You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મૅનોપૉઝ : હૉર્મોન રિપ્લેસમૅન્ટ થૅરપી શું છે અને તેના ફાયદા તેમજ ખતરા શું છે?
હૉટ ફ્લૅશ (અચાનક ગરમી લાગવા)થી માંડીને મગજમાં ધુમ્મસ છવાયું હોય એવા અનુભવ સુધી, સાંધાના દુખાવાથી માંડીને અનિદ્રા સુધી.
આવાં લક્ષણો એક મહિલાના શરીરમાં ત્યારે જોવા મળે છે જ્યારે મૅનોપૉઝ થવાનો સમય હોય છે અને સાથે-સાથે તે સમયે મહિલા પોતાના જીવનનો એક તબક્કો પસાર કરી રહી હોય છે અને ત્યારબાદ તે બાળકને જન્મ આપી શકતી નથી.
પરંતુ જે મહિલાઓમાં આ લક્ષણો ગંભીર અસર કરે છે જેનાથી તેમના જીવનમાં અડચણો ઊભી થતી જણાતી હોય, તો તેમના માટે હૉર્મોન રિપ્લેસમૅન્ટ થૅરપી એક વિકલ્પ હોઈ શકે છે.
જો તમે આ વિકલ્પ અપનાવવા માગો છો તો અમે અહીં તમને આ બાબતે માહિતી આપી રહ્યા છીએ કે આ વિકલ્પ પસંદ કરતાં તમારે કયા મુદ્દાઓ પર ધ્યાન આપવું જોઈએ.
હૉર્મોન રિપ્લેસમૅન્ટ થૅરપી ખરેખર છે શું?
મહિલામાં જ્યારે મૅનોપૉઝ શરૂ થવાનું હોય છે, ત્યારે તેમનામાં ઍસ્ટ્રોજન હૉર્મોનનું સ્તર વધઘટ થવા લાગે છે અને અંતે ઘટી જાય છે.
ઍસ્ટ્રોજનનાં ઘણાં કાર્યો છે જેમ કે તે માસિકના ચક્રને નિયમિત રાખવાનું કામ કરે છે. હાડકાંને મજબૂત રાખવામાં મદદ કરે છે અને આપણી ત્વચાના તાપમાનને પ્રભાવિત કરે છે.
જ્યારે ઍસ્ટ્રોજનનું સ્તર અસ્થિર થાય છે ત્યારે હૉટ ફ્લૅશ, રાત્રે પરસેવા, અસ્વસ્થતા અને સાંધાના દુખાવા જેવી તકલીફો થવા લાગે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હૉર્મોન થૅરપી ઍસ્ટ્રોજનનું સ્તર વધારે છે અને આ લક્ષણોથી મહિલાને છૂટકારો મળી શકે છે.
મહિલાઓ માત્ર તેને મૅનોપૉઝ દરમિયાન જ લે છે અને ઘણી મહિલાઓ કહે છે કે તેનાથી તેમનાં સ્વાસ્થ્યને ઘણો ફાયદો થયો છે.
હૉર્મોન રિપ્લેસમૅન્ટ થૅરપીના બીજા પણ વધારાના ફાયદા છે જેમ કે તેનાથી હાડકાંને સ્વસ્થ રાખવામાં મદદ મળે છે અને ફ્રૅક્ચર થવાથી પણ બચી શકાય છે. જે મહિલાઓ 60 વર્ષની અંદરની છે, તેમને આ થૅરપી હૃદયરોગો સામે પણ સુરક્ષા આપે છે.
તમે તેના બીજા ફાયદાઓ વિશે પણ સાંભળ્યું હશે જેમ કે તે મગજના સ્વાસ્થ્યને પણ સુરક્ષા આપે છે અને સાથે ત્વચા તેમજ વાળની પણ સાર-સંભાળ કરે છે. જોકે, તેના પુરાવા હજુ સુધી મર્યાદિત છે.
આ થૅરપી કેવી રીતે આપવામાં આવે છે?
આ થૅરપી ગોળીથી માંડીને પૅચ, જૅલ અને રિંગના આકારમાં પણ મળી શકે છે.
તેની મુખ્ય સામગ્રી ઍસ્ટ્રોજન છે. પરંતુ સૌથી સામાન્ય પ્રકાર છે સંયુક્ત થૅરપી, જેમાં ઍસ્ટ્રોજનની સાથે પ્રોજેસ્ટ્રોન નામનું હૉર્મોન સિન્થેટિક રૂપે આપવામાં આવે છે.
પ્રોજેસ્ટ્રોનને ઉમેરવાથી ગર્ભાશયના પડને સુરક્ષા મળવામાં મદદ મળે છે. એકલું ઍસ્ટ્રોજન ઘણી વખત ગર્ભાશયના કૅન્સરના ખતરાને વધારી દે છે.
સૌથી શ્રેષ્ઠ પ્રકારની થૅરપી વ્યક્તિથી વ્યક્તિ અલગ રીતે લાગુ પડે છે અને તે લક્ષણો તેમજ તેમની રહેણી-કરણી પર આધારિત હોય છે. સામાન્યપણે શરૂઆત સૌથી ઓછા ડોઝથી કરવામાં આવે છે.
મારા માટે સૌથી શ્રેષ્ઠ શું છે?
મોટાભાગની હૉર્મોનેલ થૅરપીની આખા શરીર પર અસર થાય છે. પરંતુ કેટલીક જીના-10 જેવી ગોળી જે યોનિમાર્ગથી જ લેવામાં આવે છે અને તેનાથી શરીરનાં લક્ષણોને રાહત મળે છે. આ ગોળી યુકેમાં સૌથી વધારે મળે છે અને તેને લેવા માટે ડૉક્ટરની સલાહની જરૂર પડતી નથી.
આનાથી શરીરના અન્ય ભાગો દ્વારા શોષાતા ઍસ્ટ્રોજનની માત્રામાં ઘટાડો થાય છે, પરંતુ તેનો અર્થ એ છે કે આ સારવાર અન્ય લક્ષણો જેમ કે હૉટ ફ્લૅશમાં રાહત આપતી નથી.
કેટલા સમયમાં આ થૅરપીની અસર થાય છે?
પૂર્ણ અસર થવામાં ત્રણ મહિના લાગી શકે છે અને હૉર્મોન ઉપચારની માત્રા અને પ્રકારને સમાયોજિત અથવા બદલવાની જરૂર પડી શકે છે.
મોટાભાગના નિષ્ણાતો સલાહ આપે છે કે સૌથી પહેલાં મૅનોપૉઝનાં લક્ષણો દેખાવા લાગે ત્યારે હૉર્મોન રિપ્લેસમૅન્ટ થૅરપી લેવાનું શરૂ કરી દેવું જોઈએ.
60 વર્ષ પછી આ થૅરપી લીધા બાદ તેની શું અસર થાય છે તેના પુરાવા મિશ્રિત અને મર્યાદિત છે. જોકે, કેટલીક મહિલાઓને લક્ષણોમાંથી રાહત મળી છે.
તેને લેવા માટે કોઈ મર્યાદા નથી. તેને તમે ઇચ્છો ત્યાં સુધી લઈ શકો છો. કેટલાક લોકો વર્ષો સુધી થૅરપી લે છે. પરંતુ યુકે મૅડિસિન્સ ઍન્ડ હૅલ્થકૅર પ્રોડક્ટ્સ રેગ્યુલેટરી એજન્સી સલાહ આપે છે કે બને તેટલા ઓછા સમય સુધી ઓછામાં ઓછો તેનો ડોઝ લેવો.
તેના ખતરા શું છે?
જોકે, ભૂતકાળમાં આ થૅરપીની ખરાબ અસર રહી છે, એવું અનુમાન છે કે તેના ફાયદા જોખમો કરતા વધારે છે.
વર્ષ 2000 આસપાસ પબ્લિશ થયેલા બે સંશોધનમાં કહેવામાં આવ્યું હતું કે તેનાથી ફાયદા કરતાં વધારે નુકસાન થાય છે. તેનાથી લોકો વચ્ચે ખૂબ ચર્ચા થઈ હતી અને લોકોએ તેનો ઉપયોગ ઘટાડ્યો હતો.
હવે એવા પુરાવા છે કે આ પ્રકારની સારવાર મદદરૂપ સાબિત થઈ શકે છે તે છતાં લોકો સાવધાનીપૂર્વક તેને વાપરી રહ્યા છે.
કેટલીક થૅરપીમાં નજીવો કૅન્સરનો ખતરો વધતો જોવા મળ્યો છે.
પરંતુ બ્રિટિશ મૅનોપૉઝ સોસાયટીનું અનુમાન છે કે આ ખતરો એક દિવસ બે પેગ દારૂ પીવા અને મેદસ્વી હોવાના ખતરા કરતાં ઘણો ઓછો છે અને દવા બંધ કર્યા પછી જોખમ ધીમે-ધીમે ઓછું થાય છે.
જ્યારે દવા લેવામાં આવે છે ત્યારે લોહીની ગાંઠ બંધાઈ જવાનો નાનો ખતરો હોય છે. આ પણ બીજાં પરિબળો પર આધારિત છે જેમ કે ધૂમ્રપાનની ટેવ, વજન અને ઉંમર.
જો ગોળીના બદલે સ્કિન પૅચ અથવા તો જૅલ વાપરવામાં આવે તો ખતરો હજુ ઓછો રહે છે.
લોહીની ગાંઠ થવાનું જોખમ ગર્ભનિરોધક ગોળી અથવા ગર્ભાવસ્થાની સરખામણીમાં ઘણું ઓછું છે.
તેની આડ અસરો શું છે?
આ દવા શરૂ કરવાના ત્રણ મહિનામાં ઘણી આડ અસરો જોઈ શકાય છે. તેમાં આ અસરો જોવા મળી શકે છે :
- બ્રેસ્ટ ટેન્ડરનેસ
- માથાનો દુખાવો
- ઊબકા આવવા
- અપચો થવો
- પેટમાં દુખાવો
- યોનિમાર્ગમાં રક્તસ્ત્રાવ
મૅનોપૉઝ સમયે વજન વધવું તે સામાન્ય છે, પરંતુ તેનો કોઈ પુરાવો નથી કે વજન વધવા પાછળ હૉર્મોન થૅરપી જવાબદાર છે.
આ દવા કેમ ન લેવી જોઈએ?
નીચે આપેલા કિસ્સામાં આ દવા યોગ્ય સાબિત ન થઈ શકે :
- જો તમને સ્તન, ગર્ભાશય અથવા અંડાશયનું કૅન્સર હોય
- હાઈ બ્લડ પ્રેશર
- જો તમને લોહીની ગાંઠ થઈ હોય
- જો તમને લીવર સંબંધિત રોગ હોય
- અથવા તમે ગર્ભવતી છો
બીજું હું શું કરી શકું?
નિયમિત કસરતથી તમને સારી ઊંઘ મળી શકે છે અને તેનાથી હૉટ ફ્લેશ ઓછા થાય છે અને તમારો મૂડ પણ સારો થાય છે.
સ્વાસ્થ્યપૂર્ણ ખોરાક લેવો, કૉફી, આલ્કોહૉલ, તીખા ભોજનનું પ્રમાણ ઓછું કરવું અને ધૂમ્રપાન બંધ કરી દેવાથી હૉટ ફ્લેશમાં મદદ મળે છે.
વજન વહન કરવાની કસરતો, હાઇકિંગ, ઝડપી વૉકિંગ અથવા ટેનિસ પણ હાડકાંને મજબૂત રાખવામાં મદદ કરે છે.
બીજી દવાઓ જેવી કે ટિબોલોન, જે ઍસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનનું કામ કરે છે અથવા તો બીજી ઍન્ટીડિપ્રેસન્ટ્સ પણ મદદ કરી શકે છે. પરંતુ તેની પણ આડઅસરો હોઈ શકે છે.
તમે કદાચ બાયોઆઇડેન્ટિકલ હૉર્મોન વિશે સાંભળ્યું હશે. યુકેની નેશનલ હેલ્થ સર્વિસ તેમને લેવાની સલાહ આપતી નથી કેમ કે તે નિયંત્રિત નથી અને તે કેટલી સુરક્ષિત છે તેના વિશે સ્પષ્ટતા નથી.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો