You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ચંદ્રબાબુ નાયડુએ નરેન્દ્ર મોદીનાં પત્ની જશોદાબહેન અંગે શું કહ્યું?
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે આંધ્ર પ્રદેશના ગુંટૂરમાં રાજ્યના મુખ્ય મંત્રી ચંદ્રબાબુ નાયડુને 'લોકેશના પિતા' કહીને સંબોધિત કર્યા હતા.
તેના જવાબમાં ચંદ્રબાબુ નાયડુએ વડા પ્રધાન મોદીનાં પત્નીનો ઉલ્લેખ કરતા વળતો હુમલો કર્યો છે.
નાયડુએ વડા પ્રધાન પર હુમલો કરતા કહ્યું, "તમે તમારાં પત્નીથી અલગ રહો છો."
"શું પરિવારનાં મૂલ્યો પ્રત્યે તમારા મનમાં કોઈ આદર છે કે નહીં?"
નાયડુએ કહ્યું કે તેઓ પોતાના પરિવારને પ્રેમ કરે છે. વડા પ્રધાનને કોઈ પરિવાર નથી કે તેમને કોઈ પુત્ર નથી.
નાયડુએ કહ્યું, "જ્યારે તમે મારા પુત્રનું ઉદાહરણ આપ્યું તો હું તમારાં પત્નીનો ઉલ્લેખ કરી રહ્યો છું."
"શું લોકોને એ ખબર છે કે નરેન્દ્ર મોદીને પત્ની પણ છે. તેમનું નામ જશોદાબહેન છે."
નાયડુએ આ વાતો વિજયવાડામાં યોજાયેલી એક જનસભામાં કહી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નાયડુએ વડા પ્રધાનને દેશને ખાડામાં ધકેલવાને લઈને પણ આરોપો લગાવ્યા હતા.
આંધ્ર પ્રદેશના મુખ્ય મંત્રીએ કહ્યું કે નોટબંધી એક પાગલપન ભરેલો નિર્ણય હતો. જોકે, શરૂઆતમાં નાયડુએ નોટબંધીનું સમર્થન કર્યું હતું.
જ્યારે તેમણે સમર્થન કર્યું ત્યારે તેઓ ભાજપની આગેવાનીવાળા એનડીએનો હિસ્સો હતા.
વિજયવાડામાં નાયડુએ કહ્યું, "તમે એક હજારની નોટ બંધ કરી દીધી અને બેહજારની નોટ લઈને આવ્યા. શું તેનાથી ભ્રષ્ટાચાર ખતમ થઈ જશે?"
વડા પ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે આંધ્ર પ્રદેશના પ્રવાસે હતા, જ્યાં તેમણે ચંદ્રબાબુ નાયડુ પર આક્ષેપો કર્યા હતા.
મોદીએ કહ્યું હતું કે ચંદ્રબાબુ નાયડુની પ્રામાણિકતાને કોઈએ વખાણવી જોઈએ. તેઓ સંપત્તિ બનાવી રહ્યા છે.
જ્યારે આંધ્ર પ્રદેશ મુશ્કેલીમાં છે ત્યારે તેઓ પોતાના પુત્ર માટે ખૂબ જ સંપત્તિ એકઠી કરી રહ્યા છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચંદ્રબાબુ નાયડુના પુત્ર લોકેશને વધારે મહત્ત્વ આપવાનો આરોપ કર્યો હતો.
જેના જવાબમાં ચંદ્રબાબુ નાયડુએ કહ્યું હતું, "મને લોકેશના પિતા હોવાનો ગર્વ છે. મેં હંમેશાં પરિવારનાં મૂલ્યોનું સમર્થન કર્યું છે."
"જોકે, મોદીને તો કોઈ પરિવાર નથી એટલે તેઓ આ વાતને સમજી નહીં શકે."
સોમવારથી આંધ્ર પ્રદેશના મુખ્ય મંત્રી ચંદ્રાબાબુ નાયડુ દિલ્હીમાં ધરણાં કરવાના છે.
તેઓ આંધ્ર પ્રદેશ રાજ્યને ખાસ દરજ્જો મળે તે માગ સાથે ધરણા કરશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો