વિપુલ ચૌધરી : એ કારણો જે વિપુલ ચૌધરી માટે મુશ્કેલીરૂપ બન્યા

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

ગુજરાતના પૂર્વ ગૃહરાજ્ય મંત્રી તથા મહેસાણાની 'દૂધસાગર' ડેરીના પૂર્વ ચૅરમૅન વિપુલ ચૌધરી તથા તેમના સહાયક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ શૈલેષ પરીખની ઍન્ટી કરપ્શન બ્યૂરો દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

સમાચાર સંસ્થા પીટીઆઈ અનુસાર ગુજરાતના પૂર્વ ગૃહરાજ્ય મંત્રી વિપુલ ચૌધરીની દૂધસાગર ડેરીમાં આશરે 500 કરોડ રૂપિયાની કથિત ગેરરીતિ માટે ધરપકડ કરવામાં આવી છે.

બુધવારે મોડીરાત્રે તેમની અટકાયત કરવામાં આવી હતી, જે પછી ગુરૂવારે સવારે તેમની ધરપકડ કરવામાં આવી હતી.

આગામી વિધાનસભા તથા દૂધસાગર ડેરીની ચૂંટણી પૂર્વે દિગ્ગજ સહકારી નેતાની ધરપકડથી ચકચાર મચી જવા પામી છે.

વિપુલ ચૌધરી ઉપર આરોપ છે કે દૂધસાગર ડેરીના લગભગ રૂ. 300 કરોડ સંગઠન સાથે કામ કરતી એક એજન્સીને વગે કરવામાં આવ્યા હતા.

જોકે, ચૌધરી વિવાદમાં સપડાયા હોય તેવો આ પહેલો બનાવ નથી. 1995માં પહેલી વખત ધારસાભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા ત્યારથી તેમની રાજકીય અને સહકારી કારકિર્દી ઉતાર-ચઢાવ ભરેલી રહી છે.

માનસિંહને કારણે 'માન'

અભ્યાસે મિકેનિકલ એંજિનિયર વિપુલ ચૌધરીને રાજકારણ વારસામાં મળ્યું છે. તેમના પિતા ગાંધીજીના 'અસહકાર આંદોલન'માં અગ્રણી હતા અને તેમણે યુવાનોને સંગઠિત કરવાનું કામ કર્યું હતું.

1946માં માત્ર 26 વર્ષની વયે તેઓ વડોદરા સ્ટેટની પ્રતિનિધિસભાના સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા.

1952માં તેઓ માણસા/વીજાપુર બેઠક પરથી બૉમ્બે સ્ટેટના ધારાસભ્ય બન્યા. ગુજરાતના ગઠન બાદ 1962માં વધુ એક વખત તેઓ ધારાસભ્ય બન્યા.

તેમણે પોતાના વતન વીજાપુર તથા જિલ્લામાં શિક્ષણ અને સહકારનો વ્યાપ વધે તે માટે ખંતપૂર્વક મહેનત કરી.

ભારતમાં 'શ્વેત ક્રાંતિ'ના જનક ડૉ. વર્ગિસ કુરિયન જ્યારે 'અમુલ'ની માફક રાજ્યમાં દરેક જિલ્લામાં સહકારી દૂધ ઉત્પાદક મંડળીની સ્થાપના કરવા માટે પ્રયાસ કરી રહ્યા હતા, ત્યારે માનસિંહે મહેસાણા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની સ્થાપના કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી, જે આગળ જતાં 'દૂધસાગર' ડેરી તરીકે લોકપ્રિય થઈ.

સપ્ટેમ્બર મહિનાનું નિવેદન

વિપુલ ચૌધરી આંજણા ચૌધરી સમાજના છે. જે મહેસાણા, માણસા, વાવ, રાધનપુર, પાલનપુર, ડીસા અને કાંકરેજ સહિત ઉત્તર ગુજરાતની ડઝનેક બેઠક પર પ્રભુત્વ ધરાવે છે.

કહેવાય છે કે 2017ની વિધાનસભા ચૂંટણીમાં જ્યારે નીતિન પટેલનો વિજય મુશ્કેલ બન્યો હતો, ત્યારે તેમણે આંજણા ચૌધરી સમુદાયની તરફ નજર દોડાવી હતી અને એ પછી તેમનો વિજય શક્ય બન્યો હતો.

તેમણે 'અર્બુદા સેના'ના માધ્યમથી પોતાનું રાજકીય કદ વધારવા માટે પ્રયાસ કર્યા હતા. તેમણે રેલી યોજીને શક્તિપ્રદર્શન પણ કર્યું હતું.

સપ્ટેમ્બર મહિનાના પહેલા અઠવાડિયામાં ખેરાલુમાં અર્બુદા સેનાના કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગમાં ભાજપના સંસદસભ્ય ભરતસિંહ ડાભી પહોંચ્યા હતા.

તેમણે ક્હયું હતું કે 'આપણે વિપુલભાઈને ફરી એક વખત સક્રિય રાજકારણમાં લાવવાના છે અને હું ઇચ્છું છું કે તેઓ ફરી એક વખત ગુજરાતના ગૃહમંત્રી બને.'

તેમના આ નિવેદનને કારણે ભાજપના સ્થાનિક નેતાઓમાં પણ ચર્ચા શરૂ થઈ ગઈ હતી. એવું માનવામાં આવ્યું કે 'હોઠ ભરતસિંહના હતા, પરંતુ શબ્દ અને વિચાર વિપુલ ચૌધરીના હતા.'

આ સિવાય વિપુલ ચૌધરીએ દૂધસાગરની ચૂંટણીમાં ઝંપલાવવાની તૈયારી હાથ ધરી હતી, જ્યાં વર્ષોથી તેમની સામે સંઘર્ષ કરનારી ભાજપની પૅનલ સત્તામાં છે.

અગાઉ પણ થઈ હતી ધરપકડ

ગુજરાતના પૂર્વ ગૃહ રાજ્યમંત્રી અને દૂધસાગર ડેરીના પૂર્વ ચૅરમૅન વિપુલ ચૌધરીની ડેરીના કર્મચારીઓના બોનસમાં કથિત કૌભાંડને મામલે ધરપકડ થઈ હતી અને કોર્ટે તેમને ચાર દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી આપ્યા હતા.

જાન્યુઆરી 2021માં દૂધસાગર ડેરીની ચૂંટણી થવાની હતી અને તેવા સમયે વિપુલ ચૌધરીની ધરપકડથી રાજકારણ ગરમાયું હતું.

સહકારી ક્ષેત્રના નેતા વિપુલ ચૌધરી વિદ્યાર્થીકાળથી જ વિવાદોમાં રહ્યા છે.

મહેસાણામાં 12 ધોરણ પાસ કરી અમદાવાદ ઇજનેરી ભણવા આવેલા વિપુલ ચૌધરીમાં શરૂઆતથી જ નેતાગીરીનાં લક્ષણો હતાં.

1987માં અમદાવાદની એલ. ડી. એંજિનિયરિંગ કૉલેજમાં અભ્યાસ દરમિયાન વિપુલ ચૌધરી કૉલેજમાં જનરલ સેક્રેટરી બન્યા હતા અને એ સમયે અમદાવાદમાં થયેલી હિંસાને કારણે કૉલેજની પરીક્ષા પાછી ઠેલવા માટે આંદોલન કર્યું હતું.

એ વખતે વિપુલ ચૌધરી પર કૉલેજના પ્રિન્સિપાલના નામે બનાવટી સહી કરી પરીક્ષા પાછી ઠેલવાની જાહેરાત કરવાનો આરોપ પણ લાગ્યો હતો. જોકે, એ આરોપ સાબિત થયો નહોતો અને તેઓ નિર્દોષ છૂટ્યા હતા.

સેનેટની ચૂંટણીમાં જીત અને ભાજપ પ્રવેશ

એ સમયે અમદાવાદની એલ. ડી. એંજિનિયરિંગ કૉલેજની હોસ્ટેલમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વિદ્યાર્થીઓનાં અલગ-અલગ જૂથ હતાં. મોટા ભાગના વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહેતા હતા.

વિપુલ ચૌધરી ગુજરાત યુનિવર્સિટીની સેનેટની ચૂંટણી લડ્યા અને જીત્યા. એ પછી એ ભાજપની નજરમાં આવ્યા.

આ સમયે ભાજપનું સુકાન પૂર્વ મુખ્ય મંત્રી શંકરસિંહ વાઘેલાના હાથમાં હતું.

વિપુલ ચૌધરીના દિવંગત પિતા અને મહેસાણા દૂધસાગર ડેરીનો પાયો નાખનાર માનસિંહ ચૌધરીની સાથે શંકરસિંહ વાઘેલાને નિકટનો સંબંધ હતો.

શંકરસિંહ વાઘેલા વિપુલ ચૌધરીને ભાજપમાં લઈ આવ્યા.

એ સમયમાં ભાજપમાં યુવા મોરચાની જવાબદારી સંભાળનાર પૂર્વ વાહનવ્યવહારમંત્રી બિમલ શાહે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "એ સમયે ભાજપનો ઉદય થઈ રહ્યો હતો. અમે યુવાનોને આગળ લાવતા હતા અને એ જ રીતે વિપુલ ચૌધરીને તૈયાર કર્યા."

"એમનામાં લીડરશિપનાં ગુણો જોઈ અમે એમને મહેસાણા યુવા મોરચાના અધ્યક્ષ બનાવ્યા હતા."

મહેસાણાના નિવાસી અને વિપુલ ચૌધરીના કૌટુંબિક ભાઈ જયેશ ચૌધરીએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "એ અમારા આંજણા પટેલ એટલે કે ચૌધરીમાં સારું ભણનારા યુવાનોમાંથી એક ગણાય. વળી, પૈસાની કોઈ તકલીફ હતી નહીં. એ સમયે પેટ્રોલ-પંપ ખૂબ ઓછા હતા ત્યારે એમના પિતાજીના સમયનો રાજકમલ પેટ્રોલ-પંપ હતો."

"ત્યાં યુવાનોની રોજ બેઠક થતી હતી. વિપુલ ચૌધરીએ ઇજનેર થયા પછી કોઈ બીજું કામ કરવાને બદલે રાજકારણ અને સમાજસેવા કરવાનું શરૂ કર્યું અને ખૂબ ઓછા સમયમાં ઘણી લોકપ્રિયતા મેળવી."

શંકરસિંહના ચાર હાથ

ટૂંકા ગાળામાં લોકપ્રિય થનારા વિપુલ ચૌધરી પર શંકરસિંહ વાઘેલાના ચાર હાથ હતા.

1995માં ધારાસભ્ય બનતાની સાથે જ એમને કેશુભાઈ પટેલની સરકારમાં રાજ્યકક્ષાના ગ્રામ્યવિકાસમંત્રી તરીકેનું સ્થાન મળી ગયું હતું.

રાજ્યસભાના પૂર્વ સભ્ય કનકસિંહ માંગરોલાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે "વિપુલ ચૌધરી પર શંકરસિંહને વધુ ભરોસો ત્યારે બેઠો હતો કે જયારે મારી રાજ્યસભાની ચૂંટણીમાં ક્રૉસ વોટિંગ કરાવવામાં એમણે પણ મહત્ત્વની ભૂમિકા ભજવી."

માંગરોલા કહે છે કે "એમના સમાજ ચૌધરીના વોટ ઉત્તર ગુજરાતમાં વધારે હતા. મહેસાણા, બનાસકાંઠા અને સાબરકાંઠામાં નિર્ણાયક મત હતા અને એમની પકડ એવી હતી કે તેઓ ઘણા ધારાસભ્યોને ક્રૉસ વોટિંગ કરવા મનાવી શક્યા હતા."

કનકસિંહ માંગરોલા કહે છે કે "આ ક્રૉસ વોટિંગના ઇનામ તરીકે એમને વિધાનસભાની ટિકિટ અને નાની ઉંમરે મંત્રીપદ મળ્યું હતું."

"શંકરસિંહ વાઘેલા જ્યારે ભાજપથી છેડો ફાડી ધારાસભ્યોને લઈ ખજૂરાહો ગયા ત્યારે વિપુલ ચૌધરી કેશુભાઈ સાથે અમેરિકામાં 'ગોકુળ ગ્રામ યોજના'ના પ્રચાર માટે હતા અને ત્યાંથી એમણે શંકરસિંહને ટેકો આપ્યો હતો."

એ પછી જયારે શંકરસિંહ વાઘેલાની સરકાર બની ત્યારે એમને ગૃહમંત્રીપદ મળ્યું. એમણે સોશિયલ ઇજનેરી શીખી લીધી હતી. જોકે, એ પછી શંકરસિંહના રાજપમાંથી એ ચૂંટણી લડ્યા અને હારી ગયા.

શંકરસિંહની સરકારના સમાજકલ્યાણમંત્રી તરીકે કામ કરી ચૂકેલા ગિરીશ પરમારે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે "આ ગાળામાં વિપુલ ચૌધરી શંકરસિંહ વાઘેલાની ઘણા નજીક આવી ગયા હતા."

"ખજૂરાહો સમયે થયેલા ખર્ચની જયારે તપાસ થઈ ત્યારે ખર્ચનો મોટો હિસ્સો પોતે આપ્યો હોવાની જાહેરાત એમણે કરી હતી અને એ રીતે શંકરસિંહની નજીક આવી ગયા."

ગિરીશ પરમાર કહ્યું હતું કે "કૉંગ્રેસથી છેડો ફાડી રાજપા બનાવવા માટે શંકરસિંહને ઉશ્કેરનારાઓમાં વિપુલ ચૌધરીનો પણ સમાવેશ થાય છે."

શંકરસિંહે સરકાર એનો કાર્યકાળ પૂરો કરે એ પહેલાં સરકાર વિખેરી રાજપા બનાવી લીધી હતી.

ગિરીશ પરમાર કહ્યું હતું કે "શંકરસિંહની આંગળી પકડીને રાજકારણમાં આવ્યા છતાં એમણે શંકરસિંહ વાઘેલા સામે કૉંગ્રેસમાં મોરચો માંડ્યો હતો અને કૉંગ્રેસ ઑફિસની બહાર ધરણાં પણ કર્યાં હતાં."

શંકરસિંહ વાઘેલાની સરકારમાં વિપુલ ચૌધરી સાથે મંત્રીપદે રહેનાર રોજગારમંત્રી માધુભાઈ ઠાકોરે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું "ત્યાર બાદ શંકરસિંહ પ્રદેશપ્રમુખ બન્યા એટલે એમને 2002ની વિધાનસભાની ટિકિટ ન મળી."

"શંકરસિંહ 2004માં કેન્દ્રીય મંત્રી બન્યા એટલે વિપુલ ચૌધરીએ પોતાનું રાજકીય કદ વધારવા માટે દૂધસાગર ડેરીમાં ધ્યાન આપવાની શરૂઆત કરી અને પિતાએ બનાવેલી ડેરીમાં ચૅરમૅન બની ગયા."

નરેન્દ્ર મોદીને પગે લાગ્યા

ગિરીશ પરમાર કહ્યું હતું કે "આ સમયમાં દૂધસાગર ડેરીમાં સત્તા હોવાથી શરદ પવારની નજીક જવા માટે મહારાષ્ટ્રમાં દુકાળ પડ્યો ત્યારે 'સાગર દાણ' ગેરકાયદે મોકલાવ્યું."

"એવું કહેવાય છે કે એમણે નેશનલ ડેરી ડેવલપમૅન્ટ બોર્ડમાં જગ્યા મેળવવા માટે આ મદદ કરી હતી પણ સહકારી ક્ષેત્રે ઊહાપોહ થતાં 2013માં સૌના આશ્ચર્ય વચ્ચે વિપુલ ચૌધરીએ નૂતન વર્ષના સમારોહમાં નરેન્દ્ર મોદીને જાહેરમાં પગે લાગી લીધું હતું."

વિપુલ ચૌધરી 2005થી દૂધસાગર ડેરીના ચૅરમૅનપદે હતા. 2013 સુધીમાં ગુજરાત કૉ-ઑપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના 17 સભ્યોમાંથી 12 સભ્યો ભાજપના હોવા છતાં કોઈ તકલીફ ન થઈ.

જોકે, 2013માં નરેન્દ્ર મોદીને જાહેરમાં પગે લાગ્યા પછી એમણે રાહુલ ગાંધી સાથે બંધ બારણે મુલાકાત કરી અને 2014થી વિપુલ ચૌધરીની મુસીબતોની શરૂઆત થઈ.

વિપુલ ચૌધરી પર ભ્રષ્ટાચારનો આરોપ

એ સમયે સહકારી આગેવાન પારથી ભટોળે આરોપ મૂક્યો હતો કે "વિપુલ ચૌધરીએ 7000 ટન મિલ્ક પાવડર સસ્તામાં વેચીને ભ્રષ્ટાચાર કર્યો છે."

આ ઉપરાંત વિપુલ ચૌધરી પર ખાંડ અને મૉલાસિસની ખરીદીમાં ગેરરીતિ થઈ હોવાનો આરોપ પણ થયો.

એ પછી 'સાગર દાણ'નું કથિત 22 કરોડનું કૌભાંડ સામે આવ્યું. આ અંગે સહકારી રજિસ્ટ્રાર પ્રતીક ઉપાધ્યાયે તપાસ કરી હતી.

ચૅરમૅનપદ ગુમાવ્યું

'સાગર દાણ'ના કૌભાંડના આરોપ બાદ રજિસ્ટ્રાર ઑફ કૉ-ઑપરેટિવ સોસાયટીના ચૅરમૅને ડેરીમાંથી એમનું સભ્યપદ રદ કરવાનો આદેશ આપ્યો હતો.

આ આદેશને વિપુલ ચૌધરીએ ગુજરાત હાઈકોર્ટમાં પડકાર્યો અને જસ્ટિસ એસ. એચ. વોરાએ આદેશ સામે સપ્ટેમ્બર 2018માં સ્ટે આપ્યો હતો.

અગાઉ વિપુલ ચૌધરીને ગેરરીતિના મામલે દૂધસાગર ડેરીના ચૅરમૅનપદેથી દૂર કરવાના અને ત્રણ વર્ષ સુધી ચૂંટણી નહીં લડવાનો આદેશ આપવામાં આવ્યો હતો. પરંતુ 31 જુલાઈ 2019માં સ્ટેટ કૉ-ઑપરેટિવ ટ્રિબ્યુનલે વિપુલ ચૌધરીને 'સાગર દાણ'ના 22.5 કરોડના કેસમાં 40% રકમ એટલે કે નવ કરોડ રૂપિયા જમા કરાવવાનું કહ્યું.

આ નવ કરોડની રકમનો હાલ થયેલી ધરપકડ સાથે નાતો છે.

વિપુલ ચૌધરી સામે નવ કરોડના ગોટાળાની ફરિયાદ કરનારા દૂધસાગર ડેરીના ડિરેક્ટર અશોક ચૌધરીએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું :

"વિપુલ ચૌધરીએ ડિરેક્ટર નહીં હોવા છતાં કર્મચારીઓને બમણું બોનસ આપવાની એમના સાગરિતો મારફતે જાહેરાત કરી અને આ નાણાં ડેરીમાંથી એમનાં ખાતાંમાં જમા કરાવ્યાં. ત્યાર બાદ આ પૈસાના બળજબરીથી કોરા ચેક લખાવી વિપુલ ચૌધરી એ નવ કરોડ જમા કરાવ્યા છે."

જોકે, વિપુલ ચૌધરીએ લેખિત નિવેદન જાહેર કરીને કહ્યું છે કે "આ આરોપ ખોટો છે અને તેમણે જમીન વેચીને પૈસા જમા કરાવ્યા છે, કોઈ ઉચાપત કરી નથી."

વિપુલ ચૌધરી સામેની આ ફરિયાદને આધારે સી.આઈ.ડી. ક્રાઇમ બ્રાન્ચે એમની ધરપકડ કરી કોર્ટેમાંથી ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો