બજેટ 2019થી ભાજપને ચૂંટણીમાં કેટલો ફાયદો? દૃષ્ટિકોણ

    • લેેખક, રાધિકા રામાશેષન
    • પદ, વરિષ્ઠ પત્રકાર, બીબીસી હિંદી માટે

નાણા મંત્રી અરૂણ જેટલીની ગેરહાજરીમાં બીજી વખત કાર્યકારી મંત્રી પીયૂષ ગોયલે શુક્રવારે સંસદમાં આ સરકારનું અંતિમ બજેટ રજૂ કર્યું.

આ બજેટ પાસે બહુ અપેક્ષાઓ હતી કે, સરકાર તરફથી ખેડૂતો માટે કોઈ મોટી જાહેરાતો થશે, પણ એવું કશું થયું નહીં.

બજેટ દરમિયાન પીયૂષ ગોયલે કહ્યું કે જે ખેડૂતો પાસે બે હેક્ટર અથવા તેથી ઓછી જમીન હશે તેમને સરકાર તરફથી દર વર્ષે 6 હજાર રૂપિયા આપવામાં આવશે, જે ત્રણ હપ્તામાં ચૂકવાશે.

તેલંગણામાં ચંદ્રશેખર રાવની સરકાર પહેલાંથી જ આ પ્રકારની યોજના ચલાવી રહી છે.

કેન્દ્ર સરકારની આ યોજના તેની સાથે સમાનતા ધરાવે છે. જોકે, તેલંગણાની યોજનામાં બીજી પણ કેટલીક વિશેષતાઓ રહેલી છે.

જો સૈન્યના બજેટની વાત કરવામાં આવે તો તેમાં જંગી વધારો થયો છે.

હવે કામદારોને પણ આ બજેટમાં રાહત આપવામાં આવી છે, જોકે ટૅક્સના સ્લૅબમાં કી ફેરફાર કરવામાં આવ્યા નથી, માત્ર થોડી છૂટ આપવામાં આવી છે.

અસંગઠિત વ્યવસાયમાં રહેલાં લોકો માટે પણ પેન્શનની વાત કરવામાં આવી છે.

કર્જમાફી v/s વર્ષના છ હજાર

આ વખતના બજેટમાં ખેડૂતો, સૈન્ય અને અસંગઠિત ક્ષેત્રના કામદારોને આકર્ષવાના પ્રયત્ન થયા છે.

લઘુ અને મધ્યમ એકમો સાથે જોડાયેલી મહિલાઓ પાસેથી ખરીદી કરવાથી જીએસટી (ગુડ્સ ઍન્ડ સર્વિસિઝ ટૅક્સ)માં લાભ મળશે.

બજેટમાં નરેન્દ્ર મોદીની સરકારે દરેકને કંઈ ને કંઈ આપવાની કોશિશ કરી છે.

હવે પ્રશ્ન એ આવે છે કે જે બાબતને ધ્યાનમાં રાખીને આ બજેટ આપવામાં આવ્યું છે, એ ભાજપને આગામી ચૂંટણીમાં મદદ કરી શકશે?

જો ખેડૂતોની વાત હોય તો કર્જમાફીની અસર આ યોજનાથી વધારે થઈ હોત.

તમે આ વાંચ્યું કે નહીં?

યોજના અમલમાં મુકવી કેટલી મુશ્કેલ

ખેડૂતોને વર્ષના છ હજાર આપવાની પીયૂષ ગોયલની જાહેરાત એક લક્ષ્યગામી યોજના છે. જોકે, તેને અમલમાં મુકતાં ઘણા વિઘ્નો આવી શકે એમ છે.

પહેલું, આપણા દેશમાં જમીન નોંધણીની સ્થિતિ પહેલાંથી જ બહુ ખરાબ છે.

ત્યારે ખેડૂતોને સરકારી અધિકારીઓ સમક્ષ એ સાબિત કરવું પડશે કે તેમની પાસે 2 હેક્ટર કે તેથી ઓછી જમીન છે.

જમીન નોંધણી વર્ષો જૂની છે, તેથી તેમને યોજનાનો લાભ લેવામાં મુશ્કેલીઓ થશે.

બીજું, તકલીફ એ છે કે જમીન નોંધણી માટે ખેડૂતોએ અધિકારીઓ પાસે ધક્કા ખાવા પડશે, જેનાથી ભ્રષ્ટાચારને પ્રોત્સાહન મળશે.

આટલી મુશ્કેલીઓ બાદ ખેડૂતોને માત્ર છ હજાર રૂપિયા મળશે.

ખેડૂતોને ખેતી માટે ખાતર, બીજ વેગેરે સમાગ્રી ખરીદવામાં વધુ ખર્ચ થાય છે.

આ મુદ્દાઓ પર ધ્યાન આપીએ તો મને લાગે છે કે વર્ષના 6 હજારથી ખેડૂતોને બહુ ફાયદો થશે નહીં.

અસંગઠિત ક્ષેત્રને ફાયદો થશે?

જો અસંગઠિત ક્ષેત્રની વાત કરવામાં આવે તો ઘણા અંશે તેમની સ્થિતી પણ ખેડૂતો જેવી જ છે.

સરકાર પાસે તેમના ચોક્કસ આંકડા નથી. તો સરકાર કઈ રીતે નક્કિ કરશે કે અસંગઠિત ક્ષેત્ર સાથે જોડાયેલાં કયા વ્યક્તિની આવક 15 હજારથી ઓછી છે.

આ ક્ષેત્રમાં આવક વધતી અને ઘટતી રહે છે. ક્યારેક 5 હજાર તો ક્યારેક 20 હજાર મળે છે.

આ ક્ષેત્રના કામદારની આવક નિશ્ચિત નથી અને સ્થળાંતર ઘણું વધારે છે.

માની લો કે, એક કામદાર આજે દિલ્હીમાં કામ કરે છે, કાલે તે અમુક મહિનાઓ માટે પોતાના ગામ જઈ શકે છે. ત્યાં તે નાનાં-મોટાં કામ કરી શકે છે.

આ દૃષ્ટિએ જોઈએ તો અસંગઠિત ક્ષેત્રના કામજારો માટે પેન્શનની જે યોજના આપવામાં આવી તે સારી છે, પણ અમલમાં કઈ રીતે મુકાશે એ કહેવું મુશ્કેલ છે.

કેટલાક એવા રાજ્ય છે, જ્યાં અસંગઠિત ક્ષેત્રના કામદારોને પેન્શન આપવામાં આવે છે.

આ કોઈ પહેલી વખત નથી કે આવી કોઈ જાહેરાત થઈ હોય.

તમે આ વાંચ્યું કે નહીં?

બજેટ કે ચૂંટણી ઢંઢેરો?

એ પણ ચર્ચા છે કે જો ખેડૂતોને દર વર્ષે 6 હજાર આપવામાં આવશે તો સરકારી તિજોરી પર બોજો વધશે, પણ એ સત્ય નથી.

આર્થિક નિષ્ણાતોના મતે તેમા બહુ વધારે ખર્ચ થશે નહીં.

ખેડૂતો માટે પહેલાથી જ ઘણી યોજનાઓ ચાલે છે. એ બધી યોજનાઓ બંધ નહીં થાય, પણ આ યોજનાની સાથે ચાલશે.

ચૂંટણીઓ પહેલાં ઘણી લોભામણી યોજનાઓની જાહેરાતો થતી રહી છે. આ વખતે પણ એવું જ થયું છે.

સરકારે દરેક વર્ગને ખુશ કરવાની કોશિશ કરી છે.

મારા મતે સરકારે લોકો સામે બજેટ સ્વરૂપે ચૂંટણી ઢંઢેરો મૂક્યો છે.

જે રીતે પીયૂષ ગોયલે બજેટનું ભાષણ આપ્યું એ ચૂંટણીનું ભાષણ લાગતું હતું.

વચગાળાનું બજેટ કે સંપૂર્ણ બજેટ?

ચૂંટણીના વર્ષમાં સરકારો આ જ પ્રકારનું બજેટ અને ભાષણ આપતી આવી છે.

ચર્ચા એવી પણ હતી કે સરકાર વચગાળાના બજેટના બદલે સંપૂર્ણ બજેટ રજૂ કરશે.

ભલે સરકાર તેને વચગાળાના બજેટનું નામ આપી રહી હોય પણ જાહેરાતો તો સંપૂર્ણ બજેટ જેવી જ છે.

જોકે, ચૂંટણીના વર્ષમાં સંપૂર્ણ બજેટ રજૂ કરવું એ કોઈ ગેરબંધારણીય બાબત નથી, પણ પહેલાંથી એ જ પરંપરા રહી છે કે સરકાર વચગાળાનું બજેટ રજૂ કરે છે.

ખેડૂતોને છ હજાર રૂપિયા આપવાની યોજના ડિસેમ્બર મહિનાથી અમલમાં આવશે એવું કહેવાય છે.

બહુ જલ્દી તેનો પ્રથમ હપ્તો ખેડૂતોના ખાતામાં જમા થઈ જશે.

અંતે એટલું જ કહી શકાય કે સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલું બજેટ ચૂંટણીલક્ષી છે.

આપને આ પણ વાંચવું ગમશે