You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મમતા વિ. CBI: સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ મમતાએ ધરણાં સમાપ્ત કર્યાં
પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજીએ ધરણાં ખતમ કરવાની ઘોષણા કરી દીધી છે.
તેઓ રવિવારે રાત્રે સીબીઆઈની વિરુદ્ધમાં ધરણા પર બેઠાં હતાં.
સીબીઆઈની એક ટીમે ત્રણ ફેબ્રુઆરીના રોજ કૉલકતાના પોલીસ કમિશનર રાજીવ શુક્લાની શારદા ચિટ ફંડ મામલે પૂછતાછ કરવા માટે આવી હતી.
આ ટીમને કૉલકતા પોલીસે પોલીસ સ્ટેશનમાં જ રોકી લીધી હતી અને રાજીવ કુમારની પૂછતાછ કરવા દીધી ન હતી.
સમગ્ર વિવાદ પર મમતાએ કેન્દ્રની મોદી સરકાર પર સીબીઆઈનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો અને તેઓ ધરણાં પર બેસી ગયાં હતાં.
વિવાદ વધ્યો તો મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો. સીબીઆઈએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરીને માગ કરી કે રાજીવ કુમાર પૂછતાછ માટે સામે આવે.
જેમાં સીબીઆઈ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર નિર્દેશ આપતા સુપ્રીમ કોર્ટે કૉલકાતાના પોલીસ કમિશનર રાજીવકુમારને સીબીઆઈ સમક્ષ હાજર થવા માટે કહ્યું હતું.
કોર્ટે રાજીવકુમારને સીબીઆઈને સહકાર આપવાનો નિર્દેશ કર્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે, ન્યૂઝ એજન્સી એએનઆઈ અનુસાર રાજીવ કુમારને મેઘાયલના શિંલોંગમાં સીબીઆઈ સમક્ષ હાજર થવા કહેવાયું છે. સુપ્રીમ કોર્ટે એક તટસ્થ સ્થળ નક્કી કરી આપ્યું છે.
જેમાં સુપ્રીમ કોર્ટે કૉલકાતાના પોલીસ કમિશનર રાજીવકુમારને શારદા ચીટ ફંડ કૌભાંડ મામલે સીબીઆઈને તપાસમાં સહકાર માટે નિર્દેશ આપ્યા છે.
પરંતુ સાથે સાથે કોર્ટે એવું પણ કહ્યું છે કે સીબીઆઈ આ મામલે બળપ્રયોગ નહીં કરી શકે અને પોલીસ કમિશનરની ધરપકડ નહીં કરી શકે. સીબીઆઈ રાજીવકુમારની માત્ર પૂછતાછ જ કરી શકશે.
તમે આ વાંચ્યું કે નહીં?
'બંધારણ અને લોકશાહીની જીત'
દરમિયાન મમતા બેનરજીએ આ બાબતને તેમની જીત ગણાવી છે. તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટનો નિર્ણય બંધારણ અને લોકશાહીની જીત છે.
કોર્ટમાં હાજર વરિષ્ઠ પત્રકાર સુચિત્ર મોહંતી અનુસાર સીબીઆઈએ વિનંતી કરી હતી કે આ કેસ તાત્કાલીક સાંભળવામાં આવે આથી માત્ર પાંચ જ મિનિટમાં સુનાવણી પૂરી કરી નિર્ણય આપી દેવાયો છે.
સીબીઆઈએ રાજીવકુમાર પર પુરાવા નષ્ટ કરવાની કોશિશનો આરોપ લગાવ્યો તે વિશે કોર્ટે સીબીઆઈને પુરાવા રજૂ કરવા માટે કહ્યું છે. કોર્ટે તેમની પાસે પુરાવા માંગ્યા છે.
વળી સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ કહ્યું, "રેકોર્ડ પર શું ઉપલબ્ધ છે? અમે તમારી અરજી(અપીલ) વાંચી છે તેમાં અમને એવી કોઈ જાણકારી નથી મળી જેના આધારે એવું કહી શકાય કે રાજીવ કુમારે પુરાવાનો નાશ કર્યો છે."
સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ આ મામલે ત્વરિત સુનાવણીની માગ કરી પરંતુ ચીફ જસ્ટિસે તેમને પ્રતિક્ષા કરવા કહ્યું હતું.
કેન્દ્રીય કાનૂન મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું હતું,"આખરે પોલીસ કમિશનર રાજીવકુમાર મામલે એવું તો શું છે કે મુખ્ય મંત્રી ધરણાં પર બેસી ગયાં."
"જે મમતા બેનરજી તેમાં પ્રધાનોની ધરપકડ પર ચૂપ રહ્યાં, તેઓ એક પોલીસ અધિકારીની પૂછતાછ પર ધરણાં પર બેસી ગયાં."
"લાગે છે કે 'રાઝદાર' ઘણું બધું જાણે છે આથી મમતા બેનરજી પરેશાન છે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો