રાજીવકુમાર : કોણ છે એ અધિકારી જેના માટે પ.બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજી ધરણાં પર બેઠાં?

    • લેેખક, અમિતાભ ભટ્ટાસાલી
    • પદ, બીબીસી સંવાદદાતા

રવિવારે પશ્ચિમ બંગાળ અને કૉલકાતા પોલીસ વચ્ચે સીબીઆઈ વચ્ચેની માથાકુટનો અત્યંત નાટકીય અંદાજ જોવા મળ્યો છે.

પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજીએ કેન્દ્ર સરકાર પર 'રાજકીય બદલાની ભાવના'થી કામ કરવાનો આરોપ લગાવ્યો છે અને રવિવારે મોડી રાતથી જ તેઓ ધરણા પર બેસી ગયાં છે.

બીના એવી છે કે રવિવારે સીબીઆઈની એક ટીમ કૉલકાતાના કમિશનર રાજીવકુમારના ઘરે 'શારદા ચિટફંડ' અને 'રૉઝ વૅલી' મામલે પૂછપરછ માટે પહોંચી હતી.

જોકે, કૉલકાતા પોલીસ સીબીઆઈના અધિકારીઓને શૅક્સપીયર સારણી પોલીસ સ્ટેશન લઈ ગઈ.

રાજ્યની પોલીસનું કહેવું છે કે સીબીઆઈની ટીમ પાસે કોઈ વૉરંટ નહોતું.

આ મામલાની જાણકારી મળતાં જ મુખ્ય મંત્રી મમતા બેનરજી રાજીવકુમારનાં નિવાસે પહોંચ્યાં અને ઘટનાને 'કેન્દ્ર સરકારનો રાજ્ય પર હુમલો' ગણાવી.

રાજીવકુમાર કોણ છે?

અહીં સવાલ એ ઊભો થાય છે કે જે પોલીસ અધિકારીને લઈને પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજી વિરુદ્ધ સીબીઆઈનો મામલો સર્જાયો છે, આખરે એ છે કોણ?

1989 બૅન્ચના પશ્ચિમ બંગાળ કૅડરના આઈપીએસ અધિકારી રાજીવકુમાર હાલમાં કૉલકાતાના પોલીસ કમિશનર છે.

રાજીવકુમારનો જન્મ ઉત્તર પ્રદેશના આઝમગઢ જિલ્લામાં થયો અને તેમણે આઈઆઈટી કાનપુરમાંથી કમ્પ્યુટર સાયન્સમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો.

પોતાની પોલીસની નોકરી દરમિયાન તેમણે પોતાની તકનીકી જાણકારીનો ખૂબ ઉપયોગ કર્યો.

તેઓ પશ્ચિમ બંગાળ પોલીસમાં સર્વિલન્સનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને ગુનેગારોનો પકડવા માટે ઓળખાય છે.

98ના દાયકામાં રાજીવકુમાર બીરબૂમ જિલ્લાના અતિરિક્ત પોલીસ અધિક્ષક હતા, જ્યારે તેમણે કોલસા માફિયાઓ વિરુદ્ધ અભિયાન છેડ્યું હતું.

તેમણે એ વખતે કેટલાય કોલસા માફિયાઓને ઝડપ્યા જ્યારે પશ્ચિમ બંગાળમાં તેમના વિરુદ્ધ કોઈ કાર્યવાહી નહોતું કરતું.

આપને આ પણ વાંચવું ગમશે

સીબીઆઈનો આરોપ

પોતાની સૂઝબૂઝ થકી રાજીવકુમાર સરકારની નજીક આવ્યા.

મમતા બેનરજી જ્યારે વિપક્ષમાં હતાં ત્યારે તેમણે રાજીવુકમાર પર પોતાના કૉલ રેકૉર્ડ કરવાનો આરો લગાવ્યો હતો.

જોકે, જ્યારે મમતાના હાથમાં સત્તા આવી તો તેઓ પણ મમતા સરકારના નજીકના અધિકારીઓમાં સામેલ થઈ ગયા.

વર્ષ 2016માં તેમને કૉલકાતાના કમિશનર બનાવાયા.

કુમાર આ પહેલાં બિધાનનગરના કમિશનર રહી ચૂક્યા છે. ઉપરાંત તેઓ કૉલકાતા પોલીસ અંતર્ગત 'સ્પેશિયલ ટાસ્ક ફૉર્સ'ના વડા તરીકેનો કાર્યભાળ સંભાળી ચૂક્યા છે.

વર્ષ 2013માં ઉજાગર થયેલા 'શારદા ચિટ ફંડ' અને 'રૉઝ વૅલી કૌભાંડ' માટે રાજ્ય સરકારે વિશેષ તપાસ દળ(એસઆઈટી)ની રચના કરી તો રાજીવકુમારને તેના ચીફ બનાવાયા.

જોકે, વર્ષ 2014માં સુપ્રીમ કોર્ટે આ બન્ને મામલા સીબીઆઈને સોંપી દીધા પણ સીબીઆઈએ આરોપ લગાવ્યો કે કુમારે તેમને એટલે કે સીબીઆઈને કેટલાંય લૅપટૉપ, પેનડ્રાઈવ, મોબાઈલ ફોન નહોતા સોંપ્યા.

આ મામલે સીબીઆઈએ રાજીવકુમારને કેટલાંય સમન્સ મોકલ્યાં પણ સીબીઆઈએ આરોપ છે કે તેઓ રજૂ ના થયા.

સીબીઆઈનું કહેવું છે કે રવિવારે ચિટ ફંડ મામલે રાજીવકુમારે પૂછપરછ માટે તેમના નિવાસે પહોંચી હતી.

શારદા ચિટ ફંડ મામલો શો છે?

શારદા કંપનીની શરૂઆત જૂલાઈ 2008માં થઈ હતી.

જોતજોતામાં કંપની હજારો કરોડની માલિક બની ગઈ. કંપનીએ સામાન્ય લોકો પાસે મોટા પ્રમાણમાં રોકાણ કરાવ્યું હતું અને વચનો પૂરાં કરવામાં નિષ્ફળ નીવડી હતી.

આ કંપનીના માલિક સુદિપ્તો સેને 'રાજકીય પ્રતિષ્ઠા અને શક્તિ' હાંસલ કરવા માટે મીડિયામાં અઢળક નાણાં રેલાવ્યા અને તમામ પક્ષોના નેતાઓ સાથે ઓળખાણ બનાવી.

થોડાં જ વર્ષોમાં તેઓ અબજોપતિ થઈ ગયા. શારદા ગ્રૂપ વિરુદ્ધ પ્રથમ મામલો વર્ષ 2013માં 16 એપ્રિલમાં દાખલ કરાવ્યો હતો.

એ બાદ શારદાના સુદિપ્તો સેન ફરાર થઈ ગયા. જોકે, બાદમાં કાશ્મીરમાંથી તેમની ધરપકડ કરાઈ. તેઓ પકડાયા અને એ સાથે જ કંપની ઠપ થઈ ગઈ.

વર્ષ 2014માં સુપ્રીમ કોર્ટે 'શારદા ચિટ ફંડ કૌભાંડ'ની તપાસ સીબીઆઈને સોંપવાનો નિર્ણય કર્યો હતો.

જોકે, પશ્ચિમ બંગાળ સરકાર આ તપાસ સીબીઆઈને સોંપવાના નિર્ણયનો વિરોધ કરતી રહી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો