You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સીબીઆઈના નાગેશ્વર રાવ કોર્ટની અવમાનના મામલે દોષિત, એક લાખ દંડ
સીબીઆઈના વચગાળાના ડાયરેક્ટર નાગેશ્વર રાવે માગેલી માફીને અવગણી સુપ્રીમ કોર્ટે તેમને અદાલતના તિરસ્કારના કેસમાં દોષિત જાહેર કર્યા હતાં.
સુપ્રીમ કોર્ટે કોર્ટનું કામકાજ ચાલે ત્યાં સુધી ખૂણામાં બેસી રહેવાનો તેમજ અઠવાડિયામાં એક લાખ રુપિયા દંડ ભરવાનો આદેશ કર્યો હતો.
મંગળવારે ચીફ જસ્ટિસ નાગેશ્વર રાવ પર વરસી પડ્યા હતા. તેમણે કહ્યું કે નાગેશ્વર રાવને એ ખબર હોવી જોઇએ કે આ કેસમાં એ. કે. શર્માને હટાવી દેવાથી શું થશે. ચીફ જસ્ટિસે કહ્યું કે એક તરફ તેઓ સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું કરે છે અને બીજી તરફ શર્માનો રિલીવિંગ ઓર્ડર સહી કરે છે. જો ઓર્ડર એક દિવસ મોડો સહી કર્યો હોત તો આકાશ તૂટી પડત?
અગાઉ સુપ્રીમ કોર્ટમાં રજૂ થતાં અગાઉ સીબીઆઈના વચગાળાના વડા તરીકે કામગીરી કરનારા નાગેશ્વર રાવે સોંગદનામુ રજૂ કરી અદાલતના આદેશના તિરસ્કાર બદલ માફી માગી હતી.
અગાઉ સીબીઆઈના વચગાળાના વડા નિમાયેલા નાગેશ્વર રાવે બિહારના મુઝ્ફ્ફરપુર શૅલ્ટર હોમ કેસમાં તપાસ અધિકારીઓની બદલી કરતાં સુપ્રીમ કોર્ટે અદાલતના આદેશના તિરસ્કારનો મામલો દાખલ કર્યો હતો.
નાગેશ્વર રાવે કરેલી બદલીઓને ગંભીરતાથી લઈ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે હવે તમને ભગવાન જ બચાવી શકે છે.
નાગેશ્વર રાવે મુઝ્ફ્ફરપુર શૅલ્ટર હોમમાં બાળકીઓ પર થચેલા બળાત્કારના કેસમાં તપાસ અધિકારી સીબીઆઈના જૉઇન્ટ ડાયરેક્ટર એ. કે. શર્માની બદલી કરી હતી.
ભૂપેન હજારિકાના પુત્રએ ભારત રત્ન પરત કરવાની ચીમકી આપી
આસામમાં ચાલી રહેલો નાગરિકત્વ બિલનો વિવાદ ઘેરો બન્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વિખ્યાત ગાયક ભૂપેન હજારિકાના પુત્ર તેજ હજારિકાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હાલમાં જ ભૂપેન હજારિકાને જાહેર કરેલું ભારત રત્નનું સન્માન પરત આપી દેવાની ચીમકી આપી છે.
ઉલ્લેખનીય છે કે નાગરિકત્વ બિલ મુજબ અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનના હિંદુ, શીખ, બોદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી ધર્મ પાળનારા લઘુમતી સમુદાયના લોકોને 12 વર્ષને બદલે 7 વર્ષ ભારતમાં રહેવા પર દેશનું નાગરિકત્વ મળી શકે છે.
તેજ હજારિકા હાલ અમેરિકામાં રહે છે. તેમણે કહ્યું કે આ બિલ મારા પિતાનો દરજ્જો ઘટાડે છે અને એમનાં મૂલ્યોની વિરુદ્ધ છે.
પ્રિયંકાનો રોડ શો અને રૉબર્ટ વાડ્રાની ઇડી તપાસ
કૉંગ્રેસના મહા સચિવ બનેલા પ્રિયંકા ગાંધી વાડ્રાએ પૂર્વ ઉત્તર પ્રદેશની કમાન સંભાળી લીધી છે. ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં લાંબા રોડ શોથી પ્રિયંકા ગાંધીએ લોકસભાની ચૂંટણીના પ્રચારની શરુઆત કરી હતી.
પ્રિયંકાની સાથે પ્રમુખ રાહુલ ગાંધી અને ઉત્તર પ્રદેશના અન્ય ઇન્ચાર્જ જ્યોતિરાદિત્ય સિંધિયાએ પણ રોડ શોમાં હાજરી આપી હતી.
આ રોડ શોને પગલે કૉંગ્રેસના કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો જો કે રોડ શો દરમિયાન પ્રિયંકાએ ભાષણ કર્યું નહોતું.
એક તરફ પ્રિયંકા ગાંધીએ રોડ શોમાં હાજરી આપી છે ત્યારે તેમના પતિ રોબર્ટ વાડ્રા સતત ચોથા દિવસે આજે ઈડીની તપાસમાં છે.
આજે બિકાનેરમાં ઇન્ફોર્સમેન્ટ ડિરેક્ટર સામે રજૂ થશે. રોબર્ટ વાડ્રાની સાથે એમનાં માતા પણ ગઈકાલે જયપુર પહોંચ્યાં હતાં.
પ્રિયંકા ગાંધી પર ઉત્તર પ્રદેશમાં રોડ શો કર્યા બાદ જયપુર જવા રવાના થઈ ગયાં હતાં.
ઉલ્લેખનીય છે કે છેલ્લા ત્રણ દિવસથી દેશ અને વિદેશમાં સંપત્તિ મામલે રૉબર્ટ વાડ્રાની ઈડી દ્વારા તપાસ થઈ રહી છે.
અમેરિકામાં શટ ડાઉનની સંભાવના ઉકેલવા કવાયત
અમેરિકામાં ફરી એક વાર શટ ડાઉનની શકયતાઓ તોળાઈ રહી છે ત્યારે તેનું નિવારણ લાવવા માટે ફરી એક વાર રિપબ્લિકન અને ડેમોક્રેટ નેતાઓ વચ્ચે બેઠક યોજાઈ રહી છે.
બેઉ પક્ષો પ્રેસિડેન્ટ ટ્રમ્પની અમેરિકા-મેકિસકો સરહદે દીવાલ બનાવવાની યોજનાને લઈને ઉભા થયેલા રાજકીય સંક્ટ બાબતે વાતચીત કરશે.
રાષ્ટ્રપતિ ટ્રમ્પે વાતચીત માટે ટેક્સાસ રવાના થતાં અગાઉ કહ્યું કે હવે આ જવાબદારી ડેમોક્રેક્ટસની છે કે તેઓ સમજૂતી માન્ય રાખે છે કે દેશમાં ફરી શટડાઉન ઇચ્છે છે.
રશિયા ગ્લૉબલ ઇન્ટરનેટ બંધ કરશે
રશિયા પોતાની સાઇબર ડિફેન્સ સિસ્ટમની ચકાસણી માટે વૈશ્વિક ઇન્ટરનેટથી ડિસ્કનેક્ટ થવાની તૈયારી કરી રહ્યું છે.
વૈશ્વિક ઇન્ટરનેટને બંધ કરવાનો મતલબ છે કે રશિયાના નાગરિકો અને સંસ્થાઓ વચ્ચે જે ડિજિટલ ડેટા પસાર થઈ રહ્યો છે તે દેશની બહાર નહીં જાય.
ગત વર્ષે આ અંગે સંસદમાં ડિજિટલ ઇકોનોમી નેશનલ પ્રોગ્રામ નામનો કાયદો પસાર કરવામાં આવ્યો હતો.
આ પરીક્ષણ 1 એપ્રિલ અગાઉ થવાનું છે પરંતુ હજી તેની ચોક્કસ તારીખ જાહેર થઈ નથી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો