પાકિસ્તાનને ચાર ક્રિકેટ વર્લ્ડ કપમાં હરાવનારા ગુજરાતી અંધ ક્રિકેટરો ખેતી કરવા મજબૂર

    • લેેખક, હેમિંગ્ટન જેમ્સ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

"પાકિસ્તાને 2018ના વર્લ્ડ કપમાં ભારત વિરુદ્ધ 40 ઓવરમાં 308 રન કર્યા હતા. જવાબમાં ભારતે 30 ઑવરમાં જ 309 રન કરી પાકિસ્તાનને હરાવ્યું. એટલું જ નહીં છેલ્લા ચાર વર્લ્ડ કપની ફાઇનલ મૅચ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઈ હતી અને તે ચારેય મૅચ ભારતે જીતી હતી."

આ શબ્દો છે ભારતીય બ્લાઇન્ડ ક્રિકેટ ટીમના ખેલાડી મહેશ ઠક્કરના, જેઓ હાલમાં બીપીએ (બ્લાઇન્ડ પિપલ્સ ઍસોશિયેશન)માં શિક્ષક છે અને સ્કૉરરનું કામ કરે છે.

હાલની ભારતીય બ્લાઇન્ડ ક્રિકેટ ટીમમાં 14માંથી ચાર ખેલાડીઓ ગુજરાતના છે.

જોકે, સૌથી મોટી તકલીફ પણ આ જ ખેલાડીઓને પડી રહી છે. તેમને પોતાનું અસ્તિત્વ ટાકવી રાખવા સતત સંઘર્ષ કરવો પડી રહ્યો છે.

બીબીસી ગુજરાતી આવા જ બ્લાઇન્ડ ક્રિકેટ ખેલાડીઓ સાથે વાત કરી અને તેમનાં જીવનમાં ડોકિયું કરવાનો પ્રયાસ કર્યો.

ખેતી કરવા મજબૂર

જ્યારે સામાન્ય ભારતીય ક્રિકેટ ટીમ મૅચ રમતી હોય ત્યારે તેમનો ઉત્સાહ વધારવા માટે આખું સ્ટેડિયમ ખીચોખીચ ભરેલું હોય છે, પરંતુ જ્યારે આ ખેલાડીઓ રમે છે ત્યારે સ્ટેડિયમમાં ભાગ્યે જ કોઈ જોવા મળે છે.

ગુજરાતની બ્લાઇન્ડ ક્રિકેટ ટીમના 14 ખેલાડીઓ પૈકીના એક ખેલાડી એવા છે, જેઓ સરકારી નોકરી કરી છે, પરંતુ બાકીના ખેલાડીઓએ પોતાનું ગુજરાન ચલાવવા ખેતી, ડેરી ઉદ્યોગ કે પશુપાલન ઉદ્યોગ કરવો પડી રહ્યો છે.

ગુજરાતના દક્ષિણ છેડાએ આવેલા વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના ઘાડવી ગામમાં રહેતા ગણેશ ગામિત એક સરકારી શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવે છે.

ગામિતે બીબીસીને જણાવ્યું, "અમે ક્રિકેટ અમારા પૅશનના કારણે રમીએ છીએ, પણ શું તેનો મતલબ એવો થાય છે કે અમને પૈસાની જરૂર નથી? અમે પૈસા વગર ઘર કેવી રીતે ચલાવીએ?"

ગામિત દૃષ્ટિહીનની ત્રણ કૅટેગરી પૈકીની ત્રીજી એટલે કે B-3માં આવે છે.

ઉલ્લેખનીય છે કે સામાન્ય ખેલાડીઓને મહેનતાણા સિવાય જાહેરાતો મારફતે લાખો અને કરોડો રૂપિયા મળે છે.

પરંતુ આ બ્લાઇન્ડ ખેલાડીઓને રૂપિયા પણ ટુકડે-ટુકડે મળે છે. આવા અનેક ભેદભાવ હોવા છતાં આ ખેલાડીઓનો ઉત્સાહ ઓછો નથી થતો.

વિશ્વના શ્રેષ્ઠ ખેલાડી ગુજરાતી

કેતન પટેલ વલસાડના ધરમપુર ગામના વતની છે. 2014માં સાઉથ આફ્રિકામાં તેમને વિશ્વના શ્રેષ્ઠ ખેલાડીનો ખિતાબ પણ મળ્યો હતો.

આજે આ ખેલાડી ખેતી કરી ગુજરાન ચલાવવા મજબૂર બન્યા છે.

બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં તેમણે કહ્યું, "અમારી પાસે ખેતી અને પશુઓ જ આવકનું સાધન છે. તેના સિવાય અમારી પાસે કોઈ આવક નથી."

"અમે બીજાં રાજ્યોમાં રમવા જઈએ, ત્યારે જે રૂપિયા મળે છે તે ખૂબ ઓછા હોય છે."

"આ રૂપિયા અમે 14 ખેલાડીઓ વહેંચીએ, ત્યારે તે ખૂબ જ ઓછી રકમ થઈ જાય છે, જે લાંબો સમય ચાલતી નથી."

નવસારીના અન્ય એક ખેલાડી નરેશ ટુંબડા જેઓ આંતરરાષ્ટ્રીય મૅચો રમી ચૂક્યા છે તેમણે બીબીસીને જણાવ્યું, "અમારી પાસે અમારો પોતાનો બોરવેલ (પાણી મેળવવા માટેની ભૂગર્ભ વ્યવસ્થા) પણ નથી."

"ખેતી માટેના પાણી માટે પણ અમે બીજા લોકો પર આધારિત છીએ. સરકારે અમને મદદ કરવી જોઈએ. અમે અનેક રજૂઆતો કરી છે છતાં અમને સહાયના નામે કંઈ મળ્યું નથી."

તમે આ વાંચ્યું કે નહીં?

સરકારની ઉદાસીનતા

હિતેશ પટેલ વલસાડમાં રહે છે અને તેઓ 19 વર્ષની ઉંમરથી ક્રિકેટ રમે છે.

તેમણે પોતાની વ્યથા જણાવતા કહ્યું, "અન્ય રાજ્યના ખેલાડીઓને તેમની સરકાર દ્વારા સારા રૂપિયા મળે છે પણ અમને સરકાર દ્વારા ઉપેક્ષિત કરવામાં આવે છે."

"રૂપિયા તો દૂર રહ્યા જેમ સામાન્ય ખેલાડીઓને નોકરી મળતી હોય તેમ અમને પણ નોકરી આપવી જોઈએ."

અવાજમાં કઠોરતા અને નિરાશા સાથે તેમણે સવાલ કરતા પૂછ્યું, "શું અમે અંધ છીએ અને દેશને માટે સેવા કરી તે બદલ અમને આટલું પણ માન ના મળવું જોઈએ?"

ગુજરાતના સ્પોર્ટ્સ ઍન્ડ કલ્ચરલ કમિટી ફૉર બ્લાઇન્ડના ચેરમેન દામજી હટિયલએ બીબીસી ગુજરાતીને જણાવ્યું કે ગુજરાતની બ્લાઇન્ડ ક્રિકેટ ટીમ ભારતમાં અને આંતરરાષ્ટ્રીય સ્તરે શ્રેષ્ઠ છે પણ તેમના માટે કોઈ કંઈ કરતું નથી.

હટિયલ કહે છે, "અત્યારના સમયમાં જ્યારે સામાન્ય માણસને નોકરીનાં ફાંફાં પડતાં હોય, તો આ લોકો પોતાનું ગુજરાન કેવી રેતી ચલાવે?"

"તેમનો દેશ માટે ક્રિકેટ રમવામાંથી રસ ઊડી જાયે તે પહેલાં તેમને મદદ કરવા અંગે ગંભીરતાથી વિચારવું જોઈએ."

કોઈના દાન પર રાખવો પડે છે આધાર

ક્રિકેટ ઍસોશિયેશન ફૉર બ્લાઇન્ડ ઇન ગુજરાતના જનરલ સેક્રેટરી દિલીપ જોગારીએ જણાવ્યું કે 2018માં જ્યારે ભારતની બ્લાઇન્ડ ટીમ પાકિસ્તાનને હરાવીને પાછી આવી, ત્યારે તેમનું સ્વાગત ખૂબ જ બિનરસપ્રદ હતું.

જોગરી ઉમેરે છે, "તેમનું સ્વાગત જોઈને કોઈ પણ ક્રિકેટરને ગુસ્સો આવે, પરંતુ આ ખેલાડીઓને દૃષ્ટિ નથી એટલે તે લોકો જોઈ નથી શકતા, પણ અનુભવે તો ખરા ને?"

તેમણે કહ્યું, "સરકારને વારંવાર રજૂઆતો કરી ત્યારે થોડા સમય બાદ રમતગમત ખાતામાંથી એક પત્ર આવ્યો કે અમારે જે વસ્તુ જોઈતી હોય તેની યાદી સરકારને મોકલવી, પરંતુ આમાં સમજવું શું?"

દિલીપ જોગારીના જણાવ્યા પ્રમાણે 2017માં દરેક ખેલાડીને જુદાજુદા લોકો દ્વારા 12 લાખ રૂપિયા મળ્યા હતા.

તેમણે કહ્યું, "જેમાં કૉમેડિયન કપિલ શર્માએ દરેક ખેલાડીને 1 લાખ રૂપિયા આપ્યા હતા."

"વડા પ્રધાનના કાર્યાલયે દરેકને 2 લાખ રૂપિયા આપ્યા હતા અને કેટલાક રૂપિયા દિલ્હીના રમતગમત વિભાગ દ્વારા અપાયા હતા."

જોગારી કહે છે, "જ્યારથી આ ક્રિકેટરો બેંગલુરુમાં આવેલા એક નેશનલ ક્રિકેટ ઍસોસિયેશન સાથે જોડાયેલા છે, ક્રિકેટરોએ કેટલાક રૂપિયા આ સંગઠનને આપવા પડે છે. આ સંગઠન કેટલાંક આંતરરાષ્ટ્રીય સંગઠન સાથે જોડાયેલું છે."

"કોઈ એવી ચોક્કસ નિર્ધારિત રકમ નથી જે આ ક્રિકેટરોને મળતી હોય."

જોગારાની જણાવ્યા પ્રમાણે, "2017નો વર્લ્ડ કપ સરદાર પટેલ સ્ટેડિયમમાં યોજાયો હતો. ત્યારે પર્યટન વિભાગે ઍસોસિયેશનને 5 લાખ રૂપિયા દાનમાં આપ્યા હતા."

જોગારી કહે છે કે અત્યારસુધી ગુજરાત સરકાર તરફથી કોઈ મદદ મળી નથી. રમણલાલ પાટકર ક્રિકેટરોને મદદ કરે છે.

રમણલાલ પાટકર વલસાડના ધારાસભ્ય છે અને વિજય રૂપાણીની સરકારમાં વન અને આદિજાતી વિકાસના રાજ્યકક્ષાના મંત્રી છે.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં તેમણે કહ્યું, "કેટલાંક વર્ષો પહેલાં એક કાર્યક્રમમાં મેં આ બ્લાઇન્ડ ક્રિકેટરોનું સન્માન કર્યું હતું."

"એ સમયે તેમણે મને પોતાની મુશ્કેલીઓ વિશે જણાવ્યું હતું, તેમણે મને કહ્યું હતું કે અમારી પાસે ક્યારેક બસભાડાના પૈસા પણ હોતા નથી."

"જેથી મેં તેમને વ્યક્તિગત રીતે મદદ કરી હતી, સરકારના પ્રતિનિધિ તરીકે નહીં."

બ્લાઇન્ડ ક્રિકેટમાં ગુજરાતનો ફાળો

દામજીભાઈના જણાવ્યા અનુસાર ભારતમાં બ્લાઇન્ડ ક્રિકેટ શરૂ કરવાનો શ્રેય ગુજરાતની ટીમને જાય છે.

1998માં પ્રથમ મેચ દિલ્હી ખાતે રમાઈ હતી, જેમાં પાકિસ્તાન અને દક્ષિણ આફ્રિકા ફાઇનલમાં આવ્યા હતા. એ સમયે ભારત ફર્સ્ટ રનર-અપ રહ્યું હતું.

દામજીભાઈ ઉમેરે છે, "ગુજરાતમાં 1981-82માં રાજુ નામની કંપની દ્વારા પ્લાસ્ટિકનો મોટો બૉલ બનાવવામાં આવતો હતો જેમાં કાણું પાડી છરા ભરવામાં આવતા અને પછી તેનાથી ક્રિકેટ રમતા હતા."

"ત્યારબાદ ધીરે-ધીરે પતરાનાં નાનાં બોક્ષને વાળીને તેમાં છરા ભરવામાં આવતા અને તેને કપડાંથી બાંધી રબર બૅન્ડ લગાવવામાં આવતું અને ત્યારબાદ મૅચ રમાતી."

"થોડા સમય બાદ દહેરાદૂનમાં આવેલી એનઆઈવીએચ (નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફૉર વિઝ્યુઅલી બ્લાઇન્ડ) સંસ્થા દ્વારા પ્લાસ્ટિકના બૉલ બનાવવામાં આવ્યા અને તે હવે તેનાથી રમવામાં આવે છે."

"જોકે, કેટલીક વખત બૉલ પાકિસ્તાનથી પણ લાવવામાં આવે છે."

કેવી રીતે રમાય છે બ્લાઇન્ડ ક્રિકેટ?

બ્લાઇન્ડ ક્રિકેટરોને કૅટેગરી પ્રમાણે લેવામાં આવે છે. આ કૅટેગરી B-1, B-2 અને B-3 એમ હોય છે.

B-1 કૅટેગરીના ખેલાડીને સહેજ પણ દેખાતું હોતું નથી.

B-2ને 3 મીટર જેટલું દેખાય છે જ્યારે B-3 કૅટેગરીના ખેલાડીઓને 60 ટકા દેખાતું હોય છે.

40 ઑવરની મૅચ હોય કે ટી-20 મૅચ 4 ઓવર B-1 કૅટેગરીના ખેલાડીઓ પાસે નખાવવી ફરજિયાત છે.

મૅચમાં બાઉન્ડરી પર B-3 કૅટેગરીના ખેલાડીઓને રાખવામાં આવે છે.

આમાં સૌથી રસપ્રદ વાત એ છે કે જ્યારે B-1 કૅટેગરીના ખેલાડી રન બનાવે, ત્યારે તેમણે જેટલા રન બનાવ્યા હોય તેના કરતાં બમણા રન ગણવામાં આવે છે.

બ્લાઇન્ડ ક્રિકટેમાં સફેદ બૉલ વપરાય છે જેની અંદર બેરિંગના છરા નાખવામાં આવે છે, જેથી તેને સાંભળીને પકડી શકાય.

સામાન્ય ક્રિકેટની જેમ અહીંયા બૉલને થ્રો નથી કરાતો, પરંતુ તેને નીચે ગગડાવવામાં આવે છે.

બૅટ સામાન્ય જ હોય છે પણ સ્ટમ્પ લોખંડની હોય છે જે એકબીજા સાથે જોડાયેલી હોય છે, જેથી સ્ટમ્પને બૉલ વાગે એટલે ત્રણેય પડી જાય.

જો રાજ્ય સ્તરે વાત કરવામાં આવે તો ગુજરાતની બ્લાઇન્ડ ક્રિકેટ ટીમના 14 ખેલાડીઓ પૈકીના 12 ખેલાડીઓ નવસારી અને વલસાડના છે.

બાકીના બે ખેલાડી બનાસકાંઠાના છે.

મોટાભાગના ખેલાડીઓ વલસાડના હોવાનું કારણ એ પણ છે કે કપરાડા તાલુકાના નાનાપોંડા ગામમાં એક ગ્રાઉન્ડ છે. જે આ અંધ ખેલાડીઓ માટે ખાસ તૈયાર કરવામાં આવ્યું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો