You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બાબરથી પ્રભાવિત કર્નલ કિરોડીસિંહ બૈંસલા ભાજપમાં જોડાયા
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
બુધવારે રાજસ્થાનમાં ગુર્જર આંદોલનના પ્રણેતા કર્નલ કિરોડીસિંહ બૈંસલા તેમના પુત્ર વિજય સાથે ભાજપમાં જોડાયા છે.
બૈસલાના કહેવા પ્રમાણે, તેમને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિશ્વાસ છે એટલે તેઓ ભાજપમાં જોડાયા છે.
રાજસ્થાનની ગત વિધાનસભા ચૂંટણીમાં ભાજપના હાથમાંથી સત્તા સરકી ગઈ હતી. આથી બૈંસલાના આગમનથી ગુર્જર મતોને પ્રભાવિત કરવામાં ભાજપને સફળતા મળશે.
2006થી ગુર્જર સમાજ શૈક્ષણિક સંસ્થાનોમાં અને નોકરીઓમાં ગુર્જર સમાજ માટે પાંચ ટકા અનામતની માગ કરી રહ્યો છે. આ આંદોલનનું નેતૃત્વ કર્નલ કિરોડીસિંહ બૈંસલાએ લીધું હતું.
કોણ છે કર્નલ કિરોડીસિંહ?
ગુર્જર નેતા કર્નલ કિરોડીસિંહ બૈંસલા પોતાના સમાજ માટે વિરોધ કરવા નીકળે છે ત્યારે ટ્રેનો પણ થંભી જાય છે.
બૈંસલા રાજસ્થાનમાં આવતી-જતી સરકારો માટે એક એવો કોયડો બની ગયા છે કે તેને ન તો સરકાર ઉકેલી શકે છે કે ન તો તેને નજરઅંદાજ કરી શકે છે.
ખુદ કિરોડીસિંહ બૈંસલા પોતે મુગલ શાસક બાબરથી પ્રભાવિત છે અને અબ્રાહમ લિંકનને પોતાના આદર્શ માને છે.
બૈંસલા ફરી રાજસ્થાનમાં પોતાના લોકો સાથે રસ્તા પર ઊતર્યા છે અને આ વખતે ફરી તેમની સામે અશોક ગેહલોતની સરકાર છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ વિશે વધુ વાંચો
નાનપણમાં જ લગ્ન
છેલ્લે બૈંસલાએ ગુર્જર સહિત ગાડિયા લુહાર, વણઝારા, રાયકા-રબારી અને ગડરિયા જાતિઓ માટે પાંચ ટકા અનામતની માગ સાથે આંદોલન કર્યું હતું.
એ પહેલાં પણ અનેક વખત રાજસ્થાનમાં આ આંદોલન હિંસક બન્યું હતું અને અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા.
ગુર્જરોના આંદોલનને કારણે રેલવ્યવહાર સૌથી વધારે પ્રભાવિત થયો હતો.
માથા પર ઘેરા લાલ રંગની પાઘડી, પહેરણ અને ગવઈ ધોતી પહેરતા બૈંસલા અંગ્રેજી પત્રકારો સાથે અંગ્રેજી અને હિંદી પત્રકારો સાથે હિંદીમાં વાતચીત કરે છે.
જ્યારે પોતાના લોકો કે સમર્થકો સાથે વાત કરે ત્યારે તે તેમની બોલીમાં બોલે છે.
બૈંસલા જણાવે છે કે એક વિચારકના રૂપમાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ અને ગુલામીપ્રથા નાબૂદ કરનારા અબ્રાહમ લિંકનથી તેઓ પ્રભાવિત છે.
બૈંસલા બાળપણમાં જ લગ્નના તાંતણે બંધાયા હતા.
પાકિસ્તાન-ચીન સામેનાં યુદ્ધો લડ્યાં
જોકે, લગ્નના ભારણમાં રહ્યા વિના પોતાની તાલીમ માટે તેમનો દૃઢસંકલ્પ હતો.
ભણી-ગણીને તેઓ પહેલાં શિક્ષક બન્યા અને પછી પોતાના પિતાની જેમ ફોજી બની ગયા.
ભારતીય સેનામાં જોડાયા બાદ બૈંસલા ચીન સામે થયેલા 1962ના યુદ્ધમાં લડ્યા હતા.
જે બાદ પાકિસ્તાન સામે થયેલા 1965ના યુદ્ધમાં પણ તેઓ યુદ્ધના મેદાનમાં લડ્યા હતા.
પોતાની બહાદુરીને કારણે લડતાંલડતાં તેઓ સિપાહીમાંથી કર્નલના હોદ્દા સુધી પહોંચ્યા હતા.
સેનામાં તેમની સાથે રહેલા જવાનો તેમને 'રૉક ઑફ જિબ્રાલ્ટર' કહીને બોલાવતા હતા.
પહેલાં દેશ માટે લડેલા બૈંસલા હવે દેશ સામે અનામતની લડાઈ લડી રહ્યા છે.
તેમના બે પુત્રો પણ આર્મીમાં છે. એક પુત્ર પ્રાઇવેટ ક્ષેત્રમાં કાર્યરત છે અને એક પુત્રી ભારતીય સેવામાં અધિકારી છે.
અનામત માટે આંદોલનની વાટ
બૈંસલા રાજનીતિના પાકા ખેલાડી જેવા ભલે દેખાતા હોય, પરંતુ તેઓ પહેલી વખત સાર્વજનિક મંચ પર ગુર્જરોના યુદ્ધને લગતા નૃત્યની પ્રસ્તુતિ માટે સમાજને એકઠો કર્યો હતો.
3 સપ્ટેમ્બર, 2006ના દિવસે બૈંસલા અને તેમના સમર્થકોએ કરોલીના હિણ્ડોન વિસ્તારમાં દિલ્હી-મુંબઈ રેલમાર્ગને પહેલી વાર જામ કર્યો ફરી ચર્ચામાં આવ્યા હતા.
આ આંદોલન ત્યારથી કોઈના કોઈ રૂપમાં ચાલી જ રહ્યું છે, જેમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે.
બૈંસલાએ રાજસ્થાનમાં કૉંગ્રેસ અને ભાજપ બંને સરકારો સામે આંદોલનો કર્યાં છે.
વારંવાર રેલવે અને રસ્તાઓ રોકવાને કારણે બૈંસલાની અનેક વખત ટીકા પણ થઈ છે.
રાજસ્થાનમાં રાજકીય રીતે પ્રભાવશાળી જાટ મહાસભાએ એક વખત તેમના પર ગુર્જર સમાજને જ ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો હતો.
આંદોલનમાં સામાન્ય લોકો પ્રભાવિત થવાના કારણે કોર્ટે પણ એક વખત બૈંસલા પાસેથી સફાઈ માગી હતી.
સરકારે અનામત આપી, કોર્ટે રદ કરી
2015 અને 2017માં સરકારે ગુર્જરોને અનામત આપવાના પ્રયત્નો કર્યા હતા. જોકે, બંને વખતે કોર્ટે સરકારના આ નિર્ણયને રદ કરી દીધો હતો.
2015માં ગુર્જરોને વસુંધરા રાજેની ભાજપ સરકારે રાજસ્થાન સ્પેશિયલ બૅકવર્ડ ક્લાસિસ ઍક્ટ, 2015 અંતર્ગત 5 ટકા અનામત આપી હતી.
જે કોર્ટે રાજસ્થાનમાં 50 ટકાથી વધુ અનામત થતી હોવાનું ઠેરવી તેને રદ કરી દીધી હતી.
બાદમાં વસુંધરા રાજે ફરી 2017-18માં ગુર્જરોને અનામત આપવા માટે વિધાનસભામાં બિલ લાવ્યાં હતાં.
એ બિલમાં ઓબીસીની 21 ટકા અનામતને વધારીને 26 ટકા કરી દેવામાં આવી હતી.
જેમાં ગુર્જરોને અતિપછાત ગણાવીને પાંચ ટકા વધારાની અનામત આપવામાં આવી હતી.
આ અનામત પણ કોર્ટમાં ટકી ન હતી, કારણ કે તે નક્કી કરેલી 50 ટકાથી વધી જતી હતી.
ફેબ્રુઆરી 2019માં રાજસ્થાનની ગેહલોત સરકારે ગુર્જરો માટે પાંચ ટકા અનામતની જોગવાઈ કરતું બિલ પસાર કર્યું હતું.
(રાજસ્થાનથી નારાયણ બારેઠના ઇન્પુટ સાથે)
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો