાવાદીઓએ 'ઑપરેશન બ્લૂ સ્ટાર' સાથે સંકળાયેલા બે મહાનુભાવોની હત્યા કરી હતી. તેમણે 1984ની પહેલી ઑક્ટોબરે ઈંદિરા ગાંધીની અને 1986ની બીજી ઑગસ્ટે જનરલ વૈદ્યની હત્યા કરી હતી.

હૈદરાબાદથી બાંગ્લાદેશ વાયા પાકિસ્તાન

શ્રીધરપંત અને ઈંદિરાબાઈ વૈદ્યના ઘરે 1926ની 27 જાન્યુઆરીએ એક દીકરાનો જન્મ થયો હતો. તેનું નામ રાખવામાં આવ્યું હતું, અરુણકુમાર.

અલિબાગ, પૂણે, મુંબઈ એવા વિવિધ શહેરોમાં શિક્ષણ લઈને 18 વર્ષના અરુણકુમાર 1944માં કૅડેટ બન્યા હતા અને એ પછીના વર્ષે ડેક્કન હૉર્સ બટાલિયનમાં જોડાયા હતા.

18 મી સદીમાં કૅવેલરી રેજિમેન્ટ તરીકે શરૂ કરવામાં આવેલી ડેક્કન હૉર્સ બટાલિયનમાં બાદમાં ટૅન્કો પણ ઉમેરવામાં આવી હતી.

દેશને સ્વાતંત્ર્ય મળ્યું પછી પણ હૈદરાબાદ જેવાં સ્વતંત્ર રાજ્યો અસ્તિત્વમાં હતાં.

નિઝામની સામે હાથ ધરવામાં આવેલી કાર્યવાહીમાં પણ સૈન્યએ ભૂમિકા ભજવી હતી. એ સમયે અરુણકુમાર વૈદ્ય સૈન્યના કૅપ્ટન બન્યા હતા.

દૌલતાબાદ અને પરભણી વિસ્તારમાં હાથ ધરવામાં આવેલી લશ્કરી કાર્યવાહીમાં અરુણકુમાર વૈદ્યએ ભાગ લીધો હોવાનું ડૉ. ભાગ્યશ્રી પાટસકરે તેમના પુસ્તક 'જનરલ અરુણકુમાર વૈદ્ય'માં લખ્યું છે.

અરુણકુમાર વૈદ્યની સૈન્ય કારકિર્દીનો મહત્વનો તબક્કો એટલે 1965નું ભારત-પાકિસ્તાનનું યુદ્ધ.

પંજાબના ખેમકરણ, અસલ ઉત્તર, ચીમા પ્રદેશમાં ભારતીય અને પાકિસ્તાની સૈન્ય વચ્ચે જોરદાર લડાઈ થઈ હતી.

એ લડાઈમાં ડેક્કન હૉર્સ રેજિમેન્ટે સક્રિય રીતે ભાગ લીધો હતો અને એ રેજિમેન્ટના કમાંડિંગ ઑફિસર હતા લેફટેનન્ટ કમાન્ડર અરુણકુમાર વૈદ્ય.

પાકિસ્તાનની સેના પાસેની અમેરિકન બનાવટની પેટન ટૅન્કો આગ ઓકતી હતી, પણ એ ટૅન્કોનો વિનાશ કરીને ભારતીય સૈન્યએ નિર્ણાયક વિજય મેળવ્યો હતો.

એ યુદ્ધમાં અતુલનીય બહાદુરી પ્રદર્શિત કરવા બદલ હવાલદાર અબ્દુલ હમીદને સર્વોચ્ચ લશ્કરી સન્માન 'પરમવીર ચક્ર' મરણોત્તર અર્પણ કરવામાં આવ્યું હતું, જ્યારે લેફ્ટનન્ટ વૈદ્યને બીજા ક્રમનું સર્વોચ્ચ લશ્કરી સન્માન 'મહાવીર ચક્ર' આપવામાં આવ્યું હતું.

એ લડાઈમાં પાકિસ્તાનની અંદાજે 100 ટૅન્કોનો ખુરદો બોલાવી દેવાયો હતો અને 40થી વધુ ટૅન્કો ભારતીય સૈન્યએ પોતાના તાબામાં લીધી હતી.

એ યુદ્ધના છ વર્ષ બાદ ભારત અને પાકિસ્તાન ફરીવાર એકમેકની સાથે ટકરાયાં હતાં.

1971માં ધ્યાન મુખ્યત્વે પૂર્વ પાકિસ્તાન પર હતું, પરંતુ પશ્ચિમી સીમા સંપૂર્ણપણે શાંત ન હતી. જમ્મુની નજીક આવેલા શકરગઢ સેક્ટરના બસંતેર ખાતે ભારતીય અને પાકિસ્તાની સૈન્ય વચ્ચે ભીષણ યુદ્ધ થયું હતું.

એ લડાઈ પણ ટૅન્કો વડે લડવામાં આવી હતી. એ સમયે બ્રિગેડિયર પદે પહોંચી ગયેલા અરુણકુમાર વૈદ્ય તે યુદ્ધમાં પણ સક્રિય હતા.

પાકિસ્તાની સેનાના બૉમ્બમારામાંથી બચાવીને પોતાની ટૅન્કો આગળ વધારવાનું કામ તેમણે અત્યંત કુશળતાપૂર્વક કર્યું હતું.

સમગ્ર વિસ્તારમાં ટૅન્કોને તોડી પાડે તેવી સુરંગ લગાવવામાં આવી હતી, પણ એ સુરંગોને ચાતરીને અરુણકુમાર વૈદ્યે તે કામ કર્યું હતું.

એ લડાઈમાં પાકિસ્તાનની 62 ટૅન્કોનો ખાત્મો થયો હતો. એ કામગીરી માટે જનરલ વૈદ્યને બીજી વખત મહાવીર ચક્ર પ્રદાન કરવામાં આવ્યું હતું, જેને સૈન્યની પરિભાષામાં 'Bar to Mahavir Chakra' કહેવામાં આવે છે.

સૈન્યના વડા અને વિવાદ

વિવિધ જવાબદારીઓ સંભાળીને તથા પ્રમોશન મેળવીને જનરલ અરુણકુમાર વૈદ્ય ઑગસ્ટ-1983માં સૈન્યના વડા બન્યા હતા.

એ નિમણૂંક પણ વિવાદમાં વીંટળાઈ હતી.

ભારતીય સૈન્યના તત્કાલીન નાયબ વડા લેફ્ટનન્ટ જનરલ એસ. કે. સિન્હાની સીનિયોરિટીની અવગણના કરીને જનરલ વૈદ્યને બઢતી આપવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

લેફ્ટનન્ટ જનરલ સિન્હા પાસે લેફ્ટનન્ટ જનરલ વૈદ્ય જેટલો વાસ્તવિક લશ્કરી કાર્યવાહીનો અનુભવ નથી એવું કારણ રજૂ કરવામાં આવ્યું હતું.

કેટલાક લોકોનું અનુમાન એવું હતું કે કેટલાક કિસ્સામાં સિન્હાનું વલણ સરકારને ગમ્યું ન હતું તેથી તેમને રવાના કરવામાં આવ્યા હતા. અર્થાત જનરલ વૈદ્યના અનુભવ તથા તેમણે મેળવેલી સિદ્ધિ બાબતે શંકાનું કોઈ કારણ ન હતું.

પરેશન બ્લૂ સ્ટાર અને હિંસાચાર

પંજાબમાં ખાલિસ્તાનવાદીઓનું દબાણ સતત વધતું જતું હતું અને પરિસ્થિતિ અંકુશ બહાર જવાના ચિન્હો દેખાવા લાગ્યા ત્યારે ઈંદિરા ગાંધી સરકારે સૈન્યની મદદ લીધી હતી.

સુવર્ણમંદિરમાં લશ્કરી કાર્યવાહીનું નેતૃત્વ મેજર જનરલ બ્રારે સંભાળ્યું હતું, જ્યારે સમગ્ર ઑપરેશનની જવાબદારી મેજર જનરલ સુંદરજી(જે બાદમાં સૈન્યના વડા બન્યા હતા)એ સંભાળી હતી. એ વખતે જનરલ વૈદ્ય સૈન્યના વડા હતા.

ઑપરેશન બ્લૂ સ્ટારના અંત પછી ઈંદિરા ગાંધી સરકાર અને ભારતીય સૈન્ય વિરુદ્ધ રોષ ફાટી નીકળ્યો હતો. ભારતીય સૈન્યએ શીખો પર અત્યાચાર કર્યાની અફવા ફેલાઈ હતી.

દેશના અનેક ભાગોમાં હિંસાની ઘટનાઓ બની હતી. ઑપરેશન બ્લી સ્ટાર પછીના ચાર મહિનામાં ઈંદિરા ગાંધીની તેમના જ અંગરક્ષકોએ તેમના સત્તાવાર નિવાસસ્થાને હત્યા કરી હતી.

ભારતીય સૈન્યમાં વિવિધ પદો પર ફરજ બજાવતા 2,500થી વધુ શીખ સૈનિકોએ લશ્કરમાંથી રાજીનામાં આપી દીધાં હતાં.

'ઈન્ડિયા ટૂડે' સામયિકને 1985માં આપેલી મુલાકાતમાં જનરલ વૈદ્યે તે ઘટના બાબતે કહ્યું હતું કે "એ કિસ્સો રાષ્ટ્ર પ્રત્યે સર્વોચ્ચ નિષ્ઠાને બદલે પોતાની કોમ પ્રત્યે સર્વોચ્ચ નિષ્ઠા દાખવવાનો હતો. સૈન્યમાં શીખોના બાહુલ્યવાળા 75 યુનિટ્સ પૈકીનાં 8 યુનિટ્સમાં જ એવું બન્યું હતું એ ભૂલશો નહીં. જે યુનિટ્સમાં નેતૃત્વ કરતાં દુષ્પ્રચાર તથા ઉશ્કેરણી વધારે શક્તિશાળી બની ગયાં હતાં એ યુનિટ્સમાં આવું જોવા મળ્યું હતું."

ઑપરેશન બ્લૂ સ્ટાર સાથે સંકળાયેલા સૈન્યના મોખરાના અધિકારીઓને કટ્ટરતાવાદીઓ તરફથી વર્ષો સુધી ધમકી મળતી રહી હતી. જનરલ વૈદ્ય પણ તેમાંથી બાકાત ન હતા.

જનરલ વૈદ્યને ઘોડેસવારીનો શોખ હતો. તેઓ રેસ માટે દિલ્હીના રેસકોર્સ પર ઘણીવાર જતા હતા. સ્થાનિક વહીવટીતંત્રે તેમને એવું ન કરવાની સલાહ આપી હતી.

નિવૃત્તિ પછી જનરલ વૈદ્ય પર જીવનું જોખમ છે એ બાબતને ધ્યાનમાં લઈને તેમની સલામતી માટે એકમાત્ર પોલીસ હવાલદારની જોગવાઈ કરવામાં આવી હતી.

જનરલ વૈદ્યની હત્યા સમયે પૂણેના પોલીસ કમિશનર તરીકે કાર્યરત બી. જે. મિસારે 'ઈન્ડિયા ટૂડે' સામયિકને આપેલી મુલાકાતમાં કહ્યું હતું કે "ધમકીના ડર વિના જોખમનો સામનો કરવા હું તૈયાર છું, એવું જનરલ વૈદ્યએ મને કહ્યું હતું."

શીખ હત્યારાઓનું શું થયું?

જનરલ વૈદ્યના હત્યારાઓ પૈકીના એક સુખવિંદર સિંહ ઉર્ફે સુખાની ઘટનાના એક મહિના બાદ પૂણે પોલીસે પિંપરીમાંથી ધરપકડ કરી હતી. તેના સાથી જિંદાને દિલ્હીમાંથી પકડી પાડવામાં આવ્યો હતો.

પોતે જનરલ વૈદ્યની હત્યા કરી હોવાની કબૂલાત બન્નેએ કોર્ટમાં કરી હતી, પણ એ ગુનો હતો એવું માનવા એ તૈયાર ન હતા, કારણ કે તેમના મત મુજબ, સુવર્ણમંદિરમાંની લશ્કરી કાર્યવાહી શીખ ધર્મનું અપમાન હતી અને એ કાર્યવાહી કરનારને પાઠ ભણાવવો જરૂરી હતો. ખાલિસ્તાનના અનેક સમર્થકો પણ આવું જ માને છે અને તેઓ બન્ને હત્યારાનાં કૃત્યને વખાણે છે.

બન્ને હત્યારાઓને ફાંસીની સજા આપવામાં આવી હતી. એ બન્નેના જીવન વિશે 2015માં એક ફિલ્મનું નિર્માણ કરવામાં આવ્યું હતું. એ ફિલ્મ પર ભારતમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

જનરલ વૈદ્યએ તેમના જીવનનાં 40 વર્ષ સૈન્યમાં ફરજ બજાવી હતી. તેઓ ભારતીય સૈન્યના અનેક માન-અકરામ પામેલા અધિકારીઓ પૈકીના એક હતા.

તેમને પરમ વિશિષ્ઠ સેવા પદક, બે વખત મહાવીર ચક્ર અને અતિવિશિષ્ટ સેવા પદક જેવાં લશ્કરી પુરસ્કારો ઉપરાંત દેશનું બીજા ક્રમનું સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મવિભૂષણ પણ અર્પણ કરવામાં આવ્યું હતું.

1971ના યુદ્ધ પછી બીજી વખત મહાવીર ચક્ર અર્પણ કરવામાં આવ્યું ત્યારે અરુણકુમાર વૈદ્ય બ્રિગેડિયર હતા. તેમના સન્માનપત્રમાં આ શબ્દો લખવામાં આવ્યા હતાઃ "બ્રિગેડિયર વૈદ્યે દુશ્મન સામે લડતી વખતે ભારતીય સૈન્યની શ્રેષ્ઠ પરંપરાને અનુસરીને અપ્રતિમ બહાદૂરી, કૌશલ્ય, દ્રઢનિશ્ચય, દૂરંદેશી અને ચાતુર્યનું પ્રદર્શન કર્યું હતું."

ભારતીય ઈતિહાસમાં રાજકીય અને લશ્કરી પ્રવાહ એકમેકમાં ભળી ગયા હોય એવા કિસ્સાઓ જૂજ છે. આ કહાણી એકથી વધુ કિસ્સામાં મોખરે રહેલા એક સૈનિકની છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો