You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અરવિંદ કેજરીવાલે ત્રણેય કૃષિકાયદા વિધાનસભામાં ફાડીને કહ્યું, કેન્દ્ર સરકાર અંગ્રેજોથી બદતર ન બને
દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હી વિધાનસભાના વિશેષ સત્રમાં કેન્દ્ર સરકારે લાવેલા નવા કૃષિ કાયદાની કૉપી ફાડીને કાયદાનો વિરોધ નોંધાવ્યો હતો.
તેમણે ખેડૂતોના આંદોલન વિશે સભામાં કહ્યું કે, "કેન્દ્ર સરકાર કહી રહી છે કે ખેડૂતોને કૃષિ કાયદાના ફાયદા સમજમાં નથી આવી રહ્યા એટલે પોતાના દિગ્ગજ નેતાઓને મેદાને ઉતારી રહી છે. યોગી આદિત્યનાથ એક રેલીમાં કહી રહ્યા હતા કે આ કાનૂનથી કોઈની પણ જમીન નહીં જશે, પણ શું આ કોઈ ફાયદો છે?"
તેમણે ભાષણ આપતી વખતે નવા કૃષિ કાયદાઓની કૉપી ફાડી નાખી હતી.
તેમણે કહ્યું, "ભાજપવાળા કહે છે કે હવે ખેડૂત સમગ્ર દેશમાં ક્યાંય પણ તેમની ખેતપેદાશ વેચી શકશે. ધાનની એમએસપી 1868 રૂપિયા છે અને બિહાર તથા ઉત્તરપ્રદેશમાં તે 900-1000 રૂપિયામાં વેચાઈ રહ્યું છે. મને જણાવો કે આ ખેડૂતો દેશમાં ક્યાં પોતાનો પાક વેચીને આવ્યા."
તેમણે કૉપીને ફાડતી વખતે કહ્યું, "મહામારીના સમયમાં સંસદમાં કૃષિ કાયદા પાસ કરવાની જરૂર શું હતી? રાજ્યસભામાં ત્રણ કાયદાઓ મતદાન વગર જ પાસ થઈ ગયા એવું આ પ્રથમ વખત બન્યું છે. આથી હું આ ત્રણેય કૃષિ કાયદાને વિધાનસભામાં ફાડી રહ્યો છું અને કેન્દ્ર સરકારને અપીલ કરું છું કે તેઓ અંગ્રેજોથી બદતર ન બને ."
ખેડૂત આંદોલન : વિરોધપ્રદર્શન કરવું એ ખેડૂતોનો મૂળભૂત અધિકાર છે - સુપ્રીમ કોર્ટ
મોદી સરકારના ત્રણ નવા કૃષિકાયદાઓ સામે ખેડૂત આંદોલનનો આજે 22મો દિવસ ચાલી રહ્યો છે. સરકાર અને ખેડૂત સંગઠનોની વચ્ચે કોઈ રસ્તો નીકળી રહ્યો નથી.
બીજી તરફ દિલ્હીની સરહદો પર હજારોની સંખ્યમાં ખેડૂતો કડકડતી ઠંડીમાં દિવસરાત પોતાની માગને લઈને પ્રદર્શન કરી રહ્યા છે.
ખેડૂતોના આંદોલન પર સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરતા મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ શરદ એ. બોબડેની વડપણવાળી બેન્ચે કહ્યું છે કે વિરોધપ્રદર્શન કરવું એ ખેડૂતોનો મૂળભૂત અધિકાર છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સુપ્રીમ કોર્ટે કહ્યું કે વિરોધપ્રદર્શનને લઈને કોર્ટ કોઈ હસ્તક્ષેપ નહીં કરે. જોકે, જસ્ટિસ બોબડેએ કહ્યું કે વિરોધપ્રદર્શનની રીતને જોઈ શકાય છે. તેમણે ઉમેર્યું કે વિરોધપ્રદર્શનથી સામાન્ય લોકોને મુશ્કેલી ન પડવી જોઈએ.
જસ્ટિસ બોબડેએ કહ્યું, "કૃષિકાયદાની વિરુદ્ધમાં વિરોધપ્રદર્શન કરવું ખેડૂતોનો મૂળભૂત અધિકાર છે અને આને રોકી શકાય નહીં."
"એ ચોક્કસથી જોઈ શકાય કે કોઈના જીવનને કોઈ નુકસાન નથી થતું. જ્યાં સુધી વિરોધપ્રદર્શન શાંતિપૂર્ણ હોય અને કોઈ સંપત્તિને નુકસાન પહોંચાડાયા વગર થઈ રહ્યું છે ત્યાં સુધી બંધારણીય છે."
"જો વિરોધપ્રદર્શનનો ઉદ્દેશ હાંસલ કરવો હોય તો સંવાદ શરૂ કરવો પડશે. પોલીસ એ વાતને સુનિશ્ચિત કરે કે વિરોધપ્રદર્શનમાં બળનો ઉપયોગ ન કરાય."
'આ કાળા કાયદાથી બીજી માતાઓ અને બહેનો પણ મારી જેમ વિધવા થઈ જશે'
સમાચાર સંસ્થા રૉયટર્સ અનુસાર કરજને લીધે કથિત રીતે આપઘાત કરી લેનારા ખેડૂતોનાં વિધવાઓ સહિત કેટલાંય મહિલાઓ બુધવારે મોદી સરકાર દ્વારા પસાર કરાયેલા ત્રણ કૃષિકાયદાના વિરોધમાં ચાલી રહેલાં પ્રદર્શનોમાં સામેલ થયાં. આ મહિલાઓનું કહેવું છે કે નવા કૃષિકાયદાને લીધે તેમની આજીવિકા પર જોખમ તોળાઈ રહ્યું છે.
સપ્ટેમ્બરમાં લાગુ કરવામાં આવેલા આ કાયદાઓના વિરોધમાં લગભગ એક મહિનાથી ખેડૂતો પ્રદર્શનો કરી રહ્યા છે. આ કાયદાઓમાં કૃષિક્ષેત્રને નિયંત્રણમાંથી મુક્ત કરવાની વાત કહેવાઈ છે અને ખેડૂતોને સરકારી બજારોથી અલગ પોતાનો પાક ખરીદદારોને વેચવાની મંજૂરી અપાઈ છે.
નાના ખેડૂતોને ડર છે કે તેમના પાક પર મળનારી ન્યૂનતમ કિંમતોની ગૅરેન્ટી ખતમ થઈ જશે અને તેમને વેપારીઓની દયાના મોહતાજ બની જવું પડશે.
નવી દિલ્હીની સીમાસ્થિત એક પ્રદર્શનસ્થળ પર પંજાબથી આવેલાં 40 વર્ષનાં એક વિધવા મહિલા હર્ષદીપકોરે સમાચાર સંસ્થા રૉયટર્સ સાથેની વાતચીતમાં કહ્યું, "જો આ કાળા કાયદા આવે છે તો ખેડૂતો કરજના બોજ હેઠળ દબાઈ જશે. બીજી માઓ અને બહેનો મારી જેમ વિધવા થઈ જશે."
ખેડૂતો દ્વારા આપઘાત કરવાનો મુદ્દો ભારતમાં વર્ષોથી એક ગંભીર સમસ્યા છે. નેશનલ ક્રાઇમ રૅકૉર્ટ બ્યૂરોના જણાવ્યા અનુસાર વર્ષ 2018માં લગભગ 10,350 ખેડૂતો અને ખેતમજૂરોએ આપઘાત કર્યો હતો. આ આંક ભારતની તમામ આત્મહત્યાનો 8 ટકા હતો.
હર્ષદીપકોર જણાવે છે કે તેમના પતિએ ત્રણ વર્ષ પહેલાં આપઘાત કર્યો હતો.
પતિના પાસપૉર્ટ સાઇઝનો ફોટો પકડીને તેઓ કહે છે કે તેમના પતિ પર પાંચ લાખ રૂપિયાનું કરજ હતું.
સુપ્રીમ કોર્ટમાં બુધવારે ખેડૂત આંદોલનને લઈને શું થયું?
બુધવારે સુપ્રીમ કોર્ટમાં મુખ્ય ન્યાયાધીશ શરદ એ. બોબડેની અધ્યક્ષતાવાળી બેન્ચે દેશમાં ખેડૂતનેતાઓની એક સમિતિ બનાવવાની વાત કરી.
આમાં ભારતીય કિસાન યુનિયન પણ રહેશે, જે આખા આંદોલનને લઈને સૌથી આગળ છે. આ સિવાય આ કમિટીમાં સરકારના પ્રતિનિધિ પણ રહેશે. આ કમિટી સંપૂર્ણ તકરારને ઉકેલશે.
બુધવારે જસ્ટિસ બોબડેએ કહ્યું, "આ કમિટી આખી તકરાર ઉકેલી શકશે. આ કમિટીમાં ખેડૂતનેતા અને બીકેયૂ જેવાં ખેડૂત સંગઠનો સામેલ થઈ શકે છે."
કોર્ટમાં ભારતના સૉલિસિટર જનરલે કહ્યું, "સરકાર વાતચીત માટે ત્યારે પણ તૈયાર હતી અને આજે પણ તૈયાર છે. પરંતુ ખેડૂત કહી રહ્યા છે કે કાયદા રદ કરવા પર વાત થવી જોઈએ."
"આ વાત કરવા પણ આવે તો 'હા અને ના' લખેલાં પૅમ્ફલેટ લઈને આવી રહ્યા છે. મંત્રી વાત કરવાના પ્રયત્નો કરી રહ્યા છે તો ખેડૂતો ખુરશી પાછળ કરીને મંત્રીની સામે પીઠ કરી રહ્યા છે."
"સરકાર વાતચીતને લઈને ઘણી સકારાત્મક છે અને ત્રણ કાયદાની દરેક લાઈન પર વાત કરવા તૈયાર છે."
મુખ્ય ન્યાયાધીશ બોબડેએ કહ્યું, "ખેડૂતને સમજણ છે કે કૃષિકાયદા તેમની સામે છે. તમારી વાર્તા કામ કરી રહી નથી અને હાલ સુધી નિષ્ફળ રહી છે. જો સરકાર વાતચીતને લઈને પ્રતિબદ્ધ છે તો પહેલાં નક્કી કરે કે ક્યા ખેડૂત નેતા વાત કરવા ઇચ્છે છે. આગામી સમયે આની પર 17 ડિસેમ્બરે આની પર સુનવણી થશે. 18 ડિસેમ્બર રજાઓ પહેલાનો છેલ્લો દિવસ છે."
સુપ્રીમ કોર્ટ વકીલ અને કાયદાના એ વિદ્યાર્થીઓની ફરિયાદો પર સુનવણી કરી રહ્યું છે. જે ફરિયાદોમાં કહેવામાં આવ્યું હતું કે લાંબા સમયથી આંદોલન કરી રહેલા ખેડૂતોને લીધે તેમના મૌલિક અધિકારોનું હનન થઈ રહ્યું છે. જોકે કોર્ટે કહ્યું છે કે પહેલાં આ કેસમાં ખેડૂતોને સામેલ કરવા પડશે.
સરકારના પ્રસ્તાવ ખારિજ
કેન્દ્રના કૃષિકાયદાઓ વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા 30થી વધુ ખેડૂત સંગઠનોની ફોરમે કેન્દ્ર સરકારને પત્ર લખીને કાયદામાં સંશોધન કરવાના સરકારી પ્રસ્તાવને ખારિજ કરી દીધો છે.
સંયુક્ત કિસાન મોરચાએ બુધવારે કેન્દ્રીય કૃષિ અને ખેડૂતકલ્યાણના સંયુક્ત સચિવ વિવેક અગ્રવાલને પત્ર લખીને સરકારનો પ્રસ્તાવ ખારિજ કરી દીધો.
મોરચાનું કહેવું છે કે તેણે આ પ્રસ્તાવને 9 ડિસેમ્બરે જ ખારિજ કરી દીધો હતો.
નોંધનીય છે કે સરકારનું કહેવું હતું કે પાંચ તબક્કાની વાતચીતનો કોઈ ઉકેલ ન આવતા તેણે ખેડૂત સંગઠનોને ત્રણ કૃષિકાયદામાં સંશોધન માટેનો પ્રસ્તાવ મોકલ્યો હતો. જોકે, એ પ્રસ્તાવનો લેખિતમાં જવાબ નથી અપાયો.
મોરચાના સભ્ય દર્શનપાલે કેન્દ્ર સરકારને લેખિત જવાબમાં જણાવ્યું છે કે તમામ ખેડૂત સંગઠનોએ સરકારે મોકલેલા પ્રસ્તાવ પર ચર્ચા કરી હતી અને તેને એ જ દિવસે એકમતથી ખારિજ કરી દેવાયો હતો.
આ પત્રમાં ખેડૂત સંગઠનોએ સરકારને ખેડૂતોનું આંદોલન કલંકિત ન કરવા અને બીજાં ખેડૂત સંગઠનો સાથે વાત ન કરવા પણ અપીલ કરી છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો