લોકસભા ચૂંટણી 2019 : પ્રિયંકા ગાંધીની યૂપીમાં ઍન્ટ્રી, આ પાંચ પડકારોનો કરવો પડશે સામનો

2019ની લોકસભાની ચૂંટણી પહેલાં કૉંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ રજૂ કરેલા ટ્રમ્પ કાર્ડ તરીકે પ્રિયંકા ગાંધી આજથી ઉત્તર પ્રદેશની રાજનીતિમાં વિધીસર પ્રવેશી રહ્યાં છે.

પ્રિયંકા ગાંધી આજે ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં 15 કિમી લાંબો રોડ શો કરશે. જેમાં તેમની સાથે રાહુલ ગાંધી પણ હશે.

ઉત્તર પ્રદેશની રાજનીતિમાં સાવ હાંસિયામાં ધકેલાઈ ગયેલી કૉંગ્રેસને સજીવન કરવાની ખૂબ જ મહત્ત્વની જવાબદારી પ્રિયંકા ગાંધી સંભાળવા જઈ રહ્યાં છે.

પ્રિયંકા ગાંધીએ અત્યાર સુધી પરિવારની બેઠકો ગણાતી અમેઠી અને રાયબરેલી સુધી જ પોતાને સીમિત રાખ્યાં હતાં.

હવે સમગ્ર પૂર્વ ઉત્તર પ્રદેશની જવાબદારી તેમના શિરે આવી છે.

કૉંગ્રેસી કાર્યકરોમાં લાંબા સમયથી માગ હતી કે પ્રિયંકા ગાંધીને સક્રિય રાજકારણમાં લાવવામાં આવે.

એકલા હાથે ચૂંટણી લડવાનો પડકાર

પ્રિયંકા સામે સૌથી મોટો પડકાર એકલા ચાલવાનો છે.

સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીએ ગઠબંધન કરી કૉંગ્રેસને બાકાત ગણતા એ હવે નિશ્ચિત થઈ ગયું છે કે કૉંગ્રેસ ઉત્તર પ્રદેશમાં એકલે હાથે ચૂંટણી લડશે.

ગત લોકસભામાં અમેઠી અને રાયબરેલી એમ ફકત બે જ બેઠકો મેળવી શકનાર કૉંગ્રેસ 2019માં સાવ એકલી છે.

2009માં છેલ્લાં 20 વર્ષમાં સૌથી વધારે વોટ શૅર 18.25 ટકા સાથે કૉંગ્રેસે ઉત્તર પ્રદેશમાં 21 બેઠકો જીતી હતી.

જોકે, 2014માં મોદીની લહેર સામે કૉંગ્રેસનો વોટ શૅર 7.53 ટકા થઈ ગયો હતો.

ઉત્તર પ્રદેશમાં ગઠબંધનની રાજનીતિ નારાજ સમર્થકો અન્ય પક્ષો તરફ વળી ગયા હતા.

કૉંગ્રેસને 2009ના 21 બેઠકોના મુકામ સુધી લઈ જવી હોય તો પ્રિયંકા ગાંધીએ માયાવતી-અખિલેશની જોડીની સમાંતર નવી રાજકીય રેખા દોરવી પડશે.

2012માં ઉત્તર પ્રદેશ વિધાનસભામાં કૉંગ્રેસની 28 બેઠકો હતી.

2017માં યોજાયેલા ઉત્તર પ્રદેશની વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસને ફકત સાત બેઠકો મળી હતી.

આની સામે પ્રિયંકા ગાંધીએ જેની જવાબદારી લીધી છે તે પૂર્વ ઉત્તર પ્રદેશમાં ભાજપે 60 બેઠકો મેળવી હતી.

આ જોતાં કૉંગ્રેસની કાર્યકરોની કેડર વિખરાઈ ગઈ છે અને ભાજપની કેડર મજબૂત થઈ છે એ સ્પષ્ટ દેખાય છે.

આમ, પ્રિયંકા સામે વિખરાયેલી કેડરને પાછી લાવવાનો અને એમનામાં જીતનો ઉત્સાહ રેડવાનો મોટો પડકાર છે.

રૉબર્ટ વાડ્રાનો કેસ અને પરિવારવાદ

તાજેતરમાં જ મની લૉન્ડરિંગના મામલામાં રૉબર્ટ વાડ્રાની પૂછપરછ થઈ હતી.

જેમાં પ્રિયંકા ગાંધી તેમને ઈડીની ઑફિસ સુધી મૂકવા ગયાં હતાં.

પ્રિયંકા ગાંધીને ઇન્દિરા ગાંધી સાથે મળતા ચહેરાનો લાભ મળે એવી વાતો ચર્ચાઈ રહી છે ત્યારે પતિની અટકને લીધે થઈ રહેલાં નૂકસાનને ખાળવાનો પડકાર પણ સામે ઊભો છે.

એક તરફ પ્રિયંકા ગાંધીએ રાજકારણમાં સક્રિય થવાની શરૂઆત કરી છે અને બીજી તરફ એમના પતિ રૉબર્ટ વાડ્રાની ઍન્ફૉર્સમૅન્ટ ડિરેકટર દ્વારા સઘન પૂછપરછ થઈ રહી છે.

લોકસભાની ચૂંટણી અગાઉ રૉબર્ટ વાડ્રા કેસમાં નવો વળાંક આવે તો એ પડકારનો સામનો પ્રિયંકા ગાંધી કઈ રીતે કરશે એ પણ જોવું મહત્ત્વનું રહેશે.

વાડ્રા અટક સિવાય કૉંગ્રેસ પર પરિવારવાદની રાજનીતિનો આક્ષેપ પણ વિરોધપક્ષ કરતો રહે છે.

પ્રિયંકાની સત્તાવાર એન્ટ્રીની જાહેરાત થઈ ત્યારે પણ ભાજપ તરફથી આ જ પ્રતિક્રિયા પ્રથમ આવી હતી.

જે રીતે વડા પ્રધાન મોદી દેશમાં કૉંગ્રેસ મુક્ત ભારત અને પરિવારવાદની વાત કરી રહ્યા છે તે જોતા ચૂંટણીમાં આ મુદ્દો એમની સામે આવશે જ એ ચોક્કસ છે.

પૂર્વાંચલ ભાજપનો ગઢ

પ્રિયંકા ગાંધીને જે જવાબદારી સોંપવામાં આવી છે એ પૂર્વ ઉત્તર પ્રદેશ ભાજપનો ગઢ ગણાય છે.

24 જિલ્લાઓમાં ફેલાયેલો આ વિસ્તાર ખૂબ મોટો છે અને લોકસભાની ચૂંટણી હવે અઘોષિત રીતે પણ બહુ દૂર નથી.

એક જમાનામાં આ વિસ્તાર કૉંગ્રેસની મહત્ત્વની બેઠકોનો વિસ્તાર ગણાતો હતો.

2009માં કૉંગ્રેસને જે 21 બેઠકો ઉત્તર પ્રદેશમાંથી મળી હતી એમાં 13 બેઠકો આ વિસ્તારમાંથી મળી હતી.

રાયબરેલી, અમેઠી, સુલતાનપુર, ફૂલપુર, અલાહાબાદ, વારાણસી, ચંદોલી અને ગોરખપુર જેવી મહત્ત્વની બેઠકો ધરાવતા આ વિસ્તારમાં 2014માં બે બેઠકો સિવાય કૉંગ્રેસ બધે જ સાફ થઈ ગઈ હતી અને ભાજપની આ મોટી સફળતા હતી.

2019ની લોકસભાની ચૂંટણી સુધીમાં ઘણાં પરિમાણો બદલાઈ ગયાં છે.

પ્રિયંકાની સામે ભાજપના બે દિગ્ગજ નેતા યોગી આદિત્યનાથ ગોરખપુરની બેઠક હવે મુખ્ય મંત્રીની બેઠક બની ગઈ છે અને વારાણસી વડા પ્રધાન નરેન્દ્ર મોદીની બેઠક બની ગઈ છે.

આમ, દેશના સૌથી મોટા રાજ્યના મુખ્ય મંત્રી સામે અને દેશના હાલમાં સૌથી આક્રમક તેમજ લોકપ્રિય ગણાતા વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામે પ્રિયંકાનો સીધો મુકાબલો છે.

સવર્ણ અનામત

સવર્ણ મતદારો ઉત્તર પ્રદેશમા નિર્ણાયક બને છે.

પ્રિયંકા ગાંધી જે પૂર્વ વિસ્તારની જવાબદારી સંભાળી રહ્યા છે ત્યાં દલિત અને મુસલમાનો ઉપરાંત બ્રાહ્મણોની સંખ્યા વધારે છે.

લોકસભાની ચૂંટણી અગાઉ નરેન્દ્ર મોદીએ સર્વણોને દસ ટકા અનામતનો લાભ આપીને એક મોટો રાજકીય દાવ ખેલ્યો છે.

વળી, યોગીનું આક્રમક હિંદુત્વ પણ ભાજપની સાથે છે ત્યારે દલિતો, મુસલમાનો અને સવર્ણ મતદારોને કૉંગ્રેસ તરફ વાળવા એ પ્રિયંકા ગાંધી માટે પડકાર છે.

2014માં બ્રાહ્મણ, રાજપૂત, વૈશ્ય અને જાટ મતદાતાઓના કુલ મતો પૈકી 70 ટકા મતો ભાજપને મળ્યા હતા અને કૉંગ્રેસ બીજે ક્રમે હતી.

સવર્ણ અનામતના બદલાયેલા સંજોગોમાં જો આ મતદાતાઓ ભાજપ તરફ ક્લિન સ્વિપ કરે તો કૉંગ્રેસ માટે મુશ્કેલી થઈ શકે છે.

દલિતો અને મુસલમાનોને સાથે રાખવા અને સવર્ણ મતદારોને નારાજ ન કરવા એ મોટો પડકાર છે.

સપા-બસપાની જોડી અને માયાવતીનું સોશિયલ એન્જિનીયરીંગ

જેવી રીતે 2019 કૉંગ્રેસ માટે ઉત્તર પ્રદેશમાં અસ્તિત્વનો સવાલ છે એ જ રીતે 2014માં મોદી લહેર સામે પરાસ્ત થયેલ સમાજવાદી પાર્ટી અને માયાવતી માટે પણ એ અસ્તિત્વનો સવાલ છે.

ખાસ કરીને માયાવતીનો ઉત્તર પ્રદેશની રાજનીતિમાં જે રીતે રકાસ થયો છે એ જોતાં પ્રિયંકા માટે સીધી રીતે લડાઈ ત્રણ બળિયાઓ સામે છે.

અગાઉ સોશિયલ એન્જિનિયરીંગની રણનીતિથી ઉત્તર પ્રદેશમાં પ્રભાવક બનાનારા માયાવતી આ લોકસભામાં સ્વાભાવિક પણે જ ફકત દલિત ઓળખની રાજનીતિ નહીં કરે.

જે રીતે માયાવતીએ ભીમ આર્મીના ચંદ્રશેખર અને ગુજરાતના વડગામના ધારાસભ્ય તેમજ દલિત નેતા જિજ્ઞેશ મેવાણી સાથે અંતર જાળવી રાખ્યું છે અને એક સમયના કટ્ટર હરીફ એવી સમાજવાદી પાર્ટી સાથે જોડાણ કર્યુ છે.

એ સ્પષ્ટ સંકેત છે કે તેઓ ફરી એક વાર સોશિયલ એન્જિનિયરીંગનો દાવ અજમાવશે.

સપા-બસપાની જોડીએ અમેઠી અને રાયબરેલી બેઠકો છોડીને ગઠબંધન કર્યુ છે.

તો સામે, રાહુલ ગાંધી પણ અખિલેશ-માયાવતી સામે સીધું આક્રમણ નથી કરી રહ્યા.

આમ મગનું નામ મરી પાડ્યા વિના પ્રિયંકા ગાંધી કઈ રીતે સપા-બસપાની જોડીનો મુકાબલો કરશે એ ખૂબ મોટો પડકાર છે.

ગત લોકસભામાં નરેન્દ્ર મોદીની ઓબીસી તરીકે ઓળખની રાજનીતિ સામે આવી હતી.

આ સંજોગોમાં માયાવતીનું સમર્થન કરનારા દલિતો અને અખિલેશના સમર્થક એવા યાદવોને પોતાની તરફ વાળવા એ મોટો પડકાર છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો