શીખ ગુરુ તેગબહાદુર કોણ હતા અને એમને 'હિન્દ કી ચાદર' શા માટે કહેવાય છે?

    • લેેખક, તલવિંદરસિંહ બુટ્ટર
    • પદ, બીબીસી માટે

સામાન્ય રીતે 15 ઑગસ્ટ, ભારતના સ્વાતંત્ર્યદિનના અવસરે વડા પ્રધાન રાષ્ટ્રધ્વજ ફરકાવે છે અને દેશને સંબોધન કરે છે. પરંતુ 21 એપ્રિલે વડા પ્રધાન નરેન્દ્ર મોદી લાલ કિલ્લા પર ખાસ કાર્યક્રમમાં હાજરી આપી.

20-21 એપ્રિલે કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલય ગુરુ તેગબહાદુરની ચારસોમી જયંતી નિમિત્તે લાલ કિલ્લામાં બે દિવસીય સમારોહનું આયોજન કર્યું હતું.

ગુરુ તેગબહાદુરસાહેબ કોણ હતા, એમણે સમાજ માટે એવું શું અલગ કાર્ય કર્યું અને કેન્દ્ર તરફથી લાલ કિલ્લામાં આ પ્રકારે ભવ્ય સમારોહનો અર્થ શો છે?

ગુરુ તેગબહાદુર કોણ હતા?

ગુરુ તેગબહાદુરસાહેબ શીખોના નવમા ગુરુ છે. ગુરુ બન્યા પહેલાંનું એમનું નામ ત્યાગમલ હતું. શીખ ધાર્મિક અધ્યયનનાં સૂત્રોમાં એમને 'સંસાર કી ચાદર' માનવામાં આવે છે.

ભારતીય પરંપરામાં, એમને 'હિન્દ દી ચાદર'ના રૂપે સન્માનિત કરવામાં આવે છે.

શીખ ઇતિહાસકાર સતબીરસિંહના પુસ્તક 'ઇતિ જિન કરી'માં લખ્યું છે કે, "ગુરુ તેગબહાદુરજીનો જન્મ વિક્રમ સવંત 1678ની વૈશાખ પંચમીના દિવસે ગુરુ હરગોવિંદસાહેબના ઘરે અમૃતસર, ગુરુના મહેલમાં થયો હતો. આધુનિક ગ્રેગોરિયન કેલૅન્ડર અનુસાર એ દિવસ હતો, 1 એપ્રિલ, 1621. એમનાં માતાનું નામ માતા નાનકી હતું."

ગુરુ હરગોવિંદસાહેબ શીખોના છઠ્ઠા ગુરુ હતા. ગુરુ તેગબહાદુર ગુરુ હરગોવિંદસાહેબના સૌથી નાના પુત્ર હતા. ગુરુ તેગબહાદુરે બુનિયાદી શિક્ષણ ભાઈ ગુરુદાસ પાસેથી મેળવ્યું હતું અને શસ્ત્રવિદ્યાની શીખ એમણે ભાઈ જેઠા પાસેથી લીધી હતી.

ગુરુના ઇતિહાસના પારંપરિક શીખ સ્રોત 'મહિમા પ્રકાશ'માં લખ્યું છે કે, "ગુરુ તેગબહાદુર જ્ઞાનના શિખર સમાન હતા. એમના મનમાં ગરીબી અને કરમ શાહી હતાં. એમનામાં અથાગ ધૈર્ય હતું અને તેઓ ઉદાર હતા. શીખ ઇતિહાસકાર જ્ઞાની જ્ઞાનસિંહ અનુસાર, ગુરુ તેગબહાદુર બાળપણથી જ બુદ્ધિમાન હતા."

ગુરુ તેગબહાદુરસાહેબનાં લગ્ન માર્ચ 1632માં જલંધરની નજીક આવેલા કરતારપુરના ભાઈ લાલચંદ અને માતા બિશનકૌરનાં દીકરી બીબી ગુજરી સાથે થયાં હતાં.

ત્યાગમલમાંથી તેગબહાદુર બનવાની કહાણી

જ્યારે ગુરુ હરગોવિંદસાહેબ મુગલો સામેની કરતારપુરની લડાઈ પછી કરતારપુર જતા હતા ત્યારે ફગવાડાની પાસે પલાહી ગામમાં શાહી ફોજની એક ટુકડીએ એમનો પીછો કરીને અચાનક જ અમના પર હુમલો કરી દીધો.

મુગલો સામેના આ યુદ્ધમાં પોતાના પિતા ગુરુ હરગોવિંદસાહેબની સાથે તેગ (કૃપાણ/કિરપાણ)નો પ્રતાપ બતાવ્યા પછી, આપનું નામ ત્યાગમલમાંથી તેગબહાદુર થઈ ગયું.

શિરોમણિ ગુરુદ્વારા પ્રબંધક કમિટીના પુસ્તક 'શીખ ઇતિહાસ' અનુસાર, શીખોના આઠમા ગુરુ, ગુરુ હરકૃષ્ણસાહેબના દેહાંત પછી સંવત 1722ના ચૈત્ર માસમાં (માર્ચ 1665)માં ગુરુ તેગબહાદુરસાહેબ અમૃતસરની નજીકના કસ્બા બકાલામાં 'ગુરતા ગદ્દી' (ગુરુગાદી) પર વિરાજમાન થઈને શીખોના નવમા ગુરુ બન્યા.

ગુરુ તેગબહાદુરસાહેબની સમકાલીન સ્થિતિઓ

શીખ ઇતિહાસ પુસ્તક અનુસાર, ગુરુ તેગબહાદુરસાહેબના સમકાલીન મુગલ શાસક ઔરંગઝેબ એક ધર્મનિષ્ઠ મુસલમાન હતા. જેવા તેઓ સિંહાસન પર બેઠા એમણે ઘોષણા કરી કે દેશમાં ઇસ્લામી કાયદાની સરકાર હશે અને ઇસ્લામની શરા (શરિયત) અનુસાર જ બધી રાજ્યવ્યવસ્થાઓ થશે અને લોકોનું જીવન કુરાન અનુસાર સંચાલિત થશે.

ઇતિહાસ અનુસાર, ઔરંગઝેબે સંવત 1726 (ઈ.સ. 1669)માં હિન્દુ મંદિરો, ધર્મશાળાઓ અને પાઠશાળાઓને તોડીને એને મસ્જિદમાં ફેરવવાનો આદેશ આપ્યો હતો.

દરમિયાનમાં, અન્ય સ્થળોની તુલનાએ કાશ્મીરમાં જબરજસ્તી મુસ્લિમ ધર્માંતરણ અભિયાન વધારે સક્રિય રૂપે શરૂ કરવામાં આવ્યું હતું.

શીખ ઇતિહાસ પુસ્તકમાં આગળ લખ્યું છે કે, "કાશ્મીરના મટનનિવાસી પંડિત કૃપારામના નેતૃત્વમાં સંકટગ્રસ્ત કાશ્મીરી પંડિતોનું એક પ્રતિનિધિમંડળ આનંદપુરસાહિબમાં ગુરુ તેગબહાદુરસાહેબની શરણે આવ્યું."

પંડિતોએ ગુરુ તેગબહાદુરસાહેબને ઔરંગઝેબની હકૂમત દ્વારા બળજબરીથી ધર્માંતરણ અને પોતાનાં કષ્ટોની વિસ્તારપૂર્ણ વાતો કહી સંભળાવી.

ત્યારે ગુરુ તેગબહાદુરસાહેબે જવાબ આપ્યો હતો કે એક મહાપુરુષના બલિદાનથી હકૂમતના અત્યાચારો ઝૂકી જશે.

ત્યાં ઊભેલા એમના પુત્ર બાલક ગોવિંદરાય (જે ગુરુપદ પ્રાપ્ત કરીને ખાલસા પંથ તૈયાર કર્યા પછી ગુરુ ગોવિંદસિંહ બન્યા)એ સહજ જ પોતાના ગુરુ પિતા સમક્ષ હાથ જોડીને વિનંતી કરી કે, ગુરુ પિતાજી આપના કરતાં વધારે સત્ પૂર્વજ અને મહાત્મા કોણ હોઈ શકે? આ પ્રકારે ભોળા પરંતુ દૂરદર્શી શબ્દ સાંભળીને બીજા બધા દંગ રહી ગયા પરંતુ ગુરુ તેગબહાદુરસાહેબના મનમાં ખુશીની લહેર દોડી ગઈ.

તેઓ બાલ ગોવિંદરાયને ખૂબ જ ગૌરવશાળી અને સક્ષમ સમજીને એમને ભેટ્યા અને કાશ્મીરી પંડિતોને એમના ધર્મની રક્ષા-સુરક્ષાનું આશ્વાસન આપ્યું.

તિલક અને જનોઈની રક્ષા કરવી

આનંદપુરસાહિબમાં બ્રાહ્મણોની યાત્રાનું સંપૂર્ણ વિવરણ 'કૃત સેવાસિંહ'માં 'શહીદ બિલાસ ભાઈ મણિસિંહ' દ્વારા વિસ્તારથી લખવામાં આવ્યું છે.

સેવાસિંહે લખ્યું છે, "ભારતમાં જ્યારે દમનના કારણે અંધકાર છવાઈ ગયો અને કેટલાક સંતો પહાડો પર જતા રહ્યા અને બાકીના મરાયા. વાસ્તવમાં ધર્મનું ચક્ર જાણે અટકી ગયું હતું. ગાય અને ગરીબોની રક્ષા કરનારા કોઈ પણ નહોતા બચ્યા."

"એ સમયે ગુરુ તેગબહાદુર, હિન્દ કી ચાદર, જેઓ ચક નાનકીમાં રહેતા હતા એમણે તિલક અને જનોઈની રક્ષા માટે પહેલ કરી."

એમના સિવાય બીજું કોઈ આ સ્થિતિમાંથી માર્ગ કાઢી શકે એમ નહોતું.

हिन्द विखे अंध घोर मच्यो जब,

साधु संत नहि देखन पावत ।

धर्म की था अधर्म होवे,

नहि रशिक गयू गरीब दिखावत ।

तेग बहादुर हिंद की चादर

थे चक नानकी बीच बतावत ।

सेवा हरि इस घोर कालू मह,

गुरु जंजू की लाज रखावत।

ઇતિહાસકારો અનુસાર, કાશ્મીરી પંડિતોએ ઔરંગઝેબને સંદેશો મોકલાનું કહ્યું હતું કે જો ગુરુ તેગબહાદુર ઇસ્લામ ધર્મ અપનાવી લે તો અમે પણ ઇસ્લામ અપનાવી લઈશું.

દિલ્હી તરફ પ્રયાણ અને ધરપકડ

શીખ ઇતિહાસ અનુસાર, ગુરુ તેગબહાદુર જાતે દિલ્હી જવાની તૈયારી કરવા લાગ્યા હતા.

ઇતિહાસકાર પ્રિન્સિપાલ સતબીરસિંહ અનુસાર, 11 જુલાઈ, 1675ના રોજ તેઓ પાંચ શીખોને સાથે લઈને દિલ્હી જવા રવાના થયા હતા.

ઇતિહાસકારો અનુસાર, ઔરંગઝેબના કહેવાથી ગુરુસાહેબ અને એમની સાથેના કેટલાક શીખોને મુગલો દ્વારા રસ્તામાં જ પકડી લેવામાં આવ્યા હતા અને દિલ્હી લઈ જવાયા હતા.

એ સમયે ઔરંગઝેબ ભારતીય રાજ્ય સરહિન્દમાં પઠાણોના વિદ્રોહને ડામી દેવા માટે ઉતાવળે પ્રસ્થાન કરી ગયા અને પોતાના પછીના ઉચ્ચ અધિકારીઓને સમજાવી ગયા કે ગુરુસાહેબની સાથે કઈ રીતે વ્યવહાર કરવાનો છે.

ગુરુ તેગબહાદુરસાહેબ પર શાસકીય હુમલા શરૂ થઈ ગયા. હકૂમતે પહેલાં તો મૌખિક રીતે ધમકી આપી અને એમને ઇસ્લામ સ્વીકારી લેવા મજબૂર કર્યા પરંતુ જ્યારે ગુરુસાહેબે એમની વાત ના સ્વીકારી તો સરકારે દમનનો માર્ગ અખત્યાર કર્યો અને એમના પર અત્યાચાર શરૂ કરી દીધા.

કરવતથી કાપવામાં આવ્યા અને ઊકળતા પાણીમાં નાખવામાં આવ્યા

જેમને પહેલાં ગુરુની સાથે પકડવામાં આવ્યા હતા એ ભાઈ દયાલા, ભાઈ મતિદાસ અને ભાઈ સતીદાસને હેરાન-પરેશાન કરવામાં આવ્યા. ગુરુસાહેબની આંખોની સામે જ એમને જુદી જુદી ભયાનક રીતે મારી નાખવામાં આવ્યા. ભાઈ મતિદાસને કરવતથી બે ભાગમાં કાપી નાખવામાં આવ્યા હતા.

ગુરુના શીખે ઊંહકારો પણ ના કર્યો અને વાહેગુરુનું સ્મરણ કરતાં બલિદાન આપ્યું. અધિકારીઓએ ગુરુસાહેબની પ્રતિક્રિયાની પ્રતીક્ષા કરી પરંતુ ગુરુસાહેબ અડગ હતા. પછી ભાઈ દયાલાને કડાઈના ઊકળતા પાણીમાં નાખીને ઉકાળવામાં આવ્યા. સરકારને હવે શરમ આવવા લાગી હતી, કેમ કે એમના ઘણા વાર, હુમલા ખાલી ગયા હતા અને આજુબાજુના લોકો આ કાર્યવાહીને જોઈને હલબલી ગયા હતા. પરંતુ ગુરુસાહેબ અડગ હતા. હકૂમતના જલ્લાદોએ ભાઈ સતીદાસને રૂમાં વીંટીને આગ લગાડી દીધી. આ અત્યાચાર પણ ગુરુસાહેબને ના હરાવી શક્યો. હકૂમતે ગુરુસાહેબને ભયભીત કરવાની બધી જ સરહદો વટાવી દીધી હતી.

એવાં ભયાનક-ભયાવહ દૃશ્ય હતાં જેની કલ્પનાથી જ મન કંપવા લાગે પરંતુ ગુરુના સાચા શીખ અત્યાચાર સહન કર્યા પછી પણ શીખ ધર્મના માર્ગેથી ના ભટક્યા.

ગુરુ તેગબહાદુર - હિન્દ દી ચાદર

હકૂમત પરેશાન હતી કેમ કે હાર સામે હતી, ગુરુસાહેબ જીતી રહ્યા હતા. છેવટે ગુરુજીનું પણ માથું કાપી નાખવામાં આવ્યું.

શિરોમણિ ગુરુદ્વારા પ્રબંધક કમિટીના પુસ્તક 'શીખ ઇતિહાસ' અનુસાર ગુરુ તેગબહાદુરની શહીદી પહેલાં એમની સમક્ષ ત્રણ શરતો મૂકવામાં આવી હતી, જેમાંની પહેલી હતી - કલમા પઢો અને મુસલમાન બનો, બીજી - ચમત્કાર બતાવો, અને ત્રીજી હતી - મૃત્યુ માટે તૈયાર થઈ જાઓ.

ગુરુજીએ શાંતિથી ઉત્તર આપ્યો, હું મારો ધર્મ નહીં છોડું અને ચમત્કાર નહીં દેખાડું. તમારે જે કરવું હોય કરો, હું તૈયાર છું.

ઇતિહાસકાર પ્રા. કરતારસિંહ એમ.એ.એ પોતાના પુસ્તક શીખ ઇતિહાસ - ભાગ 1માં લખ્યું છે, "સામેના સૈયદ જલાલ દીન જલ્લાદે પોતાની તલવાર ખેંચી અને ગુરુજીનું માથું અલગ કરી નાખવામાં આવ્યું."

માગશર સુદ પાંચમ (11 મગહર) સંવત 1732 અનુસાર આ મહાસંહાર ગુરુવાર 11 નવેમ્બર, 1675ના રોજ થયો હતો.

"જ્યાં ગુરુજી 'શહીદ' થયા હતા ત્યાં ગુરુદ્વારા સીસ ગંજસાહિબ સ્થાપિત છે."

પ્રિન્સિપાલ સતબીરસિંહે ઇતિહાસકાર ગાર્ડનને ટાંકીને લખ્યું છે કે આ શહીદીની સાથે ઝેરી બીજનું વાવેતર થયું જે પછીથી ખાલસા રૂપે પ્રકટ થયું.

ડૉ. ગોકળચંદ નારંગે પોતાના પુસ્તક 'ટ્રાન્સફૉર્મેશન ઑફ શીખ ધર્મ' ('શીખ મતનું પરિવર્તન')માં લખ્યું છે કે "ગુરુ તેગબહાદુરજીના જીવન કરતાં પણ એમની શહીદીનો વધારે પ્રભાવ પડ્યો."

"હિન્દુ જગતે પોતાના ધર્મની રક્ષા કરવા માટે આ શહીદીને જાણી અને પંજાબમાં આક્રોશ અને ઉત્સાહની આગ પ્રકટી."

લાલ કિલ્લા પર આયોજિત સમારોહની પ્રતિક્રિયા

પંજાબી યુનિવર્સિટીના પ્રોફેસર ડૉ. સુખદયાલસિંહે પંજાબ અને શીખ ઇતિહાસ પર ઘણાં પુસ્તકો લખ્યાં છે.

બીબીસી પંજાબી સાથે ફોન પર વાત કરતાં એમણે કહ્યું કે ગુરુ તેગબહાદુર સાથે સંકળાયેલા દિવસને કેન્દ્ર સરકાર દ્વારા ઊજવવો એ કોઈ નવો કાર્યક્રમ નથી.

એમણે જણાવ્યું કે 1975માં તત્કાલીન વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીએ દિલ્હીમાં એક ભવ્ય સમારોહનું આયોજન કર્યું હતું, જેમાં દમદમી ટકસાલના તત્કાલીન પ્રમુખ જ્ઞાની કરતારસિંહ પણ સામેલ થયા હતા.

ડૉ. સુખદયાલનું કહેવું છે કે જો વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર ગુરુસાહેબની ચારસોમી જયંતી ઊજવી અને લાલ કિલ્લા જેવા રાષ્ટ્રીય સ્મારક પર સમારોહ થઈ તો એનાથી મોટી બીજી કઈ વાત હોઈ શકે.

એમનું કહેવું છે કે શિરોમણિ સમિતિ કે અકાલી દળ બંનેમાંથી કોઈ પણ આંતરરાષ્ટ્રીય સ્તરે ગુરુ તેગબહાદુર અને શીખ સમુદાયની અન્ય શહીદીઓનો પ્રચારપ્રસાર નથી કરી શક્યા.

વરિષ્ઠ પત્રકાર જસપાલસિંહ સિદ્ધુ, જેઓ યુએનઆઇમાંથી સેવાનિવૃત્ત થયા છે અને 80ના દાયકાની સ્થિતિ પર એક પુસ્તક લખી ચૂક્યા છે, તેઓ આ મુદ્દે જરા જુદો દૃષ્ટિકોણ ધરાવે છે.

જસપાલ સિદ્ધુએ બીબીસી પંજાબીને કહ્યું કે, "કૉંગ્રેસ પણ પહેલાં આવું જ કરતી રહી છે. શંભુ સીમાએ ગુરુ તેગબહાદુર સ્મારકનું નિર્માણ કૉંગ્રેસનાં દિવંગત શીલા દીક્ષિતે કરાવ્યું હતું."

અરવિંદ કેજરીવાલ સરકારે ગુરુદ્વારા સીસ ગંજની આજુબાજુ કૉરિડોર બનાવીને એને હેરિટેજ લૂક આપવાનો પ્રયાસ કર્યો છે.

ભારતીય જનતા પક્ષનું રાજકારણ શીખોને ભેટવાનું અને મુસલમાનોને હરાવવાનું છે.

એમણે ખેડૂત આંદોલનને સમાપ્ત કરવા માટે ગુરુ નાનકદેવના પ્રકાશપર્વ પર પસંદગી ઉતારી હતી, શીખોને ખુશ કરવા માટે ઘણાં પગલાં ભર્યાં, જેમાં 'છોટે સાહિબજાદોં'ની શહીદીને ઊજવવા માટે વીર બાલ દિવસની ઘોષણા પણ સામેલ હતી.

જસપાલ સિદ્ધુનું કહેવું છે કે વાસ્તવમાં ભાજપા શીખોને ખુશ કરવા માંગે છે અને દેશમાં એવી માન્યતા ઊભી કરવા માગે છે કે તેઓ અલ્પસંખ્યક વિરોધી નથી.

અલ્પસંખ્યક શીખ સમુદાય ભાજપાની સાથે છે. જો દેશમાં કોઈ અલ્પસંખ્યક સમુદાયની વિરુદ્ધ આક્રમક કાર્યવાહી થાય તો તે એમની પ્રવૃત્તિઓના કારણે થાય છે.

પરંતુ ડૉ. સુખદયાલસિંહે કહ્યું કે દરેક રાજકીય નેતા રાજકારણ કરે છે. જો મોદી રાજકારણ કરે તો એમને રાજકારણ કરતાં કોણ રોકી શકે છે? પરંતુ જો તેઓ કોઈ સારું કામ કરે, તો કારણ વિના એમને પૂછપરછ ન કરવી જોઈએ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો