આદિવાસીઓની સમસ્યા વિધાનસભામાં ચર્ચા માટે વિશિષ્ટ સત્રની માગણી

    • લેેખક, રોક્સી ગાગડેકર છારા
    • પદ, બીબીસી સંવાદદાતા

ૉસ્ટેચ્યૂ ઑફ યુનિટીને જોવા માટે તમે જે ફૉર લેન હાઈવે ઉપરથી ત્યાં પહોંચો, ત્યારે ત્યાંની ઘણી જમીન અહીંના ખેડૂતોની ખેતીની જમીન હતી, તે યાદ રાખજો.

સ્ટેચ્યૂથી માત્ર ત્રણ કિલોમિટર દૂર નવાગામમાં રહેતા 60 વર્ષના પુનાભાઈ તડવીની જમીન સરકારે આ રોડ માટે સંપાદિત કરી છે.

સ્ટેચ્યૂ ઑફ યુનિટી હોય કે પછી કોઈ મોટા હાઈવેનો પ્રોજેક્ટ હોય, ગુજરાત રાજ્યમાં હાલમાં આદિવાસીઓ રોડ પર ઉતરીને આંદોલનો કરતા જોવા મળે છે.

આટલું જ નહીં, ઘણા આદિવાસી ધારાસભ્યોઓએ તો આવનારા વિધાનસભા સત્રમાં આદિવાસીઓની સમસ્યાઓ પર ધ્યાન આપવા માટે રાજ્યપાલને વિધાનસભમાં એક 'સ્પેશિયલ સેશન'ની માંગણી કરી છે.

આ ખાસ ચર્ચાની માંગણી મુખ્યત્વે સ્ટેચ્યૂ ઑફ યુનિટીની આસપાસ થતા 'ડેવલપમૅન્ટ પ્રોજેક્ટ્સ' અને તેનાથી આદિવાસી સમાજોને થતી તકલીફોને સાંભળવા માટે કરવામાં આવી છે.

હજુ સુધી માત્ર ચાર ધારાસભ્યોઓએ રાજ્યપાલને પત્ર પાઠવ્યો છે, પરંતુ આદિવાસી નેતાઓ માને છે કે હજી બીજા ધારાસભ્યો આગળ આવશે.

કોઈ એક ખાસ વિષય પર વિધાનસભાની નિયત સમયમર્યાદામાં ચર્ચા કરવાનો સમય ન મળે, ત્યારે એક સ્પેશિયલ સેશન બોલાવીને તે વિષય પર ચર્ચા કરવામાં આવે છે.

ગુજરાતના અદિવાસી સમાજોની સમસ્યાને સાંભળવા માટે આદિવાસી નેતાઓએ આ સેશનની માંગણી કરી છે.

ગુજરાતની કુલ વસતિમાં આદિવાસી સમાજની વસતિ આશરે 14.75 ટકા છે અને કુલ 182 વિધાનસભાની બેઠકોમાંથી 27 સીટો આદિવાસી સમાજના પ્રતિનિધિઓ માટે આરક્ષિત છે.

હાલમાં 27માંથી 14 સીટ ઉપર કૉંગ્રેસના ધારાસભ્યો ચૂંટાઈ આવ્યા છે.

આરક્ષિત માંડવી વિધાસભાના કૉંગ્રેસનાં ધારાસભ્ય આનંદ ચૌધરીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું કે હજી વિધાનસભા સત્રને સમય બાકી છે અને બીજા ધારાસભ્યો પણ આ ખાસ સત્રની માગણી કરશે.

ચૌધરીનું માનવું છે કે વિધાનસભામાં આદિવાસી સમાજની સમસ્યાઓની ચર્ચા માટે તેમને અગાઉ પણ પ્રયાસો કર્યા હતા, પરંતુ સવાલો કરવા માટે તેમને ક્યારેય સમય ફાળવવામાં આવતો નથી.

ચૌધરીએ બીબીસી ગુજરાતીને જણાવ્યું, "આદિવાસી સમાજના પ્રશ્નોને કોઈક કારણસર પ્રશ્નોત્તરીમાંથી કાઢી નાંખે છે."

"જેમ કે અગાઉ ઘણી વખત આદિવીસીઓની સમસ્યાને લઈ પૂછાયેલા પ્રશ્નોને કોઈક તકનીકી ખામી કાઢી, એકથી વધુ વિભાગને લગતા છે તેવું કહી કે પછી વિવાદાસ્પદ પ્રશ્ન છે તેમ કહીને પ્રશ્ન પૂછવા દેવામાં આવ્યો નથી."

ચૌધરીએ પણ આ ખાસ સત્રની માંગણી કરી છે.

તમે આ વાંચ્યું કે નહીં?

'પ્રશ્નોનો જવાબ સરકાર ક્યારેક આપતી નથી'

આ ખાસ સત્રની માંગણી કરનાર નીઝર-સોનગઢના ધારાસભ્ય સુનીલ ગામીત માને છે કે તેમના પ્રશ્નોનો જવાબ સરકાર ક્યારેય આપતી નથી.

તેઓ કહે છે, "હાલમાં જ અમે મુખ્ય મંત્રીને મળીને આદિવાસીઓની સમસ્યા વિશે વાત કરી હતી. પરંતુ તેમના જવાબોથી અમે સંતુષ્ટ ન થયા, અને વિચાર્યું કે વિધાનસભામાં ખાસ સત્ર દરમિયાન અમારા પ્રશ્નો સરકારને પુછીશું."

જોકે, આ માટેની પરવાનગી રાજ્યના રાજ્યપાલ આપશે.

વિધાનસભામાં આદિવાસીઓના પ્રશ્નો માટેની ખાસ ચર્ચા માટે આદિવાસી કિસાન સંઘર્ષ મોર્ચાએ જાન્યુઆરી 29ના રોજ આહ્વાહન કર્યું હતું.

આ વિશે વાત કરતા આદિવાસીઓ માટે કામ કરતી સંસ્થા આદિવાસી કિસાન સંઘર્ષ મોર્ચાના રાષ્ટ્ર અધ્યક્ષ રોમીલ સુતરીયાનું માનવું છે કે મુખ્યધારાનું મીડિયા તેમજ સરકાર, કોઈ આદિવાસીઓની સમસ્યા પર ધ્યાન દેતું નથી, એવામાં જ્યાં સુધી વિધાનસભામાં પ્રશ્નો નહીં ઉઠે, ત્યાં સુધી આદિવાસી સમાજની વાત સરકાર નહીં સાંભળે.

સુતરીયાએ આ માટે ચૂંટાયેલા અદિવાસી પ્રતિનિધિઓને ખાસ ચર્ચા કરવા માટે આવેદન કર્યું હતું. તેમણે કહ્યું, "વિધાનસભાની ચર્ચા પછી સરકારને ખબર તો પડશે કે અમારી શું સમસ્યાઓ છે."

'વિકાસ કાર્યો માટે પંચાયતની પરવાનગી લેવાઈ નથી'

નર્મદા ડેમ અને ત્યારબાદ સ્ટેચ્યૂ ઑફ યુનિટી માટે સીધી અને અડકતરી રીતે આદિવાસી સમાજોનાં 72 ગામોને અસર થઈ હતી.

સ્ટેચ્યૂ ઑફ યુનિટીને કારણે કેવડિયામાં નવાગામ અને લિંબડી જેવાં ગામડાઓના ખેડૂતોની જમીનો ફૉર લેન હાઇવે બનાવવા માટે સંપાદિત કરવામાં આવી છે.

નવાગામમાં રહેતા પુનાભાઈ તડવી બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહે છે કે હજી સુધી તેમની ૩ એકરથી વધુ જમીન વિવિધ વિકાસનાં કામો માટે જતી રહી છે, અને હજી સુધી આ જમીનની સામે તેમને કોઈ જમીન આપવામાં આવી નથી.

પુનાભાઈ જેવા અનેક લોકો હાલમાં ગુજરાતમાં આંદોલનો કરી રહ્યાં છે, પરંતુ તેમનું માનવું છે કે હજી સુધી તેમનો અવાજ સરકાર સુધી પહોંચ્યો નથી.

આ વિશે વાત કરતા આદિવાસી નેતા પ્રફુલ વસાવા કહે છે કે આદિવાસીઓની જમીન ભારતીય બંધારણ પ્રમાણે શિડ્યુઅલ 5માં આવે અને અહીં કોઈ પણ નવું કામ કરતા પહેલાં અહીંની પંચાયતોની પરવાનગી લેવી પડે.

પરંતુ, વસાવા કહે છે કે કોઈ પણ કાર્ય માટે અહીંની પંચાયોતોની પરવાનગી લેવામાં આવી નથી.

પ્રફૂલ વસાવાની આ વાતને ગુજરાત રાજ્યના આદિવાસી વિકાસ ખાતાના કૅબિનેટ મંત્રી ગણપત વસાવા નકારીને કહે છે કે સ્ટેચ્યૂ ઑફ યુનિટી અને તેની આસપાસ થતાં તમામ વિકાસનાં કામો માટે જરૂરી એવી તમામ પરવાનગીઓ મેળવી લીધી છે.

જોકે, વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ કહે છે, "શિડ્યુઅલ 5માં સમાવિષ્ટ વિસ્તારમાં કોઈ સરકારી પ્રોજેક્ટ શરૂ કરવા માટે ટ્રાઇબલ ઍડવાઇઝરી કાઉન્સિલની પરવાનગી લેવાની હોય છે, પરંતુ સરકારે આવી કોઈ પરવાનગી ન લઈને કાયદાનું ઉલ્લંઘન કર્યું છે."

અનંત પટેલ ગુજરાતની ટ્રાઇબલ ઍડવાઇઝરી કાઉન્સિલના સભ્ય છે.

ભારતમાલા હાઈ-વે પ્રોજેક્ટની અસર

ગણપત વસાવાએ બીબીસી ગુજરાતીને કહ્યું કે તેમને આ ખાસ સત્રની માંગણી વિશે કોઈ જાણકારી નથી.

ભારતમાલા અને પાર-તાપી પ્રોજેક્ટ પણ આદિવાસીની જમીનો લેશે.

હાલમાં ગુજરાતના ડાંગ વિસ્તારમાં ભારતમાલા હાઈવે પ્રોજેક્ટને કારણે નવસારી અને વલસાડનાં 69 જેટલા ગામડાંને અસર થવાની શક્યતા છે.

ભારતમાલા હાઈવે પ્રોજેક્ટ દેશના ચાર છેડાને જોડતો મેગા હાઇવે પ્રોજેક્ટ છે, જેની માટે ગુજરાતના નવસારી અને વલસાડના આદિવાસી વિસ્તારનાં ગામડાંઓની જમીનો સરકાર સંપાદિત કરી શકે છે.

આ વિશે વાત કરતા અનંત પટેલ કહે છે, "હું માનું છું કે આ પ્રશ્ન ખૂબ મોટો છે, આદિવાસીઓની જમીનો લઈને વિકાસના કામો કરવા છે, પરંતુ તેમને પૂરતું વળતર આપવું નથી."

"અમારા આવા અનેક પ્રશ્નોને ક્યારેય વિધાનસભામાં સાંભળવામાં આવતા નથી."

પાર-તાપી-નર્મદા લિંક પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાતના ડાંગ અને વલસાડનાં 68 ગામડાં અને મહારાષ્ટ્રના નાસિકનાં 7 ગામડાં અસરગ્રસ્ત થવાની શક્યતા છે. આ ગામડાંમાં મોટાભાગની આદિવાસી વસતિ છે.

રોમીલ સુતરીયા કહે છે, "આ પ્રોજેક્ટને કારણે ઘણા આદિવાસી પરિવારો બેઘર થવાના છે અને તેમની આવી પરિસ્થિતિ ન આવે તે માટે ધારાસભ્યોએ સરકારથી જવાબ માંગવો જ પડે."

રોમીલએ વધુમાં કહ્યું હતું કે આદિવાસી ધારાસભ્ય આ ચર્ચાની માંગણી નહીં કરે, આદિવાસી સમાજના લોકોના પ્રશ્નો વિધાનસભામાં ન ઉઠાવે, તો તેમના ઘરે જઈને આદિવાસી યુવાનો તેમને ફૂલહાર કરીને તેમને પછી ક્યારેય મત નહીં આપવાના સોગન લેશે.

વિશેષ સત્ર શું છે?

કોઈ પણ એક મુદ્દા પર સરકારનું ધ્યાન દોરવા માટે, અથવા તો કોઈ એક મુદ્દા પર ઊંડાણમાં ચર્ચા કરવા માટે રાજ્યના મુખ્ય મંત્રી વિધાનસભામાં વિશેષ સત્ર બોલાવી શકે છે.

સામાન્ય રીતે વિશેષ સત્ર બોલાવવા માટે રાજ્યપાલ રાજ્યના મુખ્ય મંત્રીને સુચન કરતા હોય છે.

રાજ્યપાલના ધ્યાને આવેલા મુદ્દાઓ પર રાજ્યપાલ મુખ્ય મંત્રીને વિશેષ સત્ર બોલાવવા માટે સૂચન કરી શકે છે.

જોકે, સત્ર બોલાવવાની સત્તા મુખ્ય મંત્રી પાસે છે. આ વિશે વાત કરતા ગુજરાત વિધાનસભાના સેક્રેટરી ડી. એમ. પટેલ બીબીસી ગુજરાતીને કહે છે:

"કોઈ અર્જન્ટ મુદ્દા પર સરકાર ગમે તેટલી વાર વિશેષ સત્ર બોલાવી શકે છે. જોકે, સામાન્ય રીતે ગુજરાતની વિધાનસભામાં વાર્ષિક બે મુખ્ય સત્રો બોલાવાતા હોય છે."

હાલમાં (2014-2018) થયેલી મુખ્ય વિશેષ સત્રોની માંગણી

જૂન, 2018- પાટીદારો પર થયેલા પોલીસ કેસ, ખેડૂતોની દેવામાફી, પાણીની તંગી અને પેટ્રોલના વધતા જતા ભાવની ચર્ચા કરવા માટે વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ વિશેષ સત્રની માંગણી કરી હતી. જોકે, તે સત્ર બોલાવાયું ન હતું.

જાન્યુઆરી, 2018 - નવા ચૂંટાયેલા ધારાસભ્યોની સોગંદવિધિ માટે વિશેષ સત્ર બોલાવાયું હતું.

મે, 2017- ગત વિધાનસભામાં રાજ્ય સરકારે Gujarat Goods and Service Tax Bill 2017 પસાર કરવા માટે એક વિશેષ સત્ર બોલાવ્યું હતું. આ સત્રમાં બિલ વિશે ચર્ચા થઈ હતી.

જુલાઈ, 2016 - ગત વિધાનસભામાં કૉંગ્રેસના ધારાસભ્ય શૈલેશ પરમારે ગુજરાતમાં થતા દલિતો પરના અત્યાચારોની ચર્ચા કરવા માટે એક વિશેષ સત્રની માંગણી કરી હતી, જે સ્વીકારાઈ નહોતી.

મે, 2014 - ગત વિધાનસભામાં રાજ્યના તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે લોકસભાની ચૂંટણી જીત્યા હતા અને દિલ્હી જવાના હતા, ત્યારે તેમને વિદાયમાન આપવા માટે એક વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું હતું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો