રામ મંદિર મુદ્દાની લોકસભાની ચૂંટણીના પરિણામ પર કેટલી અસર થશે?

2014ની ચૂંટણીમાં બહુમત મેળવીને ભાજપે કેન્દ્ર સરકારમાં સત્તા સંભાળી. ભાજપ સત્તામાં આવ્યો અને ફરી એકવખત રામ મંદિરનો મુદ્દો ગરમાયો. હિંદુત્વવાદી સંગઠનોએ ભરપૂર જોર લગાવ્યું.

લોકસભાની ચૂંટણી પહેલાં રામ મંદિરનો મુદ્દો આગામી ચાર મહિનાઓ માટે ટળી ગયો છે.

આ નિર્ણય ચૂંટણી પર પ્રભાવક રહેશે કે કેમ? આ પ્રશ્ન અંગે ચોફેર ચર્ચા થઈ રહી છે.

ઉત્તર પ્રદેશમાં લોકસભાની 80 બેઠકો છે, જેના કારણે ઉત્તર પ્રદેશમાં ચૂંટણી વખતે રાજકીય પક્ષો વિશેષ જોર લગાવે છે.

રામ મંદિરનો મુદ્દો ઉત્તર પ્રદેશની 80 બેઠકો પર કેટલો અસરકારક રહેશે?

વાંચો વરિષ્ઠ પત્રકાર સુનિતા એરોનનો દૃષ્ટિકોણ

ભાજપના સમર્થકોમાંથી એક વર્ગ એવો છે કે જે રામ મંદિરના કારણે ભાજપનું સમર્થન કરે છે. છેલ્લાં એકાદ-બે વર્ષમાં રામ મંદિરનો મુદ્દો પૂરજોશ સાથે ઉઠાવવામાં આવ્યો.

સતત એવું કહેવામાં આવ્યું કે બસ હવે રામ મંદિરનું નિર્માણ થવાનું જ છે.

અમિત શાહ અને નરેન્દ્ર મોદી પણ આ મુદ્દા પર બોલ્યા. જય શ્રી રામના નારા ફરી સંભળાવા લાગ્યા, પછી અચાનક જ તેમણે આ નિર્ણય લીધો.

ચાર મહિનાનો અર્થ એવો છે કે ત્યાં સુધીમાં બીજી સરકારનું ગઠન થઈ જશે. એટલે ત્યાં સુધી આ નિર્ણયને ટાળી શકાશે.

એની પાછળનું કારણ એ છે કે જો ચૂંટણી બાદ ભાજપના ખાતે ગઠબંધનની સરકાર બનાવવાની આવે, તો તેમણે ઓરિસ્સા અને તેલંગણા તરફ જોવું પડશે.

ગઠબંધનની જરૂરિયાત સર્જાય તો અહીંથી તેમને સમર્થન મળવાની શક્યતા છે.

પણ રામ મંદિર મુદ્દે તેઓ ધર્મ નિરપેક્ષ ચહેરો રાખવાનું પસંદ કરશે, એટલે જ ભાજપને લાગ્યું કે આ મુદ્દો ટાળી દેવો જોઈએ.

તમે આ વાંચ્યું કે નહીં?

આમાં કોને ફાયદો?

ચૂંટણી દરમિયાન જ્યારે હિંદુત્વની વાત થશે, તો કૉંગ્રેસ અને સપા-બસપાની વાત થશે પણ તેની જનતા પર કોઈ અસર નહીં થાય.

જો કૉંગ્રેસ રામ મંદિરનો મુદ્દો ઉઠાવશે, તો તેમને પણ આનો ફાયદો નહીં થાય.

મંદિરનો મુદ્દો ખતમ થઈ જાય, તો ઉત્તર પ્રદેશમાં જ્ઞાતિના આધારે જ ચૂંટણીમાં ઝંપલાવવું પડશે.

કૉંગ્રેસનું પ્રદર્શન સુધરશે?

ગત દિવસોમાં ઉત્તર પ્રદેશમાં સપા અને બસપા વચ્ચે ચૂંટણીલક્ષી ગઠબંધન થયું અને કૉંગ્રેસ માટે રાયબરેલી અને અમેઠીની બેઠકો છોડવામાં આવી.

વિશ્લેષણ એવું પણ કરવામાં આવ્યું કે કૉંગ્રેસને પોતાના રાજ્યમાં પગ મૂકવાનાં ફાંફાં પડશે, પરંતુ એવું નથી.

2014ની ચૂંટણીમાં મોદી લહેર હતી. ઇંદિરા ગાંધી પણ હારી ગયાં હતાં, એ વખતે પણ આવી જ લહેરી હતી. જ્યારે આવી લહેરી હોય ત્યારે પરિણામો અલગ જ હોય છે.

પણ 2019માં કૉંગ્રેસને ઉત્તર પ્રદેશમાં 20 બેઠકો મળશે એવું વિચારવું પણ ખોટું છે. પણ તેમનું પ્રદર્શન 2014 કરતાં સારું રહેશે.

ભાજપને કોનાથી ખતરો?

ઉત્તર પ્રદેશમાં જો ભાજપને કોઈ હેરાન કરતું હોય તો તે સપા-બસપાનું ગઠબંધન છે.

જો રામ મંદિર બન્યું હોત, તો કેટલાક યાદવ લોકો ધાર્મિક કારણોસર ભાજપની તરફેણમાં જતા રહ્યો હોત, પણ હવે એવી શક્યતા નથી.

પ્રિયંકા ગાંધી સામે દલિત, મુસ્લિમ અને બ્રાહ્મણો પાસેથી મત મેળવવાનો પડકાર છે.

માયાવતી ફરી પ્રભુત્વ જમાવશે?

માયાવતીની પાર્ટી બસપાને 2014માં કોઈ બેઠક મળી નહોતી. પણ ઉત્તર પ્રદેશમાં 19.60 ટકા મત મળ્યા હતા અને સમગ્ર દેશમાં એમની પાર્ટીને 12 ટકા મત મળ્યા હતા.

મતની દૃષ્ટિએ તેઓ દેશનો ત્રીજી સૌથી મોટી પાર્ટી હતી.

તૃણમૂલ કૉંગ્રસ જેવા ક્ષેત્રીય પક્ષને પણ 34 બેઠકો મળી હતી. જ્યારે મત માત્ર 3.84 ટકા જ મળ્યા હતા.

માયાવતી જોશે કે તેમના મત ભાજપથી ક્યાં ક્યાં કપાયા હતા. તેમની રાજનીતિ કરવાની રીત તદ્દન અલગ છે. તેઓ ફરી પ્રભુત્વ જમાવશે એમાં કોઈ શંકા નથી.

તામિલનાડુમાં પણ લોકોએ ક્ષેત્રીય પક્ષોને સમર્થન આપ્યું.

2004માં ઉત્તર પ્રદેશના લોકોએ પણ ક્ષેત્રીય પાર્ટીઓને ભાજપ અને કૉંગ્રેસ કરતાં વધારે સમર્થન આપ્યું હતું. ત્યારે સમાજવાદી પાર્ટીને લોકોનું સમર્થન મળ્યું હતું.

મુલાયમસિંહ યાદવને ઉત્તર પ્રદેશમાં 35 બેઠકો મળી હતી, જ્યારે ભાજપને 10 અને કૉંગ્રેસને 9 બેઠક મળી હતી. જ્યારે માયાવતીને 19 લોકસભા બેઠકો મળી હતી.

સરવાળે સ્થિતિ એવી છે કે રાષ્ટ્રીય સ્તરની ચૂંટણીમાં જનતા માત્ર ભાજપ કે કૉંગ્રેસમાંથી જ કોઈ એક પક્ષને ચૂંટે છે, એવું જરા પણ નથી.

(બીબીસી સંવાદદાતા માનસી દાશ સાથેની વાતચીત આધારે)

(લેખમાં વ્યક્ત કરવામાં આવેલા વિચાર લેખકના અંગત વિચાર છે, બીબીસીના નહીં. )

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો