ખેડૂત આંદોલન : મોદી સરકારે વાત ન માની તો હવે ખેડૂતો શું કરશે?

    • લેેખક, સમીરાત્મજ મિશ્ર
    • પદ, બીબીસી માટે

કૃષિકાયદા વિરુદ્ધ લગભગ બે અઠવાડિયાંથી પાટનગરની નજીક ગાઝીપુર સીમા પર અડગ રહેલા UP અને ઉત્તરાખંડના ખેડૂતોને શનિવારના રોજ વાતાવરણમાં વધી રહેલ ઠંડી અને વરસાદ પણ ડગાવી ન શક્યા.

ખેડૂતોનું કહેવું છે કે જ્યાં સુધી સરકાર નવા કાયદાને પાછા નહીં ખેંચી લે, ત્યાં સુધી તેઓ ત્યાંથી પાછા નહીં હઠે.

ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈત કહે છે કે સરકાર જો પોતાની જીદ પકડી રાખશે તો ખેડૂતો 26 જાન્યુઆરીના રોજ ટ્રૅક્ટર-ટ્રૉલીઓ સાથે પ્રજાસત્તાક દિવસની પરેડમાં સામેલ થવા માટે ઇન્ડિયા ગેટ પર પહોંચી જશે.

બીબીસી સાથેની વાતચીમાં રાકેશ ટિકૈત જણાવે છે :

"અત્યાર સુધી ખેડૂતોએ કોઈ એવું થી કર્યું જેનાથી સામાન્ય માણસને કોઈ પરેશાની થાય પરંતુ જો અમારી વાત નહીં સાંભળવામાં આવે તો અમે આંદોલનને વધુ ઉગ્ર બનાવવા માટે મજબૂર થઈ જઈશું અને સીમા પર જામ કરી દઈશું. 26 જાન્યુઆરીના રોજ ખેડૂતો પોતાનાં ટ્રૅક્ટરો સાથે ઇન્ડિયા ગેટ પહોંચશે અને રાજપથ પર થનારી પરેડમાં સામેલ થશે."

રાકેશ ટિકૈત કહે છે કે, "ખેડૂતો માટે આ પહેલાં બનાવાયેલા કાયદા પણ ખેડૂતોનું નુકસાન કરાવનારા હતા પરંતુ અત્યારે જ નવા કાયદા બનાવાયા છે, તે તો ખેડૂતોને સંપૂર્ણપણે બરબાદ કરી નાખશે."

તેઓ કહે છે કે, "અત્યારે સરકારી ખરીદકેન્દ્રો પર પણ MSP પર અનાજ સરળતાથી નથી વેચી શકાતું, જ્યારે આ બધું ખાનગી ક્ષેત્રને હવાલે કરી દેવામાં આવશે, ત્યારે કોણ MSP પર અનાજની ખરીદી કરશે. તેથી અમે ઇચ્છીએ છીએ કે સરકાર કાયદાકીય ગૅરંટી આપે કે MSP કરતાં ઓછી કીમતે કોઈ પણ ખેડૂત પાસેથી અનાજની ખરીદી નહીં કરી શકે."

'ખેડૂતો સંપૂર્ણ તૈયારી સાથે આવ્યા છે'

રાકેશ ટિકૈત UPના તમામ વિસ્તારોના ખેડૂતો પ્રદર્શનમાં સામેલ નથી એવી અફવાઓને નકારે છે.

તેઓ કહે છે કે, "પૂર્વાંચલ અને દૂરનાં સ્થળોના ખેડૂતો આટલી દૂર ભલે ન આવી શકતા હોય પરંતુ તેઓ પોતાના જિલ્લામાં કાયદાનો વિરોધ કરી રહ્યા છે."

"જ્યારે જરૂરિયાત હશે ત્યારે તેઓ ત્યાં પહોંચી જશે. કેટલાક ખેડૂતો ખેતીનાં કામોમાં પણ વ્યસ્ત છે. જે લોકો એવી અફવા ફેલાવી રહ્યા છે કે માત્ર પંજાબ, હરિયાણા અને પશ્ચિમી ઉત્તર પ્રદેશના ખેડૂતો આ આંદોલનમાં સામેલ છે, તેમણે અહીં આવીને જોવું જોઈએ કે લોકો ક્યાં-ક્યાંથી આવી રહ્યા છે."

દૂરનાં સ્થળોના ખેડૂતો નથી આવી શકી રહ્યા, રાકેશ ટિકૈત ટ્રેનો બંધ હોવાને તેના માટે કારણભૂત માને છે. જોકે, દિલ્હીથી ચાર-પાંચસો કિલોમીટર દૂરના જિલ્લાઓમાંથી પણ ખેડૂતો પ્રદર્શનસ્થળ પર પહોંચી રહ્યા છે.

લખીમપુરના પાલિયાથી આવેલા ખેડૂત રવિંદર સિંહ કહે છે તેમની સાથે સો કરતાં પણ વધુ લોકો ચાર દિવસ પહેલાં અહીં આવ્યા હતા અને ત્યારથી તે તમામ લોકો ત્યાં જ હાજર છે.

જ્યારે UPના રામપુર જિલ્લાથી આવેલા કેટલાય ખેડૂતોનું કહેવું છે કે આ લોકો સંપૂર્ણ તૈયારી સાથે આવ્યા છે અને અહીં ઘણા દિવસો સુધી રહી શકે છે.

રામપુરના જ બિલાસપુરથી આવેલા યુવાન ખેડૂત શમશેર સિંહ કહે છે કે, "અમે લોકો ત્રણ દિવસ સુધી અહીં-તહીં ચક્કર કાટતા રહ્યા પરંતુ પોલીસવાળા દરેક જગ્યાએ રસ્તા રોકી રહ્યા હતા. ઘણી મુશ્કેલીઓનો સામનો કરીને નવ ડિસેમ્બરના રોજ અમે અહીં પહોંચ્યા."

"અમારી સાથે રામપુર અને બરેલીથી સેંકડો લોકો આવ્યા છે અને તમામ લોકો પોતાનાં ટ્રૅક્ટરો અને પોતાની ગાડીઓ મારફતે આવેલા છે. અમને સરકારની વાત પર એટલા માટે ભરોસો નથી કારણ કે આ સરકાર પરથી અમારો ભરોસો પહેલાંથી જ ઊઠી ચૂક્યો છે."

'આડતિયાને વચેટિયા ગણાવીને દુશ્મન ગણાવાઈ રહ્યા છે'

ગાઝીપુર બૉર્ડર પર કેટલાક ખેડૂત પોતાના પરિવારો સાથે પણ આવેલા છે.

મેરઠમાં રહેતા રઘુરાજ સિંહ આવા જ ખેડૂત છે. તેમની સાથે તેમનાં વૃદ્ધ માતા, પત્ની અને બે બાળકો પણ છે. ટ્રૅક્ટરની ટ્રૉલી પર જ ઘર જેવું ઠેકાણું બનાવી લીધું છે.

તેઓ કહે છે કે, "ખેતીનું કામ પિતરાઈ ભાઈને સોંપીને હું આવી ગયો છું. તે જ બધું સંભાળી રહ્યો છે. વધુ જમીન નથી પરંતુ જેટલી છે તેની પર શેરડી વાવેલી છે."

તેમજ રામપુરથી આવેલા ખેડૂત હરનામ સિંહ જણાવે છે કે 'આડતિયાને વચેટિયા ગણાવીને અમારા દુશ્મન ગણાવવામાં આવી રહ્યા છે.'

તેઓ કહે છે કે, "આડતિયા તો ખેડૂતો માટે ચાલતાં ફરતાં ATM જેવા હોય છે. ખેડૂતોને અવારનવાર પૈસાની જરૂર હોય છે. અમે પાક વેચીએ છીએ તો તરત પૈસા નથી મળતા, ખાંડની મિલોવાળા તો મહિનાઓ સુધી પૈસા રોકી રાખે છે, આવી સ્થિતિમાં ખેડૂતોની મદદ આડતિયા જ કરે છે. આડતિયા અને ખેડૂતો વચ્ચે મિત્રતાનો સંબંધ હોય છે, દુશ્મનીનો નહીં."

શનિવારે ખેડૂતોએ UPના ટોલ પ્લાઝાને ફ્રી કરવાની જાહેરાત કરી હતી.

આ જાહેરાતના કારણે ટોલ પ્લાઝા પર મોટી સંખ્યામાં પોલીસબળ તહેનાત કરાયું હતું. તેમ છતાં ઘણી જગ્યાઓએ ખેડૂતોને ટોલ ફ્રી કરવામાં સફળતા મળી.

14 ડિસેમ્બરથી ખેડૂતોએ દરેક જિલ્લા મુખ્યાલયમાં પ્રદર્શનની જાહેરાત કરી છે અને દિલ્હીમાં આંદોલન વધુ તેજ કરવાની તૈયારી દર્શાવી છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો