જલિયાંવાલા બાગ હત્યાકાંડ મામલે બ્રિટને માફી માગવી જોઈએ?

1919માં અમૃતસર શહેરમાં એક જાહેરસભા માટે એકત્ર થયેલા ભારતીયો પર ગોળીબાર કરીને બ્રિટિશ દળોએ સેંકડોને ઠાર કર્યા હતા. આ ઘટનાની ચર્ચા યુકેના ઉપલા ગૃહમાં (હાઉસ ઑફ લૉર્ડ્સ)માં થવાની છે.

આ બનાવ બદલ બ્રિટને માફી માગવી જોઈએ કે કેમ તેની પણ ચર્ચા થવાની છે, ત્યારે ઇતિહાસકાર કિમ વેનગર અભ્યાસના આધારે સત્ય તારવીને વિગતો રજૂ કરી રહ્યા છે.

13 એપ્રિલ, 1919ના રોજ સાર્જન્ટ ડબ્લ્યૂજે એન્ડરસને નજર સામે અમૃતસરના જલિયાંવાલા બાગમાં સેંકડો ભારતીય નાગરિકોની હત્યા થતાં જોઈ હતી.

એન્ડરસને જણાવ્યું હતું, "ગોળીબાર શરૂ થયો તે સાથે જ આખું ટોળું જમીન પર ઢળી પડ્યું હોય તેવું લાગ્યું. સફેદ વસ્ત્રોનો ફફડાટ મુખ્ય દરવાજા તરફ ભાગતો લાગ્યો અને કેટલાક લોકો ઊંચી દીવાલ ચડતાં દેખાતા હતા."

"ભાગ્યેજ કોઈ હલચલ થઈ રહી હતી. થોડી વારમાં દરવાજા પર ભારે ભીડ થઈ હતી. સૈનિકો તરફ કોઈ ધસી ગયા હોય તેવું મેં જોયું નહોતું."

એન્ડરસન બ્રિગેડિયર જનરલ આરએચ ડાયરના બોડીગાર્ડ હતા. મોટો બળવો થઈ રહ્યો છે એમ માનીને તેને ડામી દેવા ડાયર થોડા દિવસ પહેલાં જ અમૃતસર પહોંચ્યા હતા.

જોકે, બાગમાં એકઠા થયેલા 20,000 જેટલા લોકોમાંથી કોઈ સશસ્ત્ર બળવાખોરો નહોતા. તેમાં સ્થાનિકો અને આસપાસનાં ગામોના લોકો હતા.

તેઓ રાજકીય નેતાઓનાં ભાષણો સાંભળવા માટે આવ્યા હતા. કેટલાક માત્ર બગીચામાં ફરવા માટે જ આવ્યા હતા.

તે દિવસે વૈશાખી હતી. શીખોના ખાલસાપંચના સ્થાપનાદિવસ તરીકે વૈશાખી ઊજવાઈ રહી હતી. દર વર્ષે વૈશાખીના તહેવાર વખતે લાખો યાત્રાળુઓ અને મુલાકાતીઓ આ રીતે એકઠા થતા હતા.

જલિયાંવાલા બાગમાં એકઠી થયેલી મેદનીમાં હિંદુ, મુસ્લિમ અને શીખ બધા હતા. મોટા ભાગના પુરુષો અને યુવાનો હતા. કેટલાંક બાળકો પણ મોટેરા સાથે આવ્યાં હતાં. સ્ત્રીઓની સંખ્યા ઓછી હતી.

તમે આ વાંચ્યું કે નહીં?

જનરલ ડાયરે ગોળીબાર બંધ કરવાનો આદેશ આપ્યો ત્યાં સુધીમાં જલિયાંવાલા બાગમાં મૃતદેહોને ખડકલો થઈ ગયો હતો. 500થી 600નાં મોત થયાં હતાં. લગભગ ત્રણ ગણા લોકો ઘાયલ થયા હતા.

થોડા મહિના પછી સત્તાવાર મૃત્યુઆંક માત્ર 379નો જાહેર કરાયો હતો. જોકે સાચો મૃત્યુઆંક હજુ સુધી જાણવા મળ્યો નથી.

હાલના સમયમાં ચર્ચાના કેન્દ્રસ્થાને એક જ માગણી રહી છે કે આ ઘટના બદલ બ્રિટિશરોએ માફી માગવી જોઈએ. આવી માગણી કરનારા લોકોમાં લેખક શશી થરુર સહિત ભારતના રાજકીય અગ્રણીઓનો પણ સમાવેશ થાય છે.

જલિયાંવાલા બાગમાં ખરેખર શું થયું હતું તે આજ સુધી રહસ્ય રહ્યું છે. એક સદી પછી પણ હત્યાકાંડનું સત્ય ખોટી માહિતીને કારણે ઢંકાયેલું રહ્યું છે.

એક વર્ગ એવું માને છે કે જનરલ ડાયરે આખરી ઉપાય તરીકે જ ગોળીબારનો આદેશ આપ્યો હતો. ટોળાંને વીખેરાઈ જવાની ચેતવણી આપી હતી અને તેની અવગણના થયા પછી જ ગોળીબાર થયાનું ઘણા માને છે.

જોકે જનરલ ડાયરે પોતે જ સ્વીકાર્યું હતું કે તેમણે આવી કોઈ ચેતવણી આપી નહોતી.

એક વાત એવી પણ હતી કે હિંસા અટકાવવા માટે ગોળીબાર કરવો જરૂરી હતો. જોકે, આ વાત ગળે ઊતરે એવી નથી.

એ હકીકતને સિફતપૂર્વક ભૂલાવી દેવામાં આવે છે કે એપ્રિલ 1919 પછી ભારતમાં થયેલાં તોફાનો બ્રિટિશરોએ લીધેલાં પગલાંઓના પડઘા રૂપે હતાં.

જલિયાંવાલા બાગ ખાતે તૈયાર કરાયેલા સ્મારકમાં આજે પણ કેટલીક ખોટી માહિતી રહી ગઈ છે. ઘણી વિગતો સાથે એક જગ્યાએ બોર્ડ લગાવેલું છે કે શહીદોના કૂવા તરીકે જાણીતા બાગના કૂવામાંથી 120 મૃતદેહો મળ્યા હતા. એવું માનવામાં આવે છે કે ગોળીઓથી બચવા માટે ઘણા લોકો કૂવામાં કૂદી પડ્યા હતા.

જલિયાંવાલા બાગની ઘટનાને દર્શાવતી વખતે મશીનગનનો ઉપયોગ દેખાડાય છે. ઐતિહાસિક રેકર્ડ પ્રમાણે આ હત્યા કરનારા સૈનિક દળના 50 ગુરખા અને બલૂચી જવાનો પાસે રાઇફલો જ હતી.

જનરલ ડાયરે હત્યાકાંડના ઇરાદા સાથે જ લોકોને બાગમાં ફસાવી દીધા હતા તેવી કેટલીક વાતો પ્રચલિત છે. પણ તેના કોઈ પુરાવા નથી.

ભારતમાં ચાલી રહેલી હલચલ વિશે ખોટી આશંકાથી ઘેરાયેલા બ્રિટિશરોએ ગભરાઈને આ હત્યાકાંડ કર્યો હોય તેવી શક્યતા છે.

પ્રથમ વિશ્વયુદ્ધના અંતે ભારતના રાષ્ટ્રવાદીઓ રાજકીય સુધારા ઇચ્છતા હતા અને તેમને વધારે સ્વાયત્તતા આપવામાં આવે તેવી માગણીઓ કરી રહ્યા હતા.

પરંતુ બ્રિટિશરોના મનમાં હજીય 1857ની ઘટનાઓ ઘૂમતી હતી. 1857ના 'બળવા'ને આજે ભારતના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ તરીકે ઓળખવામાં આવે છે.

જલિયાંવાલા હત્યાકાંડને કારણે જ અમૃતસરમાં 10 એપ્રિલે તોફાનો થયાં અને પાંચ યુરોપિયન અને ડઝન જેટલા ભારતીયોનાં મોત થયાં.

આ ઘટના બાદ બ્રિટિશ સત્તાધીશોએ આકરાં પગલાં લેવાનું શરૂ કર્યું હતું. ત્રણ દિવસ પછી જનરલ ડાયર ત્યાં પહોંચ્યા અને તેમણે આ વિસ્તારને યુદ્ધગ્રસ્ત માની લેવાની ભૂલ કરી હતી.

જનરલ ડાયરને લાગ્યું કે આ કોઈ તોફાની હિંસક ટોળું છે. થોડા દિવસ પહેલાં જેણે અમૃતસરમાં ધમાલ કરી હતી એ જ લોકો એકઠા થયા છે એમ તેમણે ધારી લીધું હતું.

ડાયરે આ સ્થિતિને જોખમી ગણી લીધી અને ગભરાટમાં આવીને ગોળીબારનો આદેશ આપી દીધો હતો.

જોકે, આવા કોઈ ખુલાસા જનરલ ડાયરને બચાવી શકે તેમ નથી. ક્રૂર હત્યાકાંડની વાસ્તવિકતાને કોઈ ખુલાસા ભૂંસી ન શકે.

આ ઘટના બાદ માર્શલ લૉ લગાવીને ભારતીયોને અપમાનજનક સ્થિતિમાં મૂકીને જે અત્યાચારો કરાયા તેને પણ કોઈ રીતે વાજબી ઠેરવી ન શકાય.

જલિયાંવાલા બાગમાં ક્રૂરતાપૂર્વક થયેલા હત્યાકાંડનો બચાવ કોઈ પણ રીતે થઈ શકે નહીં.

માફી માગવામાં આવે કે શતાબ્દી મનાવવામાં આવે તે આજના યુગ સાથે નિસબત ધરાવે છે. તેને ભૂતકાળ સાથે કોઈ સંબંધ હોતો નથી.

બ્રેક્ઝિટ મામલે ફસાયેલી બ્રિટિશ સરકાર માફી માગે તેવું લાગતું નથી. તેમજ આ ઘટનાને સત્તાવાર રીતે હત્યાકાંડ નહીં પણ રાજકીય સાનુકૂળતાથી વધુ કંઈ ગણવામાં આવે તેવું પણ જણાતું નથી.

સવાલ એ પણ ઊભો રહે છે કે ભૂતકાળને યોગ્ય રીતે સમજ્યા વિના માત્ર માફી માગી લેવાથી ઘણા લોકોની ઇચ્છા અનુસાર એક વાતનો અંત આવશે ખરો?

(કિમ વેગનર લેખક છે. તેમણે જલિયાંવાલાની ઘટના પર પુસ્તક લખ્યું છે. અમૃતસર 1919: એન એમ્પાયર ઑફ ફિયર ઍન્ડ ધ મેકિંગ ઑફ અ મેસેકર (યેલ યુનિવર્સિટી પ્રેસ); જલિયાંવાલા બાગ: એન એમ્પાયર ઑફ ફિયર ઍન્ડ ધ મેકિંગ ઑફ ધ અમૃતસર મેસેકર (પેંગ્વિન ઇન્ડિયા)

આપને આ પણ વાંચવું ગમશે

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો