જહાંગીરપુરી : જ્યારે દિલ્હી પર ફરી વળ્યું હતું સંજય ગાંધીનું બુલડોઝર

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

બુધવારે ઉત્તર દિલ્હી મ્યુનિસિપલ કૉર્પોરેશનનાં બુલડોઝર જહાંગીરપુરી વિસ્તારમાં ગેરકાયદેસર ઇમારતોને તોડવા પહોંચી ગયાં. યથાસ્થિતિ જાળવી રાખવાના સુપ્રીમ કોર્ટના આદેશના અમુક કલાકો બાદ પણ ડિમૉલિશનની કાર્યવાહી ચાલુ રહેવા પામી હતી. ગુરુવારે સુપ્રીમ કોર્ટે આ મામલે સુનાવણી કહી જહાંગીરપુરીમાં સ્થિતિ જાળવી રાખવાનો આદેશ આપ્યો છે.

કદાચ કેટલાક લોકો માટે બુધવારનું દૃશ્ય 46 વર્ષ પહેલાંના દૃશ્યનું રિપ્લે હતું, જ્યારે ઇમર્જન્સીની આડશમાં તેમને દિલ્હીના હૃદયસમાન વિસ્તારોમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા અને તેઓ સગવડ વિનાના વિસ્તારોમાં નવેસરથી જીવન શરૂ કરવા મજબૂર બન્યા હતા.

એ ડિમૉલિશનની કામગીરીમાં બોલીવૂડનાં એક અભિનેત્રી તથા એક અભિનેતાનાં માતાની ભૂમિકા વિવાદમાં રહી હતી.

સમગ્ર ઘટનાક્રમની શરૂઆત તત્કાલીન વડાં પ્રધાન ઇંદિરા ગાંધીના પુત્ર સંજય ગાંધી નવી દિલ્હીના તુર્કમાન ગેટ વિસ્તારની મુલાકાતે ગયા હતા. જ્યાં તેમણે 'અહીંથી જામા મસ્જિદ દેખાય' એવું આયોજન કરવા કહ્યું હતું.

ઉત્સાહિત અધિકારીઓ આ નિવેદનને આદેશ સમજીને કામે લાગી ગયા હતા અને 13મી એપ્રિલ 1976ના દિવસે તેનો પ્રથમ પરચો જોવા મળ્યો.

ડરની વચ્ચે ડિમૉલિશન

તા. 13મી એપ્રિલે દિલ્હી ડેવલપમૅન્ટ ઑથૉરિટીના (ડીડીએ) અધિકારી કાશ્મીરી લાલ ટ્રક ભરીને મજૂર અને બુલડોઝર સાથે તુર્કમાન ગૅટ તરફ આગળ વધી રહ્યા હતા. અગાઉ બે વખત ત્યાં દબાણ હઠાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, પરંતુ સ્થાનિકોએ અધિકારીઓ અને પોલીસને ઘેરીને માર્યા હતા. આથી, તબક્કાવાર આગળ વધવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

જોકે, એ કટોકટી પહેલાંનો સમય હતો. 25મી જૂન, 1975ના દેશમાં કટોકટી લાદવામાં આવી હતી. ઇંદિરા ગાંધીએ બધી સત્તા પોતાના હાથમાં લઈ લીધી હતી.

એવા આરોપ લાગતા રહે છે કે એ સમયે ખરી સત્તા તેમના દીકરા સંજય ગાંધી (ભાજપનાં નેતા મેનકા ગાંધીના પતિ તથા ભાજપના સંસદસભ્ય વરુણ ગાંધીના પિતા) પાસે હતી, જેઓ દિલ્હી તથા દેશની શિકલ બદલી નાખવા માગતા હતા અને તેના માટે અમર્યાદ બની ગયા હતા.

પહેલાં બે દિવસ મજૂરોએ તુર્કમાન ગેટ ટ્રાન્ઝિટ કૅમ્પની દીવાલ તોડી. શરૂઆતમાં સ્થાનિકોએ તેમનો વિરોધ કર્યો, પરંતુ અધિકારીઓએ વાત સમજાવવામાં સફળ રહ્યા કે માત્ર દીવાલ જ તોડવામાં આવશે.

તા. 15મી એપ્રિલની સવારે કાશ્મીરી લાલ બે બુલડોઝરને લઈને ત્યાં પહોંચ્યા. સ્થાનિકોએ તેમને ઘેરી લીધા. ત્યારે કાશ્મીરી લાલે કહ્યું કે 'માત્ર ફૂટપાથ તોડવા માગે છે. ફૂટપાથ પર જે લોકોના ઘર છે તેઓ પોતાનો સામાન હઠાવી લે, જેથી તેને કોઈ નુકસાન ન થાય.' અજય બોઝ તથા જૉન દયાલ તેમના પુસ્તક 'ફૉર રિઝન્સ ઑફ સ્ટેટ દિલ્હી અંડર ઇમર્જન્સી'માં લખે છે :

"લગભગ 100 લોકો મ્યુનિસિલ કૉર્પૉરેશનના કૉર્પોરેટર અર્જનદાસ પાસે પહોંચ્યા. તેમાંના મોટાભાગના લોકો કૉંગ્રેસના યુવા કાર્યકર હતા. કાર મિકૅનિક તરીકે કારકિર્દી શરૂ કરનારા અર્જનદાસ જોતજોતામાં સંજય ગાંધીની નજીક પહોંચી ગયા હતા. બુલડોઝરની વાત સાંભળીને અર્જનદાસને પણ આશ્ચર્ય થયું હતું."

"અર્જનદાસે કેટલાક લોકોને પોતાની ગાડીમાં બેસાડ્યા અને તત્કાલીન માહિતી અને પ્રસારણ મંત્રી વિદ્યાચરણ શુક્લા પાસે લઈ ગયા. તેમણે ડીડીએના ઉપાપધ્યક્ષ જગમોહનને ફોન કરીને કહ્યું કે બુલડોઝરોને તત્કાળ પાછા બોલાવી લેવામાં આવે. આ લોકોએ અર્જનદાસનો આભાર માન્યો, પરંતુ જ્યારે તુર્કમાન ગેટ પહોંચ્યા ત્યારે તેમના પગ નીચેથી જમીન ખસકી ગઈ."

"થોડી વાર પહેલાં રસ્તા પર સાઇડમાં ઊભેલાં બુલડોઝરોએ લગભગ 50 ઘરને જમીનદોસ્ત કરી નાખ્યાં હતાં. તેઓ બુલડોઝરોની મદદથી જમીનને સમતળ કરી રહ્યાં હતાં. જ્યારે પુરુષો, મહિલાઓ અને બાળકો પોતાનાં તૂટેલાં ઘરની બહાર બેઠાં હતાં. ઘરવખરી ચારેય તરફ વેરાયેલી હતી."

કહેવાય છે કે એ સમયે વીસી શુક્લાની કચેરીમાં અખબારો સેન્સર થતાં જેમાં કયા સમાચાર લેવા તથા કયા ન લેવા તેનો નિર્ણય કરવામાં આવતો. દૂરદર્શન અને આકાશવાણી સંપૂર્ણપણે સરકારના પ્રચારનાં માધ્યમ બની ગયાં હતાં.

અભિનેત્રીનાં માતાનો વિવાદ

સ્થાનિકો તુર્કમાન ગેટથી લગભગ બે કિલોમિટર દૂર પરિવાર નિયોજન કૅમ્પ ચલાવી રહેલાં રૂખસાના પાસે પહોંચી ગયા અને તેમની મદદ માગી. રૂખસાના ત્યાં પહોંચ્યાં તે પહેલાં વધુ 20 ઘર તોડી પડાયાં હતાં અને બુલડોઝર પરત ફરી ગયાં હતાં.

રૂખસાના સુલતાનાએ આ લોકોને જંતર મંતર (દિલ્હીનો વિસ્તાર) ખાતેનાં પોતાના નિવાસસ્થાને મળવા બોલાવ્યા. ક્રિસ્ટૉફ જૈફરેલૉટ તથા પ્રતિનવ અનિલ તેમના પુસ્તક 'ઇન્ડિયાઝ ફર્સ્ટ ડિક્ટૅટરશિપ'માં લખે છે:

"તેમણે એક શરતે તુર્કમાન ગૅટના રહેવાસીઓની મદદ કરવાની તૈયારી દાખવી. તેમણે કહ્યું કે તેઓ સંજય ગાંધી સુધી વાત ત્યારે જ પહોંચાડશે કે જ્યારે તેઓ તુર્કમાન ગેટ વિસ્તારમાં પરિવાર નિયોજન કેન્દ્ર સ્થાપિત કરવા માટે તૈયાર થાય અને દર અઠવાડિયે 300 કેસ તેમની પાસે લાવે."

તેઓ આને માટે તૈયાર થઈ ગયા, પરંતુ તેમને છેવાડાના ત્રિલોકપુરી અને નંદનગરી જેવા વિસ્તારોમાં મોકલવાને બદલે નજીકના માતા સુંદરી રોડ કે મિન્ટો રોડ વિસ્તારમાં મોકલવા માટે કહ્યું ત્યારે રૂખસાના સુલતાના સાથે રહેલા રાજુ નામના ગુંડાએ કહ્યું, 'તમે લોકો જહન્નમમાં જાઓ.'

દિલ્હીના સમાજસેવિકા રૂખસાના સુલતાના એટલે અભિનેત્રી સારા અલી ખાનનાં નાની તથા ઍક્ટ્રેસ અમૃતાસિંહનાં માતા.

બીજી બાજુ, બુલડોઝરોએ તોડફોડનું કામ ચાલુ રાખ્યું. ત્યાં વસતા લોકોને ત્રિલોકપુરી તથા નંદ નગરી વિસ્તારોમાં પ્લૉટ ઍલોટમૅન્ટની સ્લીપ આપી દેવામાં આવી. ડીડીએના અધિકારીઓ હવે વિવેકના બદલે સત્તાવાહી સ્વરમાં વાત કરવા લાગ્યા હતા.

અભિનેતાનાં માતાનો વિવાદ

એ અરસામાં અન્ય એક મહિલા પણ ચર્ચામાં આવ્યાં હતાં. વરિષ્ઠ પત્રકાર જે. ગોપાલકૃષ્ણન શાહ પંચને ટાંકતા કહે છે કે "કટોકટી વખતે નવી દિલ્હીનાં મેટ્રૉપૉલિટિન મૅજિસ્ટ્રેટ લતિફ ફાતિમા સંજય ગાંધીનાં આદેશ પ્રમાણે, પાછલી તારીખથી ચુકાદા આપતાં હતાં."

તુર્કમાન ગૅટ તથા દુજના હાઉસ વિસ્તારમાં રહેતાં લોકોને લતિફ ફાતિમાની ભૂમિકા યાદ છે. જેઓ મૅજિસ્ટ્રેટ તથા સમાજસેવિકા હતાં તથા રહીશોમાં બાજી (મોટી બહેન) તરીકે ઓળખાતાં.

લતિફ ફાતિમા એટલે ફિલ્મ અભિનેતા શાહરુખ ખાનનાં માતા. ભૂતકાળમાં શાહરૂખ ખાને પ્રસાર માધ્યમો સાથેના વાર્તાલાપ દરમિયાન કહ્યું કે તેમનાં માતા ઑક્સફૉર્ડમાં ભણેલાં હતાં. શાહરુખ પોતાને અડધા હૈદરાબાદી (માતા), અડધા પઠાણ (પિતા), થોડા કાશ્મીરી (દાદી), દિલ્હીમાં જન્મેલા તથા મુંબઈમાં કામ કરનાર તરીકે ઓળખાવે છે.

લતિફ ફાતિમાને ડાયાબિટીસ થઈ ગયો હતો. ત્યારબાદ તેમને પગમાં વાગી ગયું હતું, જે ફેલાતો ગયો. હૉસ્પિટલમાં તેમને સૅપ્ટિસેમિયા થઈ ગયો અને તેમનું મૃત્યુ થઈ ગયું. એ સમયે શાહરૂખ 26 વર્ષના હતા, જ્યારે તેમના પિતાનું કૅન્સરથી મૃત્યુ થયું, ત્યારે શાહરૂખ 15 વર્ષના હતા. આજે પણ શાહરૂખ જ્યારે દિલ્હીમાં હોય છે, ત્યારે માતા-પિતાની કબર પર જઈને તેમની માટે દુઆ કરે છે.

ઇમામ બુખારી અને તંત્રનો મુસ્લિમ ઍંગલ

તુર્કમાન ગેટ ખાતે તોડફોડનું વધુ એક કારણ 'ઇમર્જન્સી ક્રૉનિકલ્સ'માં લખે છે, "ઇમામ બુખારી 1973માં જામા મસ્જિદના ઇમામ બન્યા હતા. ઉંમર અને અવસ્થાને પગલે બુખારી પોતાના પુત્રની તરફેણમાં ખસી ગયા."

"ઇસ્લામમાં ઇમામની નિમણૂક ખાનદાનીના સિદ્ધાંત પર નથી થતી, એટલે વક્ફે તેમની નિમણૂક ઉપર મંજૂરીની મહોર મારવાનો ઇન્કાર કરી દીધો હતો. આથી તેઓ સરકારના વિરોધી થઈ ગયા હતા અને તેની ઉપર મુસ્લિમવિરોધી હોવાનો આરોપ મૂકતા હતા."

"જુમાની નમાજ પછીનાં ભાષણોમાં તેઓ સરકારને આડે હાથ લેતા હતા. તુર્કમાન ગેટમાં તોડફોડના આદેશ આપીને સંજય ગાંધી ઇમામ બુખારીને પાઠ ભણાવવા માગતા હતા."

કટોકટીના સમયમાં સરકારી કર્મચારીઓ પોતે નસબંધી કરાવે અથવા તો તેમનાં પત્ની (કે પતિ) નસબંધી કરાવે તે માટે દબાણ કરવામાં આવતું હતું. દરેક રાજ્ય અને વિભાગને ટાર્ગેટ આપવામાં આવ્યા હતા. ઇસ્લામમાં તેને હરામ માનવામાં આવે છે એવો મત પ્રવર્તતો હતો.

ડીડીએના તત્કાલીન ઉપાધ્યક્ષ જગમોહનના એક નિવેદનને કારણે પણ વિવાદ વકર્યો હતો. તા. 18મી એપ્રિલે રવિવાર હતો એટલે બુલડોઝર શાંત રહ્યાં. ત્યારે એક પ્રતિનિધિમંડળ જગમોહનને મળવા ગયું. તુર્કમાન ગેટથી દૂર નહીં મોકલવામાં આવે તથા તેમને અલગ-અલગ જગ્યાએ ન મોકલવામાં આવે તેવી વિનંતી કરી. બોઝ અને દયાલ લખે છે :

"જગમોહને જવાબ આપ્યો કે તમને શું લાગે છે કે અમે એક પાકિસ્તાન તોડીને (પાકિસ્તાનથી અલગ બાંગ્લાદેશના નિર્માણના સંદર્ભમાં) બીજું પાકિસ્તાન બનવા દઈશું ? અમે તમને ત્રિલોકપુરી તથા ખીચડીપુરમાં પ્લૉટ આપીશું. પાંચ લાખ લોકોને ત્યાં વસાવવા માગીએ છીએ, તમારે પણ ત્યાં જવું પડશે. અને યાદ રાખો કે જો તમે નહીં જાઓ અને ડિમૉલિશનનો વિરોધ કરવાની મૂર્ખામી ચાલુ રાખશો તો તેનાં ગંભીર પરિણામ આવશે."

આ જગમોહન એટલે ફિલ્મ 'કાશ્મીર ફાઇલ્સ'ની રિલીઝ બાદ ચર્ચામાં આવેલા જમ્મુ-કાશ્મીરના તત્કાલીન રાજ્યપાલ. કાશ્મીરી પંડિતોની હિજરતમાં તેમની ભૂમિકા પણ વિવાદાસ્પદ માનવામાં આવે છે.

પોલીસ પર પથ્થરમારો અને પછી...

તા. 19મી એપ્રિલ, 1976ના દિવસે લગભગ 500 બાળકો અને 200 મહિલાઓ મકાન તોડફોડની જગ્યાએ એકઠાં થઈ ગયાં. તેમણે પોતાના બાજુઓ પર કાળી પટ્ટી પહેરી રાખી હતી.

સાડા અગિયાર વાગ્યે બુલડોઝર ત્યાં પહોંચી ગયાં. અડધી કલાક પછી સાત ટ્રકમાં કેન્દ્રીય અર્ધલશ્કરી દળ સીઆરપીએફ (સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફૉર્સ)ના કર્મીઓ પણ ત્યાં પહોંચી ગયા. તેમના હાથમાં રાઇફલો, રાયૉટ શિલ્ડ તથા આંસુગૅસના ગોળા હતા.

તેમણે કાટમાળના પથ્થર પોલીસ ઉપર ફેંકવાનું શરૂ કરી દીધું. પોલીસે તેમને ખદેડી મૂક્યા તો તેઓ પોતાના મકાનની છતો ઉપરથી સાંકડી ગલીઓમાંથી પસાર થઈ રહેલા પોલીસ કર્મચારીઓ ઉપર પથ્થર ફેંકવા લાગ્યા. ગભરાયેલી પોલીસે આંસુગૅસના શૅલ છોડ્યા તથા હવામાં ફાયરિંગ કર્યું. અનેક રહેવાસીઓએ નજીકમાં આવેલી મસ્જિદમાં શરણ લીધું હતું.

એટલામાં ડિલાઇટ સિનેમા તરફથી આવેલી ભીડે પાછળથી પોલીસ ઉપર હુમલો કર્યો. હજુ પોલીસ નવા હુમલાથી બચે અને શાંત પડે ત્યાં હમદર્દ દવાખાના તરફથી આવેલી વધુ એક ભીડે પોલીસ ઉપર હુમલો કર્યો. ભીડે પોલીસ ચોકીને ઘેરીને હુમલો કર્યો. ત્યાં તહેનાત બે-ત્રણ પોલીસવાળા જેમતેમ કરીને પોતાનો જીવ બચાવીને ભાગ્યા.

મૅજિસ્ટ્રેટે લાઠીચાર્જના આદેશ આપ્યા. દિલ્હી પોલીસ તથા સીમા સુરક્ષા બળની (બીએસએફ) પૂરક ટુકડીઓ ત્યાં પહોંચી ગઈ. સીઆરપીએફ તથા દિલ્હી પોલીસે સાંકડી ગલીઓમાંથી ભીડને ખદેડવાનું કામ શરૂ કર્યું.

બપોરે અઢી વાગ્યે ફાયરિંગ થયું. સરકારી રેકર્ડ પ્રમાણે, 14 ગોળીઓ ચલાવવામાં આવી. જગમોહને પોતાના પુસ્તક 'આઇલૅન્ડ ઑફ ટ્રૂથ'માં લખ્યું કે ગોળીબારમાં છ લોકોનાં મૃત્યુ થયાં હતાં. શાહ પંચના અહેવાલમાં પણ એટલી જ સંખ્યામાં લોકોનાં મૃત્યુ થયા હોવાનું નોંધવામાં આવ્યું છે.

'ઇન ધી નૅમ ઑફ ડેમૉક્રસી'માં બિપિન ચંદ્રા લખે છે કે એ કાર્યવાહીમાં 20 લોકોનાં મૃત્યુ થયાં હતાં. જ્યારે વરિષ્ઠ પત્રકાર કુલદીપ નાયરે તેમના પુસ્તક 'ધ જજમૅન્ટ'માં લખ્યું હતું કે ફાયરિંગમાં 150 લોકોનાં મૃત્યુ થયાં હતાં.

સાંજે સાડા ચાર વાગ્યે આ વિસ્તારમાં કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો. આ દરમિયાન પોલીસ ઉપર ઘરોમાં ઘૂસીને લૂંટફાટ કરવાના તથા પીડિતોની ઉપર અત્યાચાર ગુજારવાના આરોપ પણ લાગ્યા. 16 બુલડોઝર એ દિવસે રાત્રે અને 22મી એપ્રિલ સુધી અવિરત કામ કરતા રહ્યા અને જમીનને સાફ કરી દીધી.

અખબારોમાં આ સમાચારને સેન્સર કરી દેવામાં આવ્યા હતા અને તેના વિશે કોઈ અહેવાલ છપાયા ન હતા. જે વીસી શુક્લાએ લોકોની સામે ફોન કરીને જગમોહનને બુલડોઝર પાછા બોલાવી લેવા કહ્યું હતું, તેમના જ કાર્યાલય દ્વારા આ ઘટનાક્રમના અહેવાલોને દબાવી દેવામાં આવ્યા હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો