સંરક્ષણ બજેટમાં કોણ ચઢિયાતું, મનમોહન કે નરેન્દ્ર મોદી?

    • લેેખક, જુગલ પુરોહિત
    • પદ, બીબીસી સંવાદદાતા

સંરક્ષણ બજેટ વિશેના આ લેખમાં આંકડાઓની દુનિયાની સફર કરતા પહેલાં ઇતિહાસકાર જેફરી બ્લેની આ ઉક્તિ વાંચી લેવી જોઈએ,

"સામાન્ય રીતે યુદ્ધ ત્યારે સમાપ્ત થઈ જાય છે, જ્યારે યુદ્ધ કરતા દેશો એકબીજાની શક્તિ સમજી જાય છે અને એ અંગે સંમત થાય છે. અને યુદ્ધ શરૂ ત્યારે થાય છે જ્યારે આ દેશો એકબીજાની તાકતને સમજવાનો ઇનકાર કરી દે."

આ ઉક્તિ વાંચીને આપને સમજાયું હશે કે આ લેખ વાંચવો કેમ જરૂરી છે.

ભારત એક એવો દેશ જે ચીન અને પાકિસ્તાન જેવા દુશ્મનો વચ્ચે પિસાયો છે. આ બંને પડોશી દેશો પરમાણુ શસ્ત્રોથી સજ્જ છે.

ભૂતકાળમાં આ બંને દેશો સાથે ભારત યુદ્ધ લડી ચૂક્યું છે અને હાલ પણ કોઈને કોઈ મુદ્દે તેમની સાથે ઘર્ષણ થતો રહે છે.

તે ઉપરાંત ભારતમાં આંતરિક પ્રશ્નોના પડકારો પણ એટલા બધા છે કે વારંવાર સેનાની મદદ લેવી પડે છે.

આ આંતરિક અને બાહ્ય પડકારો માટે દેશને મજબૂત સૈન્યની જરૂર પડે છે.

ભારતીય સેનામાં લાખો જવાનો છે. તેમની ક્ષમતા વધારવા માટે ઘણા પ્રકારના પ્રયત્નો કરવાની જરૂર છે.

સરકાર દર વર્ષે રજૂ થતા બજેટમાં સુરક્ષા માટેનું અલગ બજેટ પણ ફાળવે છે.

એનડીએનું સંરક્ષણ બજેટ

આવો થોડા જૂના આંકડાઓ તપાસીએ અને જાણીએ કે ભાજપ કે કૉંગ્રેસમાંથી કોણે સુરક્ષા બજેટ પર વધારે ધ્યાન આપ્યું.

મે 2014માં નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકાર બની ત્યારે તેમની પાસે માત્ર ફુલ-ટાઇમ સંરક્ષણ મંત્રી નહોતા.

અરૂણ જેટલી, જેમની પાસે નાણામંત્રાલય હતું, તેમને જ સંરક્ષણ મંત્રાલયનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો.

તે સમયે લોકોએ માન્યું કે નાણામંત્રી પાસે જ સંરક્ષણ મંત્રાલય પણ હોય તો દેશના સૈન્યને ફાયદો થશે, પણ ખરેખર એવું બન્યું કે નહીં, આવો જાણીએ.

10 જુલાઈ 2014એ નવી સરકારનું પહેલું બજેટ રજૂ કર્યું. તેમાં તેમણે સેના માટે 2,33,872 કરોડ રૂપિયા ફાળવ્યા.

આ આંકડા કૉંગ્રેસની સરકાર દ્વારા ફેબ્રુઆરી 2014માં રજૂ થયેલા બજેટ કરતાં પાંચ હજાર કરોડ જેટલા વધારે હતા.

આ રીતે ભાજપે સૈન્ય પર થતા ખર્ચમાં 9 ટકાનો વધારો કર્યો હતો. ત્યાર બાદ ભાજપ સરકારનું પહેલું સંપૂર્ણ બજેટ 28 ફેબ્રુઆરી 2015ના રોજ રજૂ થયું.

આ બજેટમાં પણ આગળના બજેટની જેમ સુરક્ષા માટે અંદાજિત ખર્ચ 2,55,443 કરોડ રૂપિયા જેટલો રાખવામાં આવ્યો.

તેના પછીના વર્ષે 23 ફેબ્રુઆરી 2016ના રોજ રજૂ થયેલા બજેટમાં તેમણે સૈન્યના ખર્ચનો ઉલ્લેખ જ ન કર્યો, તેથી ઘણા લોકોએ પ્રશ્નો પણ ઉઠાવ્યા હતા.

એવી અપેક્ષા હતી કે સંરક્ષણ બટેજમાં બે ટકાનો વધારો થશે.

આ બજેટ રજૂ કરતા પહેલાં 15 ડિસેમ્બર 2015ના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અલગઅલગ સેનાઓના કમાન્ડરોની સંયુક્ત બેઠકમાં કહી ચૂક્યા હતા, "હાલ દરેક મહાશક્તિ પોતાના સૈન્યબળ પર કામ કરી રહી છે અને આધુનિક ઉપકરણો અને ટેક્નૉલૉજી પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે."

"જ્યારે આપણે માત્ર સૈન્ય જ વધારી રહ્યા છીએ. એક જ સમયે સૈન્યની સંખ્યા વધારવી અને આધુનિકીકરણ પણ કરવું એ મુશ્કેલ અને બિનજરૂરી વાત છે."

1 ફેબ્રુઆરી 2017ના રોજ જ્યારે નાણામંત્રી ફરી એક વખત બજેટ સાથે હાજર થયા તો તેમણે સુરક્ષા બજેટમાં 2,74,114 કરોડ ફાળવ્યા.

આગળના બજેટથી બિલકુલ વિરુદ્ધ આ વખતના બજેટમાં 6 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો.

મંત્રાલયના ફંડથી ચાલતા ઇન્સ્ટિટ્યુટ ફૉર ડિફેન્સ સ્ટડીઝ ઍન્ડ ઍનાલિસિસ માટે અભ્યાસ લેખો લખતા લક્ષ્મણ કે.બહેરાએ આ બજેટને અપૂરતું ગણાવ્યું હતું.

ગયા વર્ષે 1 ફેબ્રુઆરીના રોજ અરૂણ જેટલીએ ફરી એક વખત સંરક્ષણ બજેટમાં 8 ટકાનો વધારો કર્યો. ગયા વર્ષે સંરક્ષણ બજેટ માટે 2,95, 511 કરોડ રૂપિયા ફાળવ્યા.

તમે આ વાંચ્યું કે નહીં?

જ્યારે શુક્રવારે પોતાનું પ્રથમ બજેટ અને સરકારના કાર્યકાળનું અંતિમ બજેટ રજૂ કરતા પીયૂષ ગોયલે કહ્યું, "પહેલી વખત અમારું સંરક્ષણ બજેટ 3 લાખ કરોડને પાર કરવા જઈ રહ્યું છે."

આ વખતના સંરક્ષણ બજેટમાં 3,18,847 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે, જે ગત બજેટ કરતાં આઠ ટકા વધારે છે.

તો હવે સવાલ એ ઊઠે છે કે સુરક્ષા બજેટ બાબતે કૉંગ્રેસ સરકાર કરતાં ભાજપ સરકાર વધુ ઉપયોગી સાબિત થઈ?

સંરક્ષણ મંત્રાલયના પૂર્વ નાણા સલાહકાર રહી ચૂકેલા અમિત કૉવિશ આ અંગે કહે છે, "જો બંને સરકારોનો અભ્યાસ કરો તો લગભગ સરખો જ ટ્રૅન્ડ જોવા મળે છે. જોકે, બજેટની ફાળવણીમાં જે અંતર દેખાય છે, એ સ્વાભાવિક છે. કારણ કે, 15 વર્ષમાં આટલો ફરક તો પડવાનો જ હતો."

હાલના સમયે સેનાના વરિષ્ઠ અધિકારીઓ અને સાંસદો(જેમાં ભાજપના સાંસદો પણ સામેલ છે)ના મતે માદી સરકાર માટે સંરક્ષણ બજેટ હંમેશાં દુઃખતી નસ સમાન રહ્યું છે.

કેટલાક વરિષ્ઠ અધિકારીઓનો મત

નવેમ્બર 2018માં ભારતીય નૌકાદળના મુખ્ય ઍડમિરલ સુનીલ લાંબાએ કહ્યું હતું,"જીડીપીમાં ભલે ઘટાડો થયો હોય પણ અમને વચન આપ્યું હતું એ રીતે સંરક્ષણ બજેટ સતત વધતું રહ્યું છે."

"અમે ઇચ્છીએ છીએ કે તેમાં ઉત્તરોત્તર વધારો થતો રહે, જોકે એમાં થોડા વિઘ્નો જરૂર છે પણ અમે એ અંગે જાણીએ છીએ."

25 જુલાઈ 2018ના રોજ ભાજપના સાંસદ મુરલી મનોહર જોશીએ કહ્યું હતું, "જીડીપીનો 1.56 ટકા ભાગ સંરક્ષણ પર ખર્ચ થાય છે."

"વર્ષ 1962માં ચીન સાથેના યુદ્ધ પછી આ સૌથી નીચા સ્તર પર છે. ભારત જેવા મોટા દેશ માટે સંરક્ષણ બજેટ બહુ મહત્ત્વનું છે."

માર્ચ 2018માં સંસદીય સમિતિમાં આર્મી સ્ટાફના ઉપ પ્રમુખે કહ્યું, "વર્ષ 2018-19ના બજેટે અમારી આશાઓ ખતમ કરી નાખી."

"અમને જે કંઈ પણ મળ્યું તેનાથી થોડો ઝાટકો જરૂર લાગ્યો છે. હવે અમારી સમિતિના કેટલાક જૂના ખર્ચ વધી જશે."

માર્ચ 2014માં સંસદીય સમિતિએ સુરક્ષા બજેટ પર કહ્યું હતું, "પાછળના કેટલાંક વર્ષોમાં વાયુસેના પર થતા ખર્ચમાં ઘટાડો થયો છે."

"વાયુસેનાને આધુનિક બનાવવા માટે જે ખર્ચની અપેક્ષા છે એમાં પણ ઘટાડો થયો છે."

"વર્ષ 2007-08માં કુલ સંરક્ષણ બજેટનો ભાગ 17.51 ટકા હતો, જ્યારે વર્ષ 2016-17માં એ ઘટીને 11.96 ટકા થયો છે."

આપને આ પણ વાંચવું ગમશે

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો