You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
SCO : નરેન્દ્ર મોદી અને શી જિનપિંગ કયા મુદ્દાઓ પર વાતચીત કરી શકે એમ છે?
- લેેખક, ઝુબૈર અહમદ
- પદ, બીબીસી સંવાદદાતા
- આ સંમેલન એવા સમયે થઈ રહ્યું છે જ્યારે ભારતીય અને ચીની સૈનિકોએ સોમવારના રોજ પૂર્વ લદ્દાખમાં હૉટ સ્પ્રિંગ્સ ક્ષેત્રમાં વિઘટનની પ્રક્રિયા પૂર્ણ કરી લીધી છે જેનાથી એ વાતની ધારણા બંધાઈ છે કે બંને દેશોના નેતા પરસ્પર વાતચીત કરશે. બંને પક્ષ એ વાત પર સંમત છે કે મે 2020માં શરૂ થયેલા સૈન્ય ઘર્ષણનું લદ્દાખમાં ઘણી જગ્યાએ સમાધાન લાવી દેવાયું છે
- આ વર્ષે માર્ચમાં ચીની વિદેશમંત્રી વાંગ યી ભારતના નિમંત્રણ પર દિલ્હી આવ્યા હતા જે એ વાતના સંકેત છે કે બંને દેશો વચ્ચે સંબંધ સામાન્ય કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
- નિષ્ણાતો કહે છે કે બંને નેતાઓ વચ્ચે ભારત-ચીનના સંબંધોમાં સુધારાના ઉપાયો પર વાતચીત થઈ શકે છે
- કયા મુદ્દે દ્વિપક્ષી વાતચીત થઈ શકે તેમ છે? તે જાણવા માટે વાંચો આ અહેવાલ.
ઉઝબેકિસ્તાનના ઐતિહાસિક શહેર સમરકંદમાં 15-16 સપ્ટેમ્બરના રોજ યોજાનારા શિખર સંમેલનમાં લોકોની નજર વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પર હશે. 2020માં ગલવાન સરહદ પર બંને દેશો વચ્ચે થયેલી લડાઈ બાદ પહેલી વખત બંને દેશોના નેતા સામસામે હશે અને સંમેલનમાં સામેલ થનારા બીજા નેતાઓ સાથે એક જ મંચ પર બેઠેલા જોવા મળશે.
જો બંને નેતાઓ વચ્ચે શિખર સંમેલનમાં દ્વિપક્ષીય બેઠક થઈ તો કયા મુદ્દાઓ પર વાતચીતની શક્યતા છે?
આ સંમેલન એવા સમયે થઈ રહ્યું છે જ્યારે ભારતીય અને ચીની સૈનિકોએ સોમવારના રોજ પૂર્વ લદ્દાખમાં હૉટ સ્પ્રિંગ્સ ક્ષેત્રમાં વિઘટનની પ્રક્રિયા પૂર્ણ કરી લીધી છે જેનાથી એ વાતની ધારણા બંધાઈ છે કે બંને દેશોના નેતા પરસ્પર વાતચીત કરશે. બંને પક્ષ એ વાત પર સંમત છે કે મે 2020માં શરૂ થયેલા સૈન્ય ઘર્ષણનું લદ્દાખમાં ઘણી જગ્યાએ સમાધાન લાવી દેવાયું છે.
આ વર્ષે માર્ચમાં ચીની વિદેશમંત્રી વાંગ યી ભારતના નિમંત્રણ પર દિલ્હી આવ્યા હતા જે એ વાતના સંકેત છે કે બંને દેશો વચ્ચે સંબંધ સામાન્ય કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. નિષ્ણાતો કહે છે કે બંને નેતાઓ વચ્ચે ભારત-ચીનના પરસ્પર સંબંધોમાં સુધારાના ઉપાયો પર વાતચીત થઈ શકે છે. આ સિવાય ભારત ચીનથી એ વાતે નાખુશ છે કે તેણે બે અવસર પર પાકિસ્તાનમાં ભારતકેન્દ્રી આંતકવાદી સંગઠનો પર સંયુક્ત રાષ્ટ્રના પ્રતિબંધને વીટો કરી દીધો. આ પણ બંને નેતાઓ વચ્ચે વાતચીતનો એક મુદ્દો હોઈ શકે છે.
દિલ્હીમાં FORE સ્કૂલ ઑફ મૅનેજમૅન્ટમાં ચીની મામલાના નિષ્ણાત ડૉક્ટર ફૈસલ અહમદને આશા છે કે બંને નેતાઓ વચ્ચે બેઠક થશે. પરંતુ તેમની વચ્ચે કયા મુદ્દાઓ પર વાતચીત થશે તેના પર તેઓ કહે છે, "મને લાગે છે કે બે-ત્રણ વસ્તુઓ આ દ્વિપક્ષીય બેઠકમાં મહત્ત્વની હશે. પહેલી એ કે સીમા વિવાદના સમાધાન પર વાતચીત થઈ શકે છે. બંને દેશ ઇચ્છશે કે તેના સમાધાન માટે ઝડપથી વાતચીત થાય. બીજી વાત વેપાર, રોકાણ અને આર્થિક સહયોગ પર થઈ શકે છે. વાતચીતનો ત્રીજો સુરક્ષાના દૃષ્ટિકોણથી મહત્ત્વનો એ મુદ્દો હોઈ શકે છે કે ભારત અને ચીન બંને ઇચ્છશે કે નાટોની સામે એક વૈકલ્પિક સુરક્ષાનું માળખું તો હોવું જોઈએ."
ડૉક્ટર ફૈસલ અહમદ આગળ કહે છે, "હું લગભગ આશ્વસ્ત છું કે બંને નેતાઓની અલગથી મુલાકાત થશે કેમ કે ઘણા સમય બાદ બંને આ પ્રકારના મંચ પર સામસામે આવશે. જો મુલાકાત ન થાય તો તેનાથી ખૂબ ખોટું સિગ્નલ જશે. તો પછી ત્યાં જવાની જરૂર જ શું હતી. જો દ્વિપક્ષીય બેઠક ન થાય તો તેને બહુ સફળ સંમેલન માનવામાં આવશે નહીં."
ભારત અને ચીન બંનેએ અત્યાર સુધી આ સંમેલન પર વધારે ટિપ્પણી કરી નથી પરંતુ સિંગાપોરસ્થિત મૂળ ચીની રાજકીય વિશ્લેષક સુન શી કહે છે, "મને આશા છે કે બંને લાંબા સમય સુધી કોરોનાના કારણે પ્રત્યક્ષ મળી શક્યા નથી એટલે તેઓ એકબીજાને મળવા માટે ઉત્સુક હશે."
તેમના કહેવા પ્રમાણે આ મુલાકાત એક અનોખી તક છે અને જો બેઠક દરમિયાન કોવિડ સંક્રમણનું જોખમ નહીં હોય તો તેઓ મળવાનો પ્રયાસ કરશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પણ શિખર સંમેલનમાં ભાગ લેવા જઈ રહ્યા છે. પરંતુ એવા કોઈ સંકેત મળ્યા નથી કે તેમની વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે અલગ મુલાકાત થશે. ઈરાનને ગયા વર્ષે સંમેલનમાં એસસીઓનું સભ્યપદ મળ્યું હતું અને આ વખત તેના રાષ્ટ્રપતિ ઇબ્રાહીમ રઈસી પણ સંમેલનમાં સામેલ છે.
મોદી-પુતિનની મુલાકાત શુક્રવારે
રશિયન વિદેશમંત્રાલયે મંગળવારના રોજ એક પ્રેસ રિલીઝમાં એ વાતની પુષ્ટિ કરી છે કે રાષ્ટ્રપતિ પુતિન અને વડા પ્રધાન મોદી વચ્ચે શુક્રવારના રોજ બેઠક થશે જેમાં બંને દેશો વચ્ચે વેપાર એક મોટો મુદ્દો હશે. ક્રેમલિન પ્રમાણે આ વર્ષના પહેલા અર્ધ વાર્ષિક ગાળામાં "દ્વિપક્ષીય વેપાર 11.5 અબજ ડૉલર સુધી પહોંચી ગયો, જે દર વર્ષે આશરે 120 ટકાની વૃદ્ધિ છે."
ભારત જે પહેલાં અમુક વખત જ રશિયા પાસેથી ઈંધણ ખરીદતું હતું, હવે તે ચીન બાદ મોસ્કોનું બીજું સૌથી મોટું ઈંધણનું ગ્રાહક બની ગયું છે. બંને દેશ રશિયન ઊર્જાના પ્રમુખ ખરીદદાર છે, જેના કારણે યુક્રેનમાં યુદ્ધના લીધે મોસ્કોને પશ્ચિમી દેશના પ્રતિબંધોની અસરથી બચવામાં મદદ મળે છે અને બે એશિયન અર્થવ્યવસ્થાઓને સસ્તા ભાવે ઊર્જા મળવાનો ફાયદો થાય છે.
પશ્ચિમમાં આક્રોશ છતાં ભારત અને ચીન બંનેએ યુક્રેનમાં રશિયન હુમલાની સાર્વજનિકપણે ટીકા કરી નથી.
ગયા વર્ષે તાઝિકિસ્તાનની રાજધાની દુશાંબેમાં એસસીઓ શિખર સંમેલન થયું હતું જેમાં મુખ્યરૂપે અમેરિકાના અફઘાનિસ્તાનમાંથી નીકળી જવાથી ઊભી થયેલી સ્થિતિ અને સભ્ય રાજ્યોની સાથે-સાથે આંતરરાષ્ટ્રીય સમુદાય માટે તેના પરિણામ પર વધારે ચર્ચા થઈ હતી. યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલું ભીષણ યુદ્ધ સૌથી મહત્ત્વનો મુદ્દો બની શકે છે અને તેની સાથે જોડાયેલો ક્ષેત્રીય સુરક્ષાનો મામલો પણ.
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અને તાઇવાનને લઈને ચીનના વલણથી ક્ષેત્રમાં તણાવનો માહોલ છે. ડૉક્ટર ફૈસલ અહમદ કહે છે કે "જો તમે યુક્રેનની વાત કરતા હો તો નાટોની અવગણના ન કરી શકાય." તેમના પ્રમાણે એસસીઓ ક્ષેત્રીય સુરક્ષાને મજબૂત કરવા માટે સ્થાપિત કરવામાં આવ્યું હતું પરંતુ અત્યાર સુધી નાટોની જેમ કોઈ ક્ષેત્રીય સુરક્ષા સંરચનાની સ્થાપના થઈ શકી નથી. તેઓ કહે છે, "એસસીઓનાં બે મહત્ત્ના સભ્યો રશિયા અને ચીન નાટોથી અસુરક્ષા અનુભવે છે. ભારત પણ નાટોને લઈને વધારે સુખદ નથી. તેમણે આખા વિસ્તારમાં એટલે કે આખા એશિયામાં (નાટોના સામનાની) સુરક્ષા સંરચના સ્થાપિત કરવાનો પ્રયાસ કરવો જોઈએ. નાટોને કાઉન્ટર બૅલેન્સ આપવું જ પડશે."
પરંતુ સુન શીનો તર્ક એ છે કે નાટોની જેમ આ ક્ષેત્રમાં સુરક્ષા સંગઠન શક્ય નથી. તેઓ કહે છે, "એ કડવી વાસ્તવિકતા છે કે અમારું ક્ષેત્ર નાટોની જેમ સુરક્ષામાળખું બનાવી શકશે નહીં કેમ કે અમે મૂલ્યો અને સંસ્કૃતિઓ મામલે ખૂબ વિવિધ છીએ અને ક્ષેત્રીય સભ્યો વચ્ચે હજુ પણ ટકરાવની સ્થિતિ બનેલી છે."
એલેક્ઝેન્ડર વોરોત્સોવ, મોસ્કોમાં રશિયન વિજ્ઞાન એકેડમીના ઑરિયન્ટલ સ્ટડીઝ સંસ્થામાં ભણાવે છે. તેઓ કહે છે કે એસસીઓ શિખર સંમેલન આ વર્ષે વિશેષ રૂપે રશિયા-યુક્રેન યુદ્ધ અને તાઇવાન અને ચીનનાં નિવેદનો વિશે વધારે ધ્યાન આકર્ષિત કરી રહ્યું છે. તેઓ કહે છે, "દુનિયામાં એસસીઓની શક્તિ અને મહત્ત્વ એટલું ઝડપથી વધી રહ્યું છે કે તેમાં વધુમાં વધુ રાજ્યો સામેલ થવા માગે છે. આ વર્ષે વૈશ્વિક સ્થિતિ ખૂબ ખરાબ થઈ છે. સંપૂર્ણપણે નવા વૈશ્વિક પડકારો સામે આવ્યા છે જેમની એસસીઓના નેતા અવગણના કરી શકતા નથી."
ભારતને મળશે એસસીઓની અધ્યક્ષતા
સમરકંદ સંમેલન બાદ એસસીઓની અધ્યક્ષતા આગામી વર્ષ માટે ભારતને મળશે. એટલે આગામી વર્ષે શિખર સંમેલન ભારતમાં યોજાશે. સુન શી પ્રમાણે તેમને આશા છે કે ભારતની અધ્યક્ષતામાં ચીન સાથે સંબંધોમાં સુધારા આવશે. તેઓ કહે છે, "ચીન એસસીઓના મહત્ત્વને સમજે છે કેમ કે એસસીઓ દ્વારા ઝિઝિયાંગમાં તેના આતંકવાદ વિરોધી પ્રયાસ અને ચીનની સરહદોની સુરક્ષા સુનિશ્ચિત થાય છે."
આ વચ્ચે જાણકારો પ્રમાણે સમરકંદ શિખર સંમેલનમાં ભાગ લેનારા દેશ બહુપક્ષીય સહયોગની સ્થિતિની સમીક્ષા કરવાના છે, અને વર્તમાન તબક્કામાં એસસીઓ પ્રવૃત્તિઓને તીવ્ર કરવા માટે પ્રાથમિકતાઓ અને વ્યાવહારિક ઉપાયોનું નિર્ધારણ કરશે. તેઓ એસસીઓની ભૂમિકાને વધારવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરશે.
એલેક્ઝેન્ડર વોરોત્સોવ કહે છે કે એસસીઓના નિરંતર વિસ્તાર પર ખૂબ ધ્યાન આપવામાં આવશે. તેના હાલ આઠ સભ્યો છે, હવે ઈરાનને પણ સભ્યતા મળી છે. તે ઇજિપ્ત, કતર અને સાઉદી અરેબિયાની સભ્યતાની ઍપ્લિકેશન પર પણ વિચાર કરશે. આ સિવાય ઔપચારિકપણે બેલારુસની સભ્યતા પર કામ શરૂ કરશે.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો