એક સમયે અનામતનો વિરોધ કરનારા સવર્ણો, હવે કેમ અનામત માગે છે?

    • લેેખક, દિપલકુમાર શાહ
    • પદ, બીબીસી ગુજરાતી

ગુજરાતમાં હવે પાટીદારો બાદ બ્રાહ્મણ અને રાજપૂત સમાજ પણ અનામતની માંગણી માટે વધુ સક્રિય થયો છે. બન્ને સમાજે ઓબીસી પંચને તેમનાં સરવે કરવા માટે રજૂઆત કરી છે.

અત્રે નોંધવું રહ્યું કે મહારાષ્ટ્ર સરકારે મહારાષ્ટ્રમાં મરાઠા સમુદાયને 16 ટકા અનામત ક્વોટા આપતું બિલ પસાર કર્યા બાદ ગુજરાતમાં પણ આ બાબતની અસર વર્તાઈ રહી છે.

છેલ્લા લાંબા સમયથી અનામત માંગી રહેલા પાટીદાર સમાજે સવાલ ઉઠાવ્યો છે કે જો મરાઠા સમુદાયને અનામત મળી શકે તો પાટીદારોને કેમ નહીં?

આ મામલે પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)ની ટીમ ઓબીસી પંચને મળી હતી અને સરવે માટે રજૂઆત કરી હતી.

જોકે, આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન ગુજરાતના બ્રહ્મ સમાજ અને રાજપૂત સમાજે પણ ઓબીસી પંચ સમક્ષ સરવે કરાવવાની માગણી કરી છે.

રાજપૂત સમાજ અનામત કેમ માંગે છે?

આમ હવે ગુજરાતમાં બે નવા સમાજે પણ અનામત માટે સક્રિય વલણ દાખવ્યું છે. પરંતુ સવાલ એ છે કે ગુજરાતના આ સમાજ અનામત કેમ માંગી રહ્યા છે?

રાજપૂત સમાજની માંગણી વિશે જણાવતા ગાંધીનગર રાજપૂત સમાજના અગ્રણી રાજનસિંહ ચાવડાએ બીબીસીને જણાવ્યું કે તેઓ 29 તારીખે પ્રતિનિધિમંડળ સાથે ગાંધીનગર ખાતે ઓબીસી પંચનાં અધ્યક્ષ સુજ્ઞાબહેન ભટ્ટને મળ્યા હતા અને સરવે માટે રજૂઆત કરી હતી.

તેમણે જણાવ્યું, "રાજ્યમાં અમારી અંદાજિત વસતિ 48 લાખ છે અને ગ્રામ્ય વિસ્તારમાં 70-80 ટકા વસ્તી આર્થિક-શૈક્ષણિક રીતે પછાત છે."

"ગુજરાતની વસતિમાં અમારું પ્રમાણ 8 ટકા છે અને અમે ખાસ કરીને શિક્ષણમાં અનામત માગી રહ્યા છીએ."

"છેલ્લાં કેટલાય વર્ષોથી માગણી કરી રહ્યા છીએ પણ અનામત નથી મળી. આથી ઓબીસી પંચ દ્વારા સરવે કરાવવા માગીએ છીએ."

તેમણે વધુમાં ઉમેર્યું, "અમે પચાસ ટકાના ક્વૉટામાંથી અનામત નથી માગી રહ્યા પરંતુ મરાઠાઓની જેમ અલગથી વધારાનો ક્વૉટા માગી રહ્યા છીએ.''

''ઓબીસી પંચના અધ્યક્ષે અમને આશ્વાસન આપ્યું છે કે તેઓ સરકાર સાથે ચર્ચા વિચારણા કરશે અને સરવે વિશે નિર્ણય કરવામાં આવશે."

તમે આ વાંચ્યું કે નહીં?

રાજપૂત સમુદાયને અનામતની કેમ જરૂર છે તે વિશે જણાવતા તેમણે કહ્યું, ''રજવાડા સિસ્ટમ બંધ થયા બાદ જમીનના ભાગલા પડ્યા અને તેમાં અમે અમારી જમીનો ગુમાવી.''

તેમણે કહ્યું, "સમાજના કેટલાક રિવાજોના કારણે પણ આર્થિક અને સામાજિક રીતે પછાતપણું રહી ગયું.''

''ઉદાહરણ તરીકે વિધવા મહિલા ઘરની બહાર નીકળી કામ ન કરી શકે કે મલાજો પાળવો પડે જેવા રિવાજોને કારણે પણ સમાજની શૈક્ષણિક-આર્થિક સ્થિતિ પર અસર પડી."

"અમે શૈક્ષણિક રીતે ઘણા પછાત રહી ગયા હોવાથી અમને અનામતની જરુર છે."

સામાજિક-આર્થિક સરવે માટે બ્રહ્મ સમાજની પણ માગ

તદુપરાંત બીબીસીએ બ્રહ્મ સમાજ પણ કેમ અનામત માટે માગણી કરી રહ્યો છે તે જાણવાની કોશિશ કરી.

બ્રહ્મ સમાજે પણ ઓબીસી પંચને સરવે માટે રજૂઆત કરી હોવાથી તેમને 3જી ડિસેમ્બરે બેઠક માટે બોલાવવામાં આવ્યા છે.

આ મામલે બ્રહ્મ સમાજના આગેવાન યજ્ઞેશ દવેએ કહ્યું," અમે ઓબીસી પંચને આવેદન આપ્યું છે અને સરવે માટે રજૂઆત કરી છે."

"અમે આર્થિક ધોરણે અનામત અને આર્થિક સહાયની માંગણી કરી રહ્યા છે. રાજ્યમાં બ્રહ્મ સમાજની 60 લાખથી વધુની વસ્તીમાં 39 લાખ મતદારો છે."

"સૌરાષ્ટ્રમાં અમારી 'રાજગોર' પેટાજ્ઞાતિને ઓબીસીનો લાભ મળી રહ્યો છે. અમે છેલ્લાં સાત-આઠ વર્ષોથી આર્થિક ધોરણે અનામતની સરકાર સાથે માગણી અને વાટાઘાટો કરતા આવ્યા છે."

"પરંતુ કોઈ પ્રગતિ નહીં જણાતા ઓબીસી પંચમાં હવે સરવે માટે રજૂઆત કરી છે."

બ્રાહ્મણોની સ્થિતિ વિશે તેમનું કહેવું છે કે, "આર્થિક-સામાજિક મામલે અમારા સમાજમાં પણ સમસ્યા છે. આ કારણે નોકરી અને શિક્ષણમાં આર્થિક ધોરણે અનામતની અમે વાત કરી રહ્યા છે."

આમ પાટીદાર સમુદાય બાદ બ્રાહ્મણ અને રાજપૂત સમાજ પણ સરવે કરાવીને અનામત ક્વૉટા માગી રહ્યો છે.

પરંતુ રાજ્યમાં આવી સ્થિતિ કેમ પેદા થઈ રહી છે અને એક પછી એક સમુદાય અનામત તરફ કેમ આકર્ષાઈ રહ્યો છે તે મામલે બીબીસીએ સમાજશાસ્ત્રી ડૉ. કિરન દેસાઈ સાથે વાતચીત કરી.

રોજગારીની સમસ્યા અને અનામત

સુરતના 'સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝ'ના પ્રોફેસર ડૉ. કિરણ દેસાઈનું કહેવું છે કે રાજ્યમાં રોજગારીની સમસ્યા અને સામાજિક દરજ્જા સંબંધિત પરિસ્થિતિની દૃષ્ટિએ સવર્ણોને મળી રહેલો પડકાર આ માટે જવાબદાર હોઈ શકે છે.

બીબીસી સાથેની વાતચીતમાં તેમણે કહ્યું,"ગુજરાતમાં રોજગારી આપવામાં લધુ અને મધ્યમ સ્તરના ઉદ્યોગનો સિંહ ફાળો રહ્યો છે. પરંતુ હવે તેની સ્થિતિ કથળી છે."

"સરકારે આ મામલે યોગ્ય પગલા ન લીધા. આથી રોજગારી સર્જનમાં વિક્ષેપ આવ્યો. સરકાર રોજગારી મામલે અને વિકાસ મુદ્દે આંકડાની રમત રમે છે. માત્ર ખાગનીકરણની દિશામાં આગળ વધવાનું વલણ જોવા મળી રહ્યું છે."

"ઉપરાંત સમાજમાં એક આંતરિક ઊથલપાથલ પણ થઈ રહી છે. સમાજમાં વર્ષોથી જેમનું પ્રભુત્વ હતું, તેમને પડકાર મળી રહ્યા છે."

'અનામતનો માર્ગ સમસ્યાનો ઉકેલ હોય તેવું લાગે છે'

"આથી હવે વ્યૂહાત્મક રીતે આ સમુદાયો અનામત માગી રહ્યા છે. તેમને પણ હવે લાભ જોઈએ છે. તેમનું માનવું છે કે અન્યને અનામત મળે છે તો તેમને પણ મળવો જોઈએ."

"જોકે, કૃષિક્ષેત્રમાં પણ સ્થિતિ સારી ન હોવાથી રોજગારી અને આર્થિક મોરચે સમસ્યા ઊભી થઈ છે. યુવાનોને નોકરી જોઈએ છે. સરકારી નોકરી આકર્ષણનું કેન્દ્ર બની છે. પણ તેનું પ્રમાણ ઓછું છે."

"આ સમગ્ર પરિસ્થિતિમાં તેમને અનામત સમસ્યાનો ઉકેલ હોય તેવું લાગી રહ્યું છે. આ જ કારણે વિવિધ સમાજો અનામત માગી રહ્યા છે."

આ સમગ્ર મામલે બીબીસીએ ઓબીસી પંચના અધ્યક્ષ સુજ્ઞાબહેન ભટ્ટ સાથે વાતચીત કરી.

તેમણે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું,"રાજપૂત સમુદાયની રજૂઆતને પગલે તેમની સાથે બેઠક થઈ હતી. તેમની રજૂઆતને સાંભળવામાં આવી છે."

"જ્યારે બ્રહ્મ સમાજને સોમવારે(3જી ડિસેમ્બરે) બોલાવેલો છે. સરવે કરવામાં આવશે કે નહીં એ વિશે હાલ કંઈ કહી શકાય નહીં."

બ્રાહ્મણ-રાજપૂત સમુદાયને અનામત મળી શકે?

વધુમાં સમાજવિદ પ્રોફેસર ગૌરાંગ જાનીનું કહેવું છે કે આ સમાજોનું અનામત માંગવું અતાર્કિક, ગેરબંધારણિય અને અયોગ્ય છે. કેમ કે બંધારણમાં માત્ર સામાજિક-આર્થિક પછાત સમુદાયને જ અનામતની જોગવાઈ છે.

ગુજરાતમાં અનામતનો એક સમયે વિરોધ કરનારા સવર્ણો હવે અનામત કેમ માંગી રહ્યા છે તે વિશે તેમણે કહ્યું,

"ગુજરાતમાં રોજગારી અને પરવડી શકે એવું શિક્ષણ આપવા મામલે સરકારે અસરકારક નીતિઓ બનાવી નથી.''

''વળી શિક્ષણ મોંઘુ થઈ ગયું અને રોજગારીની પણ સમસ્યા સર્જાઈ, જેનો બ્રાહ્મણ-રાજપૂતો સહિતના સમુદાયોએ વિરોધ ન કર્યો અને અવાજ પણ ન ઉઠાવ્યો."

"હવે તેઓ અનામત માગી રહ્યા છે. તેઓ આર્થિક આધારે અનામત માગે તે શક્ય નથી. વર્ષોથી તેઓ અનામતનો વિરોધ કરતા આવ્યા છે અને હવે તેની માગણી કરી રહ્યા છે. જે એક વિરોધાભાસ છે."

બ્રાહ્મણ-રાજપૂતોનો ઓબીસીમાં સમાવેશ થઈ શકે?

"ખાનગીકરણના કારણે રાજ્યમાં ઘણી સમસ્યાઓ ઊભી થઈ અને રોજગારી સર્જનને ફટકો પડ્યો."

"સરકારી નોકરીની વાત કરીએ તો કુલ નોકરીઓના 8 ટકા જેટલી જ સરકારી નોકરી છે."

ઓબીસી પંચના સરવે વિશે વધુ જણાવતા તેમણે કહ્યું કે પંચ પોતાની રીતે આર્થિક-સામાજિક સરવે કરતું હોય છે.

"પરિવારોમાં મહિલાઓની સાક્ષરતા સહિતના પરિબળોનો સરવે થાય છે. વસ્તીનું પરિબળ પણ ધ્યાને લેવાય છે."

"તેમાં જો સમુદાય સામાજિક-શૈક્ષણિક રીતે પછાત છે, એવા તારણ સાથે ભલામણ કરવામાં આવે તો અનામતનો માર્ગ મોકળો થતો હોય છે."

"સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ અનામત ક્વૉટાની મર્યાદા 50 ટકાથી વધારી ન શકાય. વળી બ્રાહ્મણ-રાજપૂતોનો ઓબીસીમાં સમાવેશ ન થઈ શકે."

શું અનામત માત્ર દસ વર્ષ માટે જ હતી?

આ મામલે મોટી ગેરમાન્યતા પ્રવર્તે છે. ડૉ બાબાસાહેબ આંબેડકરે જે દસ વર્ષ માટે અનામતની વાત કરી હતી એ રાજકીય પ્રતિનિધિત્વની વાત હતી.

એટલે કે રાજ્યસભા અને લોકસભામાં દલિતોના પ્રતિનિધિત્વ અંગે. એમાં પણ દસ વર્ષ બાદ રાજકીય સમીક્ષા કરવાની વાત હતી.

એ જ કારણ છે કે દર દસ વર્ષે રાજકીય અનામતની મર્યાદા વધારવામાં આવે છે. જ્યારે શિક્ષણ અને નોકરીમાં પછાત વર્ગને મળનારી અનામતની કોઈ જ મર્યાદા નક્કી કરવામાં આવી નહોતી.

આરક્ષણનો આધાર

ભારતીય બંધારણના અનુચ્છેદ 15 અને 16માં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોને અનામત આપવાની જોગવાઈ છે.

એવું સ્વીકારાયું છે કે આ વર્ગો સાથે ભૂતકાળમાં અન્યાય થયો છે. જેને કારણે તેઓ સામાજિક વિકાસમાં પાછળ રહી ગયા છે.

તેમને મુખ્ય ધારામાં લાવવા માટે આરક્ષણની જરૂર છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો