You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઉત્તર પ્રદેશ : પિન્કીનાં લગ્ન, ધર્માંતરણ, પતિની ધરપકડ અને 'ગર્ભપાત'ની કહાણી
- લેેખક, ગંજફર અલી, મુરાદાબાદથી, બીબીસી માટે
- પદ, દિલનવાઝ પાશા, બીબીસી સંવાદદાતા
ઉત્તર પ્રદેશમાં લગ્ન માટે ધર્મ પરિવર્તનને ગુનો જાહેર કરતા કાયદા અંતર્ગત મુરાદાબાદમાં કરવામાં આવેલ પોલીસ કાર્યવાહી હાલ ચર્ચામાં છે અને આ ઘટનાને કાયદાના દુરઉપયોગ કરવાના દાખલા તરીકે પણ રજૂ કરવામાં આવી રહી છે.
UP પોલીસ દ્વારા પિન્કી નામનાં મહિલાને તેમના પતિથી અલગ કરીને નારી આશ્રય કેન્દ્રમાં મોકલી આપવામાં આવ્યાં છે.
પિન્કી પ્રથમ મહિલા છે જેમને આંતર-ધર્મ લગ્ન અટકાવવા માટેના વિવાદિત કાયદા હેઠળ પતિથી અલગ કરી દેવામાં આવ્યાં છે.
પિન્કીનો આરોપ છે કે નારી આશ્રય કેન્દ્રમાં તેમના પર ત્રાસ ગુજારવામાં આવ્યો હતો અને એક ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું, જેના કારણે તેમનો ગર્ભપાત થઈ ગયો.
મુરાદાબાદ પોલીસે પિંકીના ગર્ભપાત થયો હોવાની વાતની પુષ્ટિ કરી નથી.
મુરાદાબાદ પોલીના SSP પ્રભાકર ચૌધરી બીબીસીને જણાવ્યું કે, અદાલતમાં મહિલાએ જે નિવેદન આપ્યું છે, તેમાં પોતાની મરજીથી લગ્ન કર્યા હોવાની અને સાસરામાં જવાની વાત કરી છે. નિવેદનના આધારે તેમને સાસરિયાંમાં સોંપી દેવામાં આવ્યાં છે.
તેઓ વધુમાં જણાવે છે કે, નારી નિકેતનમાં મહિલાએ પેટમાં દુખાવાની ફરિયાદ કરતાં તેમની સારવાર કરાવવામાં આવી હતી.
ગર્ભપાતના પ્રશ્ન પર મુરાબાદ પોલીસના પ્રવક્તા કહે છે કે ગઈકાલે હૉસ્પિટલમાં ડૉક્ટરોએ પોલીસને જણાવ્યું હતું કે ગર્ભ સુરક્ષિત છે. આ અંગે કોઈ નવી માહિતી હજુ પોલીસને મળી નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નવા કાયદા હેઠળ મહિલાના પતિને જેલ મોકલી દેવામાં આવ્યા છે અને હવે તેઓ અદાલતના આદેશ બાદ જ જેલમાથી છૂટી શકશે.
"નારી નિકેતનમાં ત્રાસ આપવામાં આવ્યો"
22 વર્ષનાં પિન્કી કહે છે કે તેમને સાત અઠવાડિયાંનો ગર્ભ હતો.
તેઓ કહે છે, "5 ડિસેમ્બરે રાત્રે અઢી વાગ્યે મને નારી નિકેતન મોકલવામાં આવી હતી. ત્યાં મને ત્રાસ આપવામાં આવ્યો હતો."
પિન્કી કહે છે, "ત્રણ દિવસ પહેલાં નારી નિકેતનમાં મને અચાનક પેટમાં દુખાવો ઉપડ્યો. તબિયત વધુ બગડતાં મને હૉસ્પિટલમાં લઈ જવામાં આવી જ્યાં ડૉકટરો દ્વારા ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું. મને બહુ રક્તસ્ત્રાવ થઈ રહ્યો હતો.
બીજા દિવસે અદાલતમાં મારે નિવેદન આપવાનું હતું. મારી તબિયત ફરી બગડી ગઈ અને મને ફરીથી હૉસ્પિટલ લઈ જવામાં આવી જ્યાં ડૉક્ટરો દ્વારા મને ઇન્જેક્શન અપાયાં હતાં. મારી કસુવાવડ થઈ ગઈ હતી."
હજુ આ વાતની ખરાઈ થઈ નથી કે પિંકીને કયાં ઇન્જેક્શન આપવામાં આવ્યાં હતાં અને તે ઇન્જેક્શન ગર્ભપાતનું કારણ બની શકે છે કે નહીં.
પિન્કી કહે છે, "પ્રથમ અલ્ટ્રાસાઉન્ડમાં ગર્ભ એકદમ બરાબર હતો, પરંતુ ઈન્જેક્શન પછી મને કસુવાવડ થઈ ગઈ."
સ્થાનિક અદાલતના આદેશ બાદ UP પોલીસે પિંકીને તેમનાં સાસરિયાંમાં મોકલી દીધાં છે.
મુરાદાબાદના SSP પ્રભાકર ચૌધરી કહે છે, "બિજનૌરની બાલા દેવીએ 5 ડિસેમ્બરના રોજ કાંઠ પોલીસ સ્ટેશનમાં નવા કાયદા હેઠળ FIR નોંધાવી હતી. તેમણે બે લોકો સામે લગ્ન કરવાના ઇરાદે તેમની પુત્રીનું ધર્મપરિવર્તન કરવાનો આરોપ લગાવ્યો હતો. FIR નોંધાયા બાદ પોલીસે બંને યુવકોને ન્યાયિક હિરાસતમાં લઈ લીધા હતા.
તેઓ વધુમાં જણાવે છે કે, "યુવતીની સલામતીને ધ્યાનમાં રાખીને તેમને નારી નિકેતન મોકલવામાં આવ્યાં હતાં. મહિલાએ કોર્ટ સમક્ષ એક નિવેદનમાં જણાવ્યું છે કે તેમણે પોતાની મરજીથી ધર્માંતરણ કર્યું છે અને યુવક સાથે લગ્ન કર્યા છે. તેમણે સાસરિયાંમાં જવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. અદાલતના આદેશ બાદ તેમને સાસરિયાંમાં મોકલી દેવામાં આવ્યાં છે."
પોલીસના જણાવ્યા મુજબ તપાસમાં મહિલાની ઉંમર 22 વર્ષ હોવાનું જાણવા મળ્યું છે અને તેઓ પુખ્ત વયનાં છે. મહિલાએ પોલીસ સમક્ષ પણ સાસરિયાંમાં જવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.
પોલીસના કહેવા પ્રમાણે, "બંને આરોપીઓ હાલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં છે અને પોલીસ તપાસ કરી રહી છે. મહિલાએ CrPC 164 હેઠળ જે નિવેદનો આપ્યાં છે તેની તપાસ કરવામાં આવશે, જે બાદ પુરાવાઓના આધારે નિર્ણય કરવામાં આવશે."
પોલીસના જણાવ્યા અનુસાર પિન્કીએ જુલાઈમાં રાશિદ નામના યુવક સાથે લગ્ન કર્યા હતાં. નવા કાયદા હેઠળ બંનેને અલગ કરવા બદલ પોલીસની પણ ટીકા થઈ રહી છે.
થોડા દિવસો પહેલાં યુવતીની સાસુ નસીમ જહાંએ પણ વહુના ગર્ભપાત વિશે વાત કરી હતી, પરતું ત્યારે અધિકારીઓએ આરોપને ફગાવી દીધા હતા. અધિકારીઓએ કહ્યું હતુ્ં કે મહિલાને બે વાર હૉસ્પિટલ લઈ જવામાં આવ્યાં હતાં પરંતુ તેમનો ગર્ભ સુરક્ષિત છે.
મુરાદાબાદની ડિસ્ટ્રિક્ટ હૉસ્પિટલનાં ડૉ.વિમલા પાઠકે સોમવારે પત્રકારોને જણાવ્યું કે, "સોમવારે મહિલાને સવારે પહેલીવાર લાવવામાં આવ્યાં, ત્યારે તેઓ એકદમ સ્વસ્થ હતાં અને તેમને પરત મોકલી દેવામાં આવ્યાં હતાં. બીજી વખત જ્યારે મહિલા હૉસ્પિટલ આવ્યાં ત્યારે લોહીના ડાઘા મળ્યા હતા."
જ્યારે તેમને ગર્ભ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, "બાળક કઈ હાલતમાં છે, તે વિશે અમે હાલ કહી શકીએ નહીં. હોસ્પિટલમાં રક્તસ્રાવ થયો નથી, પરંતુ મહિલાએ જણાવ્યું હતું કે નારી નિકેતનમાં રક્તસ્રાવ થયો હતો. અમે તપાસ કરીશું. અત્યારે અમારી પાસે સંપૂર્ણ અહેવાલ નથી."
તેઓ કહે છે, અલ્ટ્રાસાઉન્ડમાં ગર્ભ દેખાય છે પરતું તે સુરક્ષિત છે કે નહીં, તે હાલ કહી શકાય નહીં."
ક્યારે થયાં હતાં લગ્ન અને પોલીસ સ્ટેશનમાં શું થયું?
પિન્કીનાં કહેવા મુજબ એમણે 24 જુલાઈએ દહેરાદૂનમાં રાશિદ સાથે લગ્ન કરી લીધાં. તેઓ 5 ડિસેમ્બરે મુરાદાબાદમાં લગ્નની નોંધણી કરાવવા માટે આવ્યાં હતાં.
સોશિયલ મીડિયામાં વાઇરલ એક વીડિયોમાં પિંકી પર કથિત હિંદુવાદી સંગઠનના કાર્યકરો હુમલો કરતાં દેખાય છે.
મીડિયા અહેવાલો મુજબ હિંદુવાદી સંગઠનના કાર્યકરો અદાલત પરિરસમાં પહોંચ્યા હતા અને આ દંપતીને પકડીને પોલીસ સ્ટેશન લઈ ગયા.
એ પછી યુવતીનાં માતાની ફરિયાદ પર રાશિદ અને એમના પરિવારજનો સામે કેસ દાખલ કરવામાં આવ્યો.
ઉત્તર પ્રદેશ સરકારે 29 નવેમ્બરે અવૈધ ધર્માંતરણ નિષેધનો વટહુકમ પસાર કર્યો હતો. આ વટહુકમ મુજબ આંતરધર્મીય લગ્ન કરનાર યુગલે લગ્નના બે માસ અગાઉ જિલ્લા અધિકારીની પરવાનગી લેવી અનિવાર્ય કરવામાં આવી છે.
આ વટહુકમ પ્રમાણે અવૈધ ધર્મપરિવર્તન પર 10 વર્ષની જેલની સજાની જોગવાઈ છે અને તેને બિનજામીનપાત્ર ગુનો ગણવામાં આવ્યો છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો