You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ચંદ્રબાબુ નાયડુએ સસરા એનટીઆરની પીઠ પાછળ ઘા કર્યો અને આગળ નીકળ્યા છે : મોદી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે આંધ્ર પ્રદેશના ગુંતુર ખાતે સભા સંબોધતા કહ્યું કે આંધ્ર પ્રદેશના મુખ્ય મંત્રી ચંદ્રબાબુ નાયડુએ તેમના સસરા એનટીઆરની પીઠ પાછળ ઘા કરીને આગળ નીકળ્યા છે.
ઉલ્લેખનીય છે કે મોદી આજે આંધ્ર પ્રદેશ, કર્ણાટક અને તમિલનાડુમાં ચૂંટણીલક્ષી પ્રવાસ કરશે.
તેલુગુ દેશમ પાર્ટીએ એનડીએ સાથે છેડો ફાડ્યા બાદ પ્રથમ વખત વડા પ્રધાન મોદી આંધ્ર પ્રદેશની મુલાકાતે છે.
આ સાથે જ મોદી કર્ણાટકના રાઇચુર અને તમિલનાડુના તિરુપ્પુર જવાના છે.
આંધ્ર પ્રદેશના મુખ્ય મંત્રી ચંદ્રબાબુ નાયડુએ મોદીનો વિરોધ કર્યો છે અને શહેરમાં 'ગો બૅક મોદી' અને 'નેવર અગેઇન મોદી'ના હૉર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે.
મોદી અહીં બે પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરવાના છે.
9 ફેબ્રુઆરીના સમાચાર
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે અરુણાચલ પ્રદેશમાં કેટલીક યોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો.
આ સમયે તેમણે કહ્યું કે ન્યૂ ઇન્ડિયા ત્યારે જ તેમની પૂરી શક્તિ સાથે વિકસિત થઈ શકશે, જ્યારે પૂર્વ ભારત, ઉત્તર-પૂર્વ ભારતનો તેજ ગતિથી વિકાસ થાય.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વડા પ્રધાન મોદીએ અરુણાચલ પ્રદેશમાં ચાર હજાર કરોડ રૂપિયાથી પણ વધારેની યોજનાઓના શિલાન્યાસ કર્યા હતા.
તેમણે કહ્યું કે હવે સ્વાસ્થ્ય સેવાઓ વધારે સારી બનશે અને અરુણાચલ પ્રદેશની સંસ્કૃતિને પણ વેગ મળશે.
આ ઉપરાંત વડા પ્રધાને આસામમાં એક રેલીને સંબોધતા કહ્યું હતું કે આસામ અને નોર્થ ઇસ્ટના લોકોને આ બિલથી કોઈ જ નુકસાન નહીં થાય.
મોદીએ કહ્યું, "રાજ્ય સરકારની કેટલીક તપાસ અને ભલામણો બાદ નાગરિકતા અપાશે."
તેમણે કહ્યું, "જેઓ બળજબરીથી દેશમાં ઘૂસ્યા છે અને જે લોકોએ પોતાનો જીવ બચાવવા માટે ભાગીને અહીં આવવું પડ્યું છે, તે બંને વચ્ચેનો તફાવત સમજવો પડશે."
6 ફેબ્રુઆરીના સમાચાર
જનતા દળ યુનાઇટેડના ઉપાધ્યક્ષ પ્રશાંત કિશોરે મંગળવારે શિવસેનાના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરે તથા તેમના પુત્ર આદિત્ય સાથે મુલાકાત કરી હતી.
આ મુલાકાત બાદ કિશોરે ટ્વિટર પર લખ્યું, "અમે (જેડીયુ) એનડીએ (નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ)ના ભાગરૂપ છીએ.""આપની સાથે મળીને આગામી લોકસભા ચૂંટણી અને એ પછી પણ વિજય માટે સાથે મળીને કામ કરીશું."
મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના વચ્ચે તણાવ પ્રવર્તે છે, ત્યારે પ્રશાંત કિશોરે મુલાકાત કરતા અટકળો વહેતી થઈ છે.
કેટલાકના કહેવા પ્રમાણે, એનડીએમાં ભાજપના સાથી પક્ષો સાથે મળીને દબાણ લાવવાની વ્યૂહરચના ઉપર કામ કરતા હોય એવું બની શકે.
તા. 5 ફેબ્રુઆરીના સમાચાર
કૉંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ કહ્યું છે કે તેમનાં દાદી ઇંદિરા ગાંધી અને વર્તમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરખામણીનો કોઈ આધાર નથી.
રાહુલે 'હિંદુસ્તાન ટાઇમ્સ'ને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું કે આવા પ્રકારની સરખામણી ઇંદિરાજીનું અપમાન હશે.
રાહુલે આ ઇન્ટરવ્યૂમાં કહ્યું, "મારાં દાદીના નિર્ણયોનો સંબંધ લોકોના પ્રેમ અને સ્નેહ સાથે હતો."
"તેમનો સ્વભાવ લોકોને એકજૂટ કરવાનો હતો. તેઓ લોકોને સાથે લઈને ચાલતાં હતાં. ગરીબોનું ધ્યાન રાખતાં હતાં."
રાહુલે કહ્યું કે વર્તમાન વડા પ્રધાન મોદી ગુસ્સામાં નિર્ણયો કરે છે.
રાહુલે કહ્યું, "તેમના નિર્ણયોમાં વેરનો ભાવ સ્પષ્ટ નજરે પડે છે. મોદીના દિલમાં ગરીબો માટે કોઈ જગ્યા નથી."
ગડકરીનો રાહુલને જવાબ
ભાજપના નેતા ગડકરીએ રાહુલ ગાંધીને તેમના અંગેના નિવેદન મામલે જવાબ આપ્યો છે.
તેમણે ટ્વીટ કરીને કહ્યું, "મારી હિંમત માટે તમારા સર્ટિફિકેટની જરૂર નથી."
"જોકે, આશ્ચર્યની વાત છે કે રાષ્ટ્રીય પાર્ટીના અધ્યક્ષ હોવા છતાં પણ અમારી સરકાર પર હુમલો કરતી વખતે તમારે મીડિયાએ તોડી મરોડીને રજૂ કરેલા સમાચારનો આશરો લેવો પડે છે."
રાહુલ ગાંધીએ આ પહેલાં નીતિન ગડકરીને એવા નેતા ગણાવ્યા હતા જેમનામાં સાહસ છે.
તેમણે ટ્વીટ કરીને લખ્યું હતું, "ભાજપમાં આપ એકલા એવા નેતા છો, જેમનામાં હિંમત છે."
ગડકરીએ એબીવીપીના પૂર્વ સભ્યોને કહ્યું હતું કે પહેલા ઘરની જરૂરિયાતો પર ધ્યાન આપે પછી પાર્ટી અને દેશ વિશે વિચારે.
તેમના આ નિવેદન અંગે મીડિયામાં સમાચારો ચાલ્યા હતા કે 'જે ઘર સંભાળી નથી શકતા, તે દેશ કેવી રીતે સંભાળી શકે.'
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો