You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 : રાજ્યના આદિવાસી પટ્ટા પર કોની બોલબાલા રહેશે - ભાજપ, કૉંગ્રેસ કે આપ?
- લેેખક, રૉક્સી ગાગડેકર છારા
- પદ, બીબીસી સંવાદદાતા
- ગુજરાતમાં આદિવાસીઓ માટે કુલ 27 બેઠકો અનામત છે, આ સિવાય 19 બેઠકો પર આદિવાસી મતદારો નિર્ણાયક ભૂમિકામાં હશે
- ગત વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસે છેલ્લા બે દાયકાનું સૌથી સારું પ્રદર્શન કરીને 15 બેઠકો જીતી હતી અને ભાજપને ફાળે નવ બેઠકો આવી હતી. બે બેઠકો બીટીપી અને એક બેઠક અપક્ષના ભાગે ગઈ હતી
- જોકે ત્યારબાદ વિવિધ રાજકીય પરિબળો અને પેટાચૂંટણીનાં પરિણામો બાદ છેલ્લી પરિસ્થિતિ પ્રમાણે ભાજપની 13 બેઠકો થઈ હતી અને કૉંગ્રેસ પાસે 12 બેઠકો રહી ગઈ હતી
- બીટીપીના નેતા મહેશ વસાવા અનુસાર, બીટીપીના સંગઠનને ખતમ કરવા માટે આપ પાર્ટી કામ કરી રહી હતી, અનામત અને બિનઅનામત બેઠકોમાં ઉમેદવારોની પસંદગીને લઈને પણ તેમનો કોઈ અભિપ્રાય લેવામાં આવ્યો નહોતો
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આદિવાસી બેઠકો હંમેશાં મહત્ત્વની રહી છે. એક સમયે ગુજરાતના આદિવાસી પટ્ટા પર કૉંગ્રેસનો દબદબો હતો.
અંબાજીથી લઈને નવસારી સુધી રાજ્યના આદિવાસી પટ્ટા પર એક સમયે કૉંગ્રેસ સિવાયની કોઈ પાર્ટી પ્રચાર કરવા પણ જતી ન હતી. જોકે હવે પરિસ્થિતિ ઘણે અંશે બદલાઈ ચૂકી છે.
આગામી ચૂંટણીમાં તો ગુજરાતના આદિવાસી પટ્ટામાં પહેલાં ક્યારેય ન જોઈ હોય તેવી રાજકીય સ્પર્ધા જોવા મળે તેવી શક્યતા છે.
ભારતીય ટ્રાઇબલ પાર્ટી (બીટીપી)એ તાજેતરમાં જ આમ આદમી પાર્ટી સાથે નવું ગઠબંધન કર્યું હતું અને કેજરીવાલની હાજરીમાં ભરૂચ ખાતે આદિવાસી સંકલ્પ મહાસંમેલનનું આયોજન કરીને ચૂંટણીપ્રચારની શરૂઆત કરી હતી. પરંતુ બાદમાં અચાનક છોટુ વસાવાએ આમ આદમી પાર્ટી સાથેનું ગઠબંધન તોડવાની જાહેરાત કરીને સ્પર્ધાને વધુ રસપ્રદ બનાવી છે.
14 ટકા મત આદિવાસી મતદારોના
એક તરફ સમગ્ર ગુજરાતમાં આગામી ચૂંટણીમાં ત્રિપાંખિયા જંગ ખેલાવાની ચર્ચા ચાલી રહી છે, ત્યારે આ આદિવાસી પટ્ટામાં હવે કૉંગ્રેસ, ભાજપ, આપ અને બીટીપી એમ ચાર મોરચે લડત જોવા મળશે.
બીટીપીએ 2017માં કૉંગ્રેસ સાથે જોડાણ કરીને ચૂંટણી લડી હતી, પરંતુ રાજ્યસભાની ચૂંટણીમાં ક્રૉસ વોટિંગ થતા ગઠબંધન તોડી નાખ્યું હતું. .
ગુજરાતના કુલ મત પૈકી 14 ટકા મત આદિવાસી સમુદાયના છે. રાજ્યમાં આદિવાસીઓ માટે કુલ 27 બેઠકો અનામત છે, આ સિવાય 19 બેઠકો પર આદિવાસી મતદારો નિર્ણાયક ભૂમિકામાં હશે, એટલે કે આ 19 બેઠકો પર જીતવું હોય તો આદિવાસી મતદારોને રિઝવવા પડશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગત વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસે છેલ્લા બે દાયકાનું સૌથી સારું પ્રદર્શન કરીને 15 બેઠકો જીતી હતી અને ભાજપને ફાળે નવ બેઠકો આવી હતી. બે બેઠકો બીટીપી અને એક બેઠક અપક્ષના ભાગે ગઈ હતી.
જોકે ત્યારબાદ વિવિધ રાજકીય પરિબળો અને પેટાચૂંટણીના પરિણામો બાદ છેલ્લી પરિસ્થિતિ પ્રમાણે ભાજપની 13 બેઠકો થઈ હતી અને કૉંગ્રેસ પાસે 12 બેઠકો રહી ગઈ હતી.
નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધી અને અરવિંદ કેજરીવાલે 2022ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ વિસ્તારમાં આદિવાસી સંમેલનો બોલાવી લીધા છે. રાહુલ ગાંધી અને નરેન્દ્ર મોદીએ દાહોદમાં સભાઓ સંબોધી હતી તો અરવિંદ કેજરીવાલે ભરૂચ પાસેના વાલિયામાં આદિવાસી સભાને સંબોધી હતી.
બીટીપી-આપ ગઠબંધન કેમ ન જામ્યું?
હાલમાં તમામ પક્ષો આદિવાસી સમુદાયના મત પર મીટ માંડીને બેઠા છે. બીટીપી અને આપ વચ્ચેના ગઠબંધનને કારણે એવું માનવામાં આવી રહ્યું હતું કે આપને બીટીપીની તૈયાર કૅડર મળશે અને બીટીપીને મોટી પાર્ટીનો સાથ મળશે, જે કૉંગ્રેસ અને ભાજપ બંને માટે એક મોટો પડકાર ઊભો કરશે.
જોકે હાલમાં જ્યારે આ ગઠબંધન તૂટી જવાનું કારણ જણાવતા બીટીપીના નેતા અને દેડિયાપાડા વિધાનસભાના ધારાસભ્ય મહેશ વસાવા બીબીસી ગુજરાતીને કહે છે, "બીટીપીના સંગઠનને ખતમ કરવા માટે આપ પાર્ટી કામ કરી રહી હતી. અનામત અને બિનઅનામત બેઠકોમાં ઉમેદવારોની પસંદગીને લઈને અમારો કોઈ અભિપ્રાય લેવામાં આવ્યો નથી."
તેમણે આમ આદમી પાર્ટી પર આક્ષેપ કર્યો કે, "આપ પાર્ટી ભાજપની બી-ટીમ તરીકે કામ કરીને હાલમાં ગુજરાતમાં પ્રવેશી રહી છે."
મહેશ વસાવા અને બીટીપીના નેતા છોટુ વસાવાએ દિલ્હીમાં અરવિંદ કેજરીવાલની મુલાકાત લીધી હતી અને ત્યારબાદ ગઠબંધનની જાહેરાત કરી હતી.
મહેશ વસાવા કહે છે, "ત્યારબાદની સભાઓમાં બીટીપીને રીતસર ખતમ કરવા માટે આપ પાર્ટીએ કામ કર્યું હતું, જેની અમને જાણ થતા અમે ગઠબંધન તોડી નાખ્યું છે."
હાલ તો બીટીપીના ઝગડિયા અને દેઢિયાપાડાની બે બેઠકો પર ધારાસભ્યો છે. પરંતુ એક સમયે આ વિસ્તારની અનેક તાલુકા પંચાયતો પર બીટીપીની સત્તા હતી.
આજે બીટીપી એકપણ તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતમાં સત્તામાં નથી.
કેટલાક નિષ્ણાંતોના મતે, આમ આદમી પાર્ટી સાથે ગઠબંધનમાં આમ આદમી પાર્ટી કરતા બીટીપીનો વધુ ફાયદો જોવાતો હતો.
ગઠબંધનના નફા-નુકસાનના સમીકરણને સમજવા આમ આદમી પાર્ટીનો પક્ષ જાણવા બીબીસી ગુજરાતીએ આમ આદમી પાર્ટીના પ્રદેશઉપાધ્યક્ષ અને છોટા ઉદેપુર વિધાનસભાના ઉમેદવાર અર્જુન રાઠવા સાથે વાત કરી. તેમણે કહ્યું, "આમ આદમી પાર્ટી પરના બીટીપીના આરોપો ખોટા છે. બીટીપી એકાધિકાર ચલાવે છે અને છોટુભાઈનો સંપર્ક કરવો અમારા જેવા માટે પણ મુશ્કેલ છે, તો કાર્યકર્તાઓ તો કેવી રીતે તેમનો સંપર્ક કરી શકે. હવે બીટીપી સાથે અમારું ગઠબંધન નથી તો અમે બધી જ વિધાનસભા પર આપના ઉમેદવારો ઊભા રાખીશું. તેમની દેઢિયાપાડા અને ઝગડિયામાં પણ આપના ઉમેદવારો ચૂંટણી લડશે અને જીતશે."
અર્જુન રાઠવા આમ આદમી પાર્ટીના પ્રમુખ નેતા તરીકે ઊભર્યા છે અને હાલમાં આમ આદમી પાર્ટીએ 10 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી તેમાં તેમનું નામ પણ હતું. તેમણે 2014માં લોકસભાની ચૂંટણી પણ લડી હતી.
તેઓ વધુમાં કહે છે, "અમને એવું લાગે છે કે તેમના પર કોઈ દબાણ છે, જેના કારણે તેમણે આ ગઠબંધન તોડ્યું છે. તેમના ઘણા કાર્યકર્તાઓ આપ સાથેના જોડાણથી ખુશ હતા, હવે તેઓ પણ નિરાશ થયા છે."
કૉંગ્રેસ અને ભાજપના દાવા
બીજી બાજુ કૉંગ્રેસ એવું માની રહી છે કે આ વખતે આદિવાસી વિસ્તારમાં તે 15થી વધુ બેઠકો જીતશે.
કૉંગ્રેસના વરિષ્ઠ નેતાએ નામ ન આપવાની શરતે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહે છે, "આપ અને બીટીપીનું ગઠબંધન હોય કે ન હોય, કૉંગ્રેસનો કાર્યકર્તા છેક નીચે સુધી છે, અને ડોર ટુ ડોર કૅમ્પેન થકી તે લોકો સુધી પહોંચી રહ્યો છે, માટે આ વખતે કૉંગ્રેસનો દેખાવ આદિવાસી વિસ્તારોમાં પહેલાંની તમામ ચૂંટણીઓ કરતા સારો રહેવાનો છે."
ભાજપ અને તેની ભગિની સંસ્થાઓ હાલમાં ઘણા આદિવાસી વિસ્તારોમાં લોકો સુધી પહોંચી રહી છે અને તેમની સમસ્યાઓનું સમાધાન કરવામાં લાગી છે.
ભાજપના એસટી મોર્ચાના પ્રમુખ હર્ષદ વસાવા બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહે છે, "આ પ્રકારના ગઠબંધનથી કે કૉંગ્રેસના દાવાથી અમને કોઈ ફેર નહીં પડે. અમે માત્ર ચૂંટણીને ધ્યાનમાં લઈને લોકોની વચ્ચે નથી જતા, લોકો સાથે અમારો સંવાદ સતત ચાલુ જ હોય છે. હવે કંઈ પહેલાં જેવું નથી કે લોકો માત્ર કૉંગ્રેસ પક્ષને જોઈને મત આપી દે હવે આદિવાસી મતદાર વિચારીને મતદાન કરે છે અને તેનું પરિણામ તાલુકા પંચાયતોમાં જોવા મળ્યું હતું, જેમાં બીટીપી અને કૉંગ્રેસ બન્નેનું કંગાળ પ્રદર્શન જોવા મળ્યું હતું."
તેઓ કહે છે, "આદિવાસી વિસ્તારની તમામ તાલુકા અને જીલ્લા પંચાયતમાં હાલમાં જ્યારે ભાજપની સત્તા છે, ત્યારે તે સંગઠન પણ ભાજપ માટે કામે લાગી ગયું છે, અને આ વખતે આપ, બીટીપી કે કૉંગ્રેસને ફાળે એક પણ નહીં આવે."
જોકે આ બદલાતાં રાજકીય સમીકરણો વચ્ચે રાજકીય વિશ્લેષકો પણ માને છે કે આ સ્પર્ધાનો સીધો ફાયદો ભાજપને થશે. એક તરફ ભાજપની મજબૂત પકડ અને બીજી બાજુ ચાર પક્ષો લડી રહ્યા હોય તો ભાજપ વિરુદ્ધના તમામ મતો વિભાજિત થઈ જશે.
ભૂતપૂર્વ પત્રકાર રાજીવ શાહ કહે છે, "અરવિંદ કેજરીવાલ આમ આદમી પાર્ટીને એક રાષ્ટ્રીય પાર્ટી તરીકે સ્થાપિત કરવા માગે છે અને તે માટે ગુજરાતમાં પાર્ટીનો પગપસારો ઇચ્છે છે, આદિવાસી વિસ્તારમાં ભાજપ પ્રત્યેની નારાજગી તેમને અહીં સુધી ખેંચી લાવી હોય તેવું લાગે છે, પરંતુ ભાજપ વિરુદ્ધના મતો આપ અને કૉંગ્રેસ વચ્ચે વિભાજિત થઈ જશે તેવું મારું માનવું છે."
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો