ખેડૂત આંદોલન : સિંઘુ બૉર્ડર પર શીખ પ્રચારકે કથિત રીતે આપઘાત કર્યો

બુધવારે સાંજે સિંઘુ બૉર્ડર પર 65 વર્ષના શીખ પ્રચારક રામસિંહ સિંઘડાએ કથિત રીતે પોતાને ગોળી મારીને આપઘાત કરી લીધો.

તેઓ હરિયાણાના કરનાલ જિલ્લાના સિંઘડા ગામના હતા.

સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર હાથથી પંજાબીમાં લખાયેલી એક ચિઠ્ઠી મળી છે જેમાં કહેવામાં આવ્યું છે 'ખેડૂતોના દુ:ખને સહન નથી કરી શકાતું'.

પોલીસ આ ચિઠ્ઠીની તપાસ કરી રહી છે.

બીબીસીના સંવાદદાતા અરવિંદ છાબડાને એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું છે કે તેમને આ ઘટનાની જાણકારી મીડિયા દ્વારા જ મળી હતી.

તેમણે કહ્યું, "અમારી પાસે હાલ સુધી એક પણ અધિકૃત જાણકારી નથી આવી. તપાસ દરમિયાન ખબર પડી છે કે તેમને કરનાલની સિવિલ હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાં એમને મૃત જાહેર કરવામાં આવ્યા છે. પોલીસ નિવેદન નોંધી રહી છે."

બીબીસીના સહયોગી સતસિંહ અનુસાર કરનાલના એસ. પી. ગંગારામ પૂનિયાએ કહ્યું છે કે મૃતદેહને કરનાલની સિવિલ હૉસ્પિટલમાં મોકલી દેવાયો છે અને પોસ્ટમૉર્ટમ ચાલી રહ્યું છે.

મૃતકના સાથી જોગાસિંહે બીબીસી પત્રકાર ખુશહાલ લાલીને જણાવ્યું કે તેમણે પોતાની જાતને ગોળી મારી હતી.

જોગાસિંહે કહ્યું, "તે બીજી વખત ધરણાસ્થળે ગયા હતા. તે ખેડૂતોની પરેશાની જોઈને ઘણા દુખી થયા હતા."

સિંઘડા ગામના સરપંચ નવદીપસિંહે કહ્યું કે બાબા રામસિંહના મોટી સંખ્યામાં સમર્થક હતા અને તેઓ ગુરુદ્વારામાં રહેતા હતા.

તેમણે કહ્યું, "તે સતત દિલ્હી-હરિયાણાની બૉર્ડર પર ધરણાં માટે જઈ રહ્યા હતા અને ખેડૂતોના આ સંઘર્ષને લઈને ઘણા દુ:ખી હતા."

નેતાઓએ વ્યક્ત કર્યું દુ:ખ

પંજાબના મુખ્ય મંત્રી કૅપ્ટન અમરિંદરસિંહે આ ઘટના પર દુ:ખ કરતા કહ્યું કે 'સિંઘુ બૉર્ડર પર ચાલી રહેલા ખેડૂતોના સંઘર્ષ દરમિયાન સંત રામસિંહજીના આ સમાચાર હેરાન કરનારા છે.'

દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે પણ ટ્વીટ કરી લખ્યું, "સંત બાબા રામસિંહની આત્મહત્યાના સમાચાર ખુબ જ દુ:ખની વાત છે. આપણા ખેડૂતો પોતાનો હક માગી રહ્યા છે, સરકારે તેમની વાત સાંભળવી જોઈએ અને ત્રણેય કાળા કાયદાઓને પરત લેવા જોઈએ."

અકાલી દળે પણ બાબા રામસિંહના મૃત્યુ પર દુ:ખ વ્યક્ત કર્યું છે.

અકાલી દળ સાથે જોડાયેલાં દલજીતસિંહ ચીમાએ કહ્યું કે રામસિંહના મૃત્યુએ તમામને હચમચાવી નાખ્યા છે.

જ્યારે રામ સિંહના મૃત્યુ માટે સરકારની ઉદાસીનતા જવાબદાર માનતા વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે તરત જ કાયદાઓને રદ કરવા જોઈએ.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો