You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મમતા vs CBI Live: આ મામલે સુપ્રીમ કોર્ટ અને સંસદમાં શું બન્યું?
મમતા બેનરજી અને સીબીઆઈ વચ્ચેના વિવાદ મામલે સુપ્રીમ કોર્ટે સુનાવણી મંગળવાર સુધી ટાળી દીધી છે.
ચીફ જસ્ટિસે કહ્યું કે સીબીઆઈ એ જાણકારીઓ કોર્ટ સામે રજૂ કરે જેના આધાર પર તે રાજીવ કુમાર પર પુરાવા નષ્ટ કરવાનો આરોપ લગાવી રહી છે.
આ તરફ લોકસભામાં પણ સીબીઆઈ વિરુદ્ધ કૉલકાતા પોલીસનો મામલો આવ્યો હતો.
પ્રશ્નકાળ દરમિયાન ટીએમસીના નેતાઓએ નારેબાજી કરી જે બાદ લોકસભા થોડા સમય માટે સ્થગિત કરી દેવામાં આવી હતી.
લોકસભામાં ગૃહમંત્રી રાજનાથ સિંહે કહ્યું કે દેશની લો ઇન્ફોર્સમૅન્ટ એજન્સી સામેનો આ ટકરાવ ગેરબંધારણીય છે.
બીજી તરફ આ મામલાને લઈને બંગાળના મુખ્ય મંત્રી અનિશ્ચિતકાળની હડતાળ માટે બેસી ગયાં છે.
અદાલતમાં હાજર રહેલા વરિષ્ઠ પત્રકાર સુચિત્ર મોહંતી પ્રમાણે સીબીઆઈની આ મામલે ઝડપી સુનાવણી કરવાની રજૂઆત બાદ પણ આ મામલો પાંચ મિનિટમાં ખતમ થઈ ગયો.
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારના એ દાવાના પક્ષમાં પુરાવા માગ્યા, જેમાં સીબીઆઈ કૉલકાત્તાના કમિશ્નર રાજીવકુમાર પર પુરાવા નષ્ટ કરવાની કોશિશનો આરોપ લગાવ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મામલાની સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ કહ્યું, "રેકૉર્ડ પર શું ઉપલબ્ધ છે? અમે તમારી અરજી વાંચી છે અને એમાં કોઈ જાણકારી એવી નથી કે જેના આધાર પર કહી શકાય કે રાજીવ કુમારે પુરાવા નષ્ટ કર્યા છે."
સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ આ મામલાની ઝડપથી સુનાવણી કરવાની માગ કરી પરંતુ મુખ્ય ન્યાયાધીશે રાહ જોવાનું કહ્યું.
બીજી તરફ લોકસભામાં આ મામલે જોરદાર હંગામો થયો હતો.
પ્રશ્નકાળ દરમિયાન નારેબાજી વચ્ચે કેટલાક સમય સુધી લોકસભા સ્થિગિત કરવાના નોબત આવી હતી.
સદનમાં તૃણમુલ કૉંગ્રેસના નેતા સોગત રૉયે કહ્યું, "મોદી સરકાર લગાતાર સીબીઆઈનો ઉપયોગ વિપક્ષને ડરાવવા અને ધમકાવવા માટે કરી રહી છે."
"આજે સીબીઆઈ સુપ્રીમ કોર્ટ પહોંચી પરંતુ તેમને કોઈ ઑર્ડર કોર્ટ તરફથી મળ્યો નહીં."
"અમીત શાહ અને મોદી દેશના બંધારણીય માળખાને નુકસાન પહોંચાડી રહ્યા છે. સીબીઆઈના ખોટા ઉપયોગ મામલે અમારા મુખ્ય મંત્રી મમતા બેનર્જી અનિશ્ચિતકાળની હડતાળ પર છે."
આ મામલે લોકસભામાં ગૃહમંત્રી રાજનાથ સિંહે કહ્યું, "સીબીઆઈના અધિકારીઓને ના માત્ર રોકવામાં આવ્યા પરંતુ બળપ્રયોગ કરવામાં આવ્યો."
"કૉલકાતાના કમિશ્નર તપાસમાં સહયોગ કરી રહ્યા નથી. તેઓ સીબીઆઈના સમન પર જઈ પણ રહ્યા નથી."
"દેશની કાયદાકીય સંસ્થાઓ પરનો આ ટકરાવ ગેરબંધારણીય છે. સદનને એ વાતની પણ જાણકારી હશે કે સીબીઆઈની તપાસ રાજ્ય સરકારની માગ કે હાઈકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટની માગ સાથે કરવામાં આવે છે."
સમગ્ર ઘટનાક્રમ સંક્ષિપ્તમાં
- સીબીઆઈ ટીમ પોલીસ કમિશનર રાજીવ કુમારની પૂછતાછ કરવા પહોંચી
- કોઈ પણ પ્રકારના વૉરંટ વગર સીબીઆઈની ટીમ આવી હતી : કૉલકાતા પોલીસ
- સીબીઆઈ ટીમને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી, જ્યાં અમુક કલાક બાદ ટીમને જવા દેવાઈ
- સીઆરપીએફના (સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ)ના જવાનોએ કૉલકાતા ખાતે સીબીઆઈ (સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશન) કચેરીની સુરક્ષા વ્યવસ્થા સંભાળી
- મમતા બેનરજી કૉલકાતાના મેટ્રો સિનેમા બહાર ધરણા પર બેઠાં
- રાજીવ કુમાર સહિત અન્ય પોલીસ અધિકારીઓ ધરણાસ્થળે સાદા કપડામાં પહોંચ્યા
- તૃણમુલ કૉંગ્રેસના કાર્યકર્તાઓ ધરણા સ્થળે પહોંચ્યા
- કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી તથા ઉમર અબ્દુલ્લાહે તેમની સાથે ફોન ઉપર વાત કરી.
- સોમવારે ધરણાં સ્થળથી જ બજેટ સત્રમાં ભાગ લેશે
- આ મુદ્દે ભાજપ અને ટીએમસી વચ્ચે આરોપ-પ્રતિઆરોપ
- કેટલાક સ્થળોએ રેલ વ્યવહાર અટકાવવામાં આવ્યો
- સીબીઆઈ અને પશ્ચિમ બંગાળ સરકારે આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં જવાની વાત કહી
તમે આ વાંચ્યું કે નહીં?
મમતા બેનર્જીએ મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું, "મારા ઘરે પણ સીબીઆઈ મોકલી રહ્યા છે. 2011માં અમારી જ સરકારે આ ગોટાળા અંગે તપાસ શરૂ કરી હતી."
"અમે ગરીબોના પૈસા પાછા આપવાનું કામ કર્યું હતું."
"સીપીએમના શાસન વખતે ચિટફંટ શરૂ થયું હતું પણ તેમની વિરુદ્ધ તપાસ કેમ ન થઈ?"
"હું બંધારણને બચાવવા માટે મેટ્રો સિનેમા સામે ધરણા કરીશ. હું દુઃખી છું. હું ડરવાની નથી. મને ખબર છે દેશના લોકો મારું સમર્થન કરશે."
કૉંગ્રેસ, નેશનલ કૉન્ફરન્સ, રાષ્ટ્રીય જનતા દળ અને સમાજવાદી પાર્ટીએ મમતાને સમર્થન જાહેર કર્યું છે.
રાષ્ટ્રીય જનતા દળના તેજસ્વી યાદવ સોમવારે કોલકતા જાય તેવી શક્યતા છે.
સમાચાર એજન્સી પીટીઆઈ (પ્રેસ ટ્રસ્ટ ઑફ ઇન્ડિયા)ના અહેવાલ પ્રમાણે, પોલીસ કમિશનર ગોટાળાની તપાસ કરતી એક વિશેષ ટીમનું નેતૃત્વ કરતા હતા.
સીબીઆઈ તેમને કેસ સંલગ્ન ગાયબ થયેલાં દસ્તાવેજો અને ફાઇલો અંગે પૂછપરછ કરવા ગઈ હતી.
એજન્સીએ અધિકારીઓના હવાલાથી નોંધ્યું છે કે ઘણી વખત નોટિસ ફટકારી હોવા છતાં પોલીસ કમિશનર સીબીઆઈ સમક્ષ હાજર નહોતા થયા.
મુખ્ય મંત્રી મમતા બેનર્જી આ મામલે પોલીસ કમિશનરનો બચાવ કરી રહ્યાં છે અને તેમનું કહેવું છે કે ભારતીય જનતા પાર્ટી સીબીઆઈનો દુરુપયોગ કરે છે.
મમતા બેનર્જીએ રવિવારે સવારે ટ્વિટર પર લખ્યું હતું, "કૉલકાતાના પોલીસ કમિશનર દુનિયાના શ્રેષ્ઠ અધિકારીઓમાંથી એક છે."
તેમની ઇમાનદારી અને બહાદુરી પર પ્રશ્ન ઉઠાવી ન શકાય. તેઓ રાત-દિવસ કામ કરે છે. તમે જ્યારે જૂઠ્ઠાણું ફેલાવો છો, ત્યારે તે જુઠ્ઠું જ રહે છે."
રાષ્ટ્રપતિ શાસનની ભાજપની માગ
કેન્દ્રીય રાજ્ય મંત્રી અને આસનસોલ બેઠકથી ભાજપના સાંસદ બાબુલ સુપ્રિયોએ આ મુદ્દે બીબીસી સાથે વાત કરી હતી.
તેમણે કહ્યું, "પશ્ચિમ બંગાળમાં સ્થિતિ ઘણી બગડી ગઈ છે. ભાજપના સાંસદ અને નાગિરક તરીકે રાષ્ટ્રપતિ શાસન લાદવાની માગ કરું છું. આ રાજનીતિ નથી પણ ભ્રષ્ટાચાર વિરુદ્ધ પગલાં લેવાની વાત છે."
બાબુલ સુપ્રિયોએ કહ્યું, "મને એ સમજ નથી પડતી કે હજારો કરોડનો જે રોઝ વૅલી અને શારદા ગોટાળો થયો, શું એની તપાસ ન થવી જોઈએ?"
"કોઈ અધિકારી કે પોલીસ કમિશનર પર સીધા આરોપો લાગતા હો તો તપાસ ન કરવી જોઈએ?"
"તેમણે પુરાવાઓ સાથે છેડછાડ કરી હતી. નોટિસ આપવા છતાં રાજીવ કુમાર હાજર ન થયા તો એનો જવાબ તો આપવો પડશે ને?"
"આ ભાજપ અને ટીએમસીની વાત નથી. આ ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડત છે. આ કટોકટી જેવી સ્થિતિ છે."
કૉલકાતા પોલીસના સત્તાવાર ટ્વિટર હૅન્ડલ પરથી આ અંગે ટ્વીટ કરાયું હતું, "મીડિયામાં કેટલાક એવા સમાચાર ચાલી રહ્યા છે કે રાજીવ કુમાર ત્રણ દિવસથી ઑફિસ આવ્યા નથી."
"કોલકાતા પોલીસ આ સમાચારને નકારી કાઢે છે. 31 જાન્યુઆરીના દિવસને બાદ કરતા તેઓ દરરોજ નિયમિત ઑફિસ આવ્યા છે."
સુપ્રીમ કોર્ટે શારદા ગોટાળાની તપાસ 2014માં સીબીઆઈને સોંપી હતી. રાજીવ કુમાર 2016માં કૉલકાતા પોલીસના કમિશનર બન્યા હતા.
આ અંગે દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે પણ ટ્વીટ કર્યું હતું, "મોદીએ લોકતંત્ર અને સંઘીય માળખાની મજાક કરી દીધી છે. થોડાં વર્ષો પહેલાં મોદીએ દિલ્હીની ઍન્ટિ-કરપ્શન બ્રાંચ પર કબજો કર્યો હતો. હવે મોદી-શાહની જોડી ભારત ને લોકશાહી માટે ખતરારૂપ છે. અમે આની નિંદા કરીએ છીએ."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો