હાર્દિક પટેલે કહ્યું, 'જિજ્ઞેશ મેવાણીને કંઈ પણ થયું તો જવાબદારી સરકારની'

સપ્ટેમ્બર 2021માં કૉંગ્રેસ સાથે જોડાવાની જાહેરાત કરી ચૂકેલ ગુજરાતની વડગામ વિધાનસભા બેઠકના અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની મોડી રાત્રે આસામ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ સમયે તેઓ પાલનપુર સર્કિટ હાઉસ ખાતે હતા.

આસામ પોલીસ દ્વારા પહેલાં તો ધરપકડના કારણની કોઈ માહિતી કે FIRની કૉપી આપવામાં આવી ન હતી. પરંતુ પછી માહિતી અપાઈ છે કે સોશિયલ મીડિયા પર વડા પ્રધાનને ગુજરાતમાં કોમી હુલ્લડ થયાં હોય તેવા વિસ્તારોમાં જઈને શાંતિ જાળવી રાખવાની અપીલ કરતી ટ્વીટના કારણે ફરિયાદ દાખલ થઈ છે અને તેના કારણે આ ધરપકડ કરાઈ છે.

બીજી તરફ જિજ્ઞેશ મેવાણીની ધરપકડના લીધે કૉંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ અને જિજ્ઞેશના સમર્થકોમાં આક્રોશ છે.

ધરપકડના વિરોધમાં જિજ્ઞેશ મેવાણીના સમર્થનમાં અડધી રાત્રે કૉંગ્રેસના કાર્યકર્તાઓ રસ્તા પર ઊતર્યા હતા અને વિરોધ કરવા લાગ્યા હતા. પ્રદેશ કૉંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોરે પણ આસામ પોલીસની કાર્યવાહીની નિંદા કરી અને કહ્યું કે આ ધરપકડથી કૉંગ્રેસ ડરશે નહીં.

કોણે શું પ્રતિક્રિયા આપી?

જિજ્ઞેશ મેવાણીની ધરપકડ સાથે સોશિયલ મીડિયા પર લોકો જિજ્ઞેશ મેવાણીના સમર્થનમાં ઊતરી આવ્યા છે અને તેમની ધરપકડની ટીકા કરી છે.

કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે લખ્યું કે, ગઈ કાલે અર્ધી રાત્રે ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીને આસામ પોલીસે ધરપકડ કરી. ફક્ત એક ટ્વિટને કારણે ધરપકડ અને તે પણ અર્ઢી રાત્રે કંઈક તો ગરબડ છે મારી સરકારને ચેતવણી છે કે જિજ્ઞેશ મેવાણીને કંઈ પણ થયું તો જવાબદારી સરકારની રહેશે. હવે તો દેશમાં ધારાસભ્ય પણ સુરક્ષિત નથી.

કન્હૈયા કુમારે ટ્વીટ કરતાં લખ્યું છે, “અડધી રાત્રે જિજ્ઞેશ મેવાણીના એક સાથીએ કૉલ કરીને જણાવ્યું કે આસામ પોલીસ જિજ્ઞેશભાઈની પાલનપુરથી ધરપકડ કરીને આસામ લઈ જઈ રહી છે. ના તેમની પાસે મોબાઇલ છે, ના અમને કોઈ FIRની કૉપી અપાઈ છે. જનતાએ ચૂંટેલા પ્રતિનિધિ સાથે આવો ન્યાય?”

અભિનેત્રી સ્વરા ભાસ્કરે પણ ટ્વીટ કરીને જિજ્ઞેશ મેવાણીની ધરપકડ અંગે માહિતી આપી અને કહ્યું કે “આ બધું શું ચાલી રહ્યું છે. જિજ્ઞેશ મેવાણીની ધરપકડ શા માટે?”

વધુ એક ટ્વીટમાં સ્વરા ભાસ્કરે લખ્યું, "જિજ્ઞેશ મેવાણી સૌથી પ્રતિબદ્ધ કાર્યકર્તાઓ અને ધારાસભ્યોમાંથી એક છે. તેઓ હંમેશાં અન્યાયની સામે ઊભા રહ્યા છે અને વંચિતોનો સાથ આપ્યો છે. તેઓ જનતાના ચૂંટેલા પ્રતિનિધિ છે અને હવે તેમની કેટલાંક ટ્વીટના કારણે ધરપકડ કરાઈ હોવાની વાત સામે આવી છે. કેમ?"

કૉંગ્રેસનાં નેશનલ કન્વીનર હસીબા લખે છે, “જિજ્ઞેશ મેવાણીની આ રીતે ધરપકડ શા માટે કરવામાં આવી છે? નફરત વિરુદ્ધ બોલવા માટે? આપણા બંધારણ માટે બોલવા માટે? એક ધારાસભ્યની આ રીતે ધરપકડ કેવી રીતે થઈ શકે છે?”

ગુજરાત કૉંગ્રેસના નેતા બી. એમ સંદીપ લખે છે, “મોદી અમારાથી ડરે છે, પોલીસને આગળ કરે છે. ગુજરાતના એક ધારાસભ્યને આ રીતે પકડવા એ ગેરબંધારણીય છે. એ પણ નોટિસ વગર”

ગુજરાત યુથ કૉંગ્રેસ દ્વારા પણ જિજ્ઞેશ મેવાણીની ધરપકડની ટીકા કરતું ટ્વીટ કરાયું હતું.

ટ્વીટમાં જણાવાયું હતું કે, "શું શાંત અને અમનની વાત કરવી એ ગુનો છે? એક ચૂંટાયેલા ધારાસભ્યની FIRની કૉપી બતાવ્યા વગર અડધી રાત્રે ધરપકડ કરાય, આ કેવી લોકશાહી છે?"

કૉંગ્રેસના નેતાઓ સિવાય સામાન્ય જનતાએ પણ આ અંગે પ્રતિક્રિયા આપી હતી.

રાકેશ ચૌધરી લખે છે, “શું ભાજપ સરકાર બંધારણની ઉપર છે?”

અશિક નામના એક ટ્વિટર યૂઝર લખે છે, “ગુજરાતના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની કોઈ એફઆઈઆર વગર આસામ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી. નરેન્દ્ર મોદી સરકાર કાયદાનો દુરુપયોગ કરી રહી છે.”

મૌલિન શાહ લખે છે, “ગોડસે નામથી આટલી તકલીફ કેમ થઈ રહી છે? કે પછી શાંતિ અને અમનની વાત કરવાથી તકલીફ થઈ રહી છે? કૉંગ્રેસ નેતા જિજ્ઞેશ મેવાણીની અડધી રાત્રે કોઈ ગૅંગસ્ટરની જેમ એફઆઈઆર દેખાડ્યા વગર ધરપકડ કરવામાં આવી.”

મહત્ત્વનું છે કે ગુજરાતમાં આ વર્ષે જ વિધાનસભા ચૂંટણી યોજાવાની છે, તેવામાં આસામ પોલીસની આ કાર્યવાહી કૉંગ્રેસના ધારાસભ્ય પર થઈ છે. આ ધરપકડના વિરોધમાં આજે કૉંગ્રેસ દ્વારા વિરોધપ્રદર્શનના કાર્યક્રમની પણ જાહેરાત કરવામાં આવી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો