You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
હાર્દિક પટેલ અમરેલીથી લોકસભાની ચૂંટણી લડશે?
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
પાટીદાર નેતા હાર્દિક પટેલ 2019ની લોકસભા ચૂંટણી લડશે એવી ચર્ચા ઘણા લાંબા સમયથી ચાલી રહી છે,
હાર્દિક પટેલ મહેસાણા, પોરબંદર અથવા અમરેલી લોકસભા બેઠકો પૈકી એક બેઠક પરથી ચૂંટણી લડે એવી પણ ચર્ચા છે.
શું ખરેખર હાર્દિક પટેલ આગામી લોકસભાની ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ઝંપલાવશે?
ગુજરાતની વિધાનસભા ચૂંટણી વખતે હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિગ્નેશ મેવાણી ભાજપ વિરુદ્ધ મેદાનમાં ઊતર્યા હતા.
જે પૈકી જિગ્નેશ મેવાણી વડગામ વિધાનસભા બેઠકથી અપક્ષ ઉમેદવાર તરીકે લડ્યા હતા અને તેમનો વિજય પણ થયો હતો. કૉંગ્રેસે વડગામ બેઠક પરથી ઉમેદવાર ન આપીને જિગ્નેશ મેવાણીને ટેકો આપ્યો હતો.
ઓબીસી નેતા અલ્પેશ ઠાકોર રાધનપુર બેઠક પરથી કૉંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા અને વિજયી થયા હતા.
એ વખતે હાર્દિક પટેલની ઉંમર 25 વર્ષથી ઓછી હતી, વિધાનસભા કે લોકસભાની ચૂંટણી લડવા માટે 25 વર્ષ કે તેનાથી વધારે ઉંમર હોય એ જરૂરી છે.
તમે આ વાંચ્યું કે નહીં?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
2017ની વિધાનસભાની ચૂંટણી વખતે હાર્દિક પટેલે ઘણા પાટીદાર ઉમેદવારો માટે પ્રચાર અભિયાનમાં ઊતર્યા હતા. કૉંગ્રેસે પણ કેટલાક પાટીદાર ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા.
2019ની લોકસભાની ચૂંટણીમાં સક્રિય ભૂમિકા અંગે હાર્દિક પટેલ અનેક વખત મીડિયા સમક્ષ વાત કરી ચૂક્યા છે.
જુલાઈ 2018માં જ્યારે વિસનગરની કોર્ટે હાર્દિક પટેલને બે વર્ષની કેદની સજા સંભળાવી હતી, ત્યારે હાર્દિક પટેલે બીબીસી ગુજરાતીના સહયોગી સંવાદદાતા ભાર્ગવ પરીખ સાથેની વાતચીતમાં 2019ની ચૂંટણીનો ઉલ્લેખ કર્યો હતો.
હાર્દિક પટેલે કહ્યું હતું, "સરકારના ઇશારે આ કેસ જલદી ચલાવવામાં આવ્યો છે. સરકારે મને વર્ષ 2019ની લોકસભાની ચૂંટણી લડતો અટાકવવા અને આમરણાંત ઉપવાસ કરતો અટકાવવા આ કેસમાં સજા અપાવી છે."
ડિસેમ્બર 2018માં સાડા ત્રણ માસ સુધી જેલની સજા ભોગવ્યા બાદ પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા કેદમાંથી બહાર આવ્યા ત્યારે હાર્દિક પટેલે અલ્પેશ કથીરિયાને પાટીદાર આંદોલનના નવા કૅપ્ટન ગણાવ્યા હતા.
એ વખતે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં એમ.એસ.યુનિવર્સિટીના પ્રોફેસર અમિત અમિત ધોળકિયાએ હાર્દિક પટેલ લોકસભાની ચૂંટણી લડે એવી શક્યતાઓ વ્યક્ત કરી હતી.
તેમણે કહ્યું હતું, "હાર્દિકે નવા ચહેરા તરીકે અલ્પેશને આગળ કર્યો, એનું એવું પણ સંકેત છે કે ચૂંટણી પહેલાં હાર્દિક સક્રિય રીતે રાજકારણમાં પ્રવેશે અને આગામી લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારી પણ નોંધાવે."
પોરબંદર અને અમરેલી બેઠક પર પાટીદાર મતદારો મોટી સંખ્યામાં છે. અમરેલી બેઠક પર આશરે 50 ટકા જેટલા મતદારો પાટીદાર છે.
છેલ્લા ઘણા સમયથી અમરેલીમાં હાર્દિક પટેલ ઘણા સક્રીય પણ રહ્યા છે, એટલે અમરેલી બેઠક પરથી તેઓ ચૂંટણી લડે એવી શક્યતાઓ છે.
અમરેલીથી ચૂંટણી લડવા અંગે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં હાર્દિક પટેલે જણાવ્યું કે તેઓ કઈ બેઠક પરથી ચૂંટણી લડવાના છે એ અંગે હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરાઈ નથી.
પાટીદાર નેતા લાલજી પટેલનું શું કહેવું છે?
ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલે આગામી લોકસભાની ચૂંટણીમાં ઝંપલાવશે એ અંગે મીડિયામાં અહેવાલો પ્રકાશિત થઈ રહ્યા છે ત્યારે કેટલાક પાટીદાર નેતાઓ હાર્દિક પટેલનો વિરોધ કરી રહ્યા છે.
પાટીદાર નેતા લાલજી પટેલે આ અંગે મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું, "અમે ભૂતકાળમાં અનેક વખત જાહેર મંચ પરથી કહી ચૂક્યા છે કે રાજકાણ સાથે અમારે કોઈ લેવાદેવા નથી."
"હાર્દિક પણ ભૂતકાળમાં અનેક વખત મંચ પરથી બોલ્યો છે કે અમે રાજકારણાં જવાના નથી."
લાલજીએ ઉમેર્યું, "અમને આનંદ છે કે પાટીદાર સમાજના લોકો રાજકારણમાં છે, પાટીદાર સમાજના પ્રશ્નોનો ઉકેલ પહેલાં લાવો પછી રાજકારણમાં જોડાવવું હોય તો જોડાવો"
લાલજી પટેલે ચીમકી ઉચ્ચારતા કહ્યું હતું, "જો પાટીદાર સમાજના પ્રશ્નોને અધૂરા છોડીને હાર્દિક ચૂંટણીમાં ઝંપલાવશે તો સમાજના વિરોધનો સામનો કરવો પડશે."
ભૂતકાળમાં હાર્દિક પોતે પણ કહી ચૂક્યા છે કે પાટીદાર સમાજને અનામત ન મળે ત્યાં સુધી હું રાજકારણમાં નહીં આવું.
ઉલ્લેખનીય છે કે હાર્દિક હવે 25 વર્ષના થઈ ગયા હોવાથી લોકસભાની ચૂંટણી લડવા માટે તેઓ લઘુત્તમ વયની દૃષ્ટિએ સક્ષમ છે અને તેઓ લોકસભાની ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ઝંપલાવી શકે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો