You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
લોકસભા ચૂંટણી 2019 : પ્રિયંકા ગાંધીના લખનઉમાં યોજાયેલા રોડ શોની 'બોગસ તસવીર'નું સત્ય
- લેેખક, ફૅક્ટ ચેક ટીમ
- પદ, બીબીસી ન્યૂઝ
કૉંગ્રેસ પાર્ટીની રેલીની એક જૂની તસવીર સોશિયલ મીડિયા પર લખનૌમાં થયેલા રાહુલ અને પ્રિયંકા ગાંધીનાં રોડ શૉની બતાવીને શૅર કરવામાં આવી રહી છે.
આ તસવીરમાં લોકોનો જમાવડો જોવા મળે છે અને એ ભીડમાં કેટલાક લોકોએ કૉંગ્રેસનાં ઝંડા પકડીને રાખ્યા છે.
કૉંગ્રેસનાં પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીએ પણ આ તસવીર સોમવારના રોજ થયેલા રોડ શો દરમિયાન ટ્વીટ કરી હતી, ત્યારબાદ તેમણે તે તસવીરને પોતાના ટ્વિર એકાઉન્ટ પરથી હટાવી દીધી હતી.
સોમવારની સાંજે પોતાની ભૂલ સુધારતાં પ્રિયંકા ચતુર્વેદીએ લખનૌ રોડ શોની કેટલીક અન્ય તસવીરો ટ્વીટ કરી હતી.
ત્યારબાદ કૉંગ્રેસ સાથે જોડાયેલાં કેટલાક ઔપચારિક સોશિયલ મીડિયા પેજ પરથી આ તસવીર હટાવી દેવાઈ હતી.
પરંતુ ભારતીય યૂથ કૉંગ્રેસના અધ્યક્ષ કેશવ ચંદ યાદવ અને ઉત્તર પ્રદેશ મહિલા કૉંગ્રેસના ટ્વિટર એકાઉન્ટ પરથી પણ આ તસવીર હટાવી દેવાઈ છે.
સોમવારના રોજ લખનૌમાં કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાનાં બહેન પ્રિયંકા ગાંધી સાથે તેમનાં ઔપચારિક રૂપે રાજકારણમાં જોડાયાં બાદ પહેલો રોડ શૉ કર્યો હતો.
આ રોડ શોમાં કૉંગ્રેસના ઘણા મોટા નેતા અને પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં કૉંગ્રેસની વ્યૂહરચના જોઈ રહેલા જ્યોતિરાદિત્ય સિંધિયા પણ સામેલ થયા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
લખનઉમાં બીબીસી સહયોગી સમીરાત્મજ મિશ્રના જણાવ્યા અનુસાર, લખનૌ ઍરપૉર્ટથી કૉંગ્રેસ મુખ્યાલય સુધીનું 15 કિલોમીટરનું અંતર રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ જોશીલા કાર્યકર્તાઓ અને તેમના નારાઓ વચ્ચે આશરે પાંચ કલાકમાં કાપ્યું હતું.
તમે આ વાંચ્યું કે નહીં?
જૂની તસવીરની હકીકત
જે જૂની વાઇરલ તસવીરને કૉંગ્રેસ સમર્થક પાર્ટીની લોકપ્રિયતા દર્શાવવા માટે અને ભાજપ સમર્થક કૉંગ્રેસ નેતાઓની ભૂલ દર્શાવવા માટે શૅર કરી રહ્યા છે. તે તસવીર પાંચમી ડિસેમ્બર 2018ની છે.
આ તસવીરને પૂર્વ ક્રિકેટર અને કૉંગ્રેસ નેતા મોહમ્મદ અઝહરુદ્દીને ટ્વીટ કરી હતી અને લખ્યું હતું:
"પોતાના ગૃહ રાજ્ય તેલંગાણામાં ચૂંટણી પ્રચાર માટે આવવું હંમેશાં ખાસ હોય છે. લોકોનો ઉત્સાહ અને સ્નેહ જબરદસ્ત છે."
કૉંગ્રેસ નેતા અઝહરુદ્દીન તેલંગાણાની મેડક લોકસભા સીટ હેઠળ આવતા ગજવેલ વિધાનસભા ક્ષેત્રમાં કૉંગ્રેસ ઉમેદવાર પ્રતાપ રેડ્ડીના પ્રચાર માટે પહોંચ્યા હતા.
ગજવેલ વિધાનસભા ક્ષેત્ર તેલંગાણાના પહેલા મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવની સીટ છે અને આ સીટ પર કેસીઆરને હરાવવા માટે 2018ની વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસે પૂરતું જોર લગાવી દીધું હતું.
પરંતુ ફેસબુક પર ટીમ રાહુલ ગાંધી અને કૉંગ્રેસ લાવો, દેશ બચાવો જેવા કૉંગ્રેસ સમર્થક ગ્રૂપ્સમાં આ તસવીર ફરી વખત શૅર કરવામાં આવી છે અને તેને લખનૌના રોડ શો સાથે જોડી દેવાઈ છે.
ટ્વિટર પર પણ ઘણા લોકોએ આ જૂની તસવીરને ઉત્તર પ્રદેશમાં ગાંધી પરિવારની લોકપ્રિયતા સાથે જોડતા તેને પોસ્ટ કરી છે.
કૉંગ્રેસની મજાક
ભાજપ સાંસદ કિરણ ખેરે પણ આ વાઇરલ તસવીર ટ્વીટ કરી છે અને કૉંગ્રેસ પાર્ટીના નેતાઓની મજાક ઉડાવી છે.
તેમણે લખ્યું, "એવું જાણવા મળ્યું છે કે લખનઉમાં પ્રિયંકા ગાંધીનાં સ્વાગતમાં કથિત રૂપે આવેલી ભીડને દેખાડવા માટે કૉંગ્રેસે એક તસવીર ટ્વીટ કરી હતી."
"જેને થોડી વાર બાદ હટાવી દેવાઈ હતી, કેમ કે લોકોએ તેમને જણાવ્યું કે દિવાલો પર જે પોસ્ટર લાગેલા છે, તે તેલુગુમાં છે. જો આ વાત સાચી છે તો તે હાસ્યપ્રદ છે."
સોશિયલ મીડિયા પર દક્ષિણપંથી વલણ ધરાવતા ગ્રૂપ્સમાં પણ હવે આ તસવીર શૅર કરવામાં આવી રહી છે. લોકોએ લખ્યું છે કે કૉંગ્રેસની ચોરી પકડાઈ ગઈ. રોડ પર ભીડ બતાવવા માટે પાર્ટીએ જૂની તસવીરનો ઉપયોગ કર્યો છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો