મમતા બેનરજી કહે છે કે દેશમાં કટોકટી જેવી સ્થિતિ, આ દાવામા સત્ય કેટલું?

    • લેેખક, જય મકવાણા
    • પદ, બીબીસી ગુજરાતી

સીબીઆઈ સાથેની તકરાર બાદ ધરણાં પર બેસી ગયેલાં પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજીએ દેશમાં કટોકટી જેવી સ્થિતિ પ્રવર્તી રહી હોવાની વાત કરી છે.

કૉલકાતા પોલીસ વડાની 'ચીટ ફંડ કૌભાંડ'માં તપાસ કરવાના સીબીઆઈના પ્રયાસને 'બંધારણ અને સંઘવાદ'ની ભાવના વિરુદ્ધ હોવાનું જણાવતાં મમતાએ દેશમાં ઊભી થયેલી પરિસ્થિતિને 'કટોકટી' ગણાવી છે.

તો મમતા પર વળતો પ્રહાર કરતા ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય નેતા પ્રકાશ જાવડેકરે પશ્ચિમ બંગાળમાં 'કટોકટી' જેવી સ્થિતિ પ્રવર્તી હોવાની વાત કરી છે.

જાવડેકરે કહ્યું, "અમિત શાહ, યોગી આદિત્યનાથ અને સ્મૃતિ ઇરાનીનાં હેલિકૉપ્ટર ઊતરવાં ના દેવાય. શું આ લોકશાહી છે? શું આ કટોકટી ના કહેવાય?"

આ દરમિયાન વિરોધી પક્ષો પણ મમતાનાં સમર્થનમાં આવતા નજરે પડ્યા.

દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે નરેન્દ્ર મોદી પર લોકશાહીનો ઉપહાસ કરવાનો આરોપ લગાવ્યો.

દેશમાં કટોકટી જેવી સ્થિતિ?

ત્યારે સવાલ એ ઊભો થાય કે શું ખરેખર દેશમાં કટોકટી જેવી સ્થિતિ પ્રવર્તી રહી છે?

બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જાણીતા લેખક પ્રકાશ ન.શાહ જણાવે છે, "ઇંદિરા ગાંધીને તો કાયદો બદલવાનું પણ યોગ્ય લાગ્યું હતું. જ્યારે હાલની કેન્દ્રની સરકારે કાયદો બદલવાની તસદી લીધા વગર જ એ વખતના દિવસો તાજા કરવાનો પ્રયાસ કર્યા છે."

"અર્બન નક્સલનો વિવાદ એ પ્રયાસનો પહેલો છેડો હતો અને જ્યારે હાલમાં મમતા જે સ્થિતિમાંથી પસાર થઈ રહ્યાં છે તે એ પ્રયાસનો બીજો છેડો છે."

શાહ પોતાની વાતને વિસ્તારથી સમજાવતા જણાવે છે, "ઇંદિરા ગાંધી વખતે કટોકટીની જાહેરાત કરવામાં આવી હતી અને એ રીતે કાયદો બદલવાની હિલચાલ ચલાવાઈ હતી."

"પણ હાલ તો કોઈ પ્રકારની જાહેરાત કરાયા વગર અને કાયદો બદલવો કે ના બદલવો એવી કોઈ જ દરકાર કર્યા વગર દમન ગુજરાઈ રહ્યું છે."

શાહ ઉમેરે છે, "કટોકટીના કાળ કરતાં વર્તમાન સમયમાં વધુ તીવ્રતા અનુભવાઈ રહી છે. એક બાજુ કાયદાનું ઉલ્લંઘન અને નાગરિકોના હકોનું હનન થઈ રહ્યું છે, તો બીજી બાજુ, સમાજમાં ધિક્કારનું રાજકારણ રમાઈ રહ્યું છે. આમ તમારા પર બે બાજુથી ભીંસ વધારાઈ રહી છે."

ભાજપ સરકાર પર 'સરકારી રાહે દમન અને સમાજમાં પોતાના મળતીયાઓ મારફતે ધાક ફેલાવવા'નો આરોપ લગાવતા શાહ જણાવે છે,

"કટોકટીના કાળ માટે કૉંગ્રેસ અને ઇંદિરા ગાંધી ટીકાપાત્ર હતાં જ અને છે જ પણ એ વખતે તમને ગૌરી લંકેશ, દાભોલકર, કલબુર્ગીની હત્યાના કિસ્સા જોવા નહીં મળે."

"હાલના સમયમાં ભાજપની રાજકીય વિચારધારા ધરાવતાં તત્ત્વો મનફાવે એમ વર્તે છે અને જવાબદારીની વાત આવે ત્યારે સરકાર હાથ અધ્ધર કરી દે છે"

'હળાહળ ખોટી વાત'

જોકે, શાહની આ વાત સાથે પત્રકાર અને 'માર્ચિંગ વિધ અ બિલિયન : ઍનૅલાઇઝિંગ નરેન્દ્ર મોદીઝ્ ગવર્નમેન્ટ ઍટ મિડટર્મ' નામના પુસ્તકના લેખક ઉદય મહુરકર સહમત નથી થતા.

મહુરકર જણાવે છે, "દેશમાં કટોકટી જેવી કોઈ સ્થિતિ હોય એવું મને નથી લાગતું. આ હળાહળ ખોટી વાત છે. શક્તિશાળી નેતા હોવા છતાં મોદીને કારણે લોકશાહી પર જોખમ હોય એવાં કોઈ પણ ચિહ્ન નથી જણાઈ રહ્યાં."

તેઓ ઉમેરે છે, "ગુજરાતના તોફાનોની તપાસમાં ખુદ નરેન્દ્ર મોદીને હાજરી આપવી પડી હતી. જોકે, ત્યારે પણ તેમણે દેશમાં કટોકટીવાળી વાત તો નહોતી કરી. મોદીએ ઇચ્છ્યું હોત તો ત્યારે તેઓ આવું કંઈ કહી જ શક્યા હોત."

આપને આ પણ વાંચવું ગમશે

પણ જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીનાં પ્રૉફેસર અને રાજકીય બાબતોનાં જાણકાર પ્રોફેસર નિવેદિતા મેનન મહુરકરથી વિરોધી મત ધરાવે છે.

મોદી સરકારના આ પગલાંને કટોકટી સાથે જોડતાં પ્રોફેસર જણાવે છે, "એક કટોકટી એવી હોય છે કે જેની ઘોષણા કરાયા બાદ સંસ્થાનોને ધ્વંશ કરવામાં આવે અને બીજી કટોકટી એવી હોય કે જે ચાર વર્ષથી ચાલે છે."

પ્રોફેસર ઉમેરે છે, "મને લાગે છે કે દેશની તમામ સંસ્થાને ધ્વંશ કરાઈ રહી છે. પછી તે સીબીઆઈ હોય, આરબીઆઈ(રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા) હોય. યુનિવર્સિટી હોય કે કોર્ટ હોય, સરકારે દખલઅંદાજી કરી જ છે."

સીબીઆઈનો ઉપયોગ?

આ અંગે પત્રકાર અને લેખિકા શબા નકવીનું માનવું છે, "સીબીઆઈની વિશ્વનિયતા તળીયે પહોંચી ગઈ છે. હાલની સરકારન એજન્સીને રાજકીય હથિયાર તરીકે ઉપયોગ કરી રહી છે."

"સૌને લાગે છે કે કેન્દ્ર સરકાર સીબીઆઈ કે અન્ય સંસ્થાનો રાજકીય વિરોધી વિરુદ્ધ રાજકીય હથિયાર તરીકે ઉપયોગ કરી રહી છે."

સદનમાં તૃણમૂલ કૉંગ્રેસના નેતા સોગત રૉયે પણ કહ્યું છે, "મોદી સરકાર લગાતાર સીબીઆઈનો ઉપયોગ વિપક્ષને ડરાવવા અને ધમકાવવા માટે કરી રહી છે."

"અમીત શાહ અને મોદી દેશના બંધારણીય માળખાને નુકસાન પહોંચાડી રહ્યા છે. સીબીઆઈના ખોટા ઉપયોગ મામલે અમારા મુખ્ય મંત્રી મમતા બેનરજી અનિશ્ચિતકાળની હડતાળ પર છે."

જોકે, સીબીઆઈ પર સરકારના ઇશારે કામ કરવાનો આરોપ લાગ્યો હોય એવી આ કોઈ નવી વાત નથી.

આ પહેલાંની સરકારો પર પણ સીબીઆઈનો રાજકીય હથિયાર તરીકે ઉપયોગ કરવાના આરોપ

લાગતા જ રહ્યા છે.

આ અંગે વાત કરતાં પ્રોફેસર નિવેદિતા જણાવે છે, "પહેલાંની સરકારોએ પણ સીબીઆઈનો રાજકીય હથિયાર તરીકે ઉપયોગ કર્યો છે, પણ આમ ઉઘાડી રીતે નહીં. સરાજાહેર કાયદાના ઉલ્લંઘન કરવામાં આ સરકારે કેટલાય વિક્રમો સર્જ્યા છે."

જોકે, સીબીઆઈની દૂરઉપયોગના આરોપ સાથે અસમતી દર્શાવતા મહુરકર જણાવે છે, "દૂરઉપયોગની વાત પણ સમજીવિચારીને કરવી પડે એમ છે. કારણ કે જો સીબીઆઈ ખરેખર સરકારના નિયંત્રણ હેઠળ હોત તો શું આલોક વર્મા એમના વિરોધમાં પડ્યા હોત?"

"આ કિસ્સો જ સ્પષ્ટ કરે છે કે સરકાર સીબીઆઈ પર નિયંત્રણ નથી ધરાવતી."

વળી, મોદીને કારણે લોકતંત્ર પર જોખમ હોવાના વિપક્ષના આરોપોને પણ મહુરકર ફગાવી દે છે.

"મોદીનું વ્યક્તિત્વ જ એવું છે કે વિરોધી પક્ષોને લાગે છે જો મોદી સત્તામાં ચાલુ રહ્યા તો તેમનું અસ્તિત્વ જોખમાઈ જશે. એટલે આ આખું યુદ્ધ રાજકારણથી પ્રેરિત છે."

જો આ સમગ્ર મામલે રાજકારણ જાડોયેલું હોય તો પણ ભાજપને ફાયદો નથી થઈ રહ્યો એવું સબા નકવીનું માનવું છે,

સબા જણાવે,"જાણે અજાણે મોદી સરકારે બંગાળીઓનો ઉપરાષ્ટ્રવાદને ભડકાવી દીધો છે. તામિળોમાં પહેલાંથી જ આ ભાવના હતી અને બંગાળીઓમાં પણ આ વખતે આ ભાવના ભડકાવાઈ છે. જેનાથી મોદી સરકારને નુકસાન જ જશે."

સીબીઆઈ પાંજરે પૂરાયેલો પોપટ?

"સીબીઆઈ કૉંગ્રેસ બ્યુરો ઑફ ઇન્વિટેશન બની ગઈ છે અને દેશને તેના પર કોઈ જ ભરોસો નથી. હું કેન્દ્રને કહી શકું છું કે મને સીબીઆઈનો ભય ના બતાવે"

નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્ય મંત્રી હતા ત્યારે 24 જૂન 2013ના રોજ તેમણે સીબીઆઈને લઈને સંબંધિત મત વ્યક્ત કર્યો હતો.

જેના લગભગ સાડા પાંચ વર્ષ બાદ રાહુલ ગાંધીએ 25 ઑક્ટોબર 2018ના રોજ ટ્વીટર પર સીબીઆઈને નષ્ઠ કરવાનો વડા પ્રધાન પર આરોપ લગાવ્યો હતો.

રાહુલ ગાંધીએ ટ્વિટર પર લખ્યું હતું, "રફાલ કૌભાંડની તપાસ ના થઈ શકે એ માટે વડા પ્રધાને સીબીઆઈના વડાને ગેરબંધારણીય રીતે હટાવી દીધા. સીબીઆઈને સંપૂર્ણ રીતે નષ્ટ કરવામાં આવી રહી છે."

પૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહનસિંઘ પર આ મામલે વર્તમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર આરોપ લગાવી ચૂક્યા છે.

એક કાર્યક્રમ દરમિયાન તેમણે કહ્યું હતું, "મોદી જ્યારથી વડા પ્રધાન બન્યા છે, ત્યારથી સીબીઆઈ જેવી સંસ્થાઓની શાખ ઘટી છે."

જોકે, સીબીઆઈ સરકારના નિયંત્રણમાં હોવાનો આરોપ માત્ર રાજકારણીઓએ જ નથી લગાવ્યો.

સુપ્રીમ કૉર્ટના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ જસ્ટીસ લોધા સીબીઆઈને 'પાંજરે પૂરાયેલો પોપટ' ગણાવી ચૂક્યા છે.

8 મે, 2013ના રોજ કોસલા કૌભાંડના કેસની સુનાવણી દરમિયાન જસ્ટિસ લોધાએ સીબીઆઈને 'પાંજરે પૂરાયેલો પોપટ' ગણાવી હતી.

2014માં દેશના મુખ્ય ન્યાયાધીશ બનનારા જસ્ટીસ લોધાએ જણાવ્યું હતું, "પોપટ હજુય પાંજરે પૂરાયેલો છે. સીબીઆઈ સ્વતંત્ર નથી. એ સમસ્યા હજુય ચાલુ જ છે. રાજકારણીઓ સતત તેનાં કામમાં દખલ કર્યા કરે છે."

જોકે, ભાજપના પ્રવક્તા ગોપાલ કૃષ્ણ આ મામલે જણાવે છે, "યૂપીએ સરકાર વખતે જ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે સીબીઆઈ પાંજરે પૂરાયેલો પોપટ છે. પણ સંસ્થાઓનું નબળું પડવાનું તો ઇંદિરા ગાંધીના સમયથી જ શરૂ થઈ ગયું હતું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો