You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
લોકસભામાં નરેન્દ્ર મોદીનું અંતિમ ભાષણ ચૂંટણી ભાષણ જેવું : દૃષ્ટિકોણ
- લેેખક, રાધિકા રામશેષન
- પદ, વરિષ્ઠ પત્રકાર, બીબીસી ગુજરાતી માટે
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 16મી લોકસભાના પોતાના અંતિમ ભાષણમાં કૉંગ્રેસ અને ગાંધી પરિવારના ભ્રષ્ટાચાર અંગે ભારપૂર્વક વાત કરી હતી.
આ ઉપરાંત એમણે પોતાને અને ભારતીય જનતા પાર્ટીને ભારતના નૈતિક રખેવાળ ગણાવ્યા હતા.
તેમણે એવું દર્શાવ્યું હતું કે દેશની સુખાકારી અંગે માત્ર તેઓ જ વિચારે છે.
રફાલ ડીલ અંગે વિપક્ષના આરોપ પર જવાબ આપતા તેઓ બચાવ મુદ્રામાં જણાતા હતા.
બજેટમાં અસંગઠિત ક્ષેત્ર અને મધ્યમ વર્ગના લોકો માટે કરવામાં આવેલી ઘોષણાઓ વિશે તેઓ ખૂબ ઉત્સાહમાં બોલી રહ્યા હતા.
જોકે તેઓ રોજગારી સૃજન અને કૃષિ અંગેના મુદ્દાઓને ટાળતા જણાયા હતા.
વિપક્ષ આવનારી લોકસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખી આ જ મુદ્દાઓ વડે સત્તાપક્ષ પર પ્રહાર કરી રહ્યો છે.
જોકે ખેડૂતોની સમસ્યા અને નોટબંધી-જીએસટી વડે ગ્રામીણ અને નાના-મધ્યમ ઉદ્યોગોને થયેલા નુકસાન વિશે તેઓ એકદમ છેલ્લે બોલ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એવું જણાતું હતું કે તેમની પાસે આ મુદ્દા પર બોલવા માટે કશું હતું નહીં કે પછી તેઓ શરમજનક પરિસ્થિતિને ટાળવા માગતા હતા.
મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં ભાજપની હારનું સૌથી મોટું કારણ નોટબંધી અને જીએસટી હતું. મોદી સરકારની આ નીતિઓને કારણે રાજ્યોની અર્થવ્યવસ્થા પર ઘણી ખરાબ અસર પડી છે.
પણ પોતાના ભાષણમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની આ નીતિઓના વખાણ કર્યા હતા અને એ વાતને નકારી કાઢી હતી કે આ નીતિઓ જ તેમની હારનું કારણ છે.
એમણે તો કૉંગ્રેસની ઝાટકણી કરતા કહ્યું કે ખેડૂતોની દેવામાફીનું કહી કૉંગ્રેસ સપનાં વેચી રહી છે.
એમણે તો એવો આરોપ મૂક્યો કે કૉંગ્રેસના રાજ્યમાં ખેડૂતોને તો પહેલાંથી જ ટેકના ભાવ નીચા દરે મળી રહ્યા હતા.
તમે આ વાંચ્યું કે નહીં?
ઋણ માફી એક કૌંભાડ પુરવાર થશે
મોદીએ તો એટલે સુધી જણાવ્યું કે આ દલાલોને કારણે ઋણમાફી એક કૌંભાડ પૂરવાર થશે.
એમણે જણાવ્યું કે આ પ્રકારની ઋણમાફી આપવાને બદલે ખેડૂતો માટે, આ વખતના કેન્દ્રીય બજેટમાં જે યોજનાની ભલામણ કરવામાં આવી છે ,તે લઘુત્તમ આવક ટેકા યોજના ચલાવવી જોઈએ.
મોદીએ કહ્યું કે આ પ્રકારની યોજના જ ખેડૂતો માટે સમસ્યાનું સમાધાન બની શકે તેમ છે, કારણ કે આમાં કોઈ વચેટિયા હોતા નથી તેથી નાણાં સીધાં જ ખેડૂતોના ખાતામાં જમા થશે.
આ વખતે મોદી એ ભૂલી ગયા કે છત્તીસગઢમાં અને કેટલાક અંશે રાજસ્થાનમાં પણ ઋણમાફીના વચને જ પક્ષની તરફેણમાં કામ કર્યું છે.
આનાથી એ વાત તો સાબિત થાય છે કે ઋણમાફી આ પ્રકારની ટૂંકા ગાળાની યોજના કરતાં વધારે અસરકારક પૂરવાર થતી હોય છે.
એમનું ભાષણ ન્યૂ ઇન્ડિયાની ધારણા પર તૈયાર કરવામાં આવ્યું હતું, જેમાં ઘણી આશાઓ અને સંકલ્પો હતા, જે તમામ પ્રકારના પડકારો અને ભ્રષ્ટાચારનો જવાબ હતા અને જો આને સમયસર ઠીક કરવામાં નહીં આવે તે ઉધઈની માફક તે સિસ્ટમને અંદરથી કોતરી નાંખશે.
મોદીએ કેટલાંક આ જ પ્રકારનાં ભાષણ 2014ના ચૂંટણી પ્રચાર દરમ્યાન પણ કર્યાં હતાં, જેમાં કૉંગ્રેસ અને ગાંધી-નહેરુ પરિવાર કેન્દ્રમાં હતા.
મોદીએ પહેલેથી જ આ પરિવાર અને ભ્રષ્ટાચારને એકબીજાનો પર્યાય ગણાવ્યા હતા.
તેઓ ભૂલી ગયા છે કે આવનારી ચૂંટણીઓમાં કૉંગ્રેસને જ ભાજપ માટે એક મોટા પડકારરૂપ ગણવામાં આવી રહ્યો છે.
સમકાલીન ભારતના બે ભાગો 'બીસી' અને 'એડી'ને વ્યાખ્યા આપવામાં આવી રહી છે.
એમ કહેવામાં આવે છે કે મહાત્મા ગાંધી પણ 'કૉંગ્રેસ મુક્ત ભારત'ની હિમાયત કરતા હતા. આઝાદી પછી તેમણે કૉંગ્રેસ ભંગ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.
'બીસી' નો અર્થ છે બિફોર કૉંગ્રેસ અને 'એડી'નો અર્થ છે આફ્ટર ડાઇનૅસ્ટી.
પ્રથમ વખત મતદાન કરનારા પર નજર
મોદીની નજર ખાસ કરીને એ યુવા મતદારો પર છે કે જેઓ એપ્રિલ- મેમાં થનારી ચૂંટણીમાં પ્રથમ વખત મતદાન કરશે.
આવું એટલા માટે કે આવા જ યુવાન મતદારોએ મોદીના 'સારા દિવસો'ના જુમલાને લક્ષ્યમાં રાખી 2014માં તેમને મત આપી, જીત અપાવી હતી.
છેલ્લાં સાડા ચાર વર્ષોમાં અર્થ વ્યવસ્થામાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા છે.
"મિનિમમ ગવર્નમેન્ટ, મૅક્સિમમ ગવર્નન્સ"ના દાવાઓ કરવામાં આવ્યા હતા, છતાં પણ પ્રાઇવેટ સૅક્ટરમાં સરકારનો સીધો અને ઘણો વધારે હસ્તક્ષેપ રહ્યો છે.
જીએસટી અને નોટબંધીને કારણે નાના અને મધ્યમ ઉદ્યોગો ભાંગી પડ્યા હતા, જેનો સીધો પ્રભાવ અસંગઠિત ક્ષેત્ર અને રોજગાર પર પડ્યો હતો.
મોદીએ આ મુદ્દે જવાબ આપવાને બદલે કૉંગ્રેસ સાથે પોતાની સરકારની સરખામણી કરી હતી.
તેમણે કહ્યું હતું કે કૉંગ્રેસ 'સત્તા ભોગ'નું રાજકારણ રમે છે, જ્યારે એમની સરકાર 'સેવા ભાવ'થી કામ કરે છે.
તેઓ પાવર સામે લોકોની સેવા વિશે જ વાત કરે છે અને આના ઘણાં ઉદાહરણ આપે છે કે જે મોટે ભાગે આરોપ જ હોય છે.
"મહામિલાવટ " ગઠબંધન
જેમ કે તેઓ જણાવે છે કે કૉંગ્રેસ જાહેર ક્ષેત્રોની બૅન્કોને તળિયાઝાટક કરી રહી છે, તે પોતાના ખાસ મિત્રોને માત્ર એક ફોન કૉલ પર મોટામોટા ઋણ આપી રહી છે.
એમનો આરોપ છે કે આ પરિવારના એક સભ્ય (રૉબર્ટ વાડ્રા) પાસે દરેક જગ્યાએ અઢળક સંપત્તિ છે.
અને એમનું કહેવું છે કે કૉંગ્રેસ રફાલ ડીલને ખરાબ કરવા માગે છે, કારણ કે તેઓ ઇચ્છે છે કે એમના 'દલાલ' અને 'કાકા-મામા', આ કૉન્ટ્રાક્ટને પરિવારના જ કોઈ નજીકના વ્યક્તિને અપાવી દે.
મોદીએ વિપક્ષના પ્રસ્તાવિત ગઠબંધનને ભેળસેળિયા ગઠબંધન તરીકે ગણાવતા 'મહામિલાવટ' ગઠબંધન નામ આપ્યું હતું.
એક ઈમાનદાર તરીકેની છબી
તેમણે કહ્યું હતું કે આમાં સામેલ થનારા તમામ પક્ષ વંશવાદની બક્ષિસ છે. તેમણે કહ્યું કે આ પક્ષો સાથે મળી પોતાને જીવતા રાખવા માંગે છે.
2019ની ચૂંટણીઓમાં મોદીની એક ઈમાનદાર તરીકેની છબી ઉપસાવવાનો પ્રયાસ કરવામાં આવશે.
લોકોના મનમાં એ વાત ઠસાવવાનો પ્રયાસ કરાશે કે તેઓ જ એક માત્ર નેતા છે કે જે દેશને સાફ-સુઘડ રાખી શકે તેમ છે.
જે રીતે તપાસ સંસ્થાઓ લગભગ દરેક વિપક્ષી પાર્ટીના નેતા અને એમના પરિવારજનોની પાછળ પડી ગઈ છે, તે જોતાં ભાજપમાં એ આશા જણાય છે કે તે પ્રામાણિકતા સામે ભ્રષ્ટાચારની વાતો છતી કરી શહેરી વિસ્તારોમાં જીએસટી અને નોટબંધી જેવા મુદ્દાઓને ધૂંધળા બનાવી દેશે.
પણ ગ્રામીણ વિસ્તારોનું શું? મોદીના ભાષણમાં ગ્રામીણ ભારતના લોકો માટે કોઈ જવાબ નહોતો.
(લેખમાં વ્યક્ત કરવામાં આવેલા વિચાર લેખકના અંગત વિચાર છે, બીબીસીના નહીં. )
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો