પ્રિયંકાના રોડ શૉમાં સાથે મોદી અંગે વિવાદાસ્પદ નિવેદન કરનારા ઇમરાન મસૂદ દેખાયા

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

કૉંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ સોમવારે લખનૌ ખાતે રોડૉ-શોમાં ભાગ લીધો હતો. તેમાં ભાગ અન્ય નેતાઓની સાથે ઈમરાન મસૂદ નામના નેતાએ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું.

ગત લોકસભા ચૂંટણી સમયે મસૂદ સહરાનપુરથી કૉંગ્રેસની ટિકિટ ઉપર ઉમેદવાર હતા, પ્રચાર અભિયાન દરમિયાન તેમણે મોદીના 'કટકે કટકા થઈ જશે,' એવી વાત કહી હતી.

પ્રિયંકાની સાથે કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, યૂપી (પશ્ચિમના પ્રભારી) જ્યોતિરાદિત્ય સિંધિયા, યૂપી કૉંગ્રેસના અધ્યક્ષ રાજ બબ્બર, પૂર્વ કેન્દ્રીય પ્રધાન આર.પી. એન. સિંહ, જિતન પ્રસદા તથા પી. એલ. પુનિયા પણ તેમની સાથે હાજર હતા.

બીજી બાજુ, પ્રિયંકા ટ્વિટર પર જોડાયાં છે, તેમણે એક પણ ટ્વીટ નથી કર્યું, છતાંય તેમના લગભગ 60 હજારથી વધુ ફોલોઅર્સ થઈ ગયા છે.

'વાંધો શું છે?'

બીબીસી ગુજરાતીની સાથે વાત કરતા ઇમરાન મસૂદે કહ્યું, "હું શા માટે પ્રિયંકાજીની સાથે બસ ઉપર ન હોઈ શકું?"

"પ્રિયંકાજીએ મને આમંત્રિત કર્યો હતો, એટલે લખનૌ ખાતેની રેલીમાં હું તેમની સાથે બસની ઉપર જ છું."

મસૂદે ઉમેર્યું હતું કે મોદી સંદર્ભે તેમણે જે નિવેદન કર્યું હતું, તે માત્ર 'રૂઢિપ્રયોગ (મુહાવરા)'ની જેમ એ વાત કહી હતી.

બસ ઉપર ઇમરાનની હાજરી સામે સોશિયલ મીડિયા ઉપર ચર્ચા શરૂ થઈ હતી.

ગત લોકસભા ચૂંટણી સમયે સહરાનપુરથી કૉંગ્રેસ પાર્ટીના ઉમેદવાર હતા.

વર્ષ 2014ના ચૂંટણી પ્રચાર અભિયાન દરમિયાન મસૂદે કહ્યું હતું કે મોદી જે રીતે ગુજરાતના મુસ્લિમો સાથે વ્યવહાર કરે છે તે રીતે (ઉત્તર પ્રદેશના મુસ્લિમો) સાથે નહીં ચાલે. 'કટકે કટકા કરી નાખશે.'

"ગુજરાતમાં માત્ર ચાર ટકા મુસલમાન છે, જ્યારે અહીં 22 ટકા મુસલમાન છે."

તેમના આ નિવેદન સામે ભાજપના નેતાઓએ પોલીસ ફરિયાદ કરી હતી.

સહરાનપુર બેઠક ઉપર લગભગ ચાર લાખ મત સાથ કૉંગ્રેસના ઉમેદવાર ઇમરાન મસૂદ બીજા ક્રમે રહ્યા હતા. બસપા અને સપાના ઉમેદવારેને લગભગ ત્રણ લાખ મત મળ્યા હતા.

તમે આ વાંચ્યું કે નહીં?

યોગાનુયોગ કે આયોજનપૂર્વક?

ઇમરાન મસૂદને બસ ઉપર સ્થાન આપવાના કોઈ ગૂઢાર્થ છે? તેવા સવાલના જવાબમાં બીબીસી હિંદી ડિજિટલના સંપાદક રાજેશ પ્રિયદર્શીના કહેવા પ્રમાણે:

"ઇમરાન પશ્ચિમ યૂપીના મોટા નેતા છે. તેઓ દિગ્ગજ રાજકીય પરિવાર સાથે સંબંધ ધરાવે છે."

"તેઓ પાર્ટીના ઉપાધ્યક્ષ પણ છે. તેમની હાજરી યોગાયુનયોગ છે કે આયોજનપૂર્વક તે તો ન કહી શકાય."

"પરંતુ ઇમરાન મસૂદનું કદ એટલું મોટું છે કે તેમની અવગણના પણ ન થઈ શકે."

"જે રીતે તાજેતરમાં રાહુલ ગાંધીએ મોદી સામે આક્રમક વલણ તથા ભાષાનો ઉપયોગ શરૂ કર્યો છે, તે જોતાં આગામી સમયમાં ઇમરાન મસૂદ પાર્ટીને કામ આવી શકે તેમ છે."

પ્રિયંકાએ ફૂંક્યુ બ્યૂગલ

આ વખતે કૉંગ્રેસ ઉત્તર પ્રદેશમાં 'મિશન 30' સાથે આગળ વધી રહી છે. મધ્ય પ્રદેશની ચૂંટણી દરમિયાન પાર્ટીને સત્તા સુધી પહોંચાડવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવનારા જ્યોતિરાદિત્ય સિંધિયાને પશ્ચિમ યૂપીની કમાન સોંપવામાં આવી છે. પ્રિયંકાને પૂર્વ ઉત્તર પ્રદેશની કમાન સોંપવામાં આવી છે.

કૉંગ્રેસ 80માંથી 30 બેઠક મેળવવાના મિશન ઉપર છે. હાલમાં પાર્ટી પાસે રાહુલ ગાંધીની અમેઠી તથા સોનિયા ગાંધીની રાય બરેલી એમ બે બેઠકો છે.

સમાજવાદી પાર્ટી તથા બહુજન સમાજ પક્ષે યુતિ કરી છે અને સોનિયા-રાહુલની બેઠકોને ખાલી રાખી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો